સાપસીડીની રમતમાં ૯૯ સુધી પહોંચ્યા પછી છેક તળિયે પટકાઓ ત્યારે


લાઉડમાઉથ : સૌરભ શાહ

(‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૦)

કેટલીક વખત જિંદગીમાં એવી પછડાટ મળતી હોય છે કે સાવ તળિયે પહોંચી ગયા હોઈએ એવી લાગણી થાય. ઉતાર-ચડાવ તો આવ્યા કરે એવું સમજીને સ્વીકારીને જીવતા હોઈએ તો પણ આવી અલ્ટિમેટ પછડાટ જ્યારે અનુભવીએ ત્યારે બુધ્ધિ બહેર મારી જાય.

ટોટલી ફિનિશ્ડ અથવા તો મહાન સાહિત્યકાર સ્વ. રા.વિ.પાઠકના શબ્દોમાં કહીએ તો ‘પડે છે ત્યારે સઘળું પડે છે’વાળી પરિસ્થિતિ સર્જાય ત્યારે આપણે કેવા બહાવરા બની જતા હોઈએ છીએ. આવા સંજોગો ભગવાન કોઈનાય જીવનમાં ન લાવે તો સારું જ છે પણ ક્યારેક ને ક્યારેક કોઈએ તો આમાંથી પસાર થવું જ પડતું હોય છે. જેના જીવનમાં આવો કપરો સમય નથી આવ્યો એમણે પણ માનસિક રીતે તેમ જ બધી રીતે તૈયાર તો રહેવું જ પડે.

આવી પરિસ્થિતિ માટે શું તૈયારી કરી શકીએ? કોઈ ઉમંગના પ્રસંગ માટે તૈયારી કરવાની હોય તો થાય, પણ જીવનમાં બધું જ તળિયાઝાટક થઈ જવાનું છે એવી તો કલ્પનાય નથી થઈ શકતી તો પછી એની તૈયારી કેવી રીતે થઈ શકે?

થઈ શકે. જિંદગી સાવ તળિયે બેસી જાય એવી પરિસ્થિતિ વાસ્તવમાં એક સુવર્ણ તક છે. તમારી જિંદગીની ઈમારત જો કાચા પાયા પર ચણાઈ હશે તો એ ડગમગ્યા કરવાની. તમને વારંવાર અહેસાસ થતો રહેશે કે તમારો પાયો કાચો છે. પણ આટલે સુધી જીવ્યા પછી સામે ચાલીને આખી ઈમારત ધ્વસ્ત કોઈ કરવાનું નથી, કરી શકે પણ નહીં. પરંતુ એક પ્રચંડ ભૂકંપ જ્યારે બધું જ જમીનદોસ્ત કરી નાખે છે ત્યારે તમારે નવેસરથી બેઠા થવા માટે કમર કસવી પડે છે. અને આ જ સુવર્ણ મોકો છે – પાયાથી નવી ઈમારત ચણવાનો, મજબૂત પાયો નાખવાનો. અને હવે તમારી પાસે અનુભવ છે જે તે વખતે નહોતો. ભલે કાચો કે નબળો, પણ પાયો ચણવાનો અનુભવ તો છે જ. ફરી પાયો ચણતી વખતે એ ભૂલ નથી થવાની.

કોઈ પણ બાબત સાવ તળિયાઝાટક થઈ જવાની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે કુદરત આપણને અગાઉથી ભૂલો વગરનું નવું ભવિષ્ય સર્જવાની તક પૂરી પાડે છે. જે દાખલો જ ખોટો માંડ્યો હોય એનો જવાબ પણ ખોટો જ આવવાનો, ગમે એટલા ધમપછાડા કરીએ.

કોરી પાટી પર નવેસરથી દાખલો ગણવાની તક બધાને નથી મળતી. પાટી પર લખાયેલું બધું જ કોઈએ ભૂંસી કાઢ્યું એવી ફરિયાદ કરવા બેસીશું તો ભગવાન હસશે આપણા પર.

કાચા પાયા પર કેટલી ઊંચી ઈમારત ચણી શકીશું? એક ને એક દિવસ તો એ તૂટી જ પડવાની. પાયો નબળો હશે તો જેટલા ઊંચે જતા હોઈશું એટલું જોખમ વધતું જવાનું. બહેતર છે એવી અસલામતીમાં જીવવા કરતાં વધુ મહેનત કરવી પડે તો ભલે, પણ નવેસરથી શરૂઆત કરવામાં આવે.

લાઈફમાં તળિયાઝાટક થઈ ગયા પછી તમ્મર આવી જાય એ સ્વાભાવિક છે. જે ઊભું કર્યું હતું તે બધું જ જતું રહે – ક્યારેક પૈસા, ક્યારેક આબરૂ, ક્યારેક સંબંધો, ક્યારેક સિસ્ટમો, ક્યારેક હેલ્થ તો ક્યારેક આ બધું જ.

પણ નવેસરથી શરૂઆત થઈ શકે છે. જેમની પાસે અત્યારે બધું જ છે એવું તમને લાગે છે એમના ક્યા પાયા કેટલા નબળા હશે એની તમને ખબર નથી. એમની ઈમારત ક્યારે ડગુમગુ થઈ જશે એનો તમને તો શું કોઈને પણ અં દાજ નથી – ખુદ એમને પણ નહીં. તમાચો મારીને ગાલ લાલ રાખનારા એ લોકો તમને તળિયાઝાટક જોઈને હસશે, દયા ખાશે કે કદાચ બે લાત વધારે મારવાની ચેષ્ટા પણ કરશે. પણ તમને હવ આ બધાથી કોઈ ફરક પડવાનો નથી. તમારું બધું જ લૂંટાઈ ચૂક્યું છે અને હવે તમારી પાસે ગુમાવવા જેવું કશું જ નથી રહ્યું કે તમને ડર લાગે. હવે તમે એ તબક્કે આવી ગયા છો જ્યાંથી વધુ નીચે જવાની કોઈ જગ્યા જ નથી. પાતાળના છેવાડા સુધી તમારી જિંદગી આવી ગઈ છે. હવે તમારો કોઈપણ પ્રયત્ન તમને એક ડગલું આગળ જ લઈ જઈ શકે છે, પાછળ નહીં.

માટે જ તળિયઝાટક થઈ ગયા પછી શાતા ધારણ કરવી, ધીરજ રાખવી. બરાબર પ્લાનિંગ કરવું. હવે જે ઈમારત બનવાની છે તે ઊંચી, ખૂબ ઊંચી બનવાની છે. એ ઈમારતનો પાયો કાચો ન રહી જાય એ જોવાની જવાબદારી હવે તમારી છે. માટે ઉતાવળ કર્યા વિના સૌથી પહેલાં તો ઊંડો પાયો નાખવાની પૂરતી તૈયારી કરી લેવાની. પાયો ચણવામાં ધાર્યા કરતાં વધારે વાર લાગશે તો કંઈ ખાટુંમોળું થઈ જવાનું નથી. ભગવાનનો પાડ માનો કે ડગુમગુ ઈમારત તોડી પાડવાની તમારી મહેનત બચી ગઈ.

જિંદગી ક્યારેય તમરી સાથે અન્યાય કરતી નથી. કુદરતે તમારા માટે તૈયાર કરેલો નકશો તમે વાંચી ન શકો તો વાંક તમારો. કુદરતને ન સમજવાની ભૂલ છોડી દઈએ એ માટે જ તળિયાઝાટકવાળી પરિસ્થિતિ સર્જાતી હોય છે. જે ધ્વસ્ત થઈ ગયું છે, જે ભસ્મીભૂત થઈ ગયું છે, જે તળિયાઝાટક થઈ ગયું છે તે તમારું ભવિષ્ય નથી પણ સ્પ્રિંગ બોર્ડ છે જેના સહારે વધુ ઊંચો, વધુ લાંબો કૂદકો તમારે મારવાનો છે.

સાયલન્સ પ્લીઝ!

પ્રેરણા મેળવવા માટે બહાર ફાંફાં મારવાની જરૂર જ નથી, તમારા અંતરમાં એનો અખંડ સ્ત્રોત વહ્યા જ કરતો હોય છે.

_અજ્ઞાત

8 COMMENTS

  1. ખૂબ સુંદર લેખ, ખૂબ ઊંચા વિચારો, લેખ માટે આભાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here