પુરાણોમાંની આઘાતજનક વાતો : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક : ચૈત્ર વદ બીજ, વિક્રમ સંવત:૨૦૭૭. ૨૯ એપ્રિલ, ૨૦૨૧)

બપોરની ચા પછી સ્વામી સચ્ચિદાનંદજીને પહેલો પ્રશ્ન કરતાં મેં કહ્યું, ‘બાપજી, સવારની વાતના અનુસંધાનમાં મને એક પ્રશ્ન એવો થાય કે સ્વામી દયાનંદ સરસ્વતીએ જે રીતે પુરાણોનો નકાર કર્યો એમ જો આજના જમાનામાં આપણે પુરાણોનો નકાર કરીએ તો એની અસર શું પડે સમાજ પર? અને એવું કરવાથી આપણા ધર્મને, હિન્દુત્વને કંઈ નુકસાન થાય?’

સ્વામી સચ્ચિદાનંદે કહ્યું, ‘મારી દૃષ્ટિએ હિંદુ ધર્મના બે રૂપ થયાં. એક વૈદિક ધર્મ અને બીજો પૌરાણિક ધર્મ. વૈદિક ધર્મ લગભગ અસ્ત થઈ ગયો છે એમ કહીએ તો પણ ચાલે. અત્યારે જે પ્રસિદ્ધ છે અને પ્રચલિત છે તે પૌરાણિક ધર્મ છે. પૌરાણિક ધર્મની એટલી મોટી પક્કડ છે કે આ બાબતમાં કશું પરિવર્તન કરવું અત્યંત કઠિન કામ છે. ઘણા લોકોએ પ્રયત્નો કર્યા પણ એ બહુ સફળ ના રહ્યાં. સંત માર્ગે લોકોને નિરંજન-નિરાકાર તરફ લોકોને દોર્યા પણ એ બહુ સફળ ના રહ્યા. આર્ય સમાજ પણ બહુ સફળ ના રહ્યો. એ થોડાક ક્ષેત્રમાં સીમિત થઈ ગયો. હમણાં જ મારે ત્યાં હરિયાણાથી એક સજ્જન આવ્યા હતા એમણે કહ્યું કે જે પંજાબ-હરિયાણામાં આર્ય સમાજનો મોટો પ્રભાવ હતો ત્યાં રામરહીમ પેદા થયા. એ કેવી રીતે બન્યું? લોકોએ કેવી રીતે એમનો સ્વીકાર કર્યો? કેમ એમનો વિરોધ ન કર્યો? એટલું જ નહીં જેટલા તાર્કિક પંથો થયા, બ્રહ્મો સમાજ કે પ્રાર્થના સમાજ કે આર્ય સમાજ તે બધા જ થોડોક વખત માટે આંદોલનરૂપ રહ્યા, પચ્ચીસ-પચાસ-સો વર્ષ સુધી, અને પછી લુપ્ત થઈ ગયા. ધાર્મિક ક્ષેત્રમાં તાર્કિક ક્ષેત્ર બહુ ચાલતું નથી, ભાવનાનું અને શ્રદ્ધાનું ક્ષેત્ર જ બહુ ચાલતું હોય છે. અને એ શ્રદ્ધાને તમે અંધશ્રદ્ધા સુધી પહોંચાડી દો તો તો ભયો ભયો થઈ જાય. જેમ કે આજ કાલના અનેક સંપ્રદાયો અને પંથો. જે ગુજરાતમાં દયાનંદ સરસ્વતી થયા એ જ ગુજરાતમાં બીજા એવા કેટલાય થયા જેમનું અહીં જામી ગયું પણ દયાનંદ સરસ્વતીનું ના જામ્યું! કારણ કે બીજા લોકોના અનુયાયીઓએ શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો મારો ચલાવ્યો. ચમત્કારો પર ચમત્કારો! એ લોકો પાસે આવનારો જે વર્ગ છે એ તાર્કિક નથી, ભાવુક છે અને ભાવુક લોકોને આવું બધું જોઈએ. તાર્કિક લોકો મોટા ભાગે નિષ્ક્રિય હોય છે. વાતો કરે પણ નક્કર કંઈ ના કરે. એટલે એકદમ તાર્કિક ધર્મોને કે સંપ્રદાયોને ચલાવવા બહુ કઠિન છે અને એમાંથી આખી વ્યક્તિપૂજા ઊભી થઈ. ફલાણા ભગવાન અને અમુકતમુક બાબા. ટોળેટોળાં આવે. એ બધા ભાઈ-બહેનોની પ્રશ્નોત્તરી સાંભળો તો તાવ ચઢી જાય એવી બધી વાતો કરે! ગળે જ ના ઊતરે, પણ એ લોકોનો એક આખો વર્ગ તૈયાર થઈ ગયો!’

મેં ફરી એક વાર મારી જિજ્ઞાસા જુદા શબ્દોમાં બાપજી સમક્ષ રજૂ કરી, ‘જે કૃષ્ણને આપણે ભજતા હોઈએ એમની આસપાસ બધી ગોપીઓ હોય અને એ રાસલીલા કરતા હોય, આપણે એમને પ્રેમનું નામ આપ્યું પણ ગર્ભિત અર્થમાં તો એ બધું સેક્સથી લપેટાયેલું હોય… ધારો કે હું એમ કહું કે નરેન્દ્ર મોદી કે સ્વામી સચ્ચિદાનંદ કે સ્વામી રામદેવ એમની ડઝનબંધ સુંદર-સેક્સી સેક્રેટરીઓથી ઘેરાયેલા હોય છે તો એ વાત કોઈ સ્વીકારી જ નહીં શકે અને જો સ્વીકારશે તો કહેશે કે આ મોદી ખોટા છે, આ બાપજી ખોટા છે,આ રામદેવ ખોટા છે. આવી લીલાઓ આપણે ક્યારેય કોઈ મહાપુરુષની સ્વીકારી નથી, પણ કૃષ્ણ માટે આવી વાતો કરવી અને પ્રતાપી કૃષ્ણને ઢાંકી દેવા અને પોતાની અંગત વાસનાઓને કૃષ્ણના બહાને પ્રગટ કરવી કે સંતાોષવી, અલમોસ્ટ સોફ્ટ પૉર્ન જેવી ભાષામાં એને વ્યક્ત કરવી… તો આ બધું સમાજ માટે હાનિકારક નહીં?’

સ્વામીજી: ‘તમારી વાત સાચી છે. બહુ મોટી હાનિકારક છે એ બધી વાતો. હાનિકારક હોવા છતાં ધાર્મિક ક્ષેત્રમાં એને તમે ધર્મનું રૂપ આપી દો એટલે બધું જ ચાલી જાય છે! આપણે ત્યાં મોટું અનિષ્ટ ગુરુપ્રથા છે. મેં એનો વિરોધ કર્યો કે આ ગુરુપ્રથા બંધ થવી જોઈએ. એટલે અમે ગુરુપૂનમ ઉજવતા નથી. ગુરુપૂનમમાં તો લાભ જ લાભ થાય, જે આવે એ પૈસા મૂકે. જેના પાછળ જેટલા વધારે શિષ્યો એનો એટલો પ્રભાવ વધારે એવું વાતાવરણ આપણે ત્યાં છે. રાજનેતાઓ પણ જુએ કે આની પાછળ કેટલું ટોળું છે. રામરહીમની પાસે પણ રાજનેતાઓ આવતા હતા. આશારામ પાસે પણ રાજનેતાઓ આવતા. આ તો આશારામ પર કેસ થયો પણ જેના પર કેસ ના થયો એ બધા બચી ગયા. આ આખી ગુરુપ્રથા જ ખોટી પ્રથા છે. આપણે ત્યાં પ્રાચીનકાળમાં આચાર્યપ્રથા છે. જે તમને ભણાવે તે આચાર્ય કહેવાય. આચાર્ય દેવો ભવ. ગુરુદેવો ભવ નથી લખ્યું, પણ હવે તો જે હોય તે બધા જ ગુરુભક્તિમાં મંડી પડ્યા છે. ગુરુભક્તિમાં બધું જ ચાલે. અમુક સંપ્રદાયોમાં બે પ્રકારની દીક્ષા અપાય છે. એક શબ્દ દીક્ષા અને એક બૂંદ દીક્ષા! તમારા કાનમાં જે ફૂંકે એ શબ્દ દીક્ષા અને તમારે બિલકુલ અદ્વૈત થઈ જવું હોય તો બૂંદ દીક્ષા આપે! અને એ ચાલે છે. ઘણા સંપ્રદાયો એનો લાભ કે ગેરલાભ લે છે જ. અબ્રાહમ લિન્કને એક વાત બહુ સરસ કહેલી: ‘તમે બધાં અનિષ્ટોને દૂર કરી શકો પણ ધાર્મિક ક્ષેત્રનાં અનિષ્ટોને દૂર કરવાં બહુ કઠિન છે.’ ધાર્મિક ક્ષેત્રનું અનિષ્ટ શ્રદ્ધામાંથી આવતું હોય છે. લોકો શ્રદ્ધા છોડી નથી શકતા, ભલેને એ અંધશ્રદ્ધા હોય. એટલે આ કાળ બહુ કઠિન છે.’

“બાપજી, વચ્ચેનો જે કાળ ગયો-શ્રમણ કાળ-તે બહુ કપરો હતો અને એને ખાળવા માટે આ પુરાણો રચાયાં એ વાત સાચી?

“મારી દૃષ્ટિએ બુદ્ધ મહાન છે, પણ મહાન નિષ્ફળ છે. નિષ્ફળ એ અર્થમાં કે જે લક્ષ્ય લઈને એ નીકળ્યા એમાં એકે લક્ષ્ય પૂરું ન થયું. જે એમની સાથે જોડાયા એ બધા નિષ્ફળ રહ્યા. દાખલા તરીકે એ એમ વિચારીને નીકળ્યા કે મારે બીમાર નથી થવું, મારે વૃદ્ધ નથી થવું, મારે મરવું નથી, પણ એ બીમારેય થયા, વૃદ્ધ પણ થયા અને મરવુંય પડ્યું. ક્યાં સફળતા મળી? એમની સાથે જે જે જોડાયા એ બધાય રિબાઈ-રિબાઈને મર્યા, દુખી થઈ થઈને મર્યા. અને એમણે એક મોટી ઉપાધિ એ કરી કે જે કોઈ આવ્યું એને દીક્ષા આપી દીધી. એની પત્નીનું શું થશે, એનાં બાળબચ્ચાનું શું થશે? એ વિચાર જ નહીં. દસ-દસ હજાર, વીસ-વીસ હજારનાં ટોળાંઓ લઈને ફરે. એમાં પછી કેટલાય ઉત્પાતો થાય. થવાના જ, સ્વાભાવિક છે. મારે ત્યાં દસ માણસો હોય તો દસ માણસોય સખણા નથી રહેતા. જેની સાથે દસ હજાર હોય એની તો વાત જ શું કરવી? પણ આ બધું દબાવી દેવામાં આવતું હોય છે.અત્યારના સંપ્રદાયો-પંથોમાં પણ જે કંઈ ચાલતું હોય છે તે પણ દબાવી દેવામાં આવતું હોય છે. ક્યારેક વળી મીડિયા ચગાવે ત્યારે બહાર પડે બાકી પહેલાં તો મીડિયાય નહોતું. એટલે બધું દબાઈ જાય અને હતું એવું ને એવું ચાલતું રહે.’

‘બાપજી, આપણા દેશમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર થયો ત્યારે એ લોકો દ્વારા સ્થાનિક હિંદુ પ્રજા પર અત્યાચાર થયો હતો?’

“જ્યારે જ્યારે ધર્મનો પ્રચાર થાય છે ત્યારે અત્યાચાર થતા જ હોય છે. ક્રિશ્ર્ચિયાનિટીનો પ્રચાર થયો ત્યારે અત્યાચાર થયો. ઈસ્લામનો પ્રચાર થયો ત્યારે પણ અત્યાચાર થયો. મોટે પાયે જ્યારે એક ધર્મની જગ્યાએ બીજો ધર્મ આવે ત્યારે મોટો અત્યાચાર થતો જ હોય છે, દેખીતી વાત છે. પણ એટલું આપણે કહેવું જોઈએ કે ભારતની અસ્મિતાને અડધી દુનિયામાં ફેલાવવાનું શ્રેય જો કોઈને આપવું હોય તો તે બૌદ્ધ ભિક્ષુઓને આપવું જોઈએ. આ એક મહાન કાર્ય એમણે કર્યું. ભારતમાંથી હિમાચલ પ્રદેશ, તિબેટ, ચીન, મંગોલિયા, જપાન, કંબોડિયા, ઈન્ડોનેશિયા, પૂર્વ એશિયામાં બધે જ અને આ બાજુ ઠેઠ ટર્કી સુધી. પણ ઈસ્લામની આંધી આગળ એ લોકો ટકી ન શક્યા. એનું એક મુખ્ય કારણ તમને બતાવું. ઈસ્લામમાં બ્રહ્મચર્ય છે જ નહીં. લગ્ન કરવાનાં જ. જેટલાં ધારો એટલાં કરવાનાં અને મરતાં સુધી જેહાદ કરવાની અર્થાત્ ઈસ્લામના વિસ્તાર માટે પ્રવૃત્તિ કરવાની. આપણે ત્યાં તો રાજા-મહારાજાઓને પણ કહેવામાં આવતું કે દીક્ષા લઈ લો, દીક્ષા લઈ લો. જે રાજા-મહારાજા દીક્ષા લે એ બધાને આપણે મહાન બનાવી દઈએ! એમને ત્યાં ઔરંગઝેબ નેવું વરસનો હતો તોય રાજ કરતો હતો, એણે દીક્ષા નહોતી લીધી. ઈસ્લામના ફેલાવામાં આ બહુ મોટું જમાપાસું છે. એક તો તમને સેક્સની છૂટ છે. તમે ગમે તેટલી ઉંમરના હો, તમે લગ્ન કરી શકો. એમાં તો ત્યાં સુધી કહેવાય કે તમે જો કુંવારા અલ્લાહના દરબારમાં જશો તો અલ્લાહ તમારાથી મોઢું ફેરવી લેશે. એટલે આ લોકો હજ કરવા જાય તો ત્યાં બીવી સાથે રાખવી પડે. અહીંથી ના લઈ ગયા હો તો ત્યાં ભાડે મળે. થોડા દિવસ માટે નિકાહ કરી લેવાના પછી તલાક, તલાક, તલાક કરીને છૂટા. માણસને બે વસ્તુ જોઈએ સેક્સ અને મની. આ બે વસ્તુઓનો નીવેડો લાવો તો તમારા જીવનના ઘણા પ્રશ્નો સોલ્વ થઈ જાય. આપણે ત્યાં સેક્સને પાપ માન્યું. એ પ્રશ્નને સોલ્વ કરવાને બદલે એનાથી દૂર ભાગ્યા અને લોકોને દૂર ભગાડ્યા છે. સાધુઓ સેક્સથી ભાગ્યા. પછી સાધ્વીઓને ભગાડી. પછી બેઉ ભેગાં થયાં એટલે સ્ત્રીપુરુષ વચ્ચે જે થવાનું હતું એ થવા માંડ્યું. પ્રકૃતિ કોઈને છોડતી નથી, કુદરત કોઈને છોડતી નથી. તમે ગમે એટલા કડક નિયમો કરો પણ કુદરત કોઈને છોડતી નથી. એ દૃષ્ટિએ આ મુસ્લિમો પ્રકૃતિથી નજીક છે, આપણે પ્રકૃતિથી દૂર ભાગ્યા છીએ. અને એમાં આપણે અકુદરતી જીવનને મહત્ત્વ આપ્યું.’

“બાપજી, અલગ-અલગ પુરાણોમાં સ્વીકાર્ય હોય એવી વાતો કઈ કઈ છે?

“પુરાણોમાં જો પ્રેરણાદાયી વાતો હોય તો તે સાંસારિક વાર્તા છે. પતિપત્નીની, મિત્રોની વગેરે. પણ પુરાણોની થિયરી નવી પેઢીને ગળે ઉતારવાની મુશ્કેલ છે. ખાસ કરીને ઇંગ્લેન્ડ-અમેરિકામાં આપણી જે નવી પેઢી રહે છે એમના ગળે તમે એ બધી વાતો ઉતારી જ ના શકો. એટલે ધર્મવિમુખ થઈ રહ્યા છે. આ પુરાણોમાં કેટકેટલી જગ્યાએ એવી વાતો છે જે જાણીએ તો આઘાત લાગે. દાખલા તરીકે તુલસી વિવાહની વાત. રાક્ષસ મરતો નહોતો. કોઈએ કહ્યું કે જો મારવો હોય તો એની પત્નીનું શીલભંગ કરો તો એ મરે. પત્નીનું નામ વૃંદા. અને વૃંદા એટલે તુલસી. પછી ભગવાને એ કામ કર્યું, પછી રાક્ષસ મર્યો. હવે આ વળી કયું આદર્શ કામ કહેવાય? અને આપણે વળી તુલસી-વિવાહ ઉજવીએ. દીકરીના લગ્ન પ્રસંગે ના થયો હોય એટલો ખર્ચો કરીએ! આ બધું નવી પેઢીના મગજમાં, બૌદ્ધિક લોકોના મગજમાં ઊતરવાનું નથી. ધર્મગુરુઓ પુરોહિત થઈ ગયા છે. એ લોકો માને કે લોકોના મગજમાં ઊતરે કે ના ઊતરે આપણી તો આવક થાય છે ને! એટલે ભાગવતની સપ્તાહ બેસાડી હોય ત્યારે સાતેસાત દિવસ કોઈને કોઈ પ્રસંગ ઉજવાય. આખો કમર્શયલ ધર્મ બનાવી દીધો છે.’

સ્વામી સચ્ચિદાનંદજી સાથેના વાર્તાલાપની પરાકાષ્ઠા આવી રહી છે. આ સમગ્ર વાતચીતના તારણરૂપે, નીચોડરૂપે હજુ થોડી વાતો લખવાની
છે. વધુ કાલે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

13 COMMENTS

  1. સનાતન વૈદિક ધર્મ ની પ્રશંસા સાથે જે ખોટી વાર્તાઓ ઘૂસી ગઈ છે જેવી કે તુલસી વિવાહ તેનો વિરોધ કરવો તેમાં ખોટું શું છે ?
    ગંગા પવિત્ર છે પણ તેમાં સ્થળે સ્થળે ભળતી અશુદ્ધિઓ નો પણ વિરોધ ન કરવો?
    દુકાન ની જેમ ચલાવ્યો છે ધર્મ આ પાખંડીઓ એ. સચ્ચિદનંદજી મનમાં મેલ સાથે નથી બોલતા. તેમના ઈરાદાઓ પ્રત્યે શંકા કોઈ રાખી ના શકે તેટલું પ્રામાણિક અને પ્રબળ વ્યક્તિત્વ છે. સાવ સાચી વાત કરી કે પાખંડીઓ ચમત્કાર અને અંધશ્રદ્ધા ના બલે દયાનંદ સરસ્વતી જેવા યુગ પ્રવર્તક ને હાંસિયામાં ધકેલી શકે.
    સનાતન ધર્મને નબળો પાડનાર ” ક્ષમા વીરસ્ય ભૂષણમ્ ” જેવા સૂત્રો છે અને સમજ્યા વગર દરેક ને ક્ષમા ન હોય તેવું પૃથ્વીરાજ ચૌહાણ સમજ્યા હોત તો ભારતનો ઇતિહાસ જ અલગ હોત.

  2. સૌરભ શાહ તેમના લેખના અંતે વાચકોને અભિપ્રાય જણાવવા આગ્રહ કરે પણ મને લાગે છે કે વાસ્તવમાં તેમને વાચકના અભિપ્રાયની અપેક્ષા નથી હોતી, અપેક્ષા હોય છે માત્ર પોતાના વખાણ – સ્તુતિની.

    તેમણે માંડેલા મુદ્દા વિરુદ્ધની દલીલ કોઈ વાચક કરે તો તેને તરત ઉતારી પાડવો, તેનું અપમાન કરવું આ સૌરભ શાહની સ્ટાઈલ છે.

    તર્કની સામે તર્ક, દલીલની સામે દલીલ સૌજન્યતા પૂર્વક પણ થઈ શકે. કમેન્ટ લખનારનું અપમાન કર્યા વિના પણ ચર્ચા થઈ શકે, પણ તે કદાચ સૌરભ શાહને ફાવતું નથી કાં તે તેમના સ્વભાવમાં નથી.

    કહે છે કે જ્ઞાન હોય ત્યાં નમ્રતા હોય પણ અહીં તે વિધાન ખોટું પડતું હોય તેમ લાગે છે. શક્ય છે કે કદાચ આ विद्वान कुलीनो न करोति गर्वं गुणैर्विहीना बहु जल्पयन्ति વાળો કેસ હોય.

    ખેર, to each his own…

    • એવું ક્યાં લાગ્યું તમને, ભાઈ!
      અધ્ધર વાત કરીને બળાપો કાઢવાને બદલે તર્કથી વાત કરીએ.

  3. લેખ બહું સરસ. સ્વામીજીને અમારા ખૂબ ખૂબ વંદન.

  4. અકબરે આપણા સાહિત્ય ને ભરષટ કરવા પંડિતોની ફોજ ઉચા પગારથી કામે લગાડી. એ વખતે પણ સપા બસપા કોગ્રેસી જેવા ધણા આપણા ભાઈઓ હતા. આ વાત ન તૉ આપ કરો છો ન કોઇ સ્વામી કરે છે.

  5. Snehi Shri Saurabh Bhai

    INTERVIEW APVO EK KALA CHHE

    EM INTERVIEW LEVO E PUN KALA CHHE

    TAME KHUB SUNDER RITE SWAMIJI PASETHI UNDAN THI GYAN NO NICHOD KADAVYO

    ABHAR

    BAHU J MAZA AVE CHE

    TAMARA DAREK LEKH MA VIVIDHTA HOY CHHE

    KASHYAP MEHTA

  6. ખુબ સરસ મુંબઇ સમાચાર ની કાેલમ થી તમારાે ચાહક રહયાે છુ

  7. પુરાણોને તમે કઈ દૃષ્ટિએ જુઓ છો તે મહત્ત્વનું છે. વૈદિક ધર્મને જો કોઈએ સૌથી મજબૂત રીતે ટકાવ્યો હોય તો તે કાર્ય પુરાણોએ કર્યું છે. બાકી દોષો શોધશો તો તો વેદોમાંથી પણ મળશે. ઇસ્લામને માત્ર સેક્સના આધારે પ્રકૃતિથી નજીક કહેવો એ તો સેક્સી માનસિકતાની નિશાની છે. પ્રકૃતિ શું માત્ર સેક્સ જ છે? આ બધું પોતાને ગમતી અને પોસાતી વાતોને પ્રજા પર ઠોકી બેસાડવાની વૃત્તિ છે, બીજું કંઈ નહીં. હું આ લેખને બિલકુલ પસંદ કરતો નથી

    • તમારી મરજી, ભાઈ. સ્વામી સચ્ચિદાનંદ કરતાં વધારે સઘન અભ્યાસ તમારો હશે. કેટલા અને કયા કયા વેદ તમે વાંચ્યા. કેટલા અને કયા કયા પુરાણો વાંચ્યા.ઇસ્લામ અને અન્ય ધર્મોનો અભ્યાસ કેટલો.
      આ બધું જણાવશો તો ખબર પડે કે આપના ચરણસ્પર્શ કરવા ક્યાં આવીએ.

      • ચરણસ્પર્શ તો સ્વામીજીના હોય. હું તો સંસ્કૃત વિષયનો એક સામાન્ય અધ્યાપક છું. મેં પુરાણ પર પીએચડી કર્યું છે એટલે કહી શકું કે અહીં પ્રશ્ન માત્ર માખી અને મધમાખીનો જ છે. શું ગ્રહણ કરવું અને તમારા વાચકોને કરાવવું એ તો તમારા જેવા લેખકો અને તમારા આદર્શ સ્વામીજીની મરજીની વાત છે.

    • પુરાણોએ વૈદિકધર્મને ટકાવ્યો નથી તેને વિકૃત કર્યો છે. વૈદિકધર્મ શું છે એનો અભ્યાસ કરેલ છે? ચારવેદ પૈકી એક વેદ પણ પૂર્ણ વાંચ્યા છે? વેદોમાંથિ ભૂલ શોધવા માટે પહેલા વેદનું જ્ઞાન તો મેળવો.

      વેદોમાં મૂર્તિપૂજા ન હતી, પુરાણીઓએ પથરાની પૂજા ચાલુ કરી. વેદો વર્ણવ્યવસ્થાનું સમર્થન કરતાં, પુરાણો જાતિ વ્યવસ્થા લાવ્યાં. વેદો જ્ઞાનની ઉપસના કરે છે અને પુરાણો પાખંડની.

      વર્તમાન હિંદુ સમાજના બધા જ દોષોનું મૂળ પુરાણ છે.

  8. બહુ સરસ. જબરદસ્ત. નવા વિચારો કરવા વિવશ કારી નાખે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here