‘થોડી તો મેલી જ હોવી જોઈએ મથરાવટી’ : સૌરભ શાહ

(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, ૬ જૂન ૨૦૨૧)

શું તમારી આસપાસ એવા લોકો છે જેમને પોતે સંસ્કારી દેખાવાની બહુ હોંશ હોય? મારી આસપાસ તો ઘણા જોયા એવા. કેટલાક વાચક પણ એવા ચિબાવલા હોય છે જેઓ આદર્શો, નીતિમત્તા અને સંસ્કારમાં ઉન્નીસબીસ હોય એવી એક પણ વાત લખો તો તૂટી પડે તમારા પર. જાણે પોતે સતનું પૂતળું હોય ને પ્રભુ રામચન્દ્રના અવતાર હોય. અને કંઈક કહો એટલે સામે દલીલ કરવા માંડે કે પણ જો એ રીતે છૂટછાટો આપવા માંડીએ તો તો દુનિયાનું અધ:પતન થઈ જાય.

હવે સાંભળો, આ વાત અમે નથી કહેતા, પૂજ્ય મોરારિબાપુ કહે છે અને બાપુ પણ નથી કહેતા, એમના પૂજ્ય દાદાશ્રીએ આ મૌલિક વાત એમને કહી હતી. સંદર્ભો જુદા હતા પણ શબ્દો આ જ હતા જેનું અર્થઘટન મેં મારી રીતે કર્યું છે જે સાચું હોય તો એનો જશ બાપુને અને બાપુના દાદાજીને અને એમાં ચૂક થતી હોય તો એનો વાંક મારો અને મારા દાદાજીનો (ના, મારા દાદા અહીં શું કામ વચ્ચે આવે? અપજશ મારો એકલાનો).

દાદાશ્રીએ કહેલી મૌલિક અને સો ટચના સોના જેવી વાત બાપુએ એ કહી કે: અતિ સંસ્કારી હોવું એ બંધનકર્તા છે.

મીન્સ કે તમે જો તમારી જાતને સંપૂર્ણપણે ડાહીમાના દીકરા જેવા માનવા જશો તો તમે એવા બની શકવાના નથી અને પછી એવા દેખાવાની હોંશમાં ને હોંશમાં તમે દેખાડાઓ કરતા થઈ જવાના, દંભી અને ઢોંગી બનતા જવાના.

સોનામાં ભેગ હોય તો જ એમાંથી દાગીનો ઘડી શકાય અન્યથા સો ટચનું સોનું એટલું પોચું હોય કે દાગીનો તૂટી જાય કે લપટો બની જાય. આવી વાત મહાભારતમાં લખી છે એવું કહેવાય છે. આપણે નથી વાંચી.

પણ પ્રેક્ટિકલી વાત એકદમ સાચી છે. મેં ઘણા એવા લોકો જોયા છે જેઓ પોતાની જાતને પ્રામાણિકતાનું પૂંછડું માનતા હોય, યુધિષ્ઠિર કરતાંય નીતિમત્તાવાન માનતા હોય અને ભગવાન રામ કરતાં વધુ ચારિત્ર્યવાન માનતા હોય. આવા લોકોને મળીએ ત્યાં જ તમને એમનામાંથી ફિનાઈલથી સાફ કરેલા બાથરૂમ જેવી ગંધ આવવા માંડે અને આપણને એવી વાસની સખત એલર્જી છે. કેટલાક લોકો પોતે કેટલા સંસ્કારી છે એવું જતાવવા તમને પોતાના ઘરે નિમંત્રીને પોતાની પત્ની કેટલી સુશીલ છે, પોતાનાં બાળકો કેટલાં ડાહ્યાડમરાં છે અને પોતાનો રસોઈયો કેવો સંજીવ કપૂર સ્ટાઈલનો છે એ જતાવવાની કોશિશ કરતા હોય છે. આવા ઘરોમાં અને આવા ઘરોમાં રહેતા માણસોમાં (રસોઈયા સહિતના તમામ માણસોમાં) અતિ સંસ્કારની બૂ આવતી હોય છે. બાપુએ એ કહેલી વાતના સંદર્ભમાં સ્વ. ભગવતીકુમાર શર્માની ગઝલનો આ શેર ટાંકવો છે. શેર તો મથરાવટીવાળો છે પણ આખી ગઝલ જ ટાંકીએ. મઝાની છે:

ડુંગરા તૂટે, ખડક કંઈ ખીણમાં ધસમસ પડે,
હો ગગનગામી ભલે માણસ છતાં ચોક્કસ પડે.

કે નથી હોતા કદી કોઈ પતનમાં ભેદભાવ,
ગઢ પડે, ભેખડ પડે, મંદિર પડે, આરસ પડે.

થોડી તો મેલી જ હોવી જોઈએ મથરાવટી,
તો ફરિશ્તાઓના ટોળાંથી અલગ માણસ પડે.

આ બધી ઘટના ખુશીની એકધારી છે નીરસ,
દુખના બે-ચાર કિસ્સાઓ કહો તો રસ પડે.

હું લઈને નીકળું છત્રી સરસ વર્તુળાકાર,
ને ગગનમાંથી ચમકતી વીજળી ચોરસ પડે.

તે પછી રહેશે નહીં અંધારનો કોઈ વિકલ્પ,
હો અમાસી રાત ને મુજ હાથથી ફાનસ પડે.

કોઈ વેળા તો પતન પણ હોય છે વસ્તીસભર,
એ પડે ને સાથે એના વંશ ને વારસ પડે.

આનો અર્થ કોઈ એ ન કરે કે માણસે અસંસ્કારી બનવું જોઈએ. અહીં અસંસ્કારનો કે કુસંસ્કારનો મહિમા નથી. અહીં વધુ પડતા સંસ્કારી હોવાની કે દેખાવાની હોંશ સામે લાલબત્તી છે કારણ કે આવી હોંશ ન સિર્ફ તમારા વ્યક્તિત્વને રૂંધે છે, તમને તમારી રીતે જીવતાં રોકે છે, તમને ઢોંગી-દેખાડુ-દંભી બનવા તરફ લઈ જાય છે.

લોકોને બીજાઓની નીતિમત્તાને પ્રમાણવાનું બહુ મોટું વળગણ હોય છે. આવું તો ન જ ચલાવી લેવાય, આદર્શ એટલે આદર્શ, સિદ્ધાંતમાં એક વાર જરા સરખી બાંધછોડ કરી તો પતનનો માર્ગ નિશ્ર્ચિત છે એવું એવું, ક્યાંકથી સાંભળીને ગોખી કાઢેલું, તેઓ બોલતા હોય છે.

સ્વસ્થ ચિત્તે વિચારશો તો બાપુએ, એમના દાદાએ કહેલી આ મૌલિક વાતમાં ડૂબકી મારીને બીજાં ઘણાં મોતી જડશે. મને જે જડ્યું તે તમારી આગળ મૂકી દીધું.

પાન બનાર્સવાલા

તીવ્રતાથી કશુંક જોઈતું હોય તે ન મળે ત્યારે પણ તમે નસીબદાર હોઈ શકો છો.

— અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

4 COMMENTS

  1. અમુક મર્યાદામાં લેવાતી થોડીક બાંધછોડ તો ચલાવી લેવી જોઈએ… આજે આ તથ્ય સમજાઈ ગયું. સાચે જ , શુધ્ધ ચારિત્ર્યવાન થવામાં કોઈ મઝા નથી. ડફણા ખાવાનો વારો આવે છે ક્યારેક તો. થેંક્યુ સર આ વાત સમજાવવા માટે.

  2. સાચી વાત કહી.

    મારી સમજણ એવી છે કે સ્વધર્મ સર્વોપરી છે.

    આપણું વર્તન, વાણી અને આચરણ પરિસ્થિતિ ને અનુરૂપ સહજ, નિખાલસ અને સ્વધર્મ પ્રમાણે હોય તો તે ઉત્તમ ગણાય.

  3. अति सर्वत्र वर्जयते…

    વાત સાચી સૌરભભાઈ,
    સંસ્કાર કે નીતિમત્તા માં પણ “અતિ” એ ઠીક નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here