તમે આદરણીય છો કે તમારો વ્યવસાય : સૌરભ શાહ

(લાઉડ માઉથઃ ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ, બુધવાર, ૧૭ માર્ચ ૨૦૨૧)

જો હું ખેડૂત હોઉં અને, ખેડૂત જગતનો તાત છે એવું માનીને, આ દુનિયા મારા બાપની છે કે હું આ દુનિયાનો બાપ છું એવું વર્તન કરતો થઈ જઉં તો?

આ દુનિયા માટે વ્યક્તિનું નહીં, વ્યક્તિના સમૂહનું – એક વર્ગનું મહત્ત્વ છે. આ દુનિયા માટે ખેડૂતોનું મહત્ત્વ છે. કોઈ એક ખેડૂતનું નહીં. જરા વિગતે સમજીએ.

લોકશાહીના ચાર સ્તંભોમાં મીડિયા ચોથો સ્તંભ ગણાયો છે. હવે કોઈ પત્રકાર એમ માની બેસે કે હું જ એ ચોથો સ્તંભ છું અને મારે કારણે આ દેશની લોકશાહી ટકી રહેલી છે તો એ ભ્રમમાં છે. એના વિના લોકશાહી જ નહીં, મીડિયા જ નહીં, એનું કુટુંબ પણ ટકી રહેવાનું છે. પણ મીડિયા જો નહીં હોય તો લોકશાહી જરૂર જોખમમાં આવી જશે.

માતાનું મહત્ત્વ આપણે સૌએ સ્વીકાર્યું છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ વગેરે ગાવાની મજા આવે. પણ કોઈ એક માતાએ ત્યાગમૂર્તિ બનીને પોતે ભીનામાં સૂઈને સંતાનને કોરામાં સુવડાવ્યું હોય તો એને કારણે જગત આખાની તમામ માતાઓ ત્યાગમૂર્તિ બની જતી નથી. જેમ કોઈ માતા લૂઝ કૅરેક્ટરની હોય અને પોતાની ભૂખ સંતોષવા છિનાળાં કરતી હોય તેને કારણે જગત આખાની તમામ માતાઓ કંઈ ચારિત્ર્યહીન બની જતી નથી.

શિક્ષકો પૂજનીય છે કારણ કે પોતાના વિદ્યાર્થીઓને એ નવું નવું શીખવાડે છે, પણ કોઈ એવી વ્યક્તિ હોય જે શાળામાં ભણાવતી હોય કે કૉલેજમાં અધ્યાપન કાર્ય કરતી હોય અને પરીક્ષા વખતે પેપર વેચીને કે રિઝલ્ટ વખતે ખોટા માર્ક્સ ઉમેરીને પૈસા બનાવતી હોય તો એ વ્યક્તિ શિક્ષક ગણાતી હોવા છતાં હરામખોર છે, બદમાશ છે, ગુનેગાર છે.

વ્યક્તિ કોઈ પર્ટિક્યુલર પ્રોફેશનમાં છે એને કારણે જ આદરણીય થઈ જતી નથી. ડૉક્ટરીનો વ્યવસાય ઉમદા છે. અગણિત લોકોના સ્વાસ્થ્યની સંભાળ ડૉક્ટરો રાખતા હોય છે, પણ એને કારણે બધા જ ડૉક્ટરો આદરણીય બની જતા નથી. બાળકો પ્રભુએ આપેલી ભેટ છે. પણ કેટલાય બાળકોનું વર્તન તેઓ શેતાનની ઔલાદ હોય એવું હોય છે. સિનિયર સિટિઝનોની દેખભાળ કરવાની જવાબદારી સમાજની – સરકારની છે. પણ જે સિનિયર સિટિઝન માથાભારે સ્વભાવના હોય અને અણછાજતી ડિમાન્ડસ કર્યા કરતા હોય તેઓ સ્હેજ પણ આદરપાત્ર નથી હોતા.

એ જ રીતે તમે કોઈ પર્ટિક્યુલર પ્રોફેશનમાં હો એને કારણે તમે એ પ્રોફેશન સાથે જોડાયેલી માન્યતા જેવા નથી થઈ જતા. તમે ફિલ્મ લાઈનમાં હો તે છતાં તમારું ચારિત્ર્ય શુદ્ધ હોઈ શકે છે. તમે રાજકારણમાં હો છતાં તમે પ્રામાણિક અને વચનબદ્ધતામાં માનનારા હોઈ શકો છો. તમે સરકારી કર્મચારી હોવા છતાં એફિશ્યન્ટ, કામગરા અને જવાબદારી લેનારા હોઈ શકો છો.

પણ આપણને શોર્ટકટ જોઈતો હોય છે. લેબલિંગ કરવાનું ગમતું હોય છે. ઝાઝું વિચાર્યા-કર્યા વિના ઓપિનિયનોની ફેંકાફેંક કરવાનું ગમતું હોય છે. જનરલાઈઝેશન કરવાથી આપણે નોલેજેબલ લાગીશું એવું આપણે માની લીધું હોય છે. સમાજના અમુક વર્ગ માટે અને અમુક કામ કરનારા લોકો માટે એક પર્ટિક્યુલર મત બાંધી લઈને કૂપમંડુક બની જઈ આજીવન એ મતને આપણે પંપાળતા રહીએ છીએ.

વ્યક્તિને વ્યક્તિ તરીકે જોવાનું આપણને ફાવતું નથી. હું તો ત્યાં સુધી કહીશ કે વ્યક્તિના પોતાના તમારી સાથેના વિચારોમાં કે તમારી સાથેના વર્તનમાં પણ ભરતીઓટ આવી શકતી હોય છે અને દરેક સમજુ માણસે આ ભરતીઓટને સમજવી-સ્વીકારવી જોઈએ. ગઈ કાલે એણે મારી સાથે આવું વર્તન કર્યું હતું, પણ આજે એણે તદ્દન જુદું વર્તન કર્યું તો એવું શું કામ એણે કર્યું, આ પરિવર્તન માટે તમે પણ જવાબદાર ખરા કે નહીં, એ સમજવાની તમારે કોશિશ કરવાની હોય. તમારી સાથે અમુક રીતે વર્તનારી વ્યક્તિ બીજા કોઈ સામે સાવ જુદી જ રીતે વર્તે એવું પણ બને. આમાં પણ તમે કેટલા જવાબદાર છો તે સમજવાનું હોય.

પણ આપણે ઝાઝું-લાંબું વિચારવા નથી માગતા. ક્યારેક આળસને કારણે તો ક્યારેક એટલું વિચારવાની ક્ષમતા જ નથી હોતી આપણામાં.

ભવિષ્યમાં કોઈ તમારા વ્યવસાય વિશે જાણીને તમને માન આપે તો સમજવાનું કે એ કંઈ વ્યક્તિગત આદર નથી, તમે જે ક્ષેત્રમાં છો તે ક્ષેત્ર માટેનો અહોભાવ છે. કોઈ ભારતીય સૈન્યમાં છે એવી સામેવાળાને ખબર પડે અને એ એને સલામ ભરે તો સમજવાનું કે એ સલામ યુનિફોર્મને છે વ્યક્તિને નહીં. અને એની સામે, તમે મંડળીમાં બેઠા હો અને કોઈ મીડિયા માટે અપશબ્દો વાપરીને પોતાનો અભિપ્રાય પ્રગટ કરતું હોય તો એનો મતલબ એ નથી કે એ તમને ટાર્ગેટ બનાવે છે, એ તો અણગમો મીડિયાનાં દુષ્કર્મો માટે હોય છે, તમારા માટે નહીં.

તો હવે પછી ખેડૂતો વિશે, ડૉક્ટરો વિશે, શિક્ષકો વિશે કે બીજા અનેક પ્રોફેશન્સમાંના કોઈ પણ વ્યવસાય વિશે જ્યારે ટીકાટિપ્પણ થતી હોય ત્યારે એ કમેન્ટ્સની પાઘડી એવા જ લોકોએ પહેરી લેવાની જેમને એ બંધબેસતી હોય, સૌ કોઈએ મારીમચડીને એને પોતાની સાઈઝમાં ફિટ કરી લેવાની જરૂર નથી.

સાયલન્સ પ્લીઝ!

જિંદગી જીવવા જેવી લાગતી નથી? તો જીવવા જેવી બનાવવાનાં પ્રયત્નો શરૂ કરો. આજે નહીં તો કાલે જરૂર બની જશે.

— અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here