‘છોડી જૂનું વતન નવી નગરી જવું પડે’

તડક ભડક : સૌરભ શાહ

(‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૧૬ જૂન ૨૦૧૯)

આપણી આસપાસના લોકો સાથે હળીમળીને રહીએ એ સારી વાત છે. જે પરિસ્થિતિમાં હોઈએ તેમાં ખુશ રહીએ એ પણ સારી વાત છે. જે મળ્યું એમાં સંતોષ માણીએ એ તો સૌથી સારી વાત થઈ. પણ આ જ બધાનો સરવાળો આપણી પ્રગતિને બાધક છે, આપણા વિકાસ માટે નડતરરૂપ છે. આપણે જ્યાં સુધી પહોંચવાનું છે ત્યાં નહીં પહોંચવા દેવા માટેનાં સૌથી મોટાં વિઘ્નો આ જ છે. આ વિઘ્નોને આપણે કમ્ફર્ટ ઝોન તરીકે ઓળખીએ.
ઘણા માણસો ભગવાન શિવ જેવા આશુતોષ હોય છે. તેઓ ઝડપથી સંતોષાઈ જાય, પ્રસન્ન થઈ જાય. આવા લોકો ભગવાનના માણસ તરીકે પણ બીજાઓમાં ઓળખાય. ઓછી જરૂરિયાતો અને ઓછી માગણીઓથી સાદગીભર્યું જીવન જીવનારાઓ સૌને ગમે. પણ આ દુનિયા અસંતુષ્ટોથી ચાલે છે. આ દુનિયા પોતાની પરિસ્થિતિ જે નાખુશ છે એવા લોકોને કારણે આગળ વધે છે. આ દુનિયા પોતાની પરિસ્થિતિથી જે નાખુશ છે એવા લોકોને કારણેઆગળ વધી છે. આ દુનિયાની પ્રગતિ એવા લોકોથી થાય છે જેઓ પોતાની આસપાસના લોકો સાથે હળીમળી શકતા નથી, એમને કોઈક બીજા જ સ્તરના લોકો સુધી પહોંચવું છે, બહુ વિશાળ લોકો સુધી પહોંચવું છે.

દરેક માણસની અમુક અવસ્થા સુધી એને કમ્ફર્ટ ઝોનની જરૂર પડવાની. કૂંપળમાંથી છોડ બનીને પાંગરતા વૃક્ષને બકરી ચાવી ન જાય એ માટે વાડની જરૂર પડે એવું જ કંઈક. પણ આ બાલ્યાવસ્થા પૂરી થયા પછી વાડ દૂર થઈ જવી જોઈએ અને ક્રમશઃ એની કાળજી લેવાનું પણ બંધ થઈ જવું જોઈએ, એને સામેથી અપાતાં ખાતર-પાણી મળવાનું બંધ થઈ જવું જોઈએ. તો જ એક તબક્કો એવો આવશે જ્યારે એ જમીનમાં પોતાનાં મૂળિયાં દૂર દૂર સુધી ફેલાવી પોતાને જોઈતાં પોષણ મેળવી લેશે અને ડાળીઓ ફેલાવીને સૂર્યનો પ્રકાશ પણ શોધી લેશે.

કમનસીબે, આપણામાંના કેટલાય લોકો ઉંમર વધ્યા પછી પણ બાલ્યાવસ્થામાં જ રહે છે. ન એમના માબાપને સૂઝે છે કે હવે એમને એમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર જવા દેવા જોઈએ( અને ન જાય તો ધકેલવા જોઈએ) કે ન એમને પોતાને કમ્ફર્ટ ઝોનના કુંડાળાની બહાર પગ મૂકવાનો વિચાર આવે છે.

ટીન ઍજમાં પ્રવેશતાંની સાથે જ પેરેન્ટ્‌સે સંતાનને ઘરકુકડી બનાવી નાખનારા કમ્ફર્ટ ઝોનની બહાર ધકેલી દેવું જોઈએ. અગિયાર-બાર-તેર વર્ષની કિશોર અવસ્થાએ પહોંચતાંની સાથે જ દીકરાદીકરીને બહારની, જેવી છે એવી, દુનિયાનો ભરપૂર પરિચય થતો રહે, રોજેરોજ થતો રહે, કડવા-મીઠા તમામ પ્રકારના અનુભવોનો સામનો કરવાના કે એને માણવાના અવસરો મળતા રહે એવી પરિસ્થિતિનું સર્જન કરવાની જવાબદારી મમ્મીની છે, પપ્પાની છે, ઘરમાં રહેતા કુટુંબના બીજા સભ્યોની છે. પણ જે માબાપ પોતે હજુય પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર નીકળતાં જ ડરે છે તેઓ પોતાના સંતાનને છાંયડો આપતી છત્રીની બહાર નીકળીને તડકામાં તપવાનું કેવી રીતે કહેવાના. આવાં સંતાનો જો ભવિષ્યમાં જાતે પડીઆખડીને પોતાના વાતાવરણની બહાર નીકળે, નવી દુનિયાઓનો અનુભવ લેતા થઈ જાય એવું બની શકે. ઘણાં સંતાનો આવા નસીબદાર નથી હોતા. તેઓ મોટા થયા પછી પણ ઘરના સુરક્ષિત વાતાવરણ જેવા પોતાની આસપાસ સર્જાયેલા સોફાના પોચા પોચા ખોળા જેવા કમ્ફર્ટ ઝોનમાં સડ્યા કરે છે અને પોતે જિંદગીમાં કશું ઉકાળી શક્યા નથી એ માટે બીજાઓને, સંજોગોને અને નસીબને દોષી ઠેરવતા રહે છે.

આપણામાંના મોટા ભાગના લોકોને તો અંદાજ પણ નથી કે આપણી પ્રગતિ નહીં થવાનું કારણ, આપણે જ્યાં હતા ત્યાં જ હજુ સુધી છીએ એનું કારણ કમ્ફર્ટ ઝોનમાં પડ્યા રહેવાની આપણી આદત છે.

ટ્રેવોર નોવા આજે તો દુનિયાભરના સ્ટેન્ડ અપ કૉમેડિયનોમાં સૌથી જાણીતું નામ છે પણ એનું નાનપણ ભયંકર મુસિબતો વચ્ચે વીત્યું. પાંત્રીસ વર્ષ પહેલાં, ૧૯૮૪માં એનો જન્મ. સાઉથ આફ્રિકા તે વખતે રંગભેદની નીતિને કારણે જગતભરમાં બદનામ હતું. સ્થાનિક બ્લેક્‌સ અને સદીઓ પહેલાં બહારથી આવીને કબજો જમાવી બેઠેલા વ્હાઈટ્‌સ વચ્ચે જબરજસ્ત સંઘર્ષ થતો રહેતો. ટ્રેવોરનો બાપ સ્વિસ-જર્મન અને એની મા કાળી. બંને વચ્ચે પ્રેમ થયો. ત્રીજું સંતાન ટ્રેવોર. જ્‌હોનીસબર્ગના સોવેટો નામના ગલીચ વિસ્તારમાં ગરીબોની વચ્ચે ગરીબ ટ્રેવોરે સફળ થયા પછી એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતુંઃ ‘એ દિવસોમાં તમારી પાસે કંઈક ન હોય એનું બહુ મહત્વ નહોતું. જે છે એમાં મઝા મળતી. અમારી સાથે અમારા જેવા જ બીજા ગરીબો હતા અને અમને સૌને એકબીજાની સાથે રહેવામાં મઝા આવતી, અમે સાથે હસતા, મઝા કરતા.’

સારું છે. પણ ટ્રેવોર નોવા જાણતો હોવો જોઈએ કે આવી ‘મઝાઓ’ જ કંઈ જીવનનો મકસદ ન હોઈ શકે. ટ્રેવોર પોતાના એ ગરીબીવાળા માહોલની ‘મઝાઓ’માંથી બહાર આવી ગયો, કમ્ફર્ટ ઝોનની બહાર આવી ગયો ત્યારે જ એ કંઈક બની શક્યો. એની સાથેના બીજા ગરીબો પોતાની ગરીબીની ‘મઝાઓ’ માણતા રહ્યા અને ત્યાંના ત્યાં પડ્યા રહ્યા. ટ્રેવોર નોવા જેવા સફળ લોકો જ્યારે પોતાના ભૂતકાળની ગરીબીની ‘મઝાઓ’નાં ગુણગાન ગાય છે ત્યારે એમના પોતાના નોસ્ટેલ્જિયા પૂરતી એ બધી વાતો કદાચ ઠીક છે. પણ આને લીધે બીજાઓને પોતાના એ વાતાવરણમાં પડ્યા રહીને ગરીબીની ‘મઝાઓ’ માણ્યા કરવી જોઈએ એવો જો કોઈ પાઠ મળતો હોય તો તે ખોટો છે. ટ્રેવોરની જેમ સૌ કોઈએ પોતાના કમ્ફર્ટ ઝોનની ‘મઝાઓ’માંથી બહાર નીકળીને વધુ કપરા, વધુ અસુરક્ષિત, વધુ અનિશ્ચિત એવા માર્ગે ચાલવાનું શરૂ કરવું જોઈએ. વર્ષો પહેલાં ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રના બુલંદ સિતારાસમા ગાયક-સ્વરકાર પુરૂષોત્તમ ઉપાધ્યાયે ‘ગુલમહોર’ નામના કૅસેટ આલ્બમમાં કવિ રવિ ઉપાધ્યાયની એક રચના સ્વરબધ્ધ કરીને પોતાના કંઠે ગાઈ હતી. આજે પણ એના શબ્દો અક્ષરશઃ કાનમાં ગૂંજે છે. રાધર, એ શબ્દો જીવનનું ચાલકબળ છે, આજીવન રહેવાનું છે. કવિ રવિ ઉપાધ્યાયના શબ્દો છેઃ ‘મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે/ છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.’( આ લેખ પૂરતું આ પ્રથમ પંક્તિનું જ મહત્વ છે. બાકી આખી રચના વાંચવા જેવી છેઃ યુગોથી મીટ માંડવી તપ એનું નામ છે/ શ્રીરામને જમાડવા શબરી થવું પડે… બદલાની અપેક્ષા વિના સત્કર્મ જો કરો/ પત્થરના દેવને કદી પ્રગટી જવું પડે… સન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’/ જોવા તમાશો એકવાર ગુજરી જવું પડે…)

જે લોકોએ આ દુનિયામાં કંઈક કામ કરી દેખાડ્યું છે તે સૌ પોતપોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવ્યા છે ત્યારે ઝળક્યા છે. આ તમામ લોકો નામી કે સુપ્રસિધ્ધ હોય એ જરૂરી નથી. એમનું નામ કે એમનું કામ આપણા સુધી ન પહોંચ્યું હોય એવું બને. મહત્વ નામનું નથી, કામનું છે. તેઓ પોતાના લોકોને, પોતાના સંજોગોને અને આ લોકો-સંજોગોને કારણે ઘડાયેલી પોતાની માનસિકતાને છોડીને આગળ વધ્યા ત્યારે જીવનમાં કંઈક કરી શક્યા. પોતાની આસપાસના લોકોને એમણે ક્યારેક નારાજ કર્યા કારણ કે એક તબક્કે એમને છોડી દેવા પડ્યા. અસલામતી ભોગવવી પડી કારણ કે હવે એ જૂના સંબંધો કામ નથી લાગવાના. તમે જેને સંકટ સમયની સાંકળ માનતા રહ્યા એને તમે જ તોડી નાખી, સમયસર તોડી નાખી, અન્યથા એ સાંકળ તમારા માટે પગની બેડી બની જવાની હતી.

માથે છાપરું હોય, કોઈનો આશ્રય હોય કે પછી પોતાના સુખદુઃખમાં સહભાગી બને એવા સાથીઓ હોય એવું કોને ના ગમે? પણ આ બધી જ વાતોની આદત આપણને આગળ વધતાં રોકે છે, આ સીમા આપણી મર્યાદા બની જાય છે. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું એટલે આ મર્યાદાને ઓળંગીને ખુલ્લી તાજી હવામાં શ્વાસ લેવો.

પાન બનાર્સવાલા

બધું જ જાણીતું હોય ત્યાં તમે અત્યાર સુધી મળેલી સફળતાઓને સાચવીને બેસી રહેવાના છો. કશુંક અણધાર્યું બને, અત્યાર સુધી ક્યારેય ન જોયેલી સફળતા જોવા મળે એ માટે તમારે આ પરિચિત વાતાવરણમાંથી બહાર આવવું જ પડે.
_અજ્ઞાત

6 COMMENTS

  1. સરસ લેખ છે. Awake, arise & stop not till your goal is reached. Comfort zone is not always comfortable. You have to take reasonable risk in life

  2. Absolutely correct. A person can get amazing experience out of comfort zone even though it’s difficult. Such self-made people are the asset of society.

  3. ઘણા પેરન્ટસ પોતાના બાળકોની પાંખો કાપી ને દાણા નાખતા રહેછે જેથી બાળકો ઊડી શકતા નથી અને બાળકોને પણ આ કનફર્ટ ઝોન ફાવી જાય છે અને પ્રોગ્રેસ કરી શકતા નથી.

  4. Lovely article Sirji..it ?% true for people like us who first displaced from Town (Dakor) to City Ahmedabad for higher study then settle in Vadodara for Job in India.Then migrate to Canada ?? & first settled in Toronto-Ontario then migrate to Alberta after five years.
    I am sure your thousands of readers like me feels same while reading this article.Dil se thanks for this great inspiring article..???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here