ગાંધીજીને આત્મકથા લખવાની પ્રેરણા આપનારા ગુજરાતી સાહિત્યકાર વિશે આપણે કેટલું જાણીએ છીએઃ સૌરભ શાહ


(લાઉડ માઉથઃ બુધવાર, 17 નવેમ્બર, 2021)

મેઘાણી, મુન્શી કે પછી નર્મદ જેવા ગુજરાતી સાહિત્યનાં ગંજાવર નામ જેટલું જ એક નામ ગાજવું જોઈતું હતું — સ્વામી આનંદ.

1887માં જન્મ. લગભગ સવાસો-દોઢસો વર્ષ પહેલાં. અને અવસાન 1976ની 26મી જાન્યુઆરીએ. લગભગ પાંચ દાયકા અગાઉ. મૂળ નામ હિંમતલાલ દવે. નાનપણમાં ઘરેથી ભાગીને છેવટે સાધુ બન્યા. રામકૃષ્ણ મિશનમાં જોડાયા.

ગાંધીજીએ આત્મકથાની પ્રસ્તાવનામાં નોંધ્યું છે કે સ્વામી આનંદે એમને ‘મારા સત્યના પ્રયોગો’ લખવાની પ્રેરણા આપી. સ્વામીજી ગાંધીના રંગે રંગાયા તે પહેલાં, 1905માં યુવાનીમાં પગ માંડતા હતા એ વયે, બંગાળના ક્રાંતિકારીઓ સાથે જોડાયેલા.

ભેખધારી સન્યાસી ખરા પણ કર્મયોગી. બાળ ગંગાધર ટિળકના ‘કેસરી’ દૈનિકમાં કામ કરતા થયા. આ મરાઠી દૈનિકની ગુજરાતી આવૃત્તિ ‘રાષ્ટ્રમત’નું સંપાદન કર્યું. એ પછી તો ગાંધીજીનાં સામયિકો ‘નવજીવન’, ‘હરિજન’, વગેરેની જવાબદારી પણ નિભાવી. ગાંધીજીના તંત્રી પદે ચાલતાં રાષ્ટ્રવાદી સામયિકોના પ્રકાશક/પ્રિન્ટર તરીકે લાંબો જેલવાસ પણ ભોગવ્યો.
સ્વાધીનતાની ચળવળ અને આઝાદી પછી સમાજસેવા. સ્વામી આનંદની આ એક ઓળખાણ છે. એક જ. બીજી અને ઘણી મોટી એમની ઓળખાણ છે એક લેખક તરીકેની.

‘બચપણનાં બાર વરસ’માં એમણે સંસ્મરણો લખ્યાં તો ‘ ઉત્તરાપથની યાત્રા’ અને ‘બરફ રસ્તે બદરીનાથ’માં પ્રવાસ વર્ણનો લખ્યાં હિમાલયની યાત્રા તેમણે કાકાસાહેબ કાલેલકર સાથે કરી. કાકાસાહેબે ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તક લખ્યું. બે જુદા જુદા મિજાજની વ્યક્તિએ આ પ્રવાસવર્ણનો લખ્યાં. એકસાથે કરવામાં આવેલા પ્રવાસનાં વર્ણનો આટલાં જુદાં હોય તે જાણીને આશ્ચર્ય થાય. સાથે પ્રવાસ કરનારાઓ પણ પોતપોતાની દૃષ્ટિએ આસપાસની ઘટનાઓને, આજુબાજુના વાતાવરણને અને રસ્તે મળી જતી વ્યક્તિઓને મૂલવતા હોય છે. બંને નજરિયા માણવા જેવા.

સ્વામી આનંદે જીવનચરિત્રો ખૂબ લખ્યાં. એમના જેવી સશક્ત કલમ કોઈ જાણીતી-અજાણી શ્રીમંત-ગરીબ વ્યક્તિ વિશે લખે ત્યારે વાચકને રોલર કોસ્ટર રાઇડમાં બેસવાનો અનુભવ થાય. ક્યારેક સ્મિત ફરકી જાય, ક્યારેક આંસુ તરી આવે. ક્યારેક લાચારીનો અહેસાસ થાય તો ક્યારેક હિંમતભર્યાં પગલાં લેનારાઓ માટે મગરૂરી થાય. ‘ધનીમા’, ‘મોનજી રૂદર’, ‘મૂંગું બળ’, (ચંદુભાઈ નાણાવટી વિશે), ‘શુક્રતારક સમા’ (મહાદેવભાઈ દેસાઈ વિશે), વગેરે અનેક જીવનચરિત્રો વિશે એકએક અલગ લેખ લખી શકો એટલી સમૃધિ લેખકે એમાં ઠાંસીઠાંસીને ભરી છે.

જિંદગીમાં પોતે જે જે મકાનોમાં ભાડેથી રહ્યા તે મકાનમાલિકો વિશે સ્વામી આનંદે લેખ લખ્યો છે. બીજા સારા-નઠારા સાધુ-સંન્યાસીઓ વિશે ‘મારા પિતરાઈઓ’ શીર્ષકથી લાંબો લેખ લખ્યો છે. એમાં એક જેઠી સ્વામી વિશે વાત આવે છે જેમાંથી વારંવાર ટાંક્યા છતાં ફરી એકવાર એનું સેમ્પલ આપવાની લાલચ રોકી શકાતી નથી.

સ્વામી આનંદના બાળપણમાં એમના સંયુક્ત કુટુંબના ઘરે ઘણા સાધુ-સંન્યાસીઓ દંડી ભિક્ષાએ આવતા જેમાંના એક હતા જેઠી સ્વામી. આ જેઠી સ્વામીનો જીભનો ચટકો પ્રખ્યાત. જમવાના આમંત્રણની રાહ જોઈને જ બેઠા હોય અને દિવસ પાકો કરીને યજમાનને ભારપૂર્વક જણાવી દેઃ

‘આ શરીરને ગળપણ તો મૂળે જ ભાવે નહીં માટે લાંબી લપમાં પડવું નહીં. બસ, બશેર (એટલે કે એક લીટર) દૂધ બાળીને વાડકું દૂધપાક કરી મેલજો. એમાં જાયફળની છૂટ. ને ભેળાભેળી પાશેર બૂંદી પાડીને બે લાડુડીઓ વાળી મૂકજો. કમોદ રાંધો તેમાંથી કડછી ભાત કોરે કાઢી ઘીમાં રાંધી બીરંજ બનાવજો ને શરધા (શ્રદ્ધા) હોય તો રાતે લગાર દહીં બાંધી વાડકી શીખંડ કરજો. કેસર ચારોળી એમાં શોભે ને વળી જરા ખટમધુરું, નરું ગળપણ સારું નહીં ને લાંબી લપ નહીં. થોડે પત્યું. સાધુ-સન્યાસીને વળી ઝીભનો લલોપતો શો? લખી લ્યો, લખી લ્યો. લખાયું તે વંચાયું. આપણે ને સામાને બેઉ કોઠે નિરાંત. ભગવાન, તારી માયા!’

આટલું ઓછું હોય એમ જેઠી સ્વામીની યાદી હજુ લંબાતી જાયઃ પાંચ પકવાન, લચકો દાળ, પાતળી દાળ, શાકસંભાર, ચટણીઓ, અથાણાં, રાઈતાં, વડાંપકોડાં, દાળઢોકળી, કઢી, વડી, પાપડ, ખેરાચીકી, ઝીણીમાં ઝીણી વાનીઓ અને વિગતો લખાવે એવું સ્વામી આનંદે ‘મારા પિતરાઈઓ’માં નોંધ્યું છે. જેઠી સ્વામી યાદ કરીને પુરવણીઓ ઉમેરેઃ ‘જુઓને, બચરવાળના ઘરમાં રાતની ખીચડી તો સવારે છોકરાંના શિરામણ સારુ બચે જ. એ વાસી ખીચડીનાં ભજિયાં ઓહો થાય. બાકી તો આ શરીર હવે જીરણ થયું. સાધુ-સંન્યાસીને વળી સ્વાદ શા? ભગવાન, તારી માયા!’

સ્વામી આનંદે લખેલી આ વાતો વાંચીને જમવા એક સંકલ્પ કરવાનોઃ કોઈ જમવા બોલાવે અને તમને શું ભાવશે એવું પૂછે ત્યારે જેઠી સ્વામીની જેમ મેનુ લખાવવા બેસી જવાનું નહીં. આદર્શ ઉત્તર છેઃ ‘કંઈ પણ’ અને વિવેકી ઉત્તર છેઃ ‘ભાભી પાસેબહુ મહેનત નહીં કરાવતા!’

‘કુળકથાઓ’ પુસ્તકમાં સ્વામી આનંદે, બસો વર્ષ પહેલાં જે ગુજરાતી કુટુંબોએ મુંબઈને દેશની આર્થિક રાજધાની બનાવવામાં સિંહફાળો આપ્યો એમના પરિવારોની ગાથા લખી છે. ‘ધનીમા’ વિશેનો યાદગાર લેખ આ પુસ્તકમાં છે. મોરારજી, ઠાકરસી, ખટાઉ ઇત્યાદિ ઘરાણાઓની વાતો વાંચતાં વાંચતાં વાચકના મનમાં જૂના મુંબઈનાં દૃશ્યો તરવરવા લાગે.

સ્વામી આનંદે લખેલાં એક ડઝનથી વધુ પુસ્તકોમાંથી નવનીત તારવીને 1977માં ‘ધરતીની આરતી’ પ્રગટ થયું. મૂળશંકર મો. ભટ્ટે કરેલા આ સંપાદનની નકલ તમને ગુજરાતની કોઈ પણ સારી લાયબ્રેરીમાં વાંચવા મળશે. આજે ગુજરાતીમાં લેખક બની ચૂકેલા કે લેખક બનવા માગતા સૌ કોઈએ ‘ધરતીની આરતી’નો દળદાર ગ્રંથ વાંચીને એમાં જે જે લેખો સ્વામી આનંદના જે જે પુસ્તકમાંથી લેવાયા છે તે તમામ પુસ્તકો વાંચવા જોઈએ. આપણી માતૃભાષાનું ગજું કેટલું મોટું છે અને ગુજરાતી લેખકનું કૌવત કેવું હોઈ શકે તેનો ખ્યાલ તેમને સ્વામી આનંદનાં આ લખાણો પરથી આવે.

‘ધરતીની આરતી’માં સ્વાભાવિકપણે જ જે પુસ્તકમાંથી કોઈ ભાગ ન લઈ શકાય એ પુસ્તક છે – ‘જૂની મૂડી’. અઢીસો જેટલાં પાનાંના આ શબ્દકોશની પ્રથમ આવૃત્તિ આમેય ‘ધરતીની આરતી’ના પ્રકાશનના ત્રણ વર્ષ બાદ (1980માં) પ્રગટ થઈ. ‘જૂની મૂડી’માં સ્વામી આનંદે ગુજરાતી ભાષાના ભુલાઈ જવા આવેલા કે સાવ ભુલાઈ ગયેલા શબ્દોની ડિક્શનરી બનાવી છે. સાથે કેટલાક જૂના રૂઢિપ્રયોગો તથા જૂની કહેવતો પણ છે. મોટાભાગના લોકો ‘ચોરનો ભાઈ ઘંટીચોર’ શબ્દપ્રયોગથી વાકેફ હશે. સ્વામી આનંદે ‘જૂની મૂડી’માં નોંધ્યું છે કે મૂળ પાઠ ‘ચોરનો ભાઈ ગંઠી ચોર’ છે. સ્વામીજી સમજાવે છેઃ ‘ગંઠી એટલે (કપડાને) છેડે બાંધેલી ગાંઠ. અગાઉને કાળે સીવેલાં કપડાં કે ખીસાંનો રિવાજ ન હતો. તેથી લોકો ઘરબહાર કે ગામતરે જાય ત્યારે નાણું ધોતિયા કે સાલ્લાને છેડે ગાંઠ વાળી બાંધીને કમ્મરે ખોસતા. તેવી ગાંઠને ( પણ) છોડાવીને લૂંટી લે તે લૂંટારો ચોરના કરતાં (ય) ભૂંડો એ અર્થ.’

ગુજરાતની ભાષાની આજની સમૃદ્ધિ અનેક નામી-અનામી પૂર્વ સૂરિઓને આભારી છે. સ્વામી આનંદ એમાનું એક ઝળહળતું નામ છે.

સાયલન્સ પ્લીઝ!

ખાપરો-કોડિયો: એ નામના ચાંપાનેરના બે ખેપાન ચોર કે ઠગની જોડી, જેનાં ભોંયરાં પાવાગઢના ડુંગર પર અને સૌરાષ્ટ્રમાં ઉપલેટા-ભાયાવદર પાસેના આળેચના ડુંગરોમાં છે; જે પરથી ચોર, ચોટ્ટો, ખેપાન માણસ, ઠગ એવો અર્થ.

-સ્વામી આનંદ (‘જૂની મૂડી’, પૃષ્ઠઃ 187)

• • •

આ લેખ તમને ગમ્યો?

‘ન્યુઝપ્રેમી’ પર કરન્ટ ટૉપિક્સ સહિતના વિવિધ વિષયો પર નિર્ભીકપણે, નિશ્ચિંત બનીને નિયમિતપણે લખાતું રહે એ માટે તમારા સપોર્ટની જરૂર છે. તમને જે ઠીક લાગે તે રકમ મોકલી આપો.

‘ન્યુઝપ્રેમી’ ૧૦૦% સ્વતંત્ર છે, ‘ન્યુઝપ્રેમી’ના કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નથી, ‘ન્યુઝપ્રેમી’ જાહેરખબરો ઉઘરાવતું નથી.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈના માટે વિનામુલ્યે ઉપલબ્ધ છે. ભવિષ્યમાં આ જ રીતરસમ ચાલુ રાખી શકાય એ માટે તમારા આર્થિક સપોર્ટની આજે જરૂર છે.

નીર-ક્ષીર વિવેક જાળવીને જે સાચું છે અને સારું છે તેનો હિંમતભેર પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા ડિજિટલ માધ્યમને અડીખમ રાખવાનું કામ અને એને સશક્ત બનાવવાનું કામ તમારા સપોર્ટથી જ થઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ના વન પેન આર્મી સૌરભ શાહના પત્રકારત્વ અને લેખનકાર્યનો વિગતે પરિચય કરાવતી ‘કટિંગ ચા’ સિરીઝના ૮ હપતા વાંચવા અહીં ક્લિક કરો.

‘કટિંગ ચાય સિરીઝ’ના તમામ 8 લેખોની લિન્ક

ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવા માટે આ લિંક પર ક્લિક કરો:

‘ન્યુઝપ્રેમી’ના ચાહકો અને સૌરભ શાહના વાચકો માટે એક અગત્યની જાહેરાત

તમે બૅન્ક ટ્રાન્સફર કરીને, ગૂગલ પે કે યુટીઆઈ દ્વારા અથવા પેટીએમથી રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરશો અથવા hisaurabhshah@gmail.com પર ઇમેલ કરશો. આ માટેની વિગતો નીચે મુજબ છે.

Net Banking / NEFT / RTGS
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c No. : 33520100000251
A/c type : Savings
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076

BHIM, PhonePe, Google Pay
UPI ID : hisaurabhshah@okaxis

Paytm No. : 90040 99112

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here