નિષ્ફળતાનો ડર તમને સફળતાથી દૂર લઇ જાય છે : સૌરભ શાહ

( તડકભડક : ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, ૧૬ એપ્રિલ ૨૦૨૩)

વિશ્વાસ અને હિંમત એકબીજામાંથી સર્જાય છે. પહેલાં ઇંડું કે મરઘી જેવી વાત નથી અહીં. બહુ સ્પષ્ટ છે કે પ્રથમ વિશ્વાસ આવે છે, ત્યારબાદ હિંમત અને એ પછી તેઓ નિરંતર એકબીજાનું સર્જન કરતાં રહે છે.

સામે પાર કોઇક ઊભું છે અને જોખમી રસ્તો ઓળંગીને તમારે એની પાસે જવું છે. તમામ સાવચેતીઓ લીધા પછી પણ અકસ્માત થઇ શકે એવી પરિસ્થિતિ છે. ક્યારેક તો તમારે હિંમત બતાવવી જ પડવાની. કશુંક બનશે તો સંભાળ લેવાવાળી કોઇ વ્યક્તિ છે એવો વિશ્વાસ રાખીને બે છેડા વચ્ચે વહેતા નદીના પાણીના પ્રવાહને કે પછી વાહનોના ટ્રાફિકને ઓળંગવાની હિંમત કરવી જ પડશે.

જેમનામાં હિંમત નથી તેઓ હંમેશાં, આમ થશે તો-તેમ થશે તો-ની ભાષામાં વાત કરે છે. જેમનામાં આ મૂલ્યવાન જણસ, છે તેઓ ‘આમ થશે તો’ એની સામે હું આમ કરીશ અને જો નહીં કરી શકું તો થશે ત્યારની વાત ત્યારે’ કહીને માનસિક જોખમરેખા ઓળંગીને ઝંપલાવી દે છે. જ્યારે પણ કશુંક કોઇનેય મળે છે ત્યારે એણે આગળ કદમ મૂકીને ઝંપલાવ્યું હોય છે. વિચારો કરતાં રહીને ત્યાં ને ત્યાં ઊભા રહી જનારાઓ ત્યાં ને ત્યાં જ ઊભા રહે છે.

જોખમ તો બધી બાબતે હોય છે. તમે કંઇ પણ કરો એમાં જોખમ રહેવાનું. બીજા માટે બે સારી વાત કહો તો એમાં જોખમ છે અને ત્રીજા માટે સારી વાત ન કરો તો એમાંય જોખમ છે. કોઇની ટીકા કરો ત્યારે તો જોખમ છે જ, બીજા કોઇની ટીકા ન કરો તોય જોખમ છે. નોકરી કરવાનું સ્વીકારો તો માલિક ગમે તે ઘડીએ કાઢી મૂકી શકે છે એ જોખમ પણ સ્વીકારવું પડે અને ધંધો કરો તો જિંદગીભરની મૂડી ધોવાઇ જાય અને દેવાદાર બની જાઓ એ જોખમ પણ સ્વીકારવું પડે. પ્રેમમાં પડો છો ત્યારે તરછોડાવાનું જોખમ છે અને નથી પડતા ત્યારે જિંદગી શુષ્ક બની જવાનું જોખમ છે.

તમારી સામે નિશ્ચિત પરિણામની કોઇ જડબેસલાક ખાતરી નથી હોતી ત્યારે તમે જે પગલું ભરો છો તે જોખમ છે અને આવું જોખમ લીધા વિના માણસ જીવી શકે નહીં. જીવી જાય તો એની જિંદગી વિશે એક જ વાક્યમાં બયાન આપી શકાય: યે જીના ભી કોઇ જીના હૈ!

જે ક્ષેત્રમાં હજુ સુધી કોઇએ પગ નથી મૂક્યો અથવા તો બહુ ઓછાએ એમાં પ્રવેશવાની હિંમત કરી હોય એવા ક્ષેત્રમાં કદમ માંડવાનું જોખમ લેનારાઓની નિષ્ફળતા પણ આદરથી જોવાય છે. ઘણા લોકોની કમનસીબી એ હોય છે કે એમને જોખમ લેવાની તક પણ નથી મળી હોતી. ચારે બાજુથી સુરક્ષિત કરી રાખેલા જીવનમાં એવી તક ઉદ્‌ભવી શકે પણ નહીં. ઊંચા ખડકની સાંકડી કિનારી પર સમતુલા જાળવીને ચાલવાની કોશિશ કરતો આદમી જેવું જોખમ લઇ શકે એવું સોફાના પોચા પોચા ખોળામાં લપાઇ ગયેલી વ્યક્તિ નહીં લઇ શકે.

નિષ્ફળતાનો ડર માણસને સફળતાથી દૂર લઇ જાય છે. માત્ર ભૌતિક સફળતાની વાત નથી. કોઇ પણ કામની, કોઇ પણ નિર્ણય પછી ઉદ્‌ભવતી પરિસ્થિતિની વાત છે. સફળતા વિશે બહુ બધું વિચારાયું, તમામ પ્રકારની સફળતાઓની પ્રાપ્તિ વિશે ઢગલાબંધ પુસ્તકો છપાયાં ; પણ નિષ્ફળતા વિશે બહુ ઓછું ચિંતન મનન થયું છે. મોટાભાગના માણસો પોતાની જૂની નિષ્ફળતા વિશે વિચારતાં ડરતા હોય છે, એ વિશે કશુંક કહેવાની વાત તો બાજુએ જ રહી. અને કહે છે ત્યારે એને સંઘર્ષના પડીકામાં વીંટાળીને રજૂ કરે છે, પોતાની નિષ્ફળતાઓને તેઓ સોનાના પાણીનો ગિલેટ ચડાવીને રજૂ કરે છે.

કોઇ એક કામમાં સતત નિષ્ફળ જતી વ્યક્તિએ થોડું આત્મપરીક્ષણ કરી લેવું જોઇએ. નસીબનો, વાતાવરણનો, સંજોગોનો કે બીજી વ્યક્તિઓનો દોષ કાઢવાને બદલે દર્પણમાં જોઇ લેવું જોઇએ. ક્યારેય પોતાનો દોષ જોઇ ન શક્તી વ્યક્તિ સતત નિષ્ફળ થતી રહે એવી શક્યતા ઘણી વધારે. ધુમ્મસ હટાવીને સાફ નજરે આયનામાં જોતાં રહેવાની ટેવ પડી હશે તો સંભવિત નિષ્ફળતાઓમાંથી બચવાના અનેક રસ્તાઓ મળી આવશે.

કોઇપણ નિષ્ફળતા પાછળ કોઇ એક જ કારણ નથી હોેતું. એક જ વ્યક્તિ કે એક જ ઘરના કે એક જ વિચારનો વાંક પોતાની નિષ્ફળતા માટે કાઢવો એ બરાબર નથી. આ વ્યક્તિએ મારી સાથે આવું ન કર્યું હોત તો હું આમ કરી શક્યો હોત એવું ધારી લેવાની ઉતાવળ કરનારાઓએ વિચાર્યું નથી હોતું કે એ વ્યક્તિએ તમારી સાથે જે કર્યું તે ન કર્યું હોત તો પણ તમે અત્યારે જેવી પરિસ્થિતિમાં છો એવી પરિસ્થિતિમાં મુકાઇ ગયા હોત. જે તમારી સફળતાઓમાં તમારા પોતાના ઉપરાંત અનેક બાહ્ય કારણો સહાયભૂત થાય છે એમ તમારી નિષ્ફળતાઓમાં પણ બીજાઓ ઉપરાંત તમારો પોતાનો ફાળો પણ રહેવાનો જ. કેટલા ટકા એની ગણતરીની માથાકૂટ જવા દઇએ અને સરળતા ખાતર કહીએ તો, ફિફ્ટી -ફિફ્ટી.

પાન બનારસવાલા

તમે ધારો તો છ જ મહિનામાં તમારી જિંદગીને ક્યાંથી ક્યાં લઈ જઈ શકો છો—ક્યાંથી ક્યાં. ટ્રાય કરી જોજો.

—અજ્ઞાત્

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. સૌરભભાઈ, આજનો લેખ વાચીને ફીરોઝ ખાન નુ ગીત યાદ આવ્યુ
    ” જીવન મે તુ ઙરના નહી , સર નીચા કરના નહી , હિમ્મત વાલે કો મરના નહી ” (ખોટે સીકકે)

  2. Aa lakhvanu pan ek jokham che, lekh koi vachse ke nahi, gamse ke nahi, na pan game, chata lekh lakhvo a Motu jokham che🙂☝

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here