ગુજરાતીને સાચવવા અંગ્રેજીને સ્વીકારવી પડશેઃ સૌરભ શાહ

(તડકભડકઃ ‘સંદેશ’,’સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 20 ફેબ્રુઆરી 2022)

ગુજરાતી ભાષા અત્યારે જો કોઈ કપરી પરિસ્થિતિમાં મૂકાઈ હોય તો તેનું ઘણું મોટું કારણ છે ‘ગુજરાતી બચાવો’ની બૂમરાણ મચાવતા નકલી લડવૈયાઓ.

મા-બાપ શા માટે પોતાનાં સંતાનોને ગુજરાતી છોડીને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં મૂકવા લાગ્યા? કારણ કે માત્ર ગુજરાતીમાં ભણનારા વિદ્યાર્થીઓને કૉલેજમાં અને ઉચ્ચ અભ્યાસમાં તકલીફ પડતી હતી. ‘ગુજરાતી બચાવો’ના નારા લગાવનારાઓએ ગુજરાતી માટેનો પ્રેમ જતાવવા અંગ્રેજીને ધિક્કારવાનું શરૂ કર્યું. કટ્ટરવાદીઓ દરેક જગ્યાએ આવું કરતા રહે છે જેને કારણે સમાજના બહોળા વર્ગે લાંબાગાળે સહન કરવું પડતું હોય છે. ગુજરાતીને સાચવવા અંગ્રેજીને હાંકી કાઢવાની કોઈ જરૂર નથી.

ગુજરાતી માધ્યમની શાળાઓમાં પહેલા ધોરણથી જ ગુજરાતી કખગની સાથે અંગ્રેજી એબીસીનું શિક્ષણ આપવાનું શરૂ થઈ જવું જોઈતું હતું.

એક વાત સમજી લેવી જોઈએ કે બાળકમાં ભાષાઓ શીખવાની અદ્‌ભુત શક્તિઓ હોય છે. ચાર-પાંચ ભાષાઓ તે સહેલાઈથી શીખી શકે છે, જો તેને યોગ્ય રીતે અને યોગ્ય ઉંમરે શીખવવામાં આવે તો. કેટલાક દેખાડુ શિક્ષણશાસ્ત્રીઓ બાળકો પર બહુ બોજ પડશે એવું બહાનું આગળ ધરીને બાળકને બહુભાષી બનતાં રોકે છે.

અંગ્રેજી માધ્યમનો જુવાળ શરૂ થયો એ પહેલાં જે કામ કરવાનું હતું તે આજે પણ વ્યપાકરૂપે શરૂ થયું નથી. ગુજરાતી માધ્યમની શાળાઓમાં પહેલા ધોરણથી જ ગુજરાતી કખગની સાથે અંગ્રેજી એબીસીનું શિક્ષણ આપવાનું શરૂ થઈ જવું જોઈતું હતું. પાંચમા ધોરણથી સાયન્સ અને મૅથ્સ માટે વિકલ્પ આપવામાં આવે કે તમારે ગુજરાતીમાં આ બે વિષયો ભણવા છે કે પછી અંગ્રેજીમાં. ત્યાર બાદ આઠમા ધોરણથી વિકલ્પ આપવામાં આવે કે જો તમારે ગુજરાતી સિવાયના બાકીના તમામ વિષયો (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર ઇત્યાદિ) અંગ્રેજીમાં ભણવા હોય તો છૂટ છે. એસ.એસ.સી.માં ગુજરાતીનું પેપર હાયર લેવલનું હોય અને એચ.એસ.સી.માં પણ એ જ ધોરણ જળવાય. જો આવું થયું હોત – પચાસ વર્ષ પહેલાં – તો આજે ગુજરાતી ભાષાની રોનક કંઈક ઔર જ હોત.

અંગ્રેજોની ડિવાઇડ એન્ડ રૂલની નીતિ આઝાદી પછી પણ ચાલુ રહી. મરાઠીભાષીઓમાં ગુજરાતીભાષીઓ માટે અને કન્નડભાષીઓ માટે દ્વેષ ઊભો કરવામાં આવ્યો.

ભારતની કમનસીબી એ છે કે દેશ આઝાદ થયો પછી તરત જ નવી શિક્ષણનીતિ ઘડાઈ નહીં. સરદાર પટેલ વડા પ્રધાન બન્યા હોત તો કનૈયાલાલ મુનશીને શિક્ષણ પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી હોત. એવું થયું હોત જપાન, ચીન કે રશિયાની જેમ આઝાદીના એકાદ દાયકામાં ભારતમાં મેડિસિન, એન્જિનિયરિંગ, સીએ સહિતના તમામ ઉચ્ચ અભ્યાસક્રમો રાષ્ટ્રભાષામાં તથા દરેક રાજ્યની માતૃભાષામાં શીખવાડવામાં આવતા હોત.

પણ આવું થયું નહીં. એટલું જ નહીં ભાષાવાર પ્રદેશોના પ્રાંત/રાજ્યો રચીને ભાષાવાદને ઉત્તેજન આપીને બે અલગઅલગ ભાષા બોલતી પ્રજાઓને આપસમાં લડાવી મારવાનો કારસો રચાયો. અંગ્રેજોની ડિવાઇડ એન્ડ રૂલની નીતિ આઝાદી પછી પણ ચાલુ રહી. મરાઠીભાષીઓમાં ગુજરાતીભાષીઓ માટે અને કન્નડભાષીઓ માટે દ્વેષ ઊભો કરવામાં આવ્યો. તમિળભાષીઓમાં મલયાલમયભાષીઓ માટે તેમ જ તેલુગુભાષીઓ માટે દ્વેષ ઉભો કરવામાં આવ્યો. સરદાર પટેલે મહામહેનતે જોડેલા દેશના ફરી ભાગલા કરી નાખ્યા. તે વખતના રાજકારણીઓએ.

છેલ્લા સાત દાયકાથી શિક્ષણના તંત્રમાં પ્રવેશી ગયેલું અંગ્રેજીનું પ્રભુત્વ દૂર કરવાનું કામ ભગીરથ છે. ઉચ્ચ અભ્યાસક્રમો માટેનાં પાઠ્યપુસ્તકો સમજાય એવી સરળ માતૃભાષામાં ઢાળવાનું કામ એથીય કપરું છે.

ગુજરાતમાં એક જમાનામાં ગુજરાતી માધ્યમની શાળામાં આઠમા ધોરણથી અંગ્રેજી શીખવાડવામાં આવતું. વિચાર કરો આઠમા ધોરણ સુધી બાળકને એબીસીડી પણ ન આવડે! તે વખતે ઠાકોરભાઈ દેસાઈ અને ઠાકોરભાઈ ઠાકોર નામના બે રાજકારણીઓના વિરુદ્ધ મત જાણીતા હતા. એક કહે આઠમા ધોરણથી અંગ્રેજી, તો બીજા કહે પાંચમા ધોરણથી અંગ્રેજી. કિંગ જ્યૉર્જની જેમ કાર્ટૂનિસ્ટ ‘ચકોરે’ આ બેઉ મહાનુભાવોને ઠાકોર પાંચમો અને ઠાકોર આઠમોની ઉપાધિ આપી હતી. તે વખતે કોઈએ ન કહ્યું કે ગુજરાતને ઠાકોર પહેલો જોઈએ છે.

આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં ભારતમાં નવી ક્રાંતિકારી શિક્ષણનીતિ જોરશોરથી લાગુ પાડવામાં આવશે. આવતાં પચ્ચીસ વર્ષમાં રૂસ, ચીન, જપાનની જેમ આપણા વિદ્યાર્થીઓ પણ કદાચ એન્જિનિયરિંગ, મેડિસિન, કૉમ્પ્યુટર વગેરેનું શિક્ષણ અંગ્રેજીને બદલે માતૃભાષામાં લેતા થઈ જશે. મધ્યપ્રદેશમાં હિંદીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ થઈ ગયો છે, જો આવું બધાં જ રાજ્યોમાં થાય તો પછી શાળાઓમાં અંગ્રેજીને માત્ર એક ભાષા તરીકે જ ભણાવવાની રહે- વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ, ભૂગોળ બધું જ માતૃભાષામાં ભણાવીને વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ માટે તૈયાર કરી શકીએ- રૂસ, જપાન, ચીન વગેરેની જેમ.

પણ આ કામ ચપટી વગાડતાં પૂરું થવાનું નથી. છેલ્લા સાત દાયકાથી શિક્ષણના તંત્રમાં પ્રવેશી ગયેલું અંગ્રેજીનું પ્રભુત્વ દૂર કરવાનું કામ ભગીરથ છે. ઉચ્ચ અભ્યાસક્રમો માટેનાં પાઠ્યપુસ્તકો સમજાય એવી સરળ માતૃભાષામાં ઢાળવાનું કામ એથીય કપરું છે. એ માટેના તેજસ્વી અધ્યાપકોની ફોજ ઊભી કરવાનું કામ રાતોરાત થઈ શકે એમ નથી.

એટલે જ હાલ પૂરતું માતૃભાષાની સાથોસાથ પહેલા જ ધોરણથી અંગ્રેજીનું પણ શિક્ષણ આપે એવો ઢાંચો અપનાવવાની જરૂર છે. જો એવું થશે તો અંગ્રેજી માધ્યમમાં જવાનો ધસારો ઘટશે. અંગ્રેજી માધ્યમની મોટા ભાગની શાળાઓ બાળકને એનાં મૂળમાંથી, રાષ્ટ્રની વિરાસતથી દૂર લઈ જતી હોય છે- એ નુકસાન થતું અટકશે.

કોઈ પણ બાળકને માતૃભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી તથા આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજીનું જ્ઞાન આપવું જરૂરી છે. આ ઉપરાંત રાજ્યની જે ભાષા હોય તે પણ આવડવી જોઈએ- ગુજરાતમાં ભણતા ગુજરાતી બાળક માટે માતૃભાષા અને રાજ્યભાષા એક જ છે એટલે એણે ચોથી અન્ય કોઈ ભાષા શીખવી જોઈએ પણ ગુજરાતમાં ભણતા બિનગુજરાતી વિદ્યાર્થીને ગુજરાતી આવડવી જોઈએ. જન્મથી મહારાષ્ટ્રમાં રહેવાને કારણે અહીંના મોટા ભાગના ગુજરાતીઓ મરાઠી ભાષા પર ફાંકડો કાબૂ ધરાવતા થઈ ગયા હોય છે, જેમ જન્મથી બંગાળમાં રહેનારા ગુજરાતીઓ બંગાળી ભાષા પર પ્રભુત્વ ધરાવતા થઈ જાય છે એમ. તમને જાણીને આશ્ચર્ય થશે કે સ્વામી રામદેવના ગુરુકૂળમાં વિદ્યાર્થીઓ સંસ્કૃત-હિન્દીની સાથે અંગ્રેજી જ નહીં મેન્ડેરિન ભાષા પણ શીખે છે.

કેટલીક ટોળીઓ એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’નાં મંજિરાં વગાડતી રસ્તા પર આવી ગઈ હતી. જોડણીને સહેલી કરવાના બહાને અરાજકતા ફેલાવવા માગતી આ ટોળીનો ભાષા માટે કબજિયાત સ્ટ્રોન્ગ ઇસબગુલ આપીને દૂર કરવામાં આ લખનારનો પણ ફાળો હતો.

‘ગુજરાતી બચાવો’ના નારાઓ લગાવનારાઓએ આ વાત સમજીને નારાબાજી કરવાને બદલે ગુજરાતી માધ્યમની શાળાઓમાં સારી રીતે ગુજરાતી ભાષા ભણાવવાની થાય અને એટલે જ સારી રીતે અંગ્રેજી પણ ભણાવાતી થાય એ માટેના પ્રયત્નો કરવા જોઈએ.

બીજી વાત, માતૃભાષાને ‘બચાવવા’નું બહાનું આગળ ધરીને કેટલાક ભાંગફોડિયા તત્ત્વો ગુજરાતી ભાષા સાથે જે તોડફોડ કરવાનો પ્રયત્ન કરે છે તે બંધ થવો જોઈએ. વચ્ચે કેટલાક લોકોએ જોડણીમાં મનફાવે તેવા ફેરફારો કરવાનું શરૂ કર્યું હતું. ‘તંત્રી’ને બદલે ‘તન્ત્રી’ લખે. સદ્નસીબે આવી વિકૃત જોડણીમાં છપાયેલાં પુસ્તકોને ગુજરાતી વાચકોએ જાકારો આપ્યો અને આ વિઘટનકારી પ્રવૃત્તિને ઉગતી જ ડામી દેવામાં આવી. આ ઉપરાંત કેટલીક ટોળીઓ એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’નાં મંજિરાં વગાડતી રસ્તા પર આવી ગઈ હતી. જોડણીને સહેલી કરવાના બહાને અરાજકતા ફેલાવવા માગતી આ ટોળીનો ભાષા માટે કબજિયાત સ્ટ્રોન્ગ ઇસબગુલ આપીને દૂર કરવામાં આ લખનારનો પણ ફાળો હતો. સદ્‌નસીબે આ વિદ્રોહી પ્રવૃત્તિ પણ અત્યારે ઠંડી પડી ગઈ છે.

ગુજરાતી ભાષા શીખવતાં પાઠ્ય પુસ્તકોમાં માત્ર સાહિત્યનાં વિવિધ સ્વરૂપોને પ્રાધાન્ય આપવામાં આવે છે. ગુજરાતી પત્રકારત્વમાં ભાષાની બાબતે પણ મોટા ગજાનું કામ કરી ગયેલા ગુજરાતી પત્રકારોના લેખનખંડોનો કોઈ સમાવેશ કરતું નથી. કરવો જોઈએ.

ગુજરાતી ભાષા સંસ્કૃતનો વારસો લઈને આવી છે. આપણી ભાષામાં સંસ્કૃતમાંથી સીધા ઊતરી આવેલા તત્સમ્‌ શબ્દો ઉપરાંત સંસ્કૃતમાંથી અપભ્રંશ થઈને આવેલા તદ્‌ભવ શબ્દો પણ છે અને ગુજરાતની ભૂમિમાં જન્મેલા દૃશ્ય શબ્દો પણ છે. આ ઉપરાંત અનેક અંગ્રેજી, અરબી, ફારસી વગેરે શબ્દોએ ગુજરાતીને વધુ સમૃદ્ધ બનાવી છે. કાઠિયાવાડ, મહેસાણા અને ચરોતરથી લઈને દક્ષિણ ગુજરાતી બોલીઓએ માતૃભાષાની ગરિમામાં ઉમેરો કર્યો છે. ગુજરાતી ભાષા શીખવાડતી ટેક્‌સ્ટબુક્સે ક્યારેય ‘બારગાઉએ બોલી બદલાય’ની આ ખાસિયતની નોંધ લીધી નથી. લેવી જોઈએ. ગુજરાતી ભાષા શીખવતાં પાઠ્ય પુસ્તકોમાં માત્ર સાહિત્યનાં વિવિધ સ્વરૂપોને પ્રાધાન્ય આપવામાં આવે છે. ગુજરાતી પત્રકારત્વમાં ભાષાની બાબતે પણ મોટા ગજાનું કામ કરી ગયેલા ગુજરાતી પત્રકારોના લેખનખંડોનો કોઈ સમાવેશ કરતું નથી. કરવો જોઈએ.

છેલ્લે એક વાત ગુજરાતી ભાષાના સેવક તરીકે આપણા સૌનામાં ગૌરવ અને ખુમારી હોવાં જોઈએ કે આપણી ભાષામાં જે કંઈ લખાય છે, જે સર્જન થાય છે તે ભારતની બીજી ભાષાઓ કરતાં જરાય ઉતરતું નથી. ઉમાશંકર જોશીને અડધો જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો ત્યારે કવિશ્રીએ એ પૈસામાંથી સાત ઉત્તમ મરાઠી કવિઓ – વિંદા કરંદીકર, કુસુમાગ્રજ, મંગેશ પાડગાંવકર, ગ્રેસ ઇત્યાદિને ગુજરાતી ભાષામાં અનુવાદિત કરીને ગુજરાતી સાહિત્યરસિકોને ન્યાલ કર્યા હતા. ઉમાશંકર જોશીએ આવું કરવાને બદલે સાત ઉત્તમ ગુજરાતી કવિઓને નરસિંહ મહેતા, પ્રેમાનંદ, ન્હાનાલાલ, રમેશ પારેખ, મનોજ ખંડેરિયા ઇત્યાદિને મરાઠી ભાષામાં અનુવાદિત કરાવીને મરાઠી સાહિત્યરસિકોને ન્યાલ કર્યા હોત તો એમણે માતૃભાષાની વધારે મોટી સેવા કરી હોત.

ખેર. માતૃભાષા દિને એક નાનકડો સંકલ્પ કરીએ. છાપાંઓમાં સાચું ગુજરાતી લખીએ અને ટીવી પર સાચું ગુજરાતી બોલીએ.

પાન બનાર્સવાલા

યાદ રાખીએ કે ગુજરાતી કોઈ નાની સૂની ભાષા નથી. જગતની સૌથી વધુ બોલાતી, વંચાતી, ઉપયોગમાં લેવાતી ટૉપ પચ્ચીસ ભાષાઓમાંની એક છે.

• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

15 COMMENTS

  1. ગુજરાતી ભાષા બહાર ગામના લોકો વધુ જીવાડે છે.
    મેં એક આફ્રિકન દેશમાં સો વર્ષથી રહેતા ગુજરાતી ને ગુજરાતીમાં વાત કરતા જોઇ ઘણો આનંદ થયો જે અહીંયા રહેતા લોકો ગુજરાતી ભાષામાં વાત કરવાનો આગ્રહ નહિ દેખાતો

  2. Why it was difficult in college for students who studied in Gujarati medium ? Not because of not starting. English from first std. ,but because of lowering the standard of English and avoiding English Grammar and only confining to textual Grammar.Those who studied English from Fifth,in Gujarati medium had no problem in college..Govt
    Wasso extremist that Chemcal. Formula was also translated in Gujarati. Mahatma Gandhi had once said that our Rashtrabhasha should be neither Hindi nor Hindustani but should be Hindi -Hindustani. Extremist never succeeds.

  3. સરસ લેખ સાચી સમજ સાથે અમલમાં મુકવા જેવું છે

  4. રાજ્ય સરકારે ગુજરાતી ભાષાને મહત્વ આપતો નિર્ણય લીધો છે. જેને લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ આવકાર્યો છે. રાજભા ગઢવીએ જણાવ્યુ કે, તમામ ભાષાઓ સાથે ગુજરાતીઓ માટે ગુજરાતી ભાષાનુ ખુબજ મહત્વ છે. અને અંગ્રેજી ભાષા બોલ્યા વગર અભણ ગુજરાતીઓએ પણ સમગ્ર વિશ્વમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે

  5. તદ્દન સાચુ.દુનિયામાં ભારત બહાર રહેતા ભારતિયોમા આપણી આગલી પેઢીનાસૌથી વધારે ગુજરાતીઓછે જેઓનુ શાળાકીય શિક્ષણ ગુજરાતી માધ્યમમાં થયુછે એમને તથા આતરરાષ્ટ્રિય સ્તરે મોટી કંપનીઓમા નોકરી ઓ શોધતા આગલી પેઢીના ગુજરાતીઓને બધી રીતે કાબેલ હોવા છતાં અંગ્રેજી કાચું હોવાથી મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યોછે.

  6. I’ve studied in Gujarati medium school , but because of strong influence of grammar and pronunciations in Gujrati language I was able to learn English language with equal panache! We can interpret in a better way because we think in Gujrati ! Also any language is fun to learn , I’ve been learning Urdu off late and I don’t think it belong to a particular section, a language belongs to all and no body has right over it . Gujarati is a beautiful language and it must be read and written also else people would take pride in telling that they hardly know Gujrati ! I could have written this in Gujarati but due to keyboard limitations I’m writing this in English

  7. તમારી વાત બિલકુલ સાચી છે તમારી વાત સાચી છે ગુજરાતી ભાષાને સાચવવાની જરૂર છે પણ અંગ્રેજી ના ભોગે નહીં મારી દીકરી ગુજરાતી મીડિયમમાં ભણેલા પણ મેડીકલ લાઈનમાં ઘણી બધી તકલીફ થાય છે

  8. You are absolutely correct.
    What Gujarat needed was Thakor 1st and not Thakor 5th or Thakor 8 th.
    In those days, Education ministers children were learning in English medium or in foreign universities.
    English language should be taught in std 1 alongwith Gujarati language.

  9. Correct. We are gujju and staying in abroad but we speak pure Gujarati at home. My son is fluent in English but he speaks pure kathiyawadi. Even he knows the meaning of “Bakalu” . My son can speak Gujarati, Hindi, English, Rassian, Malayalam, Italian and Arabic. But he loves to speak pure Gujarati. But we can’t ignore importance of international language.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here