લેખકો અને સાહિત્યકારોની દુનિયા દૂરથી જ જોયેલી સારી. બહુ નજીકથી જોવા જાવ તો મજા ન આવે—પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ (ભાગ નવમો) : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ: મહા વદ બીજ, વિક્રમ સંવત ૨૦૭૮. શુક્રવાર, ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૨)

બબાભાઈ પટેલની આર્થિક સ્થિતિ બહુ સારી ન કહેવાય. આમ છતાં બબાભાઈ કાશીમાં દર મહિને સ્વામી સચ્ચિદાનંદને પાંચ રૂપિયાનો મની ઑર્ડર કરે. 1960ની આસપાસની આ વાત. સ્વામીજી પાછું વાળે તો ફરી કરે. અંતે જીત બબાભાઈની થાય. દંતાલીમાં આશ્રમ કર્યો એ પછી જ્યારે જ્યારે તેઓ આશ્રમ આવે ત્યારે ઘીની બરણી ભરીને લાવે. ઘરની ભેંસનું ચોખ્ખું તાજું ઘી જોઈને સ્વામીજી ન લાવવાનો આગ્રહ કરે પણ માને એ બીજા. ઘણી વાર સ્વામીજી ગુસ્સે થાય તો પણ તે તો તેમનું ધાર્યું જ કરે. સૂઈ ગામના દુષ્કાળ રાહત કેમ્પમાં બબાભાઈ છેક સુધી રહેલા. તે વખતે સ્વામીજી ખાટલો ઢળાય તેટલી છાયામાં બપોરે થોડો આરામ કરે તો બબાભાઈ સંગતરાની ટટ્ટી બાંધીને સ્વામીજીને ઠંડક પહોંચાડવા પોતે તાપમાં ચાલીને પાણી લાવી લાવીને છાંટે. તેમનો એક જ હેતુ કે સ્વામીજીને તકલીફ ન પડવી જોઈએ.

બબાભાઈ દંતાલીના આશ્રમમાં આવે ત્યારે ખૂણેખાંચરેથી કચરો કાઢકાઢ કરે. તગારાં ભરી ભરીને ઉઘાડા માથાં ઉપર ઊંચકીને બહાર નાખ્યા કરે. સ્વામીજી ના પાડે તો પણ માને નહીં. બબાભાઈ હોય ત્યાં સુધી આશ્રમ ચોખ્ખોચણાક રહે. ઘણી વાર પત્ની સાથે મહિનાઓ સુધી આશ્રમમાં રહે. પત્ની મેનાબહેન સરસ રસોઈ બનાવે. પત્નીના ગુજરી ગયા પછી બબાભાઈ આશ્રમમાં આવતા રહે. કદી નવરા ન બેસી રહે. બસ, સેવા સેવા ને સેવા. આવા બબાભાઈ પણ એક દિવસ દેહ છોડીને ચાલતા થયા. સૌને ભારે દુઃખ થયું. આવા કાર્યકર્તા મળવા દુર્લભ કહેવાય.

સ્વામી સચ્ચિદાનંદે આશ્રમ બનાવવાનું નક્કી કર્યું ત્યારે સૌપ્રથમ વૃંદાવનનો વિચાર કર્યો હતો. સિક્સ્ટીઝની વાત. પછી નર્મદા કિનારે ગરુડેશ્વર આગળ આશ્રમ સ્થાપવાની ઇચ્છા હતી. કાન્તિભાઈ ચતુરભાઈ પટેલની ઇચ્છા હતી કે બાપજી દંતાલીમાં જ આશ્રમ કરે. મહાદેવના મંદિર પાસે એમની બે વીઘા જમીન, તે આપી દેવા માગતા હતા. (જોકે, છેવટે આશ્રમ બન્યો ઝવેરભાઈની જમીન પર). કાન્તિભાઈ તે વખતે શિક્ષકની નોકરી કરે. દૂર આંકલાવમાં રહે. રજાઓમાં આવે. બહુ જ વ્યવહારકુશળ. સ્વામીજીની ગેરહાજરીમાં ઘણી વાર તેઓ આશ્રમ સંભાળે. હવે (2004)માં તે નિવૃત્ત જેવા છે. વધુ સમય આશ્રમમાં રહે છે અને સેવા કરે છે. સ્વામીજી સાથે આડત્રીસ વર્ષનો સંબંધ-1966થી. હજી પણ એવો ને એવો ચાલ્યા કરે છે. સ્વામીજી પ્રત્યે અને આશ્રમ પ્રત્યે કાન્તિભાઈને ભારે માન છે.

રવીન્દ્રભાઈ ગાંધી દંતાલીના આશ્રમના જૂના ટ્રસ્ટી અને કાર્યકર્તા. જ્યારે જ્યારે કોઈ ખાસ પ્રકારની સેવા-પ્રવૃત્તિ કરવાની થાય ત્યારે તેમની હાજરી હોય જ. તેમના સાથ સહયોગથી સ્વામીજીના શ્રી ભક્તિનિકેતન આશ્રમનું ટ્રસ્ટ કાંઈક વિશે, કાર્ય કરી શકે છે. રવીન્દ્રભાઈ સમા નિષ્ઠાવાન સહયોગી વિશે લખતાં સ્વામીજી પોતાની અંતરતમ લાગણીઓ વ્યક્ત કરે છેઃ

‘સહયોગીઓ વિનાનું જીવન અનાથ જીવન છે. જીવનની સફળતા અને સુખમાં ઉત્તમ સહયોગીઓનો મહત્ત્વનો ભાગ હોય છે. જો તમને સારા સહયોગીઓ મળ્યા જ નહિ તો તમે ઘણા સુખોથી વંચિત રહી જશો અને મહત્ત્વનાં કાર્યો કરી શકશો નહિ. સહયોગીઓ મળવા ન-મળવામાં વ્યક્તિનું પોતાનુ વ્યક્તિત્વ, સ્વભાવ અને ક્ષમતા મહત્ત્વનો ભાગ ભજવતાં હોય છે. જે વ્યક્તિ અહંકારી, કંજૂસ, લાલચુ, શંકાશીલ અને કૃતઘ્ની હોય છે તેને ઉત્તમ સહયોગીઓ મળતા નથી. કદાચ મળે તો ટકતા નથી. સહયોગીઓ વિનાનું એકાકી જીવન આંતર-બાહ્ય બંને રીતે ખાલીપણું ઊભું કરે છે.’

સ્વામી સચ્ચિદાનંદનાં પુસ્તકો તમે વાંચ્યાં હશે તો ખ્યાલ હશે કે દરેક પુસ્તકની પ્રસ્તાવનાના અંતે તેઓ પ્રો. ચિમનલાલ ત્રિવેદીનો અચૂક આભાર માનતા હોય છે. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજના પ્રોફેસર અને ગુજરાતી સાહિત્ય જગતમાં સુપ્રસિદ્ધ એવા આદરપાત્ર વિદ્વાન પ્રો.ચિમનલાલ ત્રિવેદી સ્વામી સચ્ચિદાનંદના પૂર્વાશ્રમના બનેવી થાય. સ્વામીજીના થોડા જ દૂરના કાકાનાં દીકરી સાથે ચિમનભાઈનાં લગ્ન થયાં. સ્વામીજી ખૂબ ભાવપૂર્વક ચિમનભાઈ વિશે લખે છે અને પ્રકરણના આરંભે જ કહે છેઃ

‘સાધુ-સંતોએ પૂર્વાશ્રમીઓ સાથે સંબંધ ન રાખવો જોઈએ, તેવું અમારી સાધુપરંપરામાં એક મૂલ્ય છે. વૈરાગ્ય સ્થાયી ભાવ નથી. તે ઊભરાની ચઢે અને પછી ઊતરી જાય. વૈરાગ્ય ચઢે ત્યારે વિચારો જુદા હોય અને ઊતરી જાય ત્યારે વિચારો જુદા થઈ જાય. ખાસ કરીને પાછલી જિંદગીમાં વિચારો બદલાઈ જતા હોય છે, કારણ કે વૈરાગ્યનો ઊભરો બેસી ગયો હોય છે. આવા સમયમાં માણસને પૂર્વાશ્રમના માણસો યાદ આવે અને તેમની સાથે સંબંધ વધે, તો કેટલાક અનર્થો થવાની સંભાવના રહે છે.’

પૂર્વાશ્રમના સંબંધીઓ સાથે કોઈ સંપર્ક ન રાખવાનાં અન્ય કારણો વિશે પણ સ્વામીજીએ લખ્યું છે. સ્વામીજીએ ચુસ્તપણે આ નિયમ પાળ્યો છે પણ તેમાં એક અપવાદ છે. સ્વામીજી કહે છેઃ

‘જાણતાં-અજાણતાં અથવા કહો કે ઈશ્વરની પ્રેરણાથી વક્તાની સાથે સાથે હું લેખક પણ થયો. હું કાશી વગેરે સ્થાનોથી વર્ષો પછી ગુજરાત આવેલો એટલે મારી ગુજરાતી ભાષા ઉપર હિન્દીનો પ્રભાવ રહેતો. વળી જોડણીની મુશ્કેલી તો ખરી જ. હ્રસ્વ-દીર્ઘની કશી ખબર ન પડે. એટલે પ્રેસમાં જતાં પહેલાં મારું લખાણ તપાસવું અનિવાર્ય થઈ ગયું… ( ગૃહત્યાગના ૧૮ વર્ષ પછી) પ્રો. ત્રિવેદી મારા સંપર્કમાં આવ્યા. હું લખી લખીને તેમને આપું. તેઓ સુધારા કરીને પ્રેસમાં આપે. ગૂર્જર (પ્રકાશન) વાળા છાપે અને પુસ્તક લોકો સુધી પહોંચે.’

ચિમનભાઈ ત્રિવેદીને ફાધર વાલેસ સાથે પણ જૂની મૈત્રી. ફાધર વાલેસનાં પુસ્તકો પણ ગૂર્જરમાં છપાય. સ્વામીજી લખે છેઃ
‘ફાધરનાં પણ ઘણાં પુસ્તકોનું કામ ત્રિવેદી કરે. ફાધર ઘણી વાર સ્પેન હોય તો પ્રકાશક સાથેનાં આર્થિક કાર્યોમાં પણ પ્રો.ત્રિવેદી સહાય કરે. તેમની પ્રામાણિકતામાં કોઈને જરા પણ શંકા ન રહે. તેમના વહીવટમાં કોઈનો એક પૈસો પણ આઘોપાછો ન થાય તેની ખાતરી આપી શકાય…’

અહીં સહેજ ફંટાઈને પણ મૂળ વિષયના સંદર્ભમાં જ, સ્વામીજીએ એક બહુ સરસ વાત કરી છેઃ

‘લેખકો અને સાહિત્યકારોની પણ અજબ-ગજબની દુનિયા હોય છે. દૂરથી જ જોયેલી સારી. બહુ નજીકથી જોવા જાવ તો મજા ન આવે… આમ તો માણસમાત્રને અમુક અંતરથી જુઓ તો જ તે સુંદર દેખાય, બહુ નજીક જાવ તો તેની બેડોળતા ઊપસી આવે.’

જોકે, અન્ય લેખકો-સાહિત્યકારો કરતાં ચિમનભાઈ જુદી માટીના. સ્વામીજી લખે છેઃ

‘પણ કેટલાક સાહિત્યકારો, કલાકારો, કથાકારો અને મહામાનવો આમાં અપવાદરૂપ પણ હોય છે. તેમને દૂરથી જુઓ અને જેટલાં સુંદર દેખાય તેથી પણ વધુ નજીકથી જોવાથી પણ સુંદર લાગે. ત્રિવેદી આમાંના છે. તેમને ચારે તરફથી જુઓ તો પણ સુંદર જ સુંદર લાગ્યા કરે. મેં કદી પણ તેમના વ્યવહારમાં કે વાણીમાં અહંભાવ કે તોછડાઈ જોયાં નથી. સહજ નમ્રતા, સહજ મધુરતા… આવા પ્રો. ત્રિવેદી મને મળ્યા એનો મને ઘણો લાભ થયો છે. મારાં જે કોઈ પુસ્તકો લખાયાં તથા છપાયાં તેમાં તેમની પ્રેરણા અને પ્રયત્ન પણ રહ્યાં છે.’

પ્રો.ચિમનભાઈ ત્રિવેદીને યાદ કરતાં સ્વામીજી એક કિસ્સો તાજો કરે છેઃ

‘એક દિવસ ‘સંદેશ’માંથી તંત્રીશ્રી ચિમનભાઈ પટેલનો સંદેશો આવ્યો કે શ્રી ઈશ્વર પેટલીકરની ‘લોકસાગરને તીરેતીરે’ કૉલમ ( ૧૯૮૪માં એમના સ્વર્ગવાસ પછી) ખાલી પડી છે. તમે લખો. મેં ના પાડી દીધી. મારું કામ નહિ. પણ એક દિવસ ‘સંદેશ’ના શ્રી ચિમનભાઈ પટેલ અને શ્રી યશવન્ત શુક્લ બંને પ્રો. ત્રિવેદીના ત્યાં જાતે આવ્યા. મને આગ્રહ કરીને લખવા સમજાવ્યો. હું વિચાર કરતો થયો કે જે પેપરમાં પોતાનો લેખ છપાવવા માટે કેટલાય લોકો તલસી રહ્યા હોય છે તે પેપરના માલિક જાતે મને સમજાવવા આવે તો મારે વિચારવું જોઈએ. ત્રિવેદીએ પણ મને પ્રોત્સાહિત કર્યો. ‘તમે જરૂર લખો’ અને મેં લખવાનું શરૂ કર્યું. સ્વ. ઈશ્વર પેટલીકરની આ કૉલમ ફરી પાછી લખાવા માંડી અને ધીરે ધીરે જામવા લાગી. મને લાગે છે કે આ રીતે લેખનપ્રવૃત્તિમાં પ્રો. ત્રિવેદીની પ્રેરણા બહુ જ મહત્ત્વની હતી.’

‘સંદેશ’ની રવિવારની ‘સંસ્કાર’ પૂર્તિના છેલ્લા પાને ડાબેથી ઉપરના ખૂણે લગભગ અઢી દાયકા સુધી નિયમિતપણે પ્રગટ થયેલી બાપજીની એ કૉલમ માત્ર ‘સંદેશ’ની જ નહીં, તમામ ગુજરાતી છાપાંઓની સૌથી લોકપ્રિય કૉલમોમાંની એક હતી.

વધુ આવતી કાલે.

• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

14 COMMENTS

  1. સૌરભભાઇ, સ્વામી સદચિદાનંદજી ઉપરના લેખોની શ્રેણી અદ્ભુત છે. તે ગુજરાતના સ્વામી વિવેકાનંદ સમાન છે. સંત કહેવા તેના કરતાં સમાજ સુધારક, ચિંતક કહેવા વધુ સારું. ભલું થજો ગુજરાત નું કે તે “ગુફાધારી” નથી થયા. માત્ર ને માત્ર આત્મશ્રેય ને બદલે જાહેર જન હિત, સમાજ સુધારક તરીકે સાચા અર્થ માં કર્મશીલ રહ્યા. કોટિ કોટિ વંદન. આપને પણ. “ગમતાં નો ગુલાલ” કરવા બદલ….

  2. સચ્ચિદાનંદ સ્વામી નો હું હંમેશા પ્રંસંશક રહયો છું. આપની સ્વામીજી ની આ લેખમાળા માં આપેલ લીંક નો ઉપયોગ કરીને મેં ગુર્જર પ્રકાશન માંથી તેમની ગુજરાતી દરેક
    બુક (123) ખરીદી ને વાંચવાનો આનંદ માણી રહ્યો છું. આપનો ખુબ ખુબ આભાર. આપની આવી માહિતી આપનારી લેખમાળા નો પ્રસંશક છુ. સૌરભભાઈ ધન્યવાદ.

  3. સ્વામીજી ના પુસ્તકો અને લેખો મારું મનગમતું વાંચન છે. તેમની લેખની સરળ, અને રસપ્રદ હોય છે. વારંવાર વાંચતી વખતે તે નિત્ય નૂતન બની રહે છે. તમે સ્વામીજી ના લેખો નું અમૃત પાન કરવો છો. -juthanirasik .

  4. સ્વામી જી ના આ વિચારો તેમનું ઉમદા વ્યક્તિત્વ દેખાડે છે. ખરેખર માં સ્વામીજી એક સંત છે.
    વૈભવી જીવન જીવતા ધર્મગુરુઓ કરતાં સ્વામીજી ને ગુરૂ માનવાનુ પસંદ કરીશ..
    હું આજ દિન સુધી કોઇ સ્વામી કે ધર્મગુરૂ ને પગે નથી લાગ્યો કે નથી ગુરૂ માન્યા. વૈષ્ણવ છું પણ સમ્પ્રદાય માં થતા આડંબર અને બાહ્ય દેખાડા એ ધર્મ ઉપરની મારી શ્રદ્ધા ડગમગાવી નાખેલી. પણ ધન્ય છે સ્વામીજી ને અને આભાર તમારો કે આવા દિવ્ય સ્વામીજી વિશે તમે અમને માહિતગાર કર્યા.
    સ્વામીજી ને સાષ્ટાંગ દંડવત પ્રણામ..

  5. આનંદ આનંદ થાય છે .ખુબ ખુબ જ આપનો આભાર .આવું બધું અમને ક્યાંથી જાણવા મળત ?

  6. આપના કોઈ વ્યક્તિ ના જીવનમાં બનેલી સત્ય ઘટના પરના લેખો. કે હકીકત ના લેખો વાંચી જવાની જે આપ સંપૂર્ણ માહિતી સાથે લખો છો તે બહુ મજા આવે છે. અમને મોટા વ્યક્તિ ના જીવન વિષે જાણવા મળે છે. ફક્ત આપ જ્યારે શિખામણ આપતા લેખ લખો છો ત્યારે મજા નથી આવતી. કેમકે દરેક સમયે સંજોગો અલગ અલગ હોય છે. સામે વાળી વ્યક્તિ પણ કોણ છે એની પર પણ આપણે શું નિર્ણય કરવો એ પણ જોવું પડે છે.ક્યારેક આપણે તરફ કહીએ છીએ અને ક્યારેક આપણે સાચા હોઈએ તો પણ સંબંધ સાચવવા મન મારવું પડે છે.

  7. Aava sansmaran kyarek vanchva male to bahu Anand thay che. shri saurabhbhai na lekh vanchva nu khub game che.

  8. મુકેશભાઇ સરધારા મુળ નવસારી હાલ મોરબી

    સૌરભભાઈ સ્વામીજી ના વિચારો નુ ન્યુઝ નેટ પોટૅલ આપવા બદલ ખુબ ખુબ અભિનંદન અત્યંત આનંદ થાયછે લેખ વાચી ને સ્વામી જી સાથે પચીસેક વરસ ની આત્મીયતા છે પરંતુ જુનાસ્મરણો આપ તાજા કરાવો છો જય ગુરુદેવ હરીઓમ

  9. સંદેશ માં શ્રીમાન વાસુદેવ ના લેખ પછી બીજા તમારાં વિચારો અને લેખો અમારાં મનને ઝંઝોળી મૂકે છે. સાદર પ્રણામ નમસ્કાર વંદન.🙏💐

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here