શ્રદ્ધા વિનાનો નાસ્તિક માર્ગ પણ યોગ્ય નથી. જરૂર છે શ્રદ્ધાપૂર્વકના સુધારાવાળા માર્ગની— પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ (ભાગ દસમો) : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ : મહા વદ પાંચમ, વિક્રમ સંવત ૨૦૭૮. સોમવાર, ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૨)

સ્વામી સચ્ચિદાનંદની કુલ ત્રણ મુલાકાત મારી પાસે છે. સૌથી પહેલી 1997ના અરસામાં લેવાયેલી, એમની સાથે આશ્રમમાં ચોવીસ કલાક વીતાવેલા તેનું બયાન છે એમાં. 2004માં ઇ-ટીવી પર ‘સંવાદ’ નામનો ડેઇલી ટૉક શો શરૂ કર્યો ત્યારે એના સૌપ્રથમ એપિસોડમાં સ્વામી સચ્ચિદાનંદને સ્ટુડિયોમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. (સોમા એપિસોડની ઉજવણી મોરારિબાપુના ઇન્ટરવ્યુથી કરી હતી). ત્રીજી મુલાકાત 2018ની ધૂળેટીના દિવસે લીધી હતી —મહાભારત અને રામાયણ જેવા ઇતિહાસગ્રંથોના અમુક હજાર વર્ષ પછી લખાયેલાં પુરાણોની તુલના વેદ-ઉપનિષદ (જે મહાભારત-રામાયણ પહેલાં રચાયાં) સાથે કરીને જે ભ્રમણાઓ વ્યાપક થઈ છે એના નિરાકરણ માટે આ દીર્ધ મુલાકાત હતી. ન્યુઝપ્રેમી પર ઓલરેડી મૂકેલી છે. આમ છતાં તમારી સગવડ માટે એ મુલાકાત પર આધારિત ૧૩ લેખોની લિન્ક એક જ પોસ્ટમાં મૂકીશું. કાલે.

પ્રથમ જે બે મુલાકાતોનો ઉલ્લેખ કર્યો છે તે પણ આજકાલમાં  બબ્બે કે પછી ત્રણત્રણ હપતામાં ‘ન્યુઝપ્રેમી’ પર વાંચવા મળશે.

આ મુલાકાતોનો દૌર શરૂ કરતાં પહેલાં ‘મારા ઉપકારકો’ વિશે માંડેલી વાત પૂરી કરી લઈએ. સ્વામી સચ્ચિદાનંદનાં પુસ્તકોની સંખ્યા સવાસોથી અધિક છે. થોડા જ વખતમાં દોઢસો પર આંકડો પહોંચશે. આપણે તો એમાંનાં ત્રણ જ પુસ્તકની વાત કરી—‘મારા અનુભવો’, ‘અગવડોમાં આરાધના’ અને ‘મારા ઉપકારકો’. આ ત્રણેય આત્મકથાનાં પુસ્તકો છે. આ ઉપરાંત ‘મારા પૂર્વાશ્રમનાં સંસ્મરણો’, ‘કડવા-મીઠા અનુભવો’ તથા ‘મારી બાયપાસ સર્જરી’ જેવાં પુસ્તકો પણ આત્મકથાનાં જ છે. આમ તો ત્રણેક ડઝન જેટલાં પ્રવાસવર્ણનનાં પુસ્તકો પણ આત્મકથાનાં જ કહેવાય જેમાં સ્વામીજીએ માત્ર પ્રવાસ વર્ણનો નથી લખ્યાં, પોતાને જે અનુભવો થયા એમાંથી ઊપજેલું ચિંતન પણ વાચકો સાથે શેર કર્યું છે.

બાયપાસ કરતી વખતે ઑપરેશન થિયેટરમાં થોડોક સમય હૃદયના નૈસર્ગિક ધબકારા બંધ કરી દઈને લોહીનું પમ્પિંગ કરવાનું કામ યંત્રોને સોંપી દેવામાં આવે છે. ‘હૃદય બંધ પડી ગયું તો આત્મા ક્યાં ગયો?’ સ્વામીજી પૂછે છે.

‘મારી બાયપાસ સર્જરી’ નાનકડી પુસ્તિકા છે. તમને થાય કે બાપજી જેવા વિવેકી સંત પોતાના ઑપરેશન વિશે એક સ્વતંત્ર પુસ્તિકા શું કામ લખે? હજારો લોકો આવાં ઑપરેશનો કરાવતા હોય છે. પણ પુસ્તિકા વાંચો તો સમજાય કે આ શું કામ લખાઈ છે. એમાં મધ્યમાં આવતાં બે પાનાં સૌથી અગત્યનાં છે. કદાચ એટલા માટે જ એમણે આ વિશે સ્વતંત્ર પુસ્તિકા બનાવી. આત્મા વિશેના મારા લેખોમાં મેં વારંવાર બાપજીનાં એ બે પાનાંના લખાણનાં સવિસ્તર ઉલ્લેખ કર્યો છે.

બાયપાસ કરતી વખતે ઑપરેશન થિયેટરમાં થોડોક સમય હૃદયના નૈસર્ગિક ધબકારા બંધ કરી દઈને લોહીનું પમ્પિંગ કરવાનું કામ યંત્રોને સોંપી દેવામાં આવે છે. ‘હૃદય બંધ પડી ગયું તો આત્મા ક્યાં ગયો?’ સ્વામીજી પૂછે છે. ‘બાપજી, એ વખતે તમારા જમણા પગના અંગૂઠામાં આત્મા જઈને વસેલો’ એક ઉત્સાહી ભક્તે બાપજીને જ્ઞાન આપવાની કોશિશ કરી હતી!

આત્મા માત્ર એક કન્સેપ્ટ છે, આપણી આધ્યાત્મિક સમજ ઊંડી થાય એ માટે ઋષિમુનિઓ આપણાં શાસ્ત્રોમાં આત્માની કન્સેપ્ટ લઈ આવ્યા (જેમ સ્વર્ગ-નર્ક પણ એક કન્સેપ્ટ છે. રિયલ લાઇફમાં કંઈ સ્વર્ગ-નર્ક જેવું હોતું નથી કે જીવતેજીવ પુણ્ય કરો તો સ્વર્ગમાં જાઓ અને પાપ કરો તો નર્કમાં પડો)

સ્વામીજીએ વ્યક્તિ વિશેષ વિશે પણ સારાં એવાં પુસ્તકો લખ્યાં છે- છત્રપતિ શિવાજી મહારાજથી લઈને સિંધુતાઈ સપકાળ સુધીનાં ભારતની ભૂમિને ઉજાળનારાઓના જીવન વિશે લખ્યું છે.

આત્મા વિશેની ગેરસમજણો દૂર કરવા જ ‘મારી બાયપાસ સર્જરી’ પુસ્તિકા સ્વામી સચ્ચિદાનંદે લખી હશે એવું મારું માનવું છે. આત્માની ખૂબસૂરત કન્સેપ્ટ વિશે મેં અગાઉ લેખો લખ્યા છે જેનું અહીં પુનરાવર્તન કરવું જરૂરી નથી લાગતું કારણ કે જે વિષય માંડ્યો છે તેમાં એ અપ્રસ્તુત છે.

વિષય છે સ્વામી સચ્ચિદાનંદનાં પુસ્તકોનો — આત્મકથાનાત્મક પુસ્તકોનો. સ્વામીજીએ વ્યક્તિ વિશેષ વિશે પણ સારાં એવાં પુસ્તકો લખ્યાં છે- છત્રપતિ શિવાજી મહારાજથી લઈને સિંધુતાઈ સપકાળ સુધીનાં ભારતની ભૂમિને ઉજાળનારાઓના જીવન વિશે લખ્યું છે. ગીતા-વેદ-ઉપનિષદ-ધર્મ-અધ્યાત્મ વિશે તો સ્વામીજીએ લખ્યું જ છે, પ્રચૂર માત્રામાં લખ્યું છે. મૂળ ગ્રંથોને ટાંકીને પોતાનાં મૌલિક અર્થઘટનો એમણે રજૂ કર્યા છે જે આજના જમાનામાં બિલકુલ કામ લાગે એવાં છે.

સ્વામીજીનાં આ તમામ પુસ્તકો તમારે વાંચવાં જોઈએ. સગવડ હોય તો ઘરમાં વસાવીને વાંચવાં જોઈએ જેથી કુટંબ અને અડોશપડોશ-સગાં-મિત્રો, જેમની અવરજવર તમારા ઘરમાં હોય, તે સૌની નવી પેઢીઓ આ પુસ્તકોથી એક્સપોઝ થાય, હાથમાં લે, વાંચવા માટે પ્રેરાય અને વાંચીને પ્રભાવિત થાય — 1987માં જેમ હું ‘મારા અનુભવો’ મારા પૂર્વગ્રહોને કારણે વાંચવા નહોતો માગતો અને વાંચવા લીધું તો એવો પ્રભાવિત થયો કે મારાં મનનાં બારી-બારણાં ખુલી ગયાં, જેને કારણે હું તાજી હવામાં ચિંતન-લેખન કરી શકું છું.

સ્વામી સચ્ચિદાનંદનાં પુસ્તકોના પ્રકાશક ગૂર્જર પ્રકાશનની વિગતો તથા ઑનલાઇન ખરીદી કરવી હોય તો ઝવેરચંદ મેઘાણીના પૌત્ર નીરજ મેઘાણી સંચાલિત ‘બુકપ્રથા’ની લિન્ક આ લેખ નીચે ફરી આપી રહ્યો છું. વધારે સગવડ હોય તો ઘરમાં આ પુસ્તકો વસાવવા ઉપરાંત તમારે પ્રસંગે-વિના પ્રસંગે તમારાં સ્વજનોને આ પુસ્તકોની ભેટ આપવી જોઈએ. મને જે ત્રણ પુસ્તકો વિશે આ શ્રેણી લખવાનું મન થયું તે ત્રણેય પુસ્તકોને— ‘મારા અનુભવો’, ‘અગવડોમાં આરાધના’ અને ‘મારા ઉપકારકો’— કોઈ પ્રસંગ કે કોઈ નિમિત્ત વિના મારાં સ્વજનોમાં વહેંચવાનું મન થયું હતું. મેં બેએક મહિના પહેલાં વૉટ્સએપ પર મૅસેજ મોકલીને મારી નજીકના પચાસેક મિત્રોને આ પુસ્તકો વિશે ખ્યાલ આપીને લખ્યું કે તમને રસ પડે તો ભેટ મોકલું. વીસેક મિત્રોનો ઉત્તર હકારમાં આવ્યો. એ સૌને મેં ‘બુકપ્રથા’માંથી ખરીદી કરીને સીધા જ એમના સરનામે કુરિયર થાય એવી ગોઠવણ કરી. બાકીના ત્રીસમાંથી ઘણા મિત્રોએ જવાબ વાળ્યો કે આ પુસ્તક/પુસ્તકો ઑલરેડી એમણે વાંચ્યાં છે અથવા એમની પાસે છે. બાકીના કેટલાકે વ્યસ્તતાને કારણે કે અન્ય કોઈ કારણસર પ્રત્યુત્તર ન આપ્યો.

‘મારા ઉપકારકો’માં રમણભાઈ ટી. પટેલ વિશેના પ્રકરણમાં સ્વામી સચ્ચિદાનંદ લખે છેઃ

‘મારાં જેટલાં નવાં પુસ્તકો છપાય તે બધાંની એક હજાર પ્રતો તેમના તરફથી ભેટ આપવા માટે હોય જ. તેમણે કહી રાખેલું, ‘મને પૂછવાનું નહિ, તમે તમારે છપાવી દેજો અને બિલ મોકલાવી દેવાનું.’

રમણભાઈ દંતાલીની બાજુમાં જ આવેલા ધર્મજ-રણોલીના વતની. અમેરિકા રહે. એક વખત સ્વામીજી અમેરિકાથી રશિયા પ્રવાસે જવા નીકળી રહ્યા હતા. સ્વામીજી લખે છે:

‘એક દિવસ મને કહે કે ચાલો, આપણે નજીકની બૅન્કમાં જઈએ. મેં કારણ પૂછ્યું તો કહે કે રશિયા જાવ છો તો હાથખર્ચો તો જોઈશે ને? ચાલો, ટ્રાવેલર્સ ચેક કઢાવી લઈએ. અમે તો બૅન્કમાં ગયા. દસ જ મિનિટમાં ત્રણ હજાર ડૉલરના ચેક કઢાવીને મારા હાથમાં મૂકી દીધા. અમે અલાસ્કા થઈને રશિયા ગયા અને પ્રવાસ પૂરો કર્યો. પેલા ચેક તો વપરાયા નહિ, એમનેએમ અકબંધ રહ્યા. મેં આવીને તેમને વાત કરી કે, ‘લો, આ ચેક પાછા લઈ લો. વપરાયા નથી.’ તો કહે કે, ‘પાછા લેવા થોડા આપ્યા હતા? મારે ન જોઈએ.’ બહુ જીદપૂર્વકનો આગ્રહ કરીને મેં પાછા આપ્યા. તેમણે શરત મૂકી કે, ‘ફરી પાછું ક્યાંક જવાનું થાય ત્યારે તમારે આ રકમ વાપરવા લઈ જવાની.’ મેં કહ્યું: ‘જેવી હરિ ઇચ્છા.’

‘મારા ઉપકારકો’માં આપણને સૌને જીવનની કટોકટીઓ દરમ્યાન કામ લાગે એવી વાત લખી છે:

‘જરા વિચારીએ. માનો કે કુદરતી આપત્તિઓ હોત જ નહિ તો? માનવીય પુરુષાર્થને કોઈ સ્થાન જ ન હોત. બંધો બાંધવા, નહેરો કાઢવી, સારાં બિયારણ બનાવવાં, સારું ઉત્પાદન મેળવવું વગેરે કશું કરવાનું જ ન હોત. વિપત્તિમાંથી વિકાસ થતો હોય છે. જો કોઈ કુદરતી વિપત્તિ જ ન હોત તો આપણે અત્યાર સુધી જે વિકાસ કર્યો છે તે પણ ન હોત. માણસ પશુ જેવું જીવન જીવતો હોત. આ વિપત્તિઓથી બચવા માટે બધા પ્રકારની પ્રતિકારક યોજનાઓ બનાવી. જેણે ન બનાવી તે દુઃખી થતા રહ્યા. પ્રકૃતિની પ્રક્રિયાને રોકી શકાતી નથી. પ્રથમ અહિતકર દેખાતું કર્મ લાંબા ગાળે હેતુપૂર્વકનું અને વિશ્વને લાભ આપનારું થતું હોય છે.’

સ્વામીજી લખે છે: આ સંસ્થા અંધશ્રદ્ધાને દૂર કરવા પ્રયોગો કરતી હતી. પણ અંધશ્રદ્ધાની સાથે સાથે તે બધા શ્રદ્ધાને પણ દૂર કરવાનું કામ કરતા હતા.

ખીમજીભાઈ કચ્છીને યાદ કરતાં સ્વામી સચ્ચિદાનંદ લખે છે:

‘ખીમજીભાઈને પહેલેથી જ ઘણું ઘણું વાંચવાનો શોખ. ઘણા વાચનથી તેમની બુદ્ધિ કેળવાતી ગઈ. તેઓ રેશનાલિસ્ટો તરફ આકર્ષાયા, કારણ કે આ સંસ્થા અંધશ્રદ્ધાને દૂર કરવા પ્રયોગો કરતી હતી. પણ અંધશ્રદ્ધાની સાથે સાથે તે બધા શ્રદ્ધાને પણ દૂર કરવાનું કામ કરતા હતા. ખીમજીભાઈથી આ સ્વીકાર્ય ન બન્યું. તેમની પાસે મારાં પુસ્તકો અને કૅસેટો આવ્યાં. પ્રભાવિત થયા. તેઓ ધીરે ધીરે મારા સંપર્કમાં આવ્યા. તેમને લાગ્યું કે એકદમ અંધશ્રદ્ધાવાળો માર્ગ યોગ્ય નથી. તો બીજી તરફ શ્રદ્ધા વિનાનો નાસ્તિક માર્ગ પણ યોગ્ય નથી. જરૂર છે શ્રદ્ધાપૂર્વકના સુધારાવાળા માર્ગની. ઉચ્છેદક નહીં પણ સુધારક થવું જોઈએ. તેમને થયું કે આ વિચારોનો પ્રચાર થવો જોઈએ… તેમની સાથે લાભુભાઈ લાખાણી ભળ્યા. લાભુભાઈ લાખાણી બહુ જ ઉદાર છે અને બે પૈસા ખર્ચી શકે તેવા. બંનેએ સુરતમાં અને આજુબાજુમાં સારો પ્રચાર કર્યો. આજે પણ કરી રહ્યા છે.’

એક વખત ખીમજીભાઈ દંતાલીના આશ્રમમાં કારીગરોને લઈને આવ્યા. બધાં બારી-બારણાંઓને પટ્ટીઓ તથા મચ્છરજાળીઓ પોતાના ખર્ચે લગાવી ગયા. સ્વામીજીને સુરત જવાનું થાય અથવા રેલવેથી ક્યાંય જતી વખતે સુરતથી પસાર થવાનું હોય ત્યારે ખીમજીભાઈ કિસમિસનું પેકેટ કે સેવખમણી લઈને જરૂર આવે. ખૂબ ઓછું ભણતર હોવા છતાં વૈજ્ઞાનિક અભિગમ હોવાને કારણે ખીમજીભાઈએ અનેક સુધારાનાં કાર્યોની ઝુંબેશ ચલાવી છે. સ્વામીજી લખે છેઃ

‘સ્મશાનભૂમિમાં અસ્થિવન ઊભું કરવાની ઝુંબેશ પણ તેમણે ઉપાડી. અર્થાત મૃતકનાં અસ્થિ (ફૂલ)ને કોઈ નદીમાં પધરાવવાં તેના કરતાં સ્મશાનમાં જ જમીનમાં દાટીને તેના ઉપર મરનારની સ્મૃતિમાં વૃક્ષ રોપવું, તેને ઉછેરવું અને તિથિએ જઈને દીવો-ધૂપ કરવો હિતાવહ છે.’

સ્વામીજી લખે છે: ‘કોઈ પણ પુરુષ ગમે તેટલો સારો હોય પણ જો તેની ધર્મપત્ની સારી ન હોય અને તેનો પૂરેપૂરો સાથ ન હોય તો તે મહેમાનોનું બરાબર સ્વાગત કરી શકે નહિ.’

અમેરિકાના ડિટ્રોઇટ શહેરમાં રહેતા અજિત દેસાઈને સ્વામીજીના આરોગ્યની સૌથી વધુ ચિંતા રહે. અઠવાડિયામાં એક ફોન તો આવે જ આવે. તબિયત સાચવવાનો અને દવા લેવાનો આગ્રહ હોય જ. અજિત દેસાઈએ અમદાવાદમાં પોતાના સગાને ત્યાં એવી વ્યવસ્થા કરી છે કે દર અઠવાડિયે સ્વામીજીના બીજા એક આશ્રમમાં (કોબા, ગાંધીનગર) આખું અઠવાડિયું ચાલે એટલું શાકભાજી આવી જાય.

ડૉક્ટર નારણભાઈ એલ. પટેલ કેલિફોર્નિયા રહે. નારણભાઈ અને એમનાં ધર્મપત્ની નીરુબહેન બંને સ્વામીજીની ખૂબ સેવા કરે. બધા કાર્યક્રમો ગોઠવે. એક વખત અમેરિકાના પ્રવાસ દરમ્યાન સ્વામીજીને હૃદયની થોડી તકલીફ થયેલી તો તરત જ ત્યાંના એક ડૉક્ટર પાસે એન્જિયોપ્લાસ્ટિ કરાવડાવી. ડૉક્ટરે બલૂન મૂકી આપ્યું. એ પછી દસ જ દિવસમાં સ્વામીજીએ દક્ષિણ અમેરિકાના પ્રવાસે જવાનું થયું. ગ્વાટેમાલા, પેરૂ, અર્જેન્ટીના, ઉરૂગ્વે વગેરે દેશોનો પ્રવાસ ડૉ.નારણભાઈએ સ્વામીજીની સાથે કર્યો.

દંતાલીના વતની અંબાલાલ (ચિમનભાઈ) રાવજીભાઈ પટેલ ત્રીસેક વર્ષથી અમેરિકાના શિક્ષણ વિભાગમાં ન્યૂયૉર્કમાં નોકરી કરે. સારો પગાર અને સારી સર્વિસ. ન્યૂયૉર્ક એટલે ભારતથી આવતા અને જતા ભારતીયોનું કેન્દ્ર. આ હિસાબે અંબાલાલભાઈને ત્યાં મહેમાનોની ભીડ વધારે રહે. સ્વામીજી લખે છે:

‘કોઈ પણ પુરુષ ગમે તેટલો સારો હોય પણ જો તેની ધર્મપત્ની સારી ન હોય અને તેનો પૂરેપૂરો સાથ ન હોય તો તે મહેમાનોનું બરાબર સ્વાગત કરી શકે નહિ. અંબાલાલનાં ધર્મપત્ની સવિતાબહેન પણ અંબાલાલ જેવાં. ગમે તેટલા મહેમાન આવે તો પણ કદી મોઢું બગાડે નહિ. પોતાનો સૂવાનો રૂમ ખાલી કરીને પોતે બેઠકરૂમમાં સૂઈ જાય, પણ મહેમાનને તકલીફ ન પડવા દે. મારે જ્યારે જ્યારે અમેરિકા જવાનું થાય ત્યારે ન્યૂયૉર્કમાં મારો ઉતારો શ્રી અંબાલાલના ત્યાં જ હોય. મારે કારણે લોકોની અવરજવર વધી જાય તો પણ બધાને ચાપાણી-નાસ્તો, જમવાનું બધું હસતા મોઢે સવિતાબહેન કરે.’

સ્વામીજી લખે છે: જીવનમાં જાણતાં-અજાણતાં આવેલા સંયોગો બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમાં જાણતાં કરતાં અજાણતાં મળેલા સંજોગો તો બહુ જ મહત્ત્વના થઈ જતા હોય છે. અજાણતાં કે અનિચ્છાએ થયેલા સંજોગોને કાર્યકારણ નથી હોતું, એટલે લોકો તેને નસીબ કે પ્રારબ્ધ કહે છે

અંબાલાલ પટેલ પોતે સાદું અને બિનખર્ચાળ જીવન જીવે પણ સગાંવહાલાં અને મિત્રોને બહુ મદદ કરે. પોતાના પગાર ઉપરાંત પણ તેઓ સાઇડમાં બીજા ધંધા કરીને કમાય, પણ જેને ભીડ પડી હોય તેને મદદરૂપ થવામાં ખર્ચી નાખે. જરાય અફસોસ નહિ, તેમ કશું અહેસાન પણ નહિ.’

સ્વામીજી નોંધે છેઃ

‘આવા અંબાલાલના ત્યાં મારે અનેકવાર ઉતરવાનું થયા કરે છે. મારી પાછળ તે સમય તો આપે, સાથે સાથે પૈસાથી પણ ઘસાય. જ્યારે જ્યારે તેમને ભારત આવવાનું થાય ત્યારે અનેક વાર ફોન કરીને પૂછે, ‘શી જરૂર છે?’, ‘શું લાવું?’ મારો એક જ જવાબ હોય: ‘કાંઈ લાવવાનું નહિ, હવે દેશમાં બધું મળે છે.’

રાજેન્દ્રકુમાર ઈશ્વરભાઈ પટેલ વિશેના પ્રકરણના પહેલા જ ફકરામાં સ્વામીજી લખે છે:

‘જીવન એક સંયોગ છે. માતાપિતાના સંબંધથી એક નવા જીવનનો સંજોગ બની જાય છે. જાણતાં કે અજાણતાં બનેલો આ સંયોગ એક નવા જીવનને પ્રગટ કરે છે. નવા જીવનને ક્યાં પ્રગટવું, ક્યારે પ્રગટવું એ બધું તેના હાથમાં નથી. બસ કુદરતની પ્રક્રિયા પ્રમાણે તે પ્રગટ્યું. પણ તે પછી પણ તેના જીવનમાં જાણતાં-અજાણતાં આવેલા સંયોગો બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમાં જાણતાં કરતાં અજાણતાં મળેલા સંજોગો તો બહુ જ મહત્ત્વના થઈ જતા હોય છે. અજાણતાં કે અનિચ્છાએ થયેલા સંજોગોને કાર્યકારણ નથી હોતું, એટલે લોકો તેને નસીબ કે પ્રારબ્ધ કહે છે આવા જ કોઈ પ્રારબ્ધવશ મને શ્રી રાજેન્દ્રકુમારની પ્રાપ્તિ થઈ.’

‘મને પણ ઠાંસી ઠાંસીને જણાવવામાં આવ્યું હતું કે ‘કંચન-કામિનીનો ત્યાગી જ મોક્ષ મેળવી શકે’… મોડે મોડે મને ભાન થયું કે આ મિથ્યા ધારણા હતી એટલું જ નહિ, આરોગ્ય માટે, મન માટે અને રાષ્ટ્ર માટે હાનિકારક પણ હતી… જેનો આવાસ અને આહાર પરાધીન હોય તેના વિચારો સ્વતંત્ર ન હોઈ શકે.’ : સ્વામી સચ્ચિદાનંદ

‘મારા ઉપકારકો’માં બીજા અનેક સ્નેહી-સ્વજન બની ગયેલાઓની સ્વામીજીએ વિગતે વાત કરી છે. એમાંના એક ઝવેરભાઈ ઓતમભાઈ પટેલના ઉલ્લેખ વિના આ લેખમાળા અધૂરી છે. સમાપન કરતાં પહેલાં ઝવેરભાઈને મળી લેવું જરૂરી છે.

સ્વામીજી લખે છે: ‘સાધુ કે ભિક્ષુ થાય તેને જ મોક્ષ મળે અને સાધુ કે ભિક્ષુ થવા માટે ગૃહત્યાગ અનિવાર્ય છે અને ગૃહત્યાગનો અર્થ એ કે ધન તથા સ્ત્રી તેમ જ આવાસનો ત્યાગ કરવો — હું પણ આ જ ચક્કરમાં આવી ગયો હતો. મને પણ ઠાંસી ઠાંસીને જણાવવામાં આવ્યું હતું કે ‘કંચન-કામિનીનો ત્યાગી જ મોક્ષ મેળવી શકે’… મોડે મોડે મને ભાન થયું કે આ મિથ્યા ધારણા હતી એટલું જ નહિ, આરોગ્ય માટે, મન માટે અને રાષ્ટ્ર માટે હાનિકારક પણ હતી… જેનો આવાસ અને આહાર પરાધીન હોય તેના વિચારો સ્વતંત્ર ન હોઈ શકે.’

સ્વામીજી લખે છે, ‘મારો અનુભવ છે કે મારા માટેની મારી ઇચ્છા ફળતી નથી પણ મારા માટેની ઈશ્વરની ઇચ્છા તરત ફળે છે અને તે સહજ કલ્યાણકારી પણ હોય છે.’

1951માં ગૃહત્યાગ કર્યા પછી સ્વામીજી અનિકેત રહ્યા. અનિકેત એટલે જેમની પાસે નિકેતન નથી તે. નિકેતન એટલે ઘર. લગભગ અઢાર વર્ષ સુધી આવાસ તથા આહાર માટે પરાવલંબી જીવન ગાળ્યા પછી સવામી સચ્ચિદાનંદે વિચાર્યુ:

‘મારી પ્રાથમિક અને મૂળ જરૂરિયાત હતી કે હું પગભર થાઉં, કોઈની ઓશિયાળ વિના માથું ઢાંકવાની જગ્યા મળે અને સૂકો તો સૂકો પણ પોતાનો રોટલો મળે. આ માટે જરૂરી હતું કે બે ઓરડાવાળો આશ્રમ બને (સ્વામીજીએ અગાઉ નોંધ્યું છે કે પોતાની પાસેનાં પુસ્તકસંગ્રહને એક જગ્યાએ સાચવવા માટે પણ આશ્રમની અનિવાર્યતા ઊભી થઈ હતી.) હું સ્થળ શોધતો હતો. મારી ઇચ્છા વૃંદાવન કે નર્મદાકિનારા તરફ વધુ હતી. આ બંને સ્થળોએ ફરી આવ્યો. મારો અનુભવ છે કે મારા માટેની મારી ઇચ્છા ફળતી નથી પણ મારા માટેની ઈશ્વરની ઇચ્છા તરત ફળે છે અને તે સહજ કલ્યાણકારી પણ હોય છે.’ સ્વામીજીએ નોધ્યું છે કે, મારી ઇચ્છા પ્રમાણે વૃંદાવનમાં આશ્રમ કર્યો હોત તો ત્યાં તો ભારે ગુંડાગીરી ચાલે છે તેનો ભોગ બન્યો હોત. સાથે સાથે સાધુઓની ખટપટોનો પણ ભોગ બન્યો હોત. આવું જ નર્મદા કિનારે પણ થાત. અહીં દંતાલીમાં મને જે અનુકૂળતાઓ મળી તે કદાચ ત્યાં ન મળી હોત. આને હું ઈશ્વરેચ્છા જ સમજું છું. દંતાલીના શ્રી કાન્તિભાઈ ચતુરભાઈ પટેલે આગ્રહ કર્યો કે દંતાલીમાં જ આશ્રમ બનાવો — હું બે વીઘા જમીન આપીશ. પછી તો ઘણાં ગામોએ જમીનની ઑફરો કરી. તેમાં મને મળ્યા દંતાલીના શ્રી ઝવેરભાઈ ઓતમભાઈ પટેલ.’

‘હવે જ્યાં સુધી તમે મારી જમીન લેવાની હા નહિ પાડો ત્યાં સુધી અન્નજળનો ત્યાગ અને અહીં જ બેસી રહીશ.’

ઝવેરભાઈ વૃદ્ધાવસ્થાએ પહોંચી ગયા હતા. સંતાન નહીં પણ દત્તક પુત્ર જયંતીભાઈ.  વૈદ્યનાથ મહાદેવના જીર્ણોદ્ધાર વખતે સ્વામીજીએ પાંચેક મહિના મહાદેવમાં રહેવાનું થયું ત્યારે ઝવેરભાઈ અને તેમનો પરિવાર સ્વામીજીની નજીક આવ્યો હતો. ઘણી વાર આગ્રહ કરીને તેઓ પોતાને ત્યાં જમવા લઈ જાય. એ પછી એક વખત જમીનની શોધમાં સ્વામીજી નર્મદાકિનારે ગયા હતા. નર્મદાકિનારેથી સ્વામીજી સુણાવ (દંતાલીથી આઠ-નવ કિ.મી.ના અંતરે) આવ્યા ત્યારે સુણાવવાળા પણ જમીન આપવા તૈયાર થઈ ગયા હતા. ઝવેરભાઈને ખબર પડી એટલે દંતાલી ગામના પાંચ-સાત પ્રૌઢ માણસોને લઈને સુણાવ આવ્યા. સ્વામીજી લખે છે:

‘સુણાવ અને દંતાલી વચ્ચે ભારે ખેંચતાણ જામી. ઝવેરભાઈ તો કોટ-ટોપી ઉતારીને ખીંટીએ વળગાડીને બોલ્યા કે, ‘હવે જ્યાં સુધી તમે મારી જમીન લેવાની હા નહિ પાડો ત્યાં સુધી અન્નજળનો ત્યાગ અને અહીં જ બેસી રહીશ.’ તેમની આ મક્કમતા આગળ મારે અને સૌને ઝૂકવું પડ્યું. અને અમે જય બોલાવી ત્યારે એમને શાંતિ થઈ. આ રીતે મને દંતાલી લાવવામાં શ્રી ઝવેરભાઈનો મહત્ત્વનો હાથ રહ્યો કહેવાય. ઇ.સ.1969ની વસંતપંચમીએ તેનું ખાતમુહૂર્ત થયું. આજે (2004માં) પાંત્રીસ વર્ષ થઈ ગયાં. બે રૂમનો આશ્રમ આજે તો ઘણો મોટો થઈ ગયો છે… આ સિવાય સ્વ. વાઘજીભાઈ પટેલ તથા માધાભાઈ શામળભાઈ અને સ્વ. ગિરધરભાઈ જેશિંગભાઈ પટેલના પરિવારે પણ આશ્રમને જમીનની ભેટ આપી છે…’

ઝવેરભાઈની તીવ્ર ઇચ્છા હતી કે જલદીથી આશ્રમ બંધાય, મરતાં પહેલાં આશ્રમ જોવો છે, પોતે આશ્રમ જોઈને મરે તો  શાંતિ થાય. તેમની ઇચ્છા પૂરી થઈ.

સ્વામીજી લખે છે: ‘આશ્રમ થયા પછી જ મારી વૈચારિક આભા વધુ ઝળકવા લાગી, કારણ કે હું સ્વાવલંબી હતો.’

તે વખતે સ્વામીજી પાસે માત્ર નવ હજાર રૂપિયા હતા, પણ પરિચિતોએ વગર માગ્યે ચોવીસ હજાર આપ્યા. એમાંથી બે ઓરડાનો આશ્રમ બંધાઈ ગયો. ઝવેરભાઈ રોજ આશ્રમમાં આવે. તે વખતે ઘણું બાંધકામ લીંપણવાળું હતું. ગામની કેટલીય બહેનો છાણ-માટી વગેરે લઈને આવે અને એટલું સરસ લીંપણ કરે કે સૌ જોયા જ કરે.

સ્વામીજી લખે છે: ‘હવે તો એ બધા ચહેરાઓ રહ્યા નથી. ઝવેરભાઈ દેવ થયા. બીજા બધા વૃદ્ધો પણ દેવ થઈ ગયા. જે નાનાં નાનાં બાળકો હતાં તે મોટા યુવાનો થઈને પરણી ગયા. તેમના ઘરે પણ બાળકો રમતાં થઈ ગયાં. મેં આ દંતાલી ગામમાં ત્રણ ત્રણ પેઢીઓ જોઈ છે. આશ્રમ થયા પછી જ મારી વૈચારિક આભા વધુ ઝળકવા લાગી, કારણ કે હું સ્વાવલંબી હતો. તે પછી તો મેં (2004 સુધીમાં) પચાસેક પુસ્તકો લખ્યાં હશે જેનો કાંઈક પ્રભાવ ગુજરાતી વાચકો ઉપર છે. મારે શ્રી ઝવેરભાઈનો આભાર માનવો જ જોઈએ કે હઠ કરીને કે આગ્રહ કરીને તે મને દંતાલી લઈ આવ્યા અને તેમણે પોતાની જમીન ભેટ આપી… આજે હું વિચાર કરું છું કે જો આ આશ્રમ ન બન્યો હોત તો જે સ્વાવલંબનતા મને પ્રાપ્ત થઈ તે ન થઈ શકી હોત.’

2022ના વર્ષની 22 એપ્રિલે સ્વામી સચ્ચિદાનંદ નેવું વર્ષ પૂરાં કરીને એકાણુંમા વર્ષમાં  પ્રવેશ કરશે. ભગવાન એમને સવાસો વર્ષનું ભરપૂર સ્વસ્થતાભર્યું અને કાર્યરત જીવન આપે એવી પ્રાર્થના. સ્વામીજીનું સમગ્ર જીવન લાખો લોકો માટે પ્રેણાદાયી બનતું રહ્યું છે. એમનો પૂર્વાશ્રમ, એમનો ગૃહત્યાગ, એ પછી અભ્યાસ તથા ભ્રમણ, એમનું ચિંતન-લેખન, એમનાં પ્રવચનો, એક પવિત્ર તીર્થસ્થળ સમાન એમનો અત્યંત સાદગીભર્યો આશ્રમ —આ બધું જ આપણને સાત્ત્વિક જીવન જીવવા માટે ઉત્સાહ પ્રેરે એવું છે. ભારતના તમામ લોકોને, વિશેષ કરીને ગુજરાતીઓને ગૌરવ હોવું જોઈએ કે આટલી મહાન વિભૂતિ જે કાળમાં પોતાનું જીવનકાર્ય કરી રહી છે તે કાળમાં જીવવા માટે આપણે સદ્‌ભાગી બન્યા છીએ. સ્વામીજીને પ્રત્યક્ષ મળવાનું થાય ત્યારે એમનાં દર્શનનો, એમની સાથે વાતચીત કરવાનો, એમના સ્નેહને પાત્ર બનવાનો લહાવો તો હોવાનો જ, એમનાં પુસ્તકો-પ્રવચનો દ્વારા એમના વિચારોને પામવાનો લહાવો પણ એટલો જ મોટો છે – પ્રત્યક્ષપણે ન મળતા હોઈએ તો પણ તમે એમના સાંન્નિધ્યમાં છો એવી પ્રતીતિ થતી રહે.

કાલ-પરમ દિવસથી સ્વામી સચ્ચિદાનંદ સાથેની  મુલાકાતોને ધારાવાહિક સ્વરૂપે આ જ જગ્યાએ વાંચવાનું ચૂકશો નહીં. ત્યાં સુધી-

હરિઓમ.

• • •

સ્વામી સચ્ચિદાનંદનાં પુસ્તકોના પ્રકાશક ગૂર્જર પ્રકાશનની વિગતો:

ગુર્જર સાહિત્ય પ્રકાશન
ટાઈટેનીયમ સીટી સેન્ટર મોલ પાસે,
૧૦૨, લેન્ડમાર્ક બિલ્ડિંગ ,
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ઉપર,
સીમા હોલ સામે, ૧૦૦ ફૂટ આનંદનગર રોડ,
સેટેલાઈટ, અમદાવાદ – ૩૮૦૦૦૧૫
Mobile : 98252 68759
ઈમેલ : gujaratsahityaparashan@gmail.com

તથા સ્વામી સચ્ચિદાનંદનાં પુસ્તકોની ઑનલાઇન ખરીદી કરવી હોય તો ઝવેરચંદ મેઘાણીના પૌત્ર નીરજ મેઘાણી સંચાલિત ‘બુકપ્રથા’ની લિન્ક: બુકપ્રથા ડોટ કોમ

• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

12 COMMENTS

  1. Hello SS, it is very to read swami ji write up, very simple n smooth gujarati language, if you can help to get all the books of swami ji in USA, is it possible ??

    If not then do let me know how do we get all the books for myself, my daughter & my grand sons to get closer to swami ji jeevan, see how do you help me here as my family lives in malad, mumbai.

    If possible will you advise the total price of all the around 150 books as well !!!

    • I have given full details of the publisher and online seller at the end of this article. Please check with them. You can email Niraj Meghani on bookpratha.com.

      I am glad that you are inspired to read Swami Sachhidanand.

    • Niraj Meghani
      bookpratha.com

      BOOKPRATHA
      GF-1, Surabhi Residency
      Shashiprabhu Chowk
      Rupani Circle
      Bhavnagar 364 001
      Gujarat
      India
      Phone : +91-9033589090
      (On weekdays, during 10 AM to 7 PM, IST)

  2. Each one of us is ” Ishwariya Ansh”.

    Myself , Manoj, is not one living entity. Billions of living cells, newly born, just expired, prospering, grouping, etcetera…….. outside invaders too…… very complicated phenomena…. in my complete body . Perhaps each one can claim -” I am Manoj “.

    Likewise, each one of us can claim : “Aham Brahmasmi”.

    Swami Sachchidanadji has earned respect and love from many. Sashtang Pranams to him.
    Thanks a lot , Saurabhbhai, for your lucid articles. Praying all the time ” Ishwar would surely fulfill your wish to complete 100 fruitful years of age.

  3. સ્વામીજી ની આત્મા વિશે ની સમજાવટ તો બરાબર; પણ તો પછી શ્રી આદિ શંકરાચાર્યે જે આત્માષ્ટક માં વાત કહી છે એનો શુ અર્થ સમજવો?
    આપના લેખો તો હંમેશા હ્રદયસ્પર્શી જ હોય છે.

  4. ‘મારા અનુભવો તમારાં સો પુસ્તકોની યાદી દ્વારા વાંચવા મળ્યું. ધર્મને લગતી ઘણી માન્યતાઓ ધરમૂળથી બદલાઈ ગઈ. સ્વામીજીનાં લેખો જ્યાં પણ વાંચવા મળે તે એક બેઠકે વાંચીને જ સંતોષ મળે. સમાજ છોડીને સમાજ માટે બોજારૂપ થવાને બદલે સમાજને સમર્પિત થવાની એમની ભાવના આધુનિક સંત તરીકે દાખલારૂપ છે.

  5. બહુ જ સરસ વાત કરી રહ્યા છો…સ્વામીજી વિશે…
    જેમ જેમ એમને વધુ વાંચીશું તો ઘણું બધું જાણવા મળશે….
    એને જીવન માં ઉતારવા નો પ્રયત્ન જરૂર થી કરીશું..

    માટે જેમ બને એમ વધુ ને વધુ એમના વિશે જણાવશો..

    તમારો ખૂબ ખૂબ આભાર…

  6. Since Last 25 Years . I am in live contact with Swamijee. Your article excellent. I read most of Swamijee Books & I give presents to my Friends & Relatives.

  7. મને સ્વામિ શ્રી ના પુસ્તકો વાંચવા ખૂબ ગમે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here