ટોચ પર પહોંચ્યા પછી ત્યાંથી સરકી જવાની મઝા: ‘કૅલ્વિન ઍન્ડ હોબ્સ’- છ વરસનો છોકરો અને એનું સ્ટફ્ડ ટાયગર : સૌરભ શાહ

( લાઉડમાઉથ: ‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૧૭ મે ૨૦૨૩)

આપણે સૌ વાચકો દાયકાઓથી વિવિધ કૉમિક્સના ચાહક રહ્યા છીએ.

મટ ઍન્ડ જેફના અને બ્લૉન્ડી ઍન્ડ ડૅગ્વૂડના પ્રેમમાં રહ્યા છે. ફૅન્ટમ, એસ્ટ્રીક્સ ટિનટિન, મૅન્ડ્રેક, જેમ્સ બૉન્ડ, રિપકર્બી, પીનટ્સ, ગારફિલ્ડ, સુપરમૅન, ડિલ્બર્ટ, બૅટમૅન, સ્પાઈડરમૅન, આર્ચી, સિમ્પસન્સ, બીટલ બેઈલી, ડેનિસ ધ મિનૅસ, બી.સી., હૅગાર ધ હૉરિબલ, ફલૅશ ગૉર્ડન અને એવી ડઝનબંધ કૉમિક સ્ટ્રિપ્સ નાનપણથી વાંચતા આવ્યા છીએ અને મોટા થયા પછી પણ એ તમામ કૅરેક્ટર્સ આપણા જીવનનો એક અનિવાર્ય હિસ્સો બનીને રહેતા હોય છે.

આમાંની મોટાભાગની કૉમિક પટ્ટીઓ છાપામાં ડેઈલી અને વીકલી ધોરણે છપાતી હોય છે. એક સાથે વિશ્ર્વનાં સેંકડો અખબારોમાં અને ડઝનબંધ ભાષાઓમાં ટ્રાન્સલેટ થઈને અલગ અલગ સંસ્કૃતિના વાચકોનું એકસરખું દિલ બહેલાવતી હોય છે. એસ્ટ્રીક્સ અને ટિનટિન વર્તમાનપત્રોને બદલે તમને પુસ્તકરૂપે મળતી હોય છે.

આ બધામાં શ્રેષ્ઠ કૉમિક પટ્ટી કઈ એ કહેવું અશક્ય છે. દરેકની પોતપોતાની પસંદગી હોવાની. ટૉપ ટેન કૉમિક સ્ટ્રિપ્સની ડઝનબંધ યાદીઓમાં તમને ‘કૅલ્વિન ઍન્ડ હોબ્સ’નું નામ દેખાશે. ગુજરાતી વાચકોમાં આ કૉમિક પટ્ટી બહુ પૉપ્યુલર નથી, કારણ કે ગુજરાતી છાપાઓમાં ભાગ્યે જ એ છપાતી હોય છે. મેં જે છાપું ઍડિટ કર્યું છે તેમાં હું ‘કૅલ્વિન ઍન્ડ હોબ્સ’ છાપતો. ટૉપ ટેનની અનેક યાદીઓમાં સૌથી ટોચ પર તમને ‘કૅલ્વિન ઍન્ડ હોબ્સ’નું નામ વાંચવા મળશે. મને કોઈ એક જ ફેવરિટ કૉમિક પટ્ટીનું નામ આપવાનું કહે તો હું ‘કૅલ્વિન ઍન્ડ હોબ્સ’નું નામ લઉં. અનેક કારણ છે એનાં અને સૌથી મોટું કારણ છે એના સર્જક બિલ વૉટર્સન જે અત્યારે ૬૪ વર્ષની ઉંમરે નિવૃત્ત જીવન ગાળે છે. નિવૃત્તિ લીધી એમણે ૧૯૯૫માં. ૩૭ વર્ષની ઉંમરે! માત્ર દસ વર્ષ કામ કર્યું – ૧૯૮૫થી ૧૯૯૫ સુધી. અમરપાત્રો સર્જતી બિલ વૉટર્સન કૉમિક પટ્ટીના કામકાજમાંથી નિવૃત્ત થઈ ગયા.

કૉમિક પટ્ટીના કેટલાક પાત્રો જે સર્જકોએ બનાવ્યાં હોય તેના રાઈટ્સ પછી તેઓ કોઈક સિન્ડિકેટેડ સર્વિસીઝને વેચી દે. અને એ પછી એ પાત્રોનાં ડ્રોઈંગ્સ બીજા લોકો કરે, એની સિચ્યુએશન કે વાર્તા કોઈક ત્રીજું વિચારે અને એના ડાયલોગ કોઈક ચોથું લખે. પીનટ્સ અને ગારફિલ્ડ જેવાં પાત્રોને કમર્શ્યલી એક્સ્પ્લોઈટ કરવામાં આવે. એનાં ચિત્રોવાળાં કપડાં, કંપાસ બોક્સ, વૉટર બૉટલ જેવી ડઝનબંધ ચીજવસ્તુઓ આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાય અને ઓરિજિનલ ક્રિયેટરને કરોડો રૂપિયાની રૉયલ્ટી એમાંથી મળતી રહે.

‘કૅલ્વિન ઍન્ડ હોબ્સ’ની ચિત્રપટ્ટીની વાર્તા-સિચ્યુએશન બિલ વૉટર્સન એકલા જ વિચારતા, સંવાદો કે લાઈન્સ કે શબ્દો પોતે જ લખતા અને અદ્ભુત ચિત્રકામ પણ એમનું એકલાનું જ. ૧૯૯૫માં નિવૃત્તિ લીધા પછી પણ એમની જૂની કૉમિક પટ્ટીઓ હજુય છાપામાં છપાય છે, એ કૉમિક પટ્ટીઓનો ફુલ સેટ બજારમાં ઈઝીલી એવેલેબલ છે જેની રૉયલ્ટી એમને મળતી રહે છે. મારી લાઈબ્રેરીમાં ‘કૅલ્વિન ઍન્ડ હોબ્સ’નાં તમામ પુસ્તકો છે.

બિલ વૉટર્સને પોતાના આ પાત્રોના રાઈટ્સ કોઈને વેચ્યા નથી, પોતાની પાસે જ રાખ્યા છે. એમને કમર્શ્યલાઈઝેશન સામે વાંધો છે. તમને બજારમાં ક્યાંય પીનટ્સ કે સુપરમૅન કે આર્ચીની જેમ કૅલ્વિન/ હોબ્સનાં ચિત્ર છાપેલી કોઈ આયટમ જોવા નહીં મળે. જો મળી તો માની લેવું કે કોઈ ઉઠાવગીરે વગર પરવાનગીએ ચોરીનો ધંધો શરૂ કર્યો છે.

કૅલ્વિન એક છ વરસનો છોકરો છે. ગજબનો કલ્પનાશીલ. દુનિયાદારી વિશે જાતજાતના સવાલો એના મગજમાં ઉદ્‌ભવે. અને ભારે મસ્તીખોર. એના પેરેન્ટ્સને હેરાનપરેશાન કરી નાખે. હોબ્સ એના સ્ટફ્ડ ટૉય ટાયગરનું નામ છે. કૅલ્વિન પોતાની કલ્પનામાં આ સ્ટફ્ડ ટૉયના ટાયગરને સાચુકલો માનીને એની સાથે વાતો કરતો રહે, બેઉ એકબીજાને પરેશાન કરે. ટાયગર હોબ્સ પણ પોતે જીવતો જાગતો હોય એ રીતે એના સવાલોના જવાબ આપે. ભારે ગમ્મત આવે ‘કૅલ્વિન ઍન્ડ હોબ્સ’ની ચિત્રપટ્ટી વાંચવાની.

૧૯૫૮ની પાંચમી જુલાઈએ અમેરિકામાં જન્મેલા બિલ વૉટર્સનની વાઈફ મેલિઝા રિચમન્ડની જન્મ તારીખ છે ૮ ઑક્ટોબર, ૧૯૮૩. બિલના પિતા પેટન્ટ ઍટર્ની હતા. આઠ વર્ષની ઉંમરે બિલે પોતાની લાઈફનું પહેલું કાર્ટૂન દોર્યું. બાળપણ એકલવાયું હતું. નાનપણમાં ‘પોગો’, ‘ક્રેઝી કૅટ’ અને ‘પીનટ્સ’ જેવી ચિત્રપટ્ટીઓ જોઈને એને પણ મન થયું: હું પણ કાર્ટૂનિસ્ટ બનીશ. ચોથા ધોરણમાં હતો ત્યારે એણે ‘પીનટ્સ’ના વિખ્યાત સર્જક ચાર્લ્સ શુલ્ઝને પત્ર લખ્યો. સરપ્રાઈઝ પત્રનો જવાબ પણ મળ્યો. બિલ પર આની ઊંડી છાપ પડી. માબાપે બિલને એન્કરેજ કર્યો. સ્કૂલનાં વર્ષોમાં એ ચિત્રપટ્ટીઓ દોરતો થઈ ગયેલો. સ્કૂલનાં મૅગેઝિનોમાં એ છપાતી.

૧૯૭૬ થી ૧૯૮૦ દરમિયાન એણે કૉલેજનું ભણવાનું પૂરું કરીને પોલિટિકલ સાયન્સની ડિગ્રી લીધી. નક્કી નહોતું કે લાઈફમાં શું કરવું છે. કૉલેજમાં કાર્ટૂનિંગ તો ચાલુ જ હતું. કૉલેજ પછી એણે ટ્રાયલ બેઝિસ પર ‘સિનસિનાટી પોસ્ટ’ નામના દૈનિકમાં નોકરી લીધી, કારણ કે આ પેપરના રાઈવલ પેપર ‘સિનસિનાટી ઈન્ક્વાયરર’માં જિમ બર્ગમૅનનાં પોલિટિકલ કાર્ટૂનો આવતા (જિમ બર્ગમેને અત્યારે ‘ઝિટ્સ’ની બહુ ફેમસ કાર્ટૂન સ્ટ્રિપ્સ સર્જી છે). બિલ જિમથી પ્રભાવિત હતો અને જિમ જેવી કરિયર બનાવવા માગતો હતો. પણ બિલને બહુ જલદી સમજાઈ ગયું કે ડેઈલી જર્નલિઝમમાં પોલિટિકલ કાર્ટૂન કરવામાં પોતાની કળાનાં સ્ટાન્ડર્ડ્સ જાળવી શકાય એમ નથી. બિલ નોકરી છોડીને જાય એ પહેલાં જ એનો કૉન્ટ્રાક્ટ પૂરો થવાની રાહ જોયા વિના એને ફાયર કરવામાં આવ્યો.

એ પછી ત્રણચાર વર્ષ એણે એક નાનકડી ઍડ એજન્સીમાં ડિઝાઈનર તરીકે કામ કર્યું. સાથે સાથે ‘ટાર્ગેટ: ધ પોલિટિકલ કાર્ટૂન વીકલી’ માટે પોતાની કાર્ટૂન સ્ટ્રિપ્સ બનાવી. આ દરમિયાન એણે પોતાના કાર્ટૂન કૅરેક્ટર્સ ઊભા કર્યાં. ખ્રિસ્તી (પ્રોટેસ્ટન્ટ) સુધારાવાદી જૉન કૅલ્વિનની અટક પરથી એણે પોતાના છ વરસના છોકરાવાળા કૅરેક્ટરને કૅલ્વિન નામ આપ્યું. અને થોમસ હોબ્સ નામના ફિલસૂફની અટક સ્ટફ્ડ ટાયગરને આપી – હૉબ્સ.

૧૯૮૫થી શરૂ થયેલી ‘કૅલ્વિન ઍન્ડ હોબ્સ’ની યાત્રા બિલ વૉટર્સને ૧૯૯૫માં સમાપ્ત કરી. આ ચિત્રપટ્ટીમાં અનેક ઠેકાણે એની પોતાની જિંદગીનું પ્રતિબિંબ દેખાય – એનો સાઈક્લિગંનો શોખ, એની જિંદગી જોવાની ફિલસૂફી, મર્ચન્ડાઈઝિંગ વિરુદ્ધના એના વિચારો. કાર્ટૂન પટ્ટી છપાતી ત્યારે એ વારંવાર છાપાવાળાઓ સાથે પંગા લેતો. છાપામાં જગ્યા ન હોય ત્યારે કાર્ટૂન પટ્ટીઓ સાવ નાની કરી નાખવામાં આવે, ઉપરની બૉક્સ પટ્ટી કાપી નાખવામાં આવે. કાર્ટૂન કળાને હલકી ગણનારાઓ સામે પણ એને આક્રોશ. ‘પીનટ્સ’ના સર્જક ચાર્લ્સ શુલ્ઝને એ બાપ માણસ માનતો. પણ ‘પીનટ્સ’ની જેમ પોતાની ચિત્રપટ્ટીઓનું મર્ચન્ડાઈઝિંગ કરવાની સખત ખિલાફ. એના પર ખૂબ દબાણ છતાં કૅલ્વિન ઍન્ડ હોબ્સના પાત્રોનું વ્યાપારીકરણ કરીને કરોડો રૂપિયાની લાલચને એ વશ નથી થયો. એ કહે કે ટીશર્ટ, કૉફી મગ વગેરે પર આ મારા પાત્રો છપાતા થઈ જશે તો એમની વૅલ્યુ ઘટી જશે.

વચ્ચે, ૧૯૯૧માં, એણે પોતાની કાર્ટૂન પટ્ટીના સિન્ડિકેશન માટે જેની સાથે કૉન્ટ્રાક્ટ કર્યો હતો તે ‘યુનિવર્સલ પ્રેસસિન્ડિકેટ’ સાથે ફાઈટ કરવી પડે. કંપનીએ એની સાથે વન સાઈડેડ કૉન્ટ્રાક્ટ કર્યો હતો જેની બારીકી સમજ્યા કર્યા વિના બિલ વૉટર્સને સાઈન કરી નાખ્યો હતો. કૉન્ટ્રાક્ટની શરતો મુજબ બિલ વૉટર્સને સર્જેલાં કૅરેક્ટર્સને કંપની મર્ચન્ડાઈઝિંગમાં વાપરી શકે એવી શરત હતી. એટલું જ નહીં, બિલ વૉટર્સન આ કૅરેક્ટર્સ દોરવાનું બંધ કરી દે તો બીજા કોઈ આર્ટિસ્ટ પાસે ચીતરાવીને કંપની ‘કૅલ્વિન ઍન્ડ હોબ્સ’ની ચિત્રપટ્ટી ચાલુ રાખી શકે એવી શરત હતી. બિલ વૉટર્સને આ શરતો કઢાવવા કંપની સાથે ઘણી ઘણી માથાકૂટ કરી. છેવટે એની જીત થઈ. પણ આ મગજમારી કરતા કરતા એ માનસિક રીતે એટલો ખર્ચાઈ ગયો કે એણે નવ મહિના માટે પોતાની દુકાન બંધ કરી દીધી, પછી ફરી શરૂ કરી.

૧૯૯૫ના નવેન્બરની ૯મીએ એણે વાચકોને સંબોધીને ઓપન લેટર લખ્યો. ‘આ વરસના અંતથી હું ‘કૅલ્વિન ઍન્ડ હોબ્સ’ બંધ કરું છું. આ કોઈ હમણાં લેવાયેલો નિર્ણય નથી અને મારા માટે આ નિર્ણય લેવો સહેલો પણ નથી. મારા રસના વિષયો બદલાઈ ગયા છે. ડેઈલી ડેડલાઈન્સ અને નાની જગ્યામાં છપાતી ચિત્રપટ્ટીઓની મર્યાદામાં મારાથી જે કંઈ શ્રેષ્ઠ થઈ શકે એમ હતું તે બધું મેં કરી નાખ્યું છે. પણ હવે મારે જરા મારી સ્પીડે કામ કરવું છે – વિચારી વિચારીને કામ કરવું છે જેમાં બહુ ઓછો આર્ટિસ્ટિક સમાધાનો કરવા પડે એ રીતે કામ કરવું છે. મારા ફયુચરના પ્રોજેક્ટ્સ વિશે હજુ કંઈ નક્કી નથી કર્યું પણ ‘યુનિવર્સલ પ્રેસ સિન્ડિકેટ’ સાથેનો મારો નાતો ચાલુ રહેશે…’

બધાનો આભાર વગેરે માનીને બિલ વૉટર્સને ૩૧ ડિસેમ્બર, ૧૯૯૫ના રોજ ‘કૅલ્વિન ઍન્ડ હોબ્સ’ની છેલ્લી ચિત્રપટ્ટી પ્રગટ કરી. આ કામકાજ બંધ કરીને બિલ વૉટર્સન હવે પેઈન્ટિંગ કરે છે, પબ્લિકમાં દેખાતા નથી, પબ્લિસિટીથી દૂર ભાગે છે. ‘કૅલ્વિન ઍન્ડ હોબ્સ’ની ચિત્રપટ્ટીઓનાં સંગ્રહો પુસ્તકરૂપે પ્રગટ થાય ત્યારે ક્યારેક પ્રસ્તાવના લખે છે પણ ઑટોગ્રાફ્સ કોઈને આપતા નથી અને હજુ સુધી પોતાના પાત્રોનું લાયસન્સિંગ કોઈને આપ્યું નથી, આપશે પણ નહીં.

ચાહકોને ઑટોગ્રાફ નહીં આપવાનું કારણ એ કે એક વખત એમને ખબર પડી કે એમણે પોતાના કાર્ટૂન સંગ્રહોના પુસ્તક પર ચાહકોને હસ્તાક્ષર આપ્યા હશે તે નકલો મોંઘા ભાવે બજારમાં વેચાઈ રહી છે. બીજો કોઈ લેખક ખુશ થાય પણ બિલ વૉટર્સનને લાગ્યું કે આ વ્યાપારીકરણ થઈ રહ્યું છે. એમણે કોઈને ઑટોગ્રાફ આપવાનું જ બંધ કરી દીધું.

૧૯૯૯માં બિલ વૉટર્સને ‘પીનટ્સ’ની કૉમિક સ્ટ્રિપ બંધ થઈ તેને અંજલિ આપતો નાનો લેખ ‘લોસ એન્જલસ ટાઈમ્સ’માં લખ્યો હતો. આફટર ઓલ ‘પીનટ્સ’ના સર્જક ચાર્લ્સ શુલ્ઝ એના પ્રેરણાદાતા હતા. વૉટર્સનનો ઈન્ટરવ્યૂ લેવા, એમને શોધવાના ઘણા પ્રયત્નો પત્રકારો કરે છે પણ નાકામિયાબ. ૨૦૦૭માં બિલ વૉટર્સને ‘ધ વૉશિંગ્ટન પોસ્ટ’ને ચાર્લ્સ શુલ્ઝની જીવનકથા ‘શુલ્ઝ ઍન્ડ પીનટ્સ’નો રિવ્યૂ લખી આપ્યો. છેક ૨૦૧૦માં વૉટર્સને પ્રેસને એક ઈન્ટરવ્યૂ આપ્યો. એમણે કહ્યું: ‘… પાર્ટી પૂરી થઈ જાય એ પહેલાં જ ત્યાંથી ચાલતી પકડવી. મેં હજુ બીજાં પાંચ-દસ-વીસ વરસ ‘કૅલ્વિન ઍન્ડ હોબ્સ’ ચલાવી હોત તો આ બેઉ પાત્રોએ કંટાળીને મને મારવા લીધો હોત!… ‘કૅલ્વિન ઍન્ડ હોબ્સ’ હજુ પણ (પુસ્તકરૂપે કે જૂની ચિત્રપટ્ટીઓ જે છાપામાં છપાય છે ત્યાં) લોકપ્રિય છે એનું કારણ મને એજ લાગે છે કે મેં એ પાત્રોને શેરડીના સાંઠાની જેમ નીચોવી નથી નાખ્યા.’

પ્રસિદ્ધિની ટોચ પર પહોંચ્યા પછી વધુ કીર્તિની, વધુ પૈસાની ખેવના કર્યા વિના યંગ એજમાં જ, હજુ ક્રિયેટિવિટી બહુ બધી બાકી હોય ત્યારે કામમાંથી નિવૃત્ત થઈને બીજા કોઈ કામમાં પરોવાઈને ગુમનામ થઈ જવાની આ વાત આજકાલના રૅટ રેસમાં જોડાયેલા લોકોને ગળે નહીં ઊતરે. પણ આવું કરવામાં ગજબની હિંમત જોઈએ, ભરપૂર કૉન્ફિડન્સ જોઈએ. સફળતા પામવા નીકળેલા જ નહીં, સફળતા પામી ગયેલા લોકોમાં પણ આ બેઉનો અભાવ હોય છે. એટલે જ તેઓ બિલ વૉટર્સન જેવા લિવિંગ લેજન્ડ બની શકતા નથી.

સાયલન્સ પ્લીઝ

ક્યારેક હું બોલતો હોઉં છું ત્યારે મારા વિચારો જેટલી ઝડપે આવે છે એટલી ઝડપે બોલી શકાતું નથી. મને નવાઈ લાગે છે કે આપણે બોલવા કરતાં વિચારવાનું કામ વધારે ઝડપથી કેમ કરી શકતા હોઈશું. કદાચ આપણે બે વાર વિચારીને બોલીએ એટલા માટે.

– બિલ વૉટર્સન

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. ભાઈ..ભાઈ… one more thing I you love and now I learn you love as well..! 😊🙏🏻💐👍🏻 Even today, it’s the first thing I see in the paper everyday .. after glancing at headlines… Even Editorials and Sports come after Kelvin and Hobbes..! Thank u for sharing this as well as Bill’s philosophy and his life story.. (Not happy that I have to write in English, but this is quicker and less prone to typos!) Thank u again Saurabh bhai..🙏🏻

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here