યે ધુઆં કહાં સે ઉઠતા હૈ: આ દેશમાં અસંતોષ, અવિશ્વાસ અને અરાજકતા કોણ ફેલાવે છે

ન્યુઝવ્યુઝ : સૌરભ શાહ
( newspremi.com, ગુરુવાર, ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૦ )

કોઈપણ સામાન્ય માણસને પોલિટિક્સમાં એટલો રસ નથી હોતો જેટલો પોતાના કામમાં, પોતાના જીવનધોરણને સુધારવામાં, પોતાના કુટુંબની ઉન્નતિમાં અને પોતાના સુખી-સંતોષી ભવિષ્યમાં હોય. રાજકીય ગતિવિધિઓ વિશે લાંબા લાંબા ગપ્પાં મારવાને બદલે એ સવારથી સાંજ સુધી પોતે જે ક્ષેત્રમાં છે એમાં મહેનત કરશે, પરસેવો પાડશે, કમાણી કરશે અને સંતોષની ઊંઘ લેશે.

એક સામાન્ય માણસની જિંદગીમાં ભરપૂર સંતોષ હોય છે. એને ભગવાન પર ભરોસો હોય છે. જે મળે છે તે એ મારી લાયકાત મુજબ આપે છે અને જે નથી તે પણ ભવિષ્યમાં આપશે, ઉપરવાળો મારાં સપનાં જરૂર સાકાર કરશે. દરેક વ્યક્તિને પોતાની એબિલિટી કેટલી છે અને કેટલી નહીં એની ખબર હોય છે. જાણી જોઈને કોઈ પોતાની કૅપેસિટીને ઓવર એસ્ટિમેટ નથી કરતું. ક્યારેક દોસ્તારોની મહેફિલમાં એને ચણાના ઝાડ પર ચડાવી દેવાની મસ્તીમજાક થાય એ જુદી વાત છે. એવી વાતોને હળવાશથી લેવાની હોય એની એને ખબર હોય છે. આ દેશમાં સામાન્ય જીવન જીવતા કરોડો જણ પાસે સપનાં હોવાના, એને સાકાર કરવાની મહેનત પણ તેઓ કરવાના, સૌ કોઈ નિષ્ઠાથી-પ્રામાણિકતાથી જીવવાની કોશિશ કરતું હોય છે. અને જીવનમાં આવી પડતી નાનીમોટી ઉપાધિઓ તથા ઝીણીઝીણી અગવડોને પણ એ હસતા મોઢે ઝિલી લે છે. મોજમાં રહે છે. સંતોષભર્યું જીવન જીવે છે.

પણ આ દેશમાં કેટલાક એવા લોકો છે જેઓ માટે પ્રજાની આવી નૉર્મલ જિંદગી પોતાની બેકારીનું કારણ બની જવાની છે. લોકોમાં અસંતોષની ચિનગારી ચાંપવી એને અરાજકતાની આગમાં પલટવી અને પછી એની જ્વાળા પર પોતાની ભાખરીઓ શેકી શેકીને સ્વિત્ઝરલૅન્ડની બૅન્કોના સેફ ડિપોઝિટ વૉલ્ટમાં જમા કરાવવી, આ એમનો બેકારીનિવારણનો એક મુદ્દાનો કાર્યક્રમ હોય છે. સંતોષથી જીવી રહેલી પ્રજામાં ગુસ્સો કોવી રીતે જન્માવવો? એમને કહો કે તમારી મહેનતનું ફળ તમને મળતું નથી, આ દેશને તમારી કદર નથી, દેશની આર્થિક હાલત જુઓ- સાવ ખાડે ગઈ છે. રાંધણ ગેસના બાટલા પાછળ હવેથી તમારે રોજનો દોઢ રૂપિયો વધારે ખરચવો પડશે એટલે હવે તમારી કમર પર મરણતોલ ફટકો લાગવાનો છે. ડૉલરની સરખામણીએ રૂપિયો બે પૈસા ગગડી ગયો એટલે હવે તમારા જીવનમાં મોંઘવારી જ મોંઘવારી આવવાની. તમે તમારા મન્થલી બજેટમાં એક સાંધશો ત્યાં તેર તૂટશે, દેશમાં ચારેકોર ભ્રષ્ટાચાર છે. દેશમાં બધે જ હેટ્રેડનું વાતાવરણ છે. દેશનાં રસ્તાઓ બિસ્માર છે, ટ્રેનો મોડી દોડે છે. બળાત્કારો પર બળાત્કારો થાય છે. દલિતો પર અત્યાચાર અને માયનોરિટીને અન્યાય થાય છે. દેશની સુરક્ષા ખતરામાં છે. દેશની ફાઈનાન્સ મિનિસ્ટર ડોબી છે. દેશનો શિક્ષણમંત્રી નકામો છે. દેશમાં કાનૂન-વ્સવસ્થા જેવું કંઈ રહ્યું જ નથી. પોલીસ ઈનએફિશ્યન્ટ છે, અદાલતોમાં દેર અને અંધેર ચાલે છે, મોંઘવારીએ માઝા મૂકી છે અને કરોડો બેકાર યુવાનો કામ વિના રસ્તા પર રખડે છે. રાજકીય અને સામાજિક સંગઠનોને બોલવાનું ભાન નથી, એલફેલ બોલીને પોતાની અક્કલનું પ્રદર્શન કરે છે.

તમારા મનમાં ધ્રાસકો પડે છે: આ દેશનું શું થવા બેઠું છે? અત્યાર સુધી સંતોષભર્યું જીવન જીવી રહેલા તમે ધીમે ધીમે અકળાતા જાઓ છો. દરેક જગ્યાએ આ જ બધી ચર્ચાઓ થાય છે તો એ સાચું હશે ત્યારે જ ને? આવું માની લઈને તમારી પાસે નોકરી-ધંધો-પૂરતી આવકનાં સાધનો હોવા છતાં તમને દેશની વિકરાળ બેકારી વિશે બિહામણાં સપનાં આવે છે. સાંજે વૉક લેવા જતી વખતે કોઈ જગ્યાએ ખાડા ખોદેલા જોઈને તમને તરત યાદ આવે છે કે આખા દેશની સડક બિસ્માર છે, રસ્તા બનાવનારા કૉન્ટ્રાક્ટરો સાલા ચોર છે, કૉન્ટ્રાક્ટ આપનારી સરકાર હરામી છે.

કોઈ તમારી આગળ જેન્યુઈન આંકડા પેશ કરે તો તમે કહેશો કે આવા સરકારી આંકડામાં મને રસ નથી, પ્રજાની આંખમાં ધૂળ નાખવા માટે વિકાસની વાતો થાય છે, બાકી દેશ તો દિવસે ને દિવસે પછાત બનતો જાય છે— આજે સવારે છાપામાં વાંચ્યું નહીં તમે? દેશની કેટલી ખાનાખરાબી થઈ ગઈ છે? રાત્રે ટીવીની ચર્ચામાં સાંભળ્યું નહીં? આ દેશ ફતનદેવાળિયા થવાની કગાર પર આવીને ઊભો છે.

તમારી અચ્છીખાસી સંતોષભરી જિંદગીની વાટ લગાવી દેવામાં આવી છે. અસંતોષ, અવિશ્વાસ અને અરાજકતા— આના પર પોતાનો ધંધો ચલાવવો છે આ બેકાર બની ગયેલા લોકોએ. અને પોતાની આ ત્રણ ‘અ’વાળી ચાલને પૂરતી સફળતા ન મળે ત્યારે શું કરે છે આ લોકો? ચોથો ‘અ’ લઈ આવે. અંધાધૂંધીનો ‘અ’. પોતાની વાતો ખોટી પડતી દેખાય, પોતે ઉઘાડા પડી જતા દેખાય ત્યારે આ લોકો તમારા મનમાં શંકાનાં બીજનું વાવેતર કરે, પછી એમાંથી અંધાધૂંધીનો પાક લણે. તમને કન્ફ્યુઝ કરી નાખે. પોતાની વાત ખોટી પૂરવાર થતી હોય ત્યારે તમારા મનમાં શંકા જન્માવીને અંધાધૂંધી ફેલાવી દઈને તેઓ તમારી માન્યતા— તમે જેમાં માનતા આવ્યા છો એ વિચારો — વિવાદાસ્પદ છે એવું વાતાવરણ તૈયાર કરવામાં આ લોકો ઉસ્તાદ છે. ખભા પરના બકરાને કૂતરું ગણાવીને પડાવી લેનારાઓની ટોળકી હવે બાળવાર્તામાંથી બહાર નાકળીને લેફ્ટિસ્ટો, સેક્યુલરો અને લિબરાન્ડુઓની ગૅન્ગમાં પરિવર્તિત થઈ ગઈ છે. પોતાની જાતને લિબરલ કહેવડાવનારા લોકો વાસ્તવમાં લિબરલ નથી હોતા, જેમ પોતાને સેક્યુલર કહેવડાવનારાઓ સેક્યુલર નથી હોતા. અને એ લોકો તમને કોમવાદી કહે, તમને સંકુચિત માનસના કહે, તમને અસહિષ્ણુ કહે. ધે અક્યુઝ યુ ઑફ વૉટ ધે આર. આ લિબરલ ગુંડાઓ ( એનું ‘લાડકું’ સ્વરૂપ ‘લિબરાન્ડુ’ ) પોતે જેવા છે એવા વાસ્તવમાં તો તમે છો એવો આક્ષેપ કરીને પોતાની અસલિયત છુપાવવા માગતા હોય છે. પર્સનલ લાઈફમાં પણ તમે માર્ક કર્યું હશે કે જે વ્યક્તિ બીજાઓના ચારિત્ર્ય વિશે નિંદા કર્યા કરતી હોય તે વાસ્તવમાં પોતે જ ચારિત્ર્યહીન હોવાની. ચારિત્ર્ય અહીં માત્ર સેક્સની બાબતનું જ નહીં, જીવનના હરેક પહેલુની બાબતનું.

કન્ફ્યુઝ થઈ ગયા છીએ, અંધાધૂંધીમાં, આ ધુમ્મસમાં કંઈ સૂઝ પડતી નથી. શું ખરેખર કોઈ આપણી શાન્તિ છીનવી રહ્યું છે? આપણામાં અસંતોષ પેદા કરી રહ્યું છે? પેટ્રોલના ભાવમાં ભડકોવાળા સમાચારો વાંચી વાંચીને હવે જ્યારે પેટ્રોલ સસ્તું થયું છે ત્યારે પણ પેટ્રોલ પંપ પર પૈસા ચૂકવતાં જીવ શા માટે કકળે છે? ગઈ કાલ સુધી દર મહિને મળતી આવક ઘર ચલાવવા માટે પૂરતી લાગતી હતી તે આજે સડનલી છાપાંની હેડલાઈનો વાંચીને, ટીવી પર પ્રાઈમ ટાઈમના બ્રેકિંગ ન્યુઝ અને મચ્છીબજારની કોલાહલ જેવી ડિબેટો સાંભળીને શા માટે ઓછી લાગવા માંડી છે. ગઈ કાલ સુધી કુટુંબનું ભવિષ્ય સલામત લાગતું હતું તે અચાનક કેમ અસુરક્ષિત લાગવા માંડ્યું છે? જાહેર જીવનની જે જે વ્યક્તિઓ પર અત્યાર સુધી તમને ભરોસો હતો એ બધા તમારાં માન-આદરને લાયક નથી કારણ કે જુઓને જાહેરમાં કેવી બેવકૂફીભરી વાતો કરે છે, એવું શું કામ તમને લાગી રહ્યું છે?

આનું કારણ એ છે કે તમારા સુધી જે પહોંચે છે તે વાતો કાં તો આઉટ ઑફ કૉન્ટેક્સ્ટ હોય છે, એનો સંદર્ભ કાઢી લેવામાં આવતો હોય છે અથવા તો સાવ ઉપજાવી કાઢેલી હોય છે. અથવા એમાં તોડમરોડ કરવામાં આવી હોય છે— વિડિયોની ક્લિપ સુદ્ધાં ઑલ્ટર કરવામાં આવે છે. આદરણીય મહાનુભાવોનાં પ્રવચનોની ઓરિજિનલ ઑડિયો ક્લિપ ન સાંભળો ત્યાં સુધી તમારા મનમાં શંકા રહ્યા કરે છે કે આવી બેવકૂફીભરી વાત આમણે શું કામ કરી? ડે ઈન એન્ડ ડે આઉટ તમારા માથા પર સતત ચારેકોરથી આવી વાતો ઝીંકાયા કરતી હોય ત્યારે એક તબક્કે તમારામાં અસંતોષ જન્મવાનો જ છે, તમારા મનમાં અવિશ્વાસ જન્મવાનો જ છે, અરાજકતા તમારા મનમાં પણ ઘર કરી જવાની છે અને છેવટે મન આખું ધુમ્મસમય બનીને શંકામાં અટવાતું થઈ જવાનું છે — હું જેને ગયા વખતે વોટ આપી આવ્યો એ લોકો આવા નાકળ્યા? હું જેમના પર ભરોસો રાખીને મનમાં પોરસાતો હતો અને બીજાઓ આગળ પણ છાતી ફુલાવીને ફરતો હતો એ લોકો આવા વામણા નીકળ્યા?

તમારા ખભા પરના બકરાને કૂતરું ગણીને પડાવી લેવા માગતી ઠગટોળકી હવે વધુ આક્રમક બનતી જવાની. પાછલાં સિત્તેર વર્ષોમાં એમણે આ જ કર્યું અને છેલ્લાં પાંચ-છ વર્ષમાં એમની દુકાનો બંધ થઈ ગઈ, એમની એનજીઓ ( અર્થાત્ નવરા ગધેડાઓનું ઑર્ગેનાઈઝેશન ) ને મળતી કરોડો ડૉલર્સની છૂપી વિદેશી સહાયની પાઈપલાઈનને બૂચ લગાવી દેવામાં આવ્યો એટલે હવે તેઓ જીવ પર આવીને તરફડિયાં મારી રહ્યા છે. મરતો માણસ બમણું જોર કરે. ભીંત સરસો જડાઈ ગયેલો ભારે ધમપછાડા કરે અને મરણિયો બનીને કોઈપણ હદ સુધી જાય.

આવા વાતાવરણમાં શું કરવું આપણે?

આવતી કાલથી આ શ્રેણીમાં જે વિચારો પ્રકટ થવાના છે તે સામુહિક ચિંતન, મનન, મંથન અને ડિસ્કશનનું મખ્ખન છે. આ કોઈ એકલદોકલ વ્યક્તિના વિચારો નથી કે નથી કોઈ પુસ્તક-ગ્રંથમાં વાંચેલા. કેટલાક લાઈક માઈન્ડેડ અને અકબીજા માટે સન્માનની લાગણી ધરાવતા લોકો આપસમાં બેસીને જ્યારે કશુંક નક્કર કાર્ય કરવાનું વિચારે છે ત્યારે એનું કેવું શુભ પરિણામ આવે છે તેની સાબિતીરૂપે આ શ્રેણી લખવાની છે જેમાં તમને અત્યારે તમારા મગજમાં ચાલી રહેલા મૂંઝવણભર્યા તમામ સવાલોના જવાબો મળી જવાના છે, વેલ અલમોસ્ટ તમામ. આ શ્રેણીનો લખનાર માત્ર લહિયો છે, બીજાઓના ઉત્તમ વિચારોનો સંચય કરીને તમારા સુધી પહોંચાડવાનું કામ કરનાર ટપાલી છે— આટલું ધ્યાનમાં રાખવું. કાલથી શરૂ.

આજનો વિચાર

સલામતી વ્યવસ્થાના રૂપિયા એક કરોડ સરકારમાં જમા કરાવી દો.
—સી.એ.એ.ના વિરોધમાં આંદોલન કરનારા દેખાવકારોને ઉત્તરપ્રદેશની યોગીસરકારની નોટિસ.

એક મિનિટ!

ઘણી વખત તમે કોઈનો સારો ટ્વિટ જોઈને એને ફૉલો કરવાની ભૂલ કરી બેસો છો. લવ ઍટ ફર્સ્ટ સાઈટમાં પણ આવી જ ભૂલ થાય છે.
_સંત અધીરેશ્વર ( ઉર્ફે અધીર અમદાવાદી )

13 COMMENTS

  1. ..આ આશાવાદ (સાચ્ચો) અને હકીકતી રજુઆત એકદમ timely છે, સૌરભભાઈ. Thank You !!
    પણ.., વચ્ચે એક-બે વાર થયું’તું એમ શૃંખલા, અધવચ્ચે બંધ ન કરશો, પ્લીઝ !!

  2. સાહેબ, તમે ૧% લોકો માં હશો કે જેમણે નામો ને પરિપૂર્ણ રૂપે ઓળખી લીધા છે અને તમારા લેખો માં વ્યક્ત થાય છે
    આપના લેખો ની હું આતુરતા પૂર્વક રાહ જોતો હોય છું અને અનેક ગ્રુપ માં મોકલતો હોઉં છું
    ધન્ય વાદ

  3. અત્યાર ના સમય માં ચિતંન કરવાની એમજ ઉડાણ થી સમજવાની સખ્ત જરુરત છે,આપણે ગેરમારગે ન દોહરાઇ જઇએ એનું ધ્યાન રાખવાની જરુરત છે,દેશ હશે તો આપણે હશું,સૌને એકબીજાને સત્ય હકીકત જણાવવાની આવશ્યકતા છે,તેમજ દેશ પ્રત્યે એક જુટ થઇને ઊભા રહેવું પડશે,તમે સતત મંથન કરવતા રહેશો એજ અપેક્ષા.

  4. શ્રી સૌરભભાઈ,
    ધુઆં ને પરમેનન્ટ વાદળમાં ખપાવી દેનારા, અપશબ્દો વાપરીએ તો ઓછા પડે એવા આ લિબરાન્ડુઓ, નકલી પ્રપંચીઓ, એવોર્ડ વાપસી ગેન્ગ, કુબુદ્ધિધનો જર્નાલિસ્ટો, ટુકડેટુકડે ગેંગ, પથ્થરબાજો, જેવી અનેક વાનર ટોળકીઓ, આ દેશમા આપે બતાવેલા ત્રણ ‘અ’ ને જ નહી દેશને કન્ફ્યુઝ કરીને બરબાદ કરીને ખુરશી પર બેસવાની વેતરણમાં છે.

    તમારો લેખ બધાને જાગૃત કરશે અને જાગૃતને દોડતો કરશે એ નિશ્ચિત છે. દેશ હિતમાં આ અત્યંત જરૂરી છે.જય ભારત. વંદે માતરમ્ .

  5. આવા શેણીબધ્ધ લેખોની અતી આવશ્યક્તા છે, અને તમારા અનુભવોનું ને સમજણનુ જ્ઞાન આજની યુવા પેઢી તથા પાકટ વ્યાપારી વગઁને માટે એ સમજણને મઠારવાની એ આજના સમયની જરૂરીયાત છે (સો સોનારકી એક લુહારકી)
    આજનાં જુવાનો, પીઢ અને પાકટ વ્યાપારી વગઁ,ગ્રુહીણીઓ અને વયોવ્રુધ્ધોએ રાજકારણની આંટીઘુંટી,કાવાદાવા,બબ્બે ચહેરા ધરાવતા નેતાઓને ઓળખવાની,છદ્મવિચારોની ભરમાર રજુ કરતાં દરેકને સમજવાનો સમય આપવો જ પડશે ટુંકમાં દરેક પ્રજાજને હવે રાજકારણમાં રસ રૂચી રાખવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here