જિજ્ઞેશ જોષી, ગુસ્સો આવે છે : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ : મહા વદ ત્રીજ, વિક્રમ સંવત ૨૦૭૮. શનિવાર, ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૨)

પહેલી વાર ક્યારે મળ્યા તે તો યાદ નથી પણ છેલ્લી વાર લિહ્‌મન બ્રધર્સના નાટકના સ્ક્રીનિંગ વખતે એન.સી.પી.એ.માં મળ્યા હતા. બેએક મહિના થયા હશે. એ અને સુનીલ હંમેશાં નક્કી કરેલા સમય કરતાં મોડા પહોંચે. અને હું સમય કરતાં અડધો-પોણો કલાક, ક્યારેક કલાક-કલાક વહેલો પહોંચી જઉં—મુંબઈના ટ્રાફિકમાં અટવાઈ જવાની બહુ ધાસ્તી મને.

એ દિવસે એ લોકો મારા કરતાં પહેલાં એન.સી.પી.એ. પર પહોંચી ગયા હતા. મને શરમાવવા ફોન કર્યો : ‘ક્યાં છો તમે?’ મેં કહ્યું : ‘હું તો બહારના ગેટ પર આવી ગયો છું, તમે લોકો ઘેરથી નીકળ્યા કે નહીં!’

બસ, એ છેલ્લી વાર એને મળવાનું થયું. હવે ફરી ક્યારેય આવી ચડસાચડસી થવાની નથી. એ નહીં વહેલો આવે, નહીં મોડો આવે. આવશે જ નહીં.

* * *

નવમી ફેબ્રુઆરી. બપોર પછી સુનીલનો વૉટ્સએપ આવે છે : જિજ્ઞેશને ગઈ કાલે સવારે હાર્ટ ઍટેક આવ્યો. હવે સ્ટેબલ છે. કાલે સવારે એન્જિયોગ્રાફી/એન્જિયોપ્લાસ્ટી માટે બીજી હૉસ્પિટલમાં શિફ્ટ થશે.

મોડી સાંજે સુનીલનો ફોન આવ્યો. લગભગ કલાક સુધી વાત થઈ. જિજ્ઞેશને ઘણું સારું છે. મામૂલી બ્લૉકેજ લાગે છે પણ એન્જિયોગ્રાફી થયા પછી ખબર પડે કે એક્ઝેટલી કેટલું ડેમેજ થયું છે.

જિજ્ઞેશ એકલો રહે. સુનીલે કહ્યું કે એને હું મારા ઘરે લઈ આવીશ, સાથે હોઈશું તો સારું પડશે. જિજ્ઞેશની તબિયત વિશે કોઈ ગંભીર કે ખરાબ સમાચાર નહોતા એ જાણીને સુનીલ પણ નિરાંતમાં અને હું પણ હળવો થઈ ગયો.

48 વર્ષની ઉંમર અને પહાડ જેવો પડછંદ અડીખમ માણસ. હંમેશાં સ્ફૂર્તિથી દોડાદોડી કરતો હોય. એને વળી શું થવાનું હતું.

બારમી ફેબ્રુઆરી. બપોરે બાર વાગ્યે સુનીલનો મેસૅજ: એક આર્ટરીમાં 85 ટકા બ્લૉકેજ છે. એન્જિયોપ્લાસ્ટી ચાલી રહી છે. લાગે છે કે પ્રોસિજર કરતી વખતે બીજો એક અટૅક આવી ગયો. પેસમેકર અને વેન્ટિલૅટર પર છે. વેરી ક્રિટિકલ.

અને બપોરે બે વાગ્યે સુનીલનો છેલ્લો મેસૅજ:

હી ઇઝ નો મોર.

* * *

જિજ્ઞેશ જોષીને ગયે એક અઠવાડિયું થવા આવશે. મગજ પરથી એનો હસતો, મજાક કરતો ચહેરો હજુય ખસતો નથી. એને વળાવીને ઘરે પાછા આવ્યા પછી કામ કરવાનું મન ન થાય, આખો વખત આંખ સામે એ દેખાયા કરે, એનો અવાજ સંભળાયા કરે. એની સાથે ગાળેલા દિવસો, પ્રસંગો, કિસ્સાઓ યાદ આવ્યા કરે. કશું લખવાનું મન ન થાય. એની સ્મૃતિમાંથી બહાર નીકળવા માટે કોઈ કામ હાથમાં લઈએ તો એ કામ અધૂરું મૂકીને શૂન્યમનસ્ક બની જઈએ.

મારાથી મોટાં હોય એવાંનાં મૃત્યુ ઘણાં જોયાં — નાના, નાની, દાદા, બા, પપ્પા, મમ્મી, કાકા, બે મામાઓ, બીજા કાકા; પત્રકારત્વ અને સાહિત્યના ક્ષેત્રને કારણે જેઓ મારા જીવનમાં અને હું જેમના જીવનમાં પ્રવેશ્યો હોઉં એવા સિનિયર મહાનુભાવો; આ ક્ષેત્રની બહારના પણ અંગત સ્વજન જેવા બની ગયેલા વડીલો…

પણ મારાથી ઉંમરમાં નાનો, અને તે પણ ખાસ્સો તેર-ચૌદ વર્ષ નાનો, અંગત મિત્ર ગુમાવી દેવાનો આઘાત પહેલી વાર અનુભવ્યો. બધું જ એકસાથે તૂટી જાય. રહી રહીને રહીમચાચાના શબ્દો યાદ આવેઃ જાનતે હો, દુનિયા કા સબ સે બડા બોજ ક્યા હોતા હૈ? બાપ કે કંધોં પે બેટે કા જનાઝા… ઈસ સે ભારી બોજ કોઈ નહીં હૈ…

ફિલ્મોનો એને જબરજસ્ત શોખ. હિંદી ફિલ્મો, હૉલિવુડની ફિલ્મો, સાઉથની ફિલ્મો. દેશી-વિદેશી સંગીતની ખૂબ જાણકારી. હરતોફરતો એન્સાઇક્લોપીડિયા. નાટકોમાં પણ ઊંડો રસ.

એટલો જ રસ ખાવા-ખવડાવવામાં. મુંબઈમાં ક્યાંનું કયું સ્ટ્રીટ ફૂડ વખણાય તેની લેટેસ્ટ જાણકારી એની પાસે હોય. બહારગામની પણ.

એક દિવસ કહે, ‘ (લક્ષ્મીકાન્ત) પ્યારેલાલજીને મળવા જવાનો છું, આવવું છે?’ પછી વધારાની લાલચ આપતો હોય એમ ઉમેરે, ‘ પાલી હિલથી પાછા આવતી વખતે હિલ રોડ પર એલ્કોની પાણીપુરી અને રગડા-પેટિસ ખાઈશું!’

 સંગીતકાર પ્યારેલાલજીના ઘરે ૨૯ વર્ષની ઉંમરના  પાળેલા પોપટ સાથે

સુનીલ આનંદપરા અને જિજ્ઞેશ જોશી બાળપણના દોસ્તારો, બે સગાભાઈઓ જ જોઈ લો. બેઉ એકબીજાના પડછાયા જેવા. સુનીલને જિજ્ઞેશ વિના ન ચાલે અને જિજ્ઞેશને સુનીલ વિના. આજીવિકાનું કામકાજ પણ સુનીલની સાથે જ. એના ગયા પછી સુનીલ એકલો પડી ગયો.

છેક સ્કૂલના શરૂઆતનાં વર્ષોથી બેઉ જિગરી. એ બંનેની સાથે બેઠા હોઈએ અને બેએક પેગ પછી પોતાના સ્કૂલદિવસોની વાત શરૂ કરે એટલે યાદોનો ખજાનો ખૂલી જાય. બેઉની પાસે એ દિવસોના અઢળક કિસ્સા. એમની સાથે પીતાં પીતાં ઘડીભર એવું લાગે કે હું પણ એ જ સ્કૂલમાં, એમના જ ક્લાસમાં ભણતો હતો.

સાતેક વર્ષ પહેલાં મેં સિગારેટ છોડી દીધી ત્યારે સુનીલ-જિજ્ઞેશને બહુ સારું લાગ્યું હતું પણ એ પછી દારૂ છોડ્યો ત્યારે બેઉ શરૂઆતમાં નારાજ: ‘યાર, અમારી પીવાની કંપની તૂટી ગઈ.’

હું એ બેઉને હસીને આશ્વાસન આપતો: ‘સાલાઓ, મેં દારૂ છોડ્યો છે, દારૂડિયા દોસ્તારો નહીં!’

પછી એ બંને પીતા હોય ત્યારે હું કોઈ નૉન-આલ્કોહોલિક પીણું લઈને એમની સાથે બેસું. એટલી જ મઝા આવે. એમને પણ. મને પણ.

દારૂ છોડ્યા પછી લગભગ વરસેક સુધી મેં ઘરમાંનો મારો બાર યથાવત્ રાખ્યો હતો. મિત્રો આવે તો કામ લાગે. પછી ક્રિસમસ, થર્ટી ફર્સ્ટ આવી રહી હતી. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં મેં તમામ પ્રકારની સસ્તી-મોંઘી-અતિ મોંઘી બૉટલો સાથે બધો જ પેરાફર્નેલિયા — વાઇન ચિલર, કાચનાં સ્ટરર્સ, અલગ અલગ ગ્લાસ, આઇસ બકેટ્સ, વાઇન ઓપનર્સ વગેરેને કાળજીથી બાંધીકરીને કાર્ટન્સમાં પૅક કર્યાં. સુનીલની ગાડીમાં એ બધું જિજ્ઞેશને ત્યાં મોકલી દીધું.

સ્વામી સચ્ચિદાનંદના દંતાલી આશ્રમની મુલાકાતે સુનીલ, જિજ્ઞેશ અને જયેશભાઈ

સ્વામી સચ્ચિદાનંદના દંતાલીના આશ્રમે કે ગુણવંત શાહના વડોદરાના ‘ટહુકો’ બંગલે અમે સાથે ગયા હોઈએ તેની પણ યાદો છે અને મુંબઈના વિવિધ બારમાં કે સુનીલના ઘર-બારમાં બેસીને માણેલી કલાકો સુધી લંબાતી ક્ષણો પણ યાદ છે.

ગુણવંત શાહના વડોદરાના બંગલે. ગુણવંતભાઈ પગના ફ્રેક્ચરને કારણે પથારીવશ હતા પણ ખાસ્સી વાતો કરી અમારી સાથે.

પૃથ્વી થિયેટરમાં કે એનસીપીએમાં સાથે જોયેલાં કેટલાંય નાટકો યાદ છે. એક વખત રજનીકાન્તની તમિળ ફિલ્મ ‘કાલા’ માટુંગાના અરોરામાં લાગેલી. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો સવારના છ વાગે શરૂ થાય. આમ તો ટિકિટ મળવી દુર્લભ પણ મારા કૉન્ટેક્ટમાંથી મેં અમારી ટિકિટો બુક કરાવી લીધી. સવારે પાંચ વાગ્યે માટુંગાની ‘રામ આશ્રય’માં ઇડલી-ઉપમા અને ફિલ્ટર કૉફીનો નાસ્તો કરીને પિક્ચર જોવા જવાનું નક્કી કરેલું. મારી આદત પ્રમાણે હું સવારે સાડા ચાર વાગ્યે ‘રામ આશ્રય’ પર પહોંચી ગયેલો. રેસ્ટોરાંવાળા હજુ તો જાળી બંધ રાખીને સાફસફાઈ કરી રહ્યા હતા. તે દિવસે ‘રામ આશ્રય’ના સ્ટેનલેસ સ્ટીલના ટેબલ પર ગોઠવાયેલા અમારા લોકોના ફોટામાં જિજ્ઞેશ જે રીતે હસી રહ્યો છે તે એનું ટિપિકલ સ્વરૂપ. કાયમ એ જ હાસ્ય એના ચહેરા પર હોય.

પરોઢિયે પાંચ વાગે માટુંગાની ‘રામ આશ્રય’માં ઇડલી-ઉપમાની રાહ જોતાં

ભારે આનંદી. દુ:ખો પણ હશે એના જીવનમાં. પણ ક્યારેય એ વિશે કોઈ વાત નહીં. કોઈ બાબતે રોદણાં રડવાનાં નહીં. એના મોઢે મેં કોઈનીય ટીકા, નિંદા સાંભળી નથી. જેમનામાંથી જે ગમ્યું તે લઈ લેવાનું અને બીજાઓ સાથે વહેંચવાનું. ન ગમ્યું હોય એવું લેવાનું જ શું કામ!

શાહબુદ્દીન રાઠોડસાહેબ સાથે.
મૂર્ધન્ય સાહિત્યકાર દિનકર જોષી અને યુવાન કવિમિત્ર હિતેન આનંદપરાના સાંન્નિધ્યમાં. જિજ્ઞેશની માત્ર ઝલક જ તસવીરમાં ઝિલાઈ છે

2017ના શિયાળામાં મારાં પુસ્તકોનું રાજકોટના હેમુ ગઢવી હૉલમાં લોકાર્પણ. ત્યાંથી પછી મારે ભાવનગર-જામનગર વગેરે સ્થળોએ બુક પ્રમોશનની ટુર કરવાની હતી. લગભગ આખું અઠવાડિયું અમે ત્રણેય સાથે રહ્યા. પ્રવાસમાં ક્યાં ક્યાં ગામ આવશે અને ત્યાં રોકાઈને કઈ જગ્યાએ ખાવા જવાનું એ બધું જિજ્ઞેશ પહેલેથી નક્કી કરી રાખે. જામનગરમાં રાતના ત્રણ વાગ્યા સુધી એક ઢાબા પર પંદરવીસ મિત્રો સાથે રાજકારણની ગરમાગરમ ચર્ચામાં મને ખ્યાલ જ ન રહ્યો કે ખુલ્લી જગ્યામાં માથે ઝાકળ પડી રહી છે. ઉતારે પાછા આવવા નીકળ્યા અને મને ટાઢ ચડી ગઈ. શરીર આખું ધ્રુજે અને બોલવા જઈએ તો દાંત કકડે. સુનીલ-જિજ્ઞેશ મારી સારવારમાં જાગતા રહ્યા અને હું દવાના ઘેનમાં ચાર ધાબળા ઓઢીને ઘસઘસાટ ઊંઘી ગયો.

રાજકોટના હેમુ ગઢવી હૉલમાં  પુસ્તકોના લોકાર્પણ વખતની તસવીરમાં સુનીલ (ડાબે), લેખક ( વચ્ચે) અને જિજ્ઞેશ (જમણે)

અયોધ્યામાં પૂજ્ય મોરારિબાપુની ‘માનસ-ગણિકા’ કથા સાંભળવા મુંબઈથી નીકળ્યા ત્યારે લખનૌ ઍરપોર્ટ સુધી એ બંને ટેન્શનમાં —અયોધ્યામાં ગમશે? પણ ત્યાં જઈને ટેન્શન ગાયબ. રોજ સવારે ગરમ નાસ્તાની દુકાનો એ શોધી લાવે. પછી બપોર સુધી કથા. પાછા ઉતારે આવીને મારું લેખન શરૂ થાય ત્યારે એ બંને કૉમ્પ્યુટર પર પોતાનું કામ નિપટાવે.

અયોધ્યામાં ડિસેમ્બરની વહેલી સવારે ૮ ડિગ્રી ઠંડીમાં ગરમ નાસ્તો અને હૂંફાળી સ્મૃતિઓ

રામકથાથી માંડીને આર.ડી. બર્મનના સંગીત સુધીનું બધું જ અમે સાથે માણ્યું છે. આટલી મોટી રેન્જ હોય એવા મિત્રો બહુ ઓછા સદ્‌ભાગીઓને સાંપડે. પંચમ વિશે પાંચ પીએચ.ડી. કરી શકે એવા અજયભાઈ શેઠ અમને દર ચોથી જાન્યુઆરીએ અને સત્યાવીસમી જૂને ‘પંચમ મૅજિક’નો લાજવાબ શો જોવા પૂણે લઈ જાય. ક્યારેક અમારા સૌના ગ્રુપના અન્ય મિત્રોમાંથી યોગેશ રૂપારેલ જોડાય તો ક્યારેક નીલેશ સંગોઈ સાથે હોય. મુંબઈથી પૂણે અને બીજે દિવસે પૂણેથી પાછા મુંબઈ. રોડ ટ્રિપમાં વચ્ચે વચ્ચે રોકાઈને ખાતાપીતા જઈએ અને કૉન્સ્ટન્ટ આર.ડી.નાં ગીતો સાંભળતા જઈએ.

2020ના પ્રથમ લૉકડાઉનના બે મહિના પહેલાં પૂણેમાં આગલી રાતે ‘પંચમ મેજિક’ માણ્યા પછી સવારે બ્રેકફાસ્ટ માટે મિસળની ફેમસ દુકાનની બહાર વેઇટિંગ. ડાબેથી સુનીલ, અજયભાઈ, જિજ્ઞેશ અને હું

જિજ્ઞેશના સમાચાર મળ્યા પછી મગજ બહેર મારી ગયું. ફોનના ખૂણેખાંચરે જઈજઈને એની સાથે જીવાયેલી ક્ષણોને કૅમેરામાં ઝડપેલી તે શોધવાનું શરૂ કર્યું. રોજ કંઈક ને કંઈક નવું મળતું જાય. દરેક તસવીર જોઈને સુન્ન થઈ જવાય. ભગવાન પર ગુસ્સો આવી જાય. જિજ્ઞેશના ગયા પછી સુનીલને પહેલીવાર મળ્યો ત્યારે આ જ શબ્દો એના મોઢામાંથી પણ નીકળ્યા: ‘સૌરભભાઈ, રડવું નથી આવતું… ગુસ્સો આવે છે.’

પૂણેની હૉટેલમાંથી ચેક આઉટ કરતી વખતે વિખ્યાત તાલવાદ્યકાર નીતિન શંકર સાથે આર. ડી. બર્મનના સંગીત વિશે ચર્ચા કરતા ચાર પંચમપાગલો

ભગવાન પણ જુઓને કેવું કરે છે? જિજ્ઞેશની સગી મોટીબહેન અમેરિકા રહે. પચ્ચીસ-સત્યાવીસ વર્ષથી ભાઈ-બહેન એકબીજાને મળ્યાં નહોતાં. માધવીબહેન અમેરિકા સ્થાયી થયાં તે વખતે અમુક પેપર્સ એમની પાસે નહોતાં એટલે અમેરિકાથી ભારત આવી શકાતું નહોતું. જિજ્ઞેશનો આંતરરાષ્ટ્રીય પ્રવાસ ઘણો પણ અમેરિકા જવાનો કોઈ મેળ ખાધો નહીં. બાઇડનના આવ્યા પછી ખૂટતાં કાગળો મળી ગયાં. ફેબ્રુઆરીના અંતમાં બહેન આવવાનાં જ હતાં. બહેનની સાથે ભારતમાં ક્યાં ક્યાં પ્રવાસ કરશે અને કઈ કઈ જગ્યાઓએ ખાવા લઈ જશે એ બધું જિજ્ઞેશે નક્કી કરીને રાખેલું. બહેને પૂછ્યું હતું કે તારા માટે શું લાવું તો જિજ્ઞેશે પોતાના માટે ચેક્સવાળું શર્ટ મગાવ્યું હતું.

જે દિવસે એન્જિયોગ્રાફી કરવાની હતી તે સવારે જિજ્ઞેશ હસતોરમતો હતો: ‘કશું થયું નથી. એન્જિયોગ્રાફીની તો માત્ર એક ફોર્માલિટી છે. કલાક બે કલાકમાં ઘરે પાછો આવી જઈશ. પછી રાત્રે બધાં મળીને પાર્ટી કરીશું…’

બસ, આ એના છેલ્લા શબ્દો : ‘પાર્ટી કરીશું…’  જિંદગી જલસાથી જીવી ગયો. નાની પણ ભરપૂર જિંદગી જીવ્યો. એને પીડારહિત મૃત્યુ મળ્યું એટલો સંતોષ. અને અફસોસ એટલો કે અંતિમક્રિયા વખતે એની નનામી પર ચેક્સવાળું ફુલ બાંયનું શર્ટ ઓઢાડેલું જે હકીકતમાં એણે જાતે પહેરીને અમને મળવાનું હતું. મને લાગે છે કે એની સાથેના કમ્યુનિકેશનમાં કંઈક ગરબડ થઈ. હું એને ટોક્યા કરતો કે જ્યાં જવાનું હોય ત્યાં વહેલા પહોંચી જવું સારું.

આટલા બધા વહેલા પણ ન પહોંચી જવાનું હોય, જિજ્ઞેશ.

•••

મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર ચાનાસ્તા માટેનો બ્રેક. આ 12 સેકન્ડની ક્લિપમાં છેલ્લે જિજ્ઞેશ ભાવનગરની કોઈ વાત કરે છે. એનો અવાજ સાંભળવા આ ક્લિપ સાચવી લીધી છે. સાથે મિત્રોમાં યોગેશ, સુનીલ તથા મિસ્ટર અને મિસિસ અજય શેઠ છે.

•••

51 COMMENTS

  1. કોઈ ના દોસ્ત ની વાતો મા આપણ ને પોતીકાપણુ લાગે .. કોઇ નુ દુઃખ આપણું પોતાનું લાગે ત્યારે લેખક ના ધસમસતા મનોમંથન ની અસર તો ખરી જ પણ ઇશ્વરીય વરદાન જેવી ભાઇબંધી નો ફાળો નાનો અમથો તો ન જ હોય.
    હરિ ઓમ.
    આજ ની પ્રાર્થના મા દોસ્ત ની પરમ શાંતિ અગ્રેસર રહેશે.

  2. સૌરભભાઈ અમે પણ વરસોથી જીગ્નેશભાઈને ઓળખતા હોઈએ એવું લાગ્યું.આપને અને સુનીલભાઈને પરમ કૃપાળુ પરમાત્મા હિંમત આપે.
    🕉 શાંતિ🙏

  3. I saw Jignesh many years back but I have known his sister Madhavi for almost 30 years.
    She often talks about him and I know how close they were.
    I am so so heartbroken to learn that she couldn’t meet him.
    We can know what a wonderful person he was by reading the article and seeing the pictures.
    He was so lucky to have such caring and loving friends.
    I pray to the Almighty to give him heavenly peace and all of you strength to bear the loss.
    Om Shanti 🙏

  4. Om Shanti.
    Your article helped me to cry my heart out, remembering my personal losses during last 12 months and before.
    Rip, Jignesh bhai
    Strength and Courage to SS.

  5. ભાઈ જીગા ભાઈ તારી આ ઓચિંતી વિદાય બહું વસમી લાગે છે….
    તારો સદાય હસતો ચહેરો અને બગદાણા ખાતે સાથે વિતાવેલો સમય સદાય તારી યાદ આવતો રહેશે સદગુરૂદેવ શ્રી બજરંગદાસ બાપા તારા આત્માને શાંતિ આપે
    બાપા સીતારામ 🙏

  6. ઓમ શાંતિ….આપનો નહિ પણ અમારો પણ જીગરજાન મિત્ર નથી રહ્યો એવું લાગે છે….

  7. આખો લેખ વાંચીને આંખ ભીની થઈ ગઈ. ખરેખર આનંદી જિન્દગી જીવી ગયા. પણ બહેનને ન મળી શક્યા એ …

  8. આપના ખાસ જીગરજાન મિત્ર જીગ્નેશભાઈના આત્માને શાંતિ મળે અને એમનો વૈકુંઠમાં વાસ થાય એવી પ્રાર્થના.

  9. બાપા સીતારામ, સર.

    સત્ય અને સાવ સાચું લખ્યું આપણા જીગા માટે.
    અયોધ્યાની કથામાં મેં જીગાને કહેલું કે સૌરભભાઇનો પાઠક છુ, મારે આરામથી મન મુકીને મળવું છે.
    સમગ્ર બાપા સીતારામ પરિવાર બગદાણા વતી સદગત જીગાનો આત્મા સદગુરુ તેમજ શ્રીસીતારામજીની શાશ્વત સંનિધિ પામે એ અભ્યર્થના સાથે ૐ શાંતિ:🙏

  10. જય શ્રી કૃષ્ણ, હું વ્યક્તિગત ન ઓળખતો હોવાં છતાં તમારા વર્ણન પરથી તેમના વ્યક્તિત્વને સહજ વંદન. પરમ કૃપાળુ પરમાત્મા એમને પોતાનાં ચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના.🙏🙏

  11. ભગવાન એમના આત્માને શાંતિ આપે…જિગ્નેશભાઈ ખરેખર તમે કીઘું એટલા જ સરસ માણસ હતા…ઓમ શાંતિ…

  12. મિત્રતા અને મહેફિલ બંને સાથે હોય તો આનંદ અનેક ગણો વધી જાય. તમારી મહેફિલનો હીરો જતો રહ્યો.

  13. પ્રભુ જીજ્ઞેશભાઈના આત્માને શાંતિ આપે.આવા મિત્રો માત્ર નસીબદારને જ મળે. એક જ લેખમાં તમે સંસ્મરણોની યાત્રા કરાવી દીધી અને જાણે કે અમારો જ મિત્ર ગુમાવ્યો તેવું લાગ્યું.ઓમ શાંતિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here