કાનૂન બધાને માટે એકસરખો છે પણ ન્યાય તોળવાનાં ત્રાજવાં – કાટલાં સૌના માટે જુદાં જુદાં છે

તડકભડક : સૌરભ શાહ

(‘સંદેશ’, ’સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૧૫ ડિસેમ્બર ૨૦૧૯)

જો તમે સંયુક્ત કુટુંબમાં ઉછર્યા હશો કે પછી તમારા મિત્રો-સંબંધીઓ-પાડોશીઓમાં તમે સંયુક્ત કુટુંબો જોયાં હશે તો આ વાત સહેલાઈથી સમજાઈ જશે. જોઈન્ટ ફૅમિલીમાં રહેતા કોઈકને કોઈક સભ્યની ફરિયાદ હશે: મને અહીં ડગલે ને પગલે અન્યાય થાય છે.

શું કુટુંબના વડાએ દરેક સભ્ય માટે જુદાં જુદાં નીતિનિયમો બનાવ્યાં છે? ના. એવું કરે તો તો બળવો થઈ જાય. સંયુક્ત કુટુંબ વિખેરાઈ જાય. શું જાણી જોઈને કુટુંબની કોઈ વ્યક્તિને આ નીતિનિયમોના લાભથી વંચિત રાખવામાં આવે છે? બદલાની ભાવનાથી કે ઈર્ષ્યાની લાગણીથી કે પછી એવી બીજી અન્ય ગણતરીથી કોઈને અન્યાય કરવામાં આવે છે? કે પછી ફરિયાદ કરનારના મનમાં ખોટો ખ્યાલ ભરાઈ ગયો હોય છે કે મને અહીં ડગલે ને પગલે અન્યાય થાય છે?

આપણે નથી સમજતા કે પછી સમજવા માગતા નથી કે કુટુંબનાં નીતિનિયમો કે દેશના કાનૂનો સૌના માટે એકસરખાં હોવા છતાં અન્યાય થવાનો. અંબાણીથી લઈને રસ્તા પરના ભિખારી સુધીના સૌ કોઈએ અન્યાયનો ભોગ બનવું પડતું હોય છે. અને આ બે અંતિમોની વચ્ચે જીવતા આપણા જેવા લોકોએ પણ.

લેટ મી એક્‌સ્પ્લેન. કાયદા-કાનૂન કે રીતિરિવાજ-નીતિનિયમ મેન મેઈડ છે. એ બધું આપણે બનાવ્યું હોય છે. પરંપરા પણ છેવટે તો માણસનું જ સર્જન છે. જ્યારે ન્યાય-અન્યાય કુદરતની દેણ છે. ભગવાનમાં માનતા હો તો ભગવાનની. નૈસર્ગિક કારણો નક્કી કરશે કે જિંદગીમાં ક્યારે, કેવી રીતે તમારી સાથે ન્યાય થશે અને કેવા સંજોગોમાં તમે અન્યાયનો ભોગ બનશો.

કાયદો અને ન્યાય – આ બેઉ સિક્કાની બે બાજુ નથી, નથી, નથી. એ બંને તદ્દન ભિન્ન સિક્કાઓ છે. એટલું જ નહીં બે દેશના જુદા જુદા ચલણમાંથી આવતા સિક્કાઓ છે. દરેક વખતે કાનૂન દ્વારા તમને ન્યાય મળે તે જરૂરી નથી. કાનૂનમાં આપણે અહીં કાયદાઓ, નીતિઓ, નિયમો તથા રિવાજોને પણ ગણી લઈએ છીએ – આપણી સગવડ માટે.

જેમને લાગે છે પોતાને ન્યાય નથી મળ્યો એમણે કાનૂનનો વાંક કાઢવાને બદલે પોતાનાં પ્રગટ-અપ્રગટ કર્મોમાં ઊંડા ઊતરીને જોવું જોઈએ કે આ કર્મોમાંથી ક્યા કર્મને કારણે પોતાને અન્યાય થઈ રહ્યો છે. જવાબ મળી જશે. ક્યારેક કર્મો નહીં, વિચારો પણ અન્યાય માટે કારણભૂત હોય છે. કારણ કે મનમાં ગમે એટલા અંદર સુધી ધરબી રાખેલા વિચારો પણ અભાનપણે આપણા વર્તનમાં છલકાતા જ હોય છે. ક્યારેક આવા અન્યાયને આપણે પૂર્વજન્મનાં કર્મોનું ફળ માનીએ છીએ. પુનર્જન્મમાં ન માનતા હોઈએ તો આ પંક્તિમાં શ્રધ્ધા રાખવી કે બદલો ભલા-બૂરાનો અહીંનો અહીં મળે છે.

ઊંડા ઊતરીએ. આજથી લગભગ પચ્ચીસ વર્ષ પહેલાં અમેરિકાનો સ્ટાર ફૂટબૉલ પ્લેયર ઓ. જે. સિમ્પસન પોતાની એક્‌સ-વાઈફ અને એના બૉયફ્રેન્ડની હત્યાના આરોપસર પકડાયો. જગવિખ્યાત ટ્રાયલ ચાલ્યો. સજ્‌જડ પુરાવા હતા છતાં છૂટી ગયો. એ આફ્રિકન-અમેરિકન હતો. ચાલુ ભાષામાં બ્લૅક હતો. જ્યુરીમાં બારમાંથી આઠ જણ બ્લૅક હતા. સિમ્પસને જ ખૂન કર્યાં હોય એવી ભરપૂર શક્યતા હોવા છતાં એને બાઈજ્‌જત બરી કરવામાં આવ્યો અને બંને વિક્‌ટિમ્સનાં કુટુંબોને લાગ્યું કે અમારી સાથે અન્યાય થયો છે, કાનૂને અમને સાથ નથી આપ્યો. એ બેઉ કુટુંબોની વ્યથા સાચી હતી. અમેરિકામાં બ્લૅક્‌સ અને વ્હાઈટ્‌સ વચ્ચેનો વિગ્રહ ઘણો જૂનો છે. ત્યાં હવે તો બેઉના માટેના કાનૂન એકસરખા જ છે છતાં બેઉ સમાજોને અમુક અમુક બાબતોમાં લાગતું રહે છે કે અહીં અમારી સાથે અન્યાય થાય છે, ત્યાં અમારી સાથે અન્યાય થાય છે.

અન્યાય સામે બગાવત કરવાનું આપણે ગાંધીજી પાસેથી શીખ્યા. પણ આપણે ભૂલી જઈએ છીએ કે ગાંધીજીએ કાયદા સામે વિરોધ નોંધાવ્યો હતો. કોઈ બિનગોરો ઊંચા ક્‌લાસના ડબ્બામાં રેલ-મુસાફરી ન કરી શકે એવો કાયદો હતો સાઉથ આફ્રિકામાં. એવા કાયદાઓ સામે બગાવત કરી હતી ગાંધીજીએ. ભારતમાં પણ એ જ કર્યું. અમને અન્યાય થાય છે એવાં રોદણાં રડીને બેસી નહોતા રહ્યા એ. જેમને લાગતું હોય કે પોતાની સાથે અન્યાય થાય છે એમણે કાયદો બદલવાની વાત કરવી જોઈએ, મૂળમાં જવું જોઈએ. અને જો એવી કોઈ તાકાત કે સંગઠનશક્તિ ન હોય તો ગમે ત્યાં ગમે ત્યાં જઈને ફરિયાદો કરવાને બદલે સમજવું જોઈએ કે કાનૂન બધાના માટે એકસરખો હોવા છતાં મને શું કામ અન્યાય થાય છે.

હજુ એક વાત.

તમારો ચહેરો રૂપાળો હોય તો તમને સામેવાળી વ્યક્તિ વધારે ઉષ્માથી આવકાર આપવાની જ છે. તમે પૈસાદાર હો, તમે મોટી સત્તા કે વગ ધરાવતા હો ત્યારે સામેવાળાના તમારા પ્રત્યેના વર્તનમાં ફરક પડવાનો જ છે. તમે સેલિબ્રિટી હો તો સમાજ તમારી અમુક પ્રકારની આમાન્યા રાખવાનો જ છે.

ન્યાયની દેવીને આંખે પાટા હોય છે પણ કાયદો તો બધું જ ખુલ્લી આંખે જોઈ શકતો હોય છે. એ જોઈ શકે છે કે તમે વગદાર છો કે નહીં, પૈસાદાર છો કે નહીં વગેરે. જે કાનૂની ચુંગાલમાંથી તમને મામૂલી ફી લેતા વકીલો છોડાવી નહીં શકે એના કરતાં અટપટી ચુંગાલમાંથી તમે મોંઘા વકીલો રોકીને છૂટી જઈ શકો છો. જજસાહેબો પોતે પોતાની કોર્ટમાં નામી વકીલોના પ્રવેશમાત્રથી પ્રભાવિત થઈ જતા હોય છે. તમને ગમે કે ન ગમે, તમે સ્વીકારો કે ન સ્વીકારો પણ આવું થતું હોય છે. તમારા ડ્રોઈંગ રૂમમાં બેલ વાગે ને તમે દરવાજો ઉઘાડીને જુઓ તો કુરિયરવાળો હોય ત્યારે તમારું રિએક્‌શન અને સામે મોરારિબાપુ હોય ત્યારનું તમારું રિએક્‌શન એકસરખું ન હોય તે સ્વાભાવિક છે. આમાં જજસાહેબોનો વાંક કાઢવા જેવો નથી. આપણા જેવા જ હોય છે તેઓ, આપણા જ સમાજમાંથી આવ્યા હોય છે તેઓ.

કાનૂન બધા માટે એકસરખો હોય છે, હોવો જોઈએ એ વાત તાત્વિક છે, થિયરીની વાત છે એ. વ્યવહારમાં એવું નથી હોતું અને એટલે જ આપણે ક્યારેક ને ક્યારેક અન્યાયની લાગણીથી પીડાતા હોઈએ છીએ.

આટલું સમજાવવાનું કારણ એ કે આપણે ક્યારેય એવી ગલતફહમીમાં રહીને બેદરકાર બનીને જીવતા ન થઈ જઈએ કે કાનૂન બધા માટે એકસરખો છે એટલે એ કાનૂન દ્વારા મારી પણ રક્ષા થશે.

મારે મારા ભૂતકાળનાં કર્મો, વર્તમાનના વિચારો અને ભવિષ્યના આયોજનની ત્રિવેણીનો સરવાળો કરીને જીવવાનું છે. અને એ રીતે જીવતાં જીવતાં જો ક્યારેક અન્યાય થતો હોય એવું લાગે તો માનવાનું કે આ અન્યાય પેલી ત્રિવેણીને કારણે છે, આમાં કાનૂન તમને કોઈ રીતે બચાવવા આવી શકે એમ નથી.

પાન બનાર્સવાલા

તમારા જીવનના લક્ષ્ય સુધી પહોંચી ગયા પછી તમે જે કંઈ બનો છો એના કરતાં વધુ અગત્યની એ વાત છે કે લક્ષ્ય સુધી પહોંચવાની યાત્રા કરતાં કરતાં તમે કેવા બનો છો.

_ઝિગ ઝિગલર (વિશ્વવિખ્યાત મૅનેજમેન્ટ કન્સલ્ટન્ટ)

6 COMMENTS

  1. At one place you say it is not a fault if a judge is impressed by presence of senior advocates in his court. I don’t agree, I think it is a major fault because such instance of getting impressed will definitely affect the judgement.

  2. બિલકુલ સાચી વાત છે આપની, હાલમાં જ રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટ ને ટાંકી ચોકીદાર ચોર હૈ એમ પ્રચાર કરતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે માત્ર માફીનામાથી ચલાવી લીધું, પણ જો આપ કે હું હોત તો આજ ચુકાદો આવત?
    આખરે દેશના વડાપ્રધાન ને બદનામ કરવા માં આવતા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here