શ્રીમંતાઈ પૈસાથી નથી આવતી, સંતોષથી આવે છે : સૌરભ શાહ

( લાઉડમાઉથ: ‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૧૫ માર્ચ ૨૦૨૩)

રજનીશ સમજાવે છે કે તમારી પાસે પૈસા નથી, તમે કંગાળ છો તો તમે શાપિત છો, ડગલે ને પગલે તમે હડધૂત થવાના, તમારી આખી જિંદગી પૈસા મેળવવામાં ખર્ચાઈ જવાની.

તમારી પાસે પૈસા હોય તો એનાથી આ પાયાની મુસીબત બદલાતી નથી, તમે વધુ પૈસો કમાવવા, હજુ વધુ પૈસો મેળવવા આખી જિંદગી ખર્ચી નાખવાના અને જ્યારે ખૂબ બધો પૈસો તમારી પાસે આવી જશે ત્યારે તમે ગિલ્ટી ફીલ કરતા થઈ જશો. કારણ કે તમને ખબર છે કે તમે આ પૈસો કેવી રીતે ભેગો કર્યો છે- લુચ્ચાઈથી, બેરહમ બનીને, ગંદી રીતે. લોકોનું લોહી ચૂસીને એ પૈસો તમે મેળવ્યો છે. એટલે હવે તમારી પાસે ખૂબ બધો પૈસો છે પણ તમને એ પૈસો યાદ કરાવે છે કે તમે કેવા કેવા ગુનાઓ કરીને એ પ્રાપ્ત કર્યો છે.

આવા પૈસાને કારણે બે પ્રકારના લોકો પેદા થાય છે. એક પ્રકારના લોકો ગિલ્ટ દૂર કરવા માટે દાન-ધર્માદા કરવાનું શરૂ કરે છે. તેઓ કહે છે કે હવે મારે ‘સમાજ માટે કંઈક કરી છૂટવું’ જોઈએ. તમારી આ હૉસ્પિટલો, સ્કૂલો બધું અપરાધભાવથી પીડાતા લોકોના પૈસાથી બનેલું છે. તમારી આ ગિલ્ટનો પૂરેપૂરો લાભ ધર્મનો ધંધો કરનારાઓ ઉઠાવે છે. તેઓ તમારી ગિલ્ટનો ફાયદો ઉઠાવે છે એટલું જ નહીં તમારા અહમ્ને પણ પોષે છે – તમે ખૂબ સુંદર ધાર્મિક- આધ્યાત્મિક કાર્ય કરી રહ્યા છો એવું કહીને તમારા ઈગોને પંપાળે છે. તમારા એ દાનધર્માદાને આધ્યાત્મિકતા સાથે કોઈ લેવાદેવા નથી. એ લોકો માત્ર ગુનેગારોને સારા શબ્દોમાં આશ્વાસન આપતા હોય છે.

ચિક્કાર પૈસો મેળવનારા બીજા પ્રકારના લોકો એવા છે જેઓ એટલી ગિલ્ટ અનુભવતા થઈ જાય છે કે કાં તો તેઓ પાગલ થઈ જાય છે, કાં આત્મહત્યા કરી બેસે છે. એ લોકોને પોતાના જ અસ્તિત્વનો ભાર લાગવા માંડે છે. પૈસાથી પાગલ થઈ ગયેલા લોકો છકી જાય છે. પૈસાના તોરમાં તેઓ ન કરવાનું કરી બેસે છે. એમની જિંદગી પાટા પરથી ખડી પડે છે. શ્રીમંતાઈ પૈસાથી નથી આવતી, સંતોષથી આવે છે. બુદ્ધ જો ઝૂંપડીમાં રહેતા હશે તો એ ઝૂંપડી પણ એમના માટે મહેલ હશે અને જો એ મહેલમાં રહેતા હશે તો દુનિયાના બીજા કોઈ પણ આદમી કરતાં મહેલને એ વધારે માણી શકવાના. જે માણસ ઝૂંપડીને માણી શકતો હોય એ મહેલનો આનંદ તો કેટલો બધો માણી શકવાનો.

જિંદગી જીવવી જોઈએ ભરપૂર રીતે. શ્રીમંતાઈ અંદરની જાગૃતિથી આવે છે. તમે ખૂબ ગરીબ હો છતાં બહારથી તમારી પાસે ઘણો પૈસો હોય, મોટું બૅન્ક બૅલેન્સ હોય એ શક્ય છે, પણ તમારી એ લાઈફ કૂતરા જેવી જિંદગી હોવાની.

રજનીશ કહે છે કે હું એવા કેટલાય પૈસાદારોને ઓળખું છું જેમની પાસે ચિક્કાર પૈસો હોવા છતાં એ લોકો એ પૈસાને માણી શકતા નથી, જિંદગીનું સૌંદર્ય જોઈ શકતા નથી. પૈસો આવી ગયા પછી તમારે વધુ ભૌતિક સગવડો ઊભી કરવાની નથી. તમારે વધારે સંવેદનશીલ બનવાનું છે. જેથી તમારી આસપાસના જગતનો તમે આનંદ માણી શકો.

રજનીશ કહે છે કે હું ગરીબીનો વિરોધી છું, પૈસાનો તરફદાર છું. ગરીબ બનવાની કોઈ જરૂર નથી. આપણે જો ગરીબ હોઈએ તો એ માટે જવાબદાર આપણે પોતે જ છીએ. પૈસાથી હૅપિનેસ ખરીદી શકાતી નથી, પણ પૈસાથી હાલાકીઓ અને મજબૂરીઓ ચોક્કસ હળવી બનાવી શકાય છે અને એટલે જ હું પૈસાનો વિરોધી નથી. અગવડોવાળી મજબૂરીઓ કરતાં સગવડોવાળી મજબૂરીઓ લાખ દરજ્જે સારી. હું પોતે ગરીબીમાં રહ્યો છું, હું શ્રીમંત જિંદગી પણ જીવ્યો છું અને તમને કહું છું કે ગરીબાઈ કરતાં શ્રીમંતાઈ લાખ દરજ્જે સારી છે. હું ઈચ્છું છું કે તમે સૌ ખૂબ શ્રીમંત બનો, માત્ર પૈસાથી જ નહીં, દરેક રીતે- મનથી પણ શ્રીમંત બનો.

પૈસાથી પ્રેમ મળતો નથી, પૈસાથી ખરી દોસ્તી પણ મળતી નથી, પણ જેમને પૈસો જોઈએ છે એ લોકો આવું કશું વિચારતા નથી. પૈસો મેળવતી વખતે કે પૈસો આવી ગયા પછી માણસે સમજવું જોઈએ કે દુનિયામાં કેટલીક ચીજો ખરીદી કે વેચી શકાતી નથી. કેટલીક વસ્તુઓ પૈસાથી પર છે. રજનીશ કહે છે કે યાદ રાખો, હું પૈસાનો વિરોધી નથી, પણ હું તમને એનાથી પર લઈ જવાની કોશિશ કરી રહ્યો છું. પૈસો તમારી જિંદગીમાં હોય કે ન હોય – એ બેઉ પરિસ્થિતિમાં તમે એકસરખા આનંદથી જીવી શકો એમ છો એ સમજાવવાની કોશિશ કરું છું. એ માટે કઈ કઈ પૂર્વશરતો હોય છે તે કહેતો રહું છું તમને.

રજનીશની વાતો ઘણાને ડબલ સ્ટાન્ડર્ડવાળી લાગતી હોય છે. કારણ કે આવું માનનારાઓ પોતે આખી જિંદગી ડબલ સ્ટાન્ડર્ડ્સથી જીવ્યા હોય છે. રજનીશની વાતો કોઈ બાબા-ગુરુની વાત નથી જેનો આંધળો સ્વીકાર કરવાનો હોય, જેની સામે કોઈ દલીલ ન કરવાની હોય. રજનીશ પ્રખર ચિંતક છે, મૌલિક વિચારક છે. આજે, ૨૦૨૩ની સાલમાં, પણ રજનીશના વિચારો તમને ક્રાંતિકારી લાગે છે. કારણ કે સમાજની માનસિકતા હજુય એવી ને એવી જ છે, આપણી પોતાની માનસિકતા પણ ખાસ કંઈ બદલાઈ નથી.

રજનીશ કહેવા માગે છે કે સલામતીની શોધમાં ભટક્યા કરવું ફોગટ છે. માણસ શું કામ વધારે ને વધારે કમાવા માગે છે? જેથી એને પૈસાની જરૂર ન રહે, એની લાઈફ સિક્યોર્ડ થઈ જાય, એનાં સંતાનો ભૂખ્યાં ન રહે, એણે પોતે સાજેમાંદે કોઈની આગળ હાથ લંબાવવો ન પડે. રજનીશ કહે છે કે જિંદગીનું બીજું નામ જ અસલામતી છે. મૃત્યુ આવે જ નહીં એવો કોઈ વીમો છે? એ તો આવવાનું જ. વીમાની ડઝનબંધ પૉલિસીઓ તમારી પાસે હશે છતાંય એ તો આવવાનું જ. અને લાઈફને તમે જેટલી સેફ, જેટલી સિક્યોર્ડ કરવાની કોશિશ કરશો એટલી એ વધારે શુષ્ક, વધારે ઉજ્જડ બનતી જશે.

અસલામતી તમને સતત જાગૃત રહેવા માટે મજબૂર કરે છે. દરેક પ્રકારનાં જોખમ સામે તમને સાવચેત રાખે છે. જિંદગી પૈસાવાળાની હોય કે ગરીબની – કોઈની પણ જિંદગી ખાંડાની ધાર પર ચાલવા જેવી હોય છે. સલામતીભરી જિંદગી જોખમી બની જાય છે કારણ કે તમે ખાંડાની ધાર પર ચાલતી વખતે સાવધ નથી રહેતા, જાગ્રત નથી રહેતા. હકીકત તો એ છે કે જાગ્રત નહીં રહેવા માટે, સાવધ નહીં રહેવા માટે તમે સલામત અને સુરક્ષિત જિંદગી મેળવવા માગો છો.

હજારો ઉપદેશકો કે ધાર્મિક પ્રવચનકારોથી રજનીશ જુદા એટલા માટે છે કે રજનીશ તમને ડરાવતા નથી, તમારામાં ગિલ્ટ ઊભી નથી કરતા. રજનીશની જિંદગીને, એમના વિચારોને તમે કોઈ પણ ઊભા રહીને જોઈ શકો છો. મા શીલા આનંદના ખૂણે ઊભા રહીને જુઓ તો તમને ૮૫ રોલ્સ રોયસ અને સો કીંમતી, રત્નજડિત ઘડિયાળોવાળા રજનીશ દેખાશે, ભૌતિક સુખસગવડોથી ઘેરાયેલા, સુંદર સ્રીઓના સહવાસમાં રહેતા રજનીશ દેખાશે.

એની સામેના છેડેથી જોશો તો જેમની લાઈબ્રેરીમાં ૯૦,૦૦૦ પુસ્તકો હતાં, એ દરેકને વાંચીને અંડરલાઈન કરીને, છેલ્લે પૂરું કર્યા પછી હસ્તાક્ષર કરીને રાખતા, એ રજનીશ છે. વીસમી સદીના ભારતમાં જ નહીં, વિશ્ર્વમાં પણ જેમનો જોટો ન મળે એવી મૌલિક વિચારધારાવાળા મહાપુરુષ છે જે સાઠ વર્ષ કરતાં ઓછું આયુષ્ય ભોગવીને સદીઓ સુધી ચાલે એવું ચિંતન આપતા ગયા એવા રજનીશ છે. ચૉઈસ તમારી છે, તમારે કયા રજનીશને મળવું છે. જે રજનીશને તમારે મળવું હોય તેને મળો- ફાયદો કે નુકસાન, તમારું જ છે.

સાયલન્સ પ્લીઝ

જ્યાં ભય સમાપ્ત થાય છે ત્યાંથી જીવનનો આરંભ થાય છે.
–રજનીશ

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

6 COMMENTS

  1. Osho is so relevant today ! His vision is applicable today also ! . If one understands a single paragraph said by osho , his life would change permanently 🙏I think there should be at least one chapter on osho in schools / academic books , else lots of people would be deprived of such visionary.

  2. સ્વામિ સચ્ચિદાનંદજીની રજનીશબાબા માટેની સમજ ગમી છે.

  3. મને રજનીશજી નાં વિચારો ખૂબ પસંદ છે,ખૂબ બધું વિચારવા જેવું અને સ્વીકારવા જેવું હોય છે તેમની વાતો માં, પણ તેમના જેટલી હિંમત ,e kabulvani બધામાં હોતી નથી અને એટલે બહારથી બધા એમને વગોવતા હોય છે, આપ એમની સીરીઝ ચાલુ રાખશો તો ખૂબ આનંદ આવશે.

  4. આવા જ બાબતના આજે સવારે જ વિચારોના વૃંદાવનમાં મહાલતા વિચારો આવ્યા અને તમારો આજનો આ લેખ વાંચવા મળ્યો અને મોજ આવી ગઈ.

  5. શ્રી રજનીશજી ની ફીલોસોફી મૌલિક છૈ.નવો ચીલો પાડનારી છૈ.તેમણે ઘણા પુસ્તકો નું અધ્યયન કર્યું હતુ.તે તત્વજ્ઞાની હતા.આ લેખ એક ઝલક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here