અક્ષિ તર્પણ, શિરોધારા, નસ્ય અને હવન ચિકિત્સા —હરદ્વારના યોગગ્રામમાં ૧૪મો દિવસ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ચૈત્ર સુદ તેરસ, વિક્રમ સંવત ૨૦૭૮. ગુરુવાર, ૧૪ એપ્રિલ ૨૦૨૨)

માટીની ચિકિત્સા વિશેના લેખ સંદર્ભે એક સરસ કમેન્ટ આવી છે. આલાપ ઘીઆ (alapghia@gmail.com) લખે છેઃ ‘મારા દાદા સ્વ.ધીરજલાલ ઘીઆ ભાવનગરમાં ‘માટી પ્રયોગી’ તરીકે ઓળખાતા અને એમની સારવારથી કૅન્સરના દર્દીને પણ એમણે સાજા કર્યા હતા એવું મારા ઘરના લોકો કહેતા. એમણે માટીપ્રયોગ માટે લખેલાં અને છપાયેલાં પુસ્તકો મેં પણ વાંચ્યાં છે અને મારાં બા એટલે કે દાદીમા જીવતાં હતાં ત્યાં સુધી અમે લોકો પણ માટી બનાવીને રાખતા અને લોકો અમારે ત્યાંથી જરૂર પડ્યે લઈ જતા.

‘માટી બનાવવાની પ્રક્રિયા ખૂબ મહેનત માગી લે એવી હોય છે. અને મારા દાદા કે અમે લોકો પણ, ક્યારેય એના પૈસા કે ફી કે અન્ય લાભ લેતા ન હતા. ફકત અને ફકત લોકોને આરોગ્યલક્ષી લાભ થાય એ જ હેતુ હતો.

‘મારા દાદા પાસે માટીથી કઈ રીતે સારવાર થઈ શકે એ જોવા અને સમજવા સ્વ. વિનોબા ભાવે પણ આવ્યા હતા. અને પછીથી એ પણ માટીના પ્રયોગનો નિયમિત ઉપયોગ કરતા એવું મારાં બા પાસેથી સાંભળ્યું છે.
‘આપના આજના લેખથી મારી નાનપણની સ્મૃતિઓ જાગૃત થઈ ગઈ. આભાર.’

આભાર તો આપનો, આલાપભાઈ! આવી અમૂલ્ય સ્મૃતિઓને કમેન્ટરૂપે ‘ન્યુઝપ્રેમી’ના વાચકો સાથે વહેંચવા માટે.

મેં કહ્યું હતું એમ શિરોધારા, અક્ષિ તર્પણ અને નસ્યની મારી ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ છે. અક્ષિ એટલે આંખ અને તર્પણનો એક અર્થ થાય— શક્તિ આપવી. આંખની શક્તિ વધારવા, આંખનું તેજ વધારવા, આંખની નબળાઈઓને દૂર કરવા અક્ષિ તર્પણ ઉપકારક છે. બેઉ આંખોની આસપાસ અડદના ભીના લોટના લુવા વડે એકાદ ઇંચ ઊંચી વાડનું કુંડાળું કરી દેવામાં આવે. કેટલીક જગ્યાએ ઘઉંનો લોટ પણ વાપરવામાં આવે છે. પછી એમાં હળશેકું ગાયનું ઘી ધીરેધીકે રેડવામાં આવે જેમાં ત્રિફળા વગેરે ઔષધિઓ હોય. ઘી રેડાતું હોય ત્યારે આંખો બંધ રાખવાની. ઘી રેડવાની પ્રક્રિયા પૂરી થઈ જાય એ પછી તમને ધીમેથી આંખો ખોલવાનું કહેવામાં આવે. આંખો ખોલો એટલે તમે ઘીની આરપાર ધૂંધળું જોઈ શકો, દૃશ્યો તરતાં હોય એવું લાગે. પછી સૂચના આપવામાં આવે કે બેઉ આંખની કીકી ડાબે લઈ જાઓ, જમણે લઈ જાઓ, ઉપર – નીચે લઈ જાઓ. બે – ત્રણવાર આવું કરવાનું. પછી બેઉ કીકીને કલૉક્વાઈઝ ફેરવવાની, ઍન્ટી ક્લૉકવાઈઝ ફેરવવાની. આવું કરતી વખતે આંખો ખુલ્લી રાખવાની, બંધ નહીં કરી દેવાની.

ત્રિફળાને કારણે શરૂમાં આંખ સહેજ ચચરે તો વાંધો નહીં, થોડી સેકન્ડ માટે બંધ કરીને પછી આ એક્‌સરસાઈઝ કરવાની. પૂરતો વ્યાયામ થઈ ગયા પછી એક કપડા કે રૂ કે ટિશ્યુ પેપર વડે બધું ઘી શોષી લેવામાં આવે અને ઘી બહાર ઢોળાઈ ન જાય એ માટે કરવામાં આવેલી લોટના કુંડાળાવાળી વાડને પણ દૂર કરી દેવામાં આવે. એ પછી આંખમાં ગુલાબજળ રેડીને ઘીના અવશેષ દૂર કરી વધુ ઠંડક આપવામાં આવે. છેવટે આંખ પર ગુલાબજળનાં પૂમડાં મૂકીને બે મિનિટ માટે શવાસન કરવાનું.

અક્ષિ તર્પણ કર્યા પછી કલાક સુધી સૂર્ય સામે જોવું નહીં, મોબાઈલની સ્ક્રીન જોવી નહીં અને કલાક સુધી આંખો ધોવી નહીં તથા બે કલાક સુધી નહાવું નહીં એવી સૂચના આપવામાં આવે.

પાંચ હજાર વર્ષ જૂની આ ઉપચાર પદ્ધતિ હવે ઘણી લોકપ્રિય થઈ ગઈ છે. પંચકર્મમાં એનો સમાવેશ થાય છે. તેલને બદલે ઘીનો ઉપયોગ પણ થઈ શકે. અમુક વખતે દૂધ કે પાણી પણ વપરાય. ડિપ્રેશન અને હાઈ બીપીમાં પણ ફાયદો થાય

અક્ષિ તર્પણ કરતાં પહેલાં એ જ ટ્રીટમેન્ટ રૂમની લાંબી બૅન્ચ પર સુવડાવીને શિરોધારા લીધી. ઘણી પ્રચલિત ટ્રીટમેન્ટ છે આ. કેરળના પ્રવાસ દરમ્યાન તમારામાંના ઘણા,જો કોઈ આયુર્વેદ ઉપચાર કેન્દ્રમાં ગયા હશો તો, આ ઉપચાર પદ્ધતિથી વાકેફ હશો. હવે તો કેટલીક ફાઈવ સ્ટાર હૉટેલોમાં પણ મસાજ ઉપરાંત શિરોધારા આપતા થઈ ગયા છે. મેં મારા એક મિત્ર સાથે થાણેની યેઉર ટેકરીના ઉપચાર કેન્દ્રમાં ઘણાં વર્ષો પહેલાં શિરોધારા લીધી હતી. એ પછી આ બીજીવાર. તમારા કપાળ પર એક પિત્તળની તપેલી સાંકળથી લટકાવેલી હોય. તપેલીની નીચે ખોલબંધ થાય એવી ચાવી હોય. તમારી આંખ પર તેલના રેલા ન ઉતરે એ રીતે નેપકીન ઢાંકીને ચાકી ખોલે એટલે એકદમ પાતળી સેરથી તપેલીમાંના ઔષધયુક્ત તેલની તમારા કપાળના મધ્ય ભાગ પર ધારા થાય. લટકતી તપેલીને સહેજ હલાવીને ડાબેજમણે ઝૂલતી કરવામાં આવે એટલે તેલની ધારા એક તરફથી બીજી તરફ, બીજી તરફથી પાછી પહેલી તરફ જતી – આવતી રહે. વાળ પર આ ધારા નીતરતી રહે. અંદાજે બેથી ત્રણ લીટર ઔષધયુક્ત તેલ આ રીતે ધારરૂપે રેડવામાં આવે. એની સ્મેલ ખૂબ જ સ્ટ્રૉન્ગ હોય. એક વખત વપરાયેલું તેલ ફરી વાપરવામાં ન આવે. લગભગ ત્રીસ મિનિટ સુધી આ પ્રક્રિયા ચાલે. પછી ટુવાલ વડે વાળ પરનું બધું તેલ શોષી લઈને પાંચ મિનિટ સુધી હળવે હાથે મસાજ કરે. મગજની તાણ સાવ હળવી થઈ જાય. થાક દૂર થઈ જાય. એકદમ રિલેક્સ ફીલ કરો. પાંચ હજાર વર્ષ જૂની આ ઉપચાર પદ્ધતિ હવે ઘણી લોકપ્રિય થઈ ગઈ છે. પંચકર્મમાં એનો સમાવેશ થાય છે. તેલને બદલે ઘીનો ઉપયોગ પણ થઈ શકે. અમુક વખતે દૂધ કે પાણી પણ વપરાય. ડિપ્રેશન અને હાઈ બીપીમાં પણ ફાયદો થાય. શિરોધારા ઘરે પણ તમે લઈ શકો છો એવું સાંભળ્યું છે પણ એ કેવી રીતે થાય તે વિશે મને કોઈ જાણકારી નથી.

નસ્ય અનેક પ્રકારનાં હોય. શરદી થઈ હોય ત્યારે તપેલામાં ગરમ પાણી લઈ (એમાં ક્યારેક વિક્સ વેપોરબ નાખીને) માથે ટુવાલ ઓઢીને વરાળ લઈએ છીએ તે પણ નસ્ય જ છે. ઘણા એને ‘નાસ લેવો’ પણ કહે છે. હવે તો કોરોના વખતે વીજળીથી ચાલતાં વેપરાઈઝર ઘરેઘરે આવી ગયાં છે.

અહીં આ નસ્ય જરા જુદું હતું. સૌ પ્રથમ ચહેરા પર બદામના શુદ્ધ તેલની માલિશ થઈ. પછી એક કૂકર જેવું સ્ટીમર લાવવામાં આવ્યું જેની સાથે બાથરૂમમાં હૅન્ડ શાવરનું નાળચું હોય એવું નાળચું જોડેલું હતું. એમાંથી વરાળ છોડવામાં આવે અંદર ઔષધયુક્ત પાણી હોય. આ મેડિકેટેડ વરાળના ફુવારામાં તમારે નાકથી શ્વાસ લઈને મોઢાથી બહાર કાઢવાનો. થોડા વખત પછી મોઢાથી શ્વાસ લઈને નાકથી બહાર કાઢવાનો. પાંચ મિનિટ પછી વરાળ બંધ કરીને બેઉ નસકોરામાં ઔષધીય તેલનાં ટીપાં રેડવામાં આવે અને સુચના મળે કે આને કારણે તમારા ગળામાં કશુંક પ્રવાહી ઉતરશે તે પેટમાં જવા દેવાનું નથી, બાજુમાં જ બાથરૂમમાં જઈને થૂંકી કાઢવાનું. નાકની સફાઈ થઈ ગયા બાદ, ગળા સુધી પહોંચીને અટકી ગયેલા શેષ કચરાને દૂર કરવા નમકીન પાણીથી અવાજ કરીને કોગળા કરી લેવાના.

આંખ, નાક, મગજ, મનની શુદ્ધિ પછી ઘણું સારું લાગે. આજે મારો અહીં 13મો દિવસ છે. હજુ બીજા 37 દિવસ અહીં છું. એ દરમ્યાન શિરોધારા, અક્ષિ તર્પણ અને નસ્યની થેરપીઓ વધારે વાર થશે, જેમ કાફ (પીંડી) મસાજ વારંવાર થાય છે એમ જ. મઝા પડશે.

થોડી વાત યજ્ઞ કે હવન કે હોમ વિશે કરી લઈએ. સ્વામી રામદેવને કારણે જ મને ઘરે હવન કરવાની પ્રેરણા મળી. વર્ષો પહેલાં મેં મારી ઑફિસમાં આસોની નવરાત્રિ વખતે નવચંડી યજ્ઞ કરાવ્યો હતો. એ ઉપરાંત પ્રસંગોપાત મિત્રો – સગાંઓને ત્યાં વિવિધ અવસરોએ થતી પૂજા દરમ્યાન હવન થતા જોયા છે. હવનને કારણે દ્રવ્યોનો બગાડ થાય છે એવી વાતો ઘણી પ્રચલિત થઈ છે પણ જેમ મહાદેવને દૂધ ચડાવવામાં કે હનુમાનજીને તેલ ચડાવવામાં કોઈ બગાડ થાય છે એવું હું માનતો નથી એમ હવનમાં પણ ઘી કે ધન – ધાન્યનો બગાડ થાય છે એવું હું જરા પણ માનતો નથી. કોઈ જો માનતું હોય તો મારે સામે દલીલ નથી કરવી, સૌને પોતપોતાના વિચાર હોય, મને મારા વિચાર છે. જ્યાં સુધી એ વિચારોથી કોઈનું નુકસાન ન થતું હોય તો એ વિચારોનો વિરોધ કરનારાઓના વિરોધની અવગણના જ કરવાની હોય. આમેય વિરોધીઓને જવાબ આપવા કરતાંય એમની ઉપેક્ષા કરવી એ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. આપણે નિષ્ઠાપૂર્વક આપણી વિચારસરણી મુજબ આપણા કામમાં વ્યસ્ત રહેવાનું.

મને વિધિસર યજ્ઞ કરતાં નથી આવડતું. હું મારી બુદ્ધિ મુજબ અને થોડી ઘણી જાણકારી મુજબ મનમાં ગાયત્રી મંત્રનો જાપ ચાલુ રાખીને પ્રથમ તો એક દીવો પ્રગટાવું અને ત્યારબાદ હવનકુંડમાં એક કપૂરની ટીકડીથી અગ્નિ પ્રજ્વલિત કરીને ત્રણથી પાંચ સમિધા ગોઠવી એના પર સ્વાહાના ઉચ્ચારણ સાથે ગાયનું ઘી મૂકતો રહું. મુંબઈમાં મારી પાસે માટુંગાની એક ફેમસ સાઉથ ઇન્ડિયન શૉપમાંથી ખરીદેલા બે હવનકુંડ છે, એક નાનો છે બીજો સહેજ મોટો છે, બંને તાંબાના છે. ઍમેઝોન પર સર્ચ કરશો તો ઘણા ઑપ્શન મળી જશે. હવન સામગ્રી પણ શરૂઆતમાં મેં ઍમેઝોનમાંથી જ મગાવી હતી. આંબાના ઝાડની લાકડીઓની સમિધા ઉપરાંત પીપળાની ડાળીઓની સમિધાનો સારો એવો જથ્થો મેં મગાવી રાખ્યો છે.

હવનનો અગ્નિ શાંત થઈ ગયા પછી અંગારા પર નાની મુઠ્ઠીભરીને ગૂગળ મૂકવાથી જે શ્વેત ધુમ્ર નીકળે તે તો ખૂબ જ ફાયદાકારક છે. એની સુગંધ પણ સરસ હોય. અડધો કલાકથી પોણો કલાક દરમ્યાનની હવન વિધિ પૂરી કરી અગ્નિકુંડને સાષ્ટાંગ નમન કરીને ઘરના ખૂણે ખૂણાને ધુમપાન કરાવી શકાય તો સારું. ધુમ્રપાન શબ્દ કમનસીબે સિગારેટ સ્મોકિંગ સાથે પ્રચલિત થઈ ગયો છે. ઘણું ખરાબ થયું. આ રીતે ઘણા શબ્દોને અને શબ્દપ્રયોગોને અભડાવી દેવામાં આવ્યા છે દા.ત. ‘પધરાવી દેવું’, ‘હોળીનું નાળિયેર’, ‘વહેતી ગંગામાં હાથ ધોઈ લેવા’ ઇત્યાદિ.

ધુમપાન શબ્દ અસલમાં યજ્ઞ સાથે જોડાયેલો છે અને વેદોમાં એ વપરાયેલો છે.

હવન સામગ્રી તમે ઘરે પણ બનાવી શકો અને સમિધારૂપે ઝાડના લાકડાને બદલે ગાયના છાણમાંથી બનેલી સમિધા પણ વાપરી શકો. પતંજલિએ આવી ‘ગોમય સમિધા’ બનાવી છે પણ એની ડિમાન્ડ એટલી છે કે ન તો દેશભરમાં પથરાયેલા પતંજલિના નાનામોટા સ્ટોર્સમાં ઉપલબ્ધ છે, ન ઑનલાઈન વેચાય છે

હવે તો મારી પાસે ઘણી બધી હવનસામગ્રીઓ છે જે મેં પતંજલિના ઑનલાઈન સ્ટોરમાંથી મગાવી હતી. પતંજલિએ લગભગ એક ડઝન પ્રકારની હવન સામગ્રી તૈયાર કરી છે. કેન્સર માટે ‘કર્કેષ્ટિ’, અનિદ્રા – સ્ટ્રેસના ઇલાજ માટે ‘મેધેષ્ટિ’, વાતરોગો માટે ‘વાતેષ્ટિ’, પિત્તરોગો માટે ‘પિત્તેષ્ટિ’, કફ રોગો માટે ‘કફેષ્ટિ’, ચર્મ રોગો માટે ‘ચર્મેષ્ટિ’, હૃદયના વિકારો માટે ‘હૃદયેષ્ટિ’, ડાયાબીટીસ માટે ‘મધુઈષ્ટિ’ ઇત્યાદિ.

ઇષ્ટિ એટલે હવન અથવા તો યજ્ઞ. મૃત્યુ પછી માણસની અંત્યેષ્ટિ થાય અર્થાત્ એના જીવનનો છેલ્લો યજ્ઞ થાય.

પતંજલિનું ગૂગળ પણ સારું આવે છે. શુદ્ધ ગુગળ આમેય ઘણું મોંઘું અને દુર્લભ હોય છે. ઍમેઝોન પરથી મગાવેલું અફઘાની ગૂગલ પણ મને સારું લાગ્યું. એ જ રીતે કપૂર પણ ઊંચી જાતનું જ વાપરવું જેથી એ રસાયણમુક્ત હોય, એકદમ પ્રાકૃતિક હોય.

હવન સામગ્રી તમે ઘરે પણ બનાવી શકો અને સમિધારૂપે ઝાડના લાકડાને બદલે ગાયના છાણમાંથી બનેલી સમિધા પણ વાપરી શકો. પતંજલિએ આવી ‘ગોમય સમિધા’ બનાવી છે પણ એની ડિમાન્ડ એટલી છે કે ન તો દેશભરમાં પથરાયેલા પતંજલિના નાનામોટા સ્ટોર્સમાં ઉપલબ્ધ છે, ન ઑનલાઈન વેચાય છે. યોગગ્રામમાં યજ્ઞસામગ્રી વેચતી દુકાનમાં મળે છે. ખૂબ જ વાજબી ભાવ છે. મેં પાંચસો – છસો રૂપિયામાં મળતું વીસ કિલોનું આખું કાર્ટન જ લઈ લીધું છે, જે મુંબઈમાં મને કામ લાગશે. આ ઉપરાંત યોગગ્રામમાં 50 દિવસ સુધી રૂમની બાલકનીમાં હવન કરવા માટે એક હવનકિટ પણ ખરીદી લીધી છે જે અધરવાઈઝ ઑનલાઈન કે પતંજલિના સ્ટોર્સમાં સહેલાઈથી નથી મળતી.

હવનકુંડ ગોઠવવા માટેની ત્રણ પગથિયાંવાળી વેદી મેં ક્યાંય વેચાતી નથી જોઈ અને અહીં બે – ત્રણ સાઈઝમાં મળે છે એટલે મને અનુકૂળ આવતી સાઈઝની વેદી પણ લઈ લીધી છે. ખૂબ વજનદાર છે.

કોઈને વિધિસર યજ્ઞ કરવો હોય તો એની સમજ આપતી પત્રિકા મારી પાસે છે – તેની આગળ પાછળની બેઉ ઇમેજીસ આ લેખ સાથે મૂકવાની કોશિશ કરું છું.

જાતે હવનસામગ્રી બનાવવી હોય તો એમાં શું શું જોઈએ? આવો સવાલ એક વખત મને થયો હતો. મેં કલાકો સુધી ખાંખાખોળા કરીને આ યાદી તૈયાર કરી છે. આ બધું ક્યાં મળે એની મને ખબર નથી. તપાસ કરીશ તો જાણ થશે. મુંબઈ, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા બીજા ઘણા મોટા શહેરોમાં તો ઘણે ઠેકાણે ઉપલબ્ધ હશે. ઑનલાઈન પણ મળે પરંતુ ખૂબ મોંઘી પડે.

આ યાદીમાં આપેલી બધી જ સામગ્રી હોય તો જ હવન થાય એવું નથી. તમે તમારી અનુકૂળતા અને હવનની પરંપરા મુજબ સામગ્રી લઈ આવી શકો. યાદી આ મુજબ છે:

1.શ્યામા તુલસી, 2. ગિલોય, 3. બહેડા, 4. કચુરા, 5. દેવદાર, 6. જટામાંસી, 7. કપૂર કાચરી, 8. બાવચી, 9. અરંડી, 10. નાગરમોથા, 11. બેલના ફૂલનો ગર, 12. તેજપત્ર, 13. છબિલા, 14. મુસકદાના, 15. પલાશ બીજ, 16. ઇલાયચી, 17. હાઉબેર, 18. વન તુલસી, 19. રક્ત ચંદન, 20. સુગંધ કોકિલા, 21. ખેરનાં બીજ, 22. ગૂગળ, 23. નીલગીરી તેલ, 24. એરંડી તેલ.

આ ઉપરાંતઃ 1. કાળા તલ, 2. જવ, 3. અક્ષતથી પણ હવન સામગ્રી બને.

તેમ જઃ 1. ચંદન પાવડર, 2. ભોજપત્ર, 3. નાગકેસર, 4. કમલ ગટ્ટા, 5. ખારેક, 6. કાજુ, 7. બદામ (આખી), 8. કિસમિસ, 9. મખાના, 10. સાકર, 11. અગર, 12. ટગર, 13. જાયફળ, 14. જાવંત્રી પણ હવન સામગ્રીમાં ઉમેરાય.

ગાયના ઘીની સાથે મધ પણ હવનમાં વપરાતું હોય છે.

આદર્શ હવન સામગ્રીમાં મિષ્ટ, પુષ્ટિકારક, સુગંધિત અને રોગનિવારક – એવા ચાર પ્રકારના પદાર્થો હોય.

મિસરી અને મધ મિષ્ટ છે. બદામ, મખાના અને અશ્વગંધા પુષ્ટિકારક છે. ચંદન, જાવિત્રી, જાયફળ, ઇલાયચી, લવિંગ સુગંધિત છે. ગૂગળ, ગિલોય વગેરે રોગનિવારક છે.

હવનની સામગ્રી શુદ્ધ હશે અને સમિધારૂપે વપરાતું કાષ્ઠ (કે પછી ગાયના છાણમાંથી બનતી સમિધા) સૂકાં હશે તેમ જ જંતુમુક્ત હશે અને શુદ્ધ ગાયનું ઘી, શુદ્ધ ગૂગળ, શુદ્ધ કપૂર હશે તો એ હવનનું ધૂમપાન સ્વાસ્થ્ય માટે ઘણું ઉપકારક થવાનું.

અહીં આવતાં પૂર્વેના લગભગ બે – ત્રણ મહિનાથી મેં મારા ઘરમાં – મારા સ્ટડીરૂમમાં – હવન કરવાનું શરૂ કર્યું હતું. આટલા ઓછા ગાળામાં પણ મેં અનુભવ્યું કે મારી માનસિક તાજગી ઘણી વધી ગઈ હતી. દરેક યજ્ઞનું ફળ કોઈકને મળે એવી પ્રાર્થના કરતો હોઉં છું. મારા સંપર્કમાં હોય એવી એકએક વ્યક્તિને વારાફરતી યાદ કરીને રોજના યજ્ઞનું ફળ એમના જીવનને વધુ ઉજળું બનાવે એવી મારી પ્રાર્થના હોય છે. સપ્તાહમાં એકવાર હું ‘ન્યુઝપ્રેમી’ના મારા તમામ વાચકોને યાદ કરીને યજ્ઞનું ફળ આપ સૌને મળે એવી પ્રાર્થના કરતો હોઉં છું.

અંતે સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ / સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ્ દુઃખભાગ્ ભવેત્ બોલીને ઓમ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ના ઉચ્ચાર પછી પ્રસન્ન ચિત્તે આસન પરથી ઊભો થઈને અગ્નિદેવને સાષ્ટાંગ નમન કરતો હોઉં છું. યજ્ઞની ભવ્ય પરંપરા આપણે ત્યાં ઘણી જૂની છે. અથર્વવેદથી લઈને ઘણાં શાસ્ત્રોમાં યજ્ઞનો મહિમા ગવાયો છે. આદર્શ રીત તો એ છે કે સવારે અને સાંજે બે વખત ઘરમાં યજ્ઞ થાય. એ શક્ય ન હોય તો એક વખત થાય. કોઈના માટે એ પણ અશક્ય હોય તો અઠવાડિયામાં એકવાર, રવિવારની રજાના દિવસે તેમ જ વારતહેવારે કે શુભ પ્રસંગોએ તો હવન થવો જ જોઈએ. હવન કરવામાં થોડો ઘણો ખર્ચ તો થવાનો જ. કુટુંબ સાથે પિત્ઝા, આઈસ્ક્રીમ કે પાઉંભાજી ખાવા જાઓ તો ખર્ચ થતો જ હોય છે. મલ્ટીપ્લેક્સમાં પિક્ચરની ટિકિટો પાછળ કે ત્યાંની મોંઘીદાટ પૉપકોર્ન તેમ જ ત્યાંના બીજા નાસ્તા–પાણી પાછળ ખર્ચ કરીએ છીએ ત્યારે તો પૈસા સામે કોઈ જોતું નથી. યજ્ઞથી, હવનથી હોમથી આખા ઘરનું વાતાવરણ કલાકો સુધી શુદ્ધિ પામે છે, પ્રફુલ્લિત રહે છે. એ તો એનો આડફાયદો થયો. મૂળ ફાયદો હવન કરનારના તનને અને મનને થતો હોય છે.

આજે 14મી એપ્રિલ છે. બાબાસાહેબ આંબેડકરનો જન્મદિવસ. આજે બૈસાખીનો તહેવાર અને રમણ મહર્ષિની પુણ્યતિથિ. મારા માટે પણ સપરમો દિવસ. સવારે યોગની સેશન પૂરી કર્યા પછી સ્વામીજી ઇન્ડિયા ટીવીના લાઈવ ટેલિકાસ્ટ માટે જતા હતા ત્યારે એમને સાષ્ટાંગ પ્રણામ કરીને આશીર્વાદ લીધા.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

10 COMMENTS

  1. નમસ્કાર સૌરભ ભાઈ, આપના લેખન થી અમે પણ આપના દ્વારા વિવિધ ચિકિત્સા લઈ રહ્યા હોઈએ એવો અનુભવ થઈ રહ્યો છે. કર્મયજ્ઞ, ધર્મયજ્ઞ અને ચિકિત્સા યજ્ઞ ની સાથે સાથે આપના લેખનયજ્ઞ થી અમે સૌ પણ શુદ્ધ, પવિત્ર અને સુગંધિત થઈ રહ્યા છીએ. આપની લેખન સામગ્રી અમારા હ્રદય કુંડ મા યાદસમિધા બની ને હોમાઈ રહી છે. આપના વિચારોની વિવિધતા અને યુવાની ચિરંજીવ રહે એ જ પ્રાથઁના અને ચરણવંદન. ભરત વ્યાસ 🙏🏻🌹🙏🏻

  2. વખતો વખત સૌ વાચકોને યજ્ઞફળ આપો છો, જાણી તમારો ખૂબ ખૂબ આભાર.
    श्लोकार्घेन प्रवक्ष्यामि यदुक्तं ग्रंथकोटिभिः ।
    परोपकार: पुण्याय पापाय परपीडनम् ॥
    મહાભારતનો જાણીતો શ્લોક છે.
    મુંબઈમાં કાલબાદેવી રોડ ઉપર દેશી ઓશડીયાં વગેરે ઘણી સામગ્રીઓ શૂરની વલ્લભદાસની દુકાને (ઝવેરી બજાર પાસે) + આજુબાજુ મળતી હોય છે.

  3. શ્રી સૌરભભાઈ, આજ નો લેખ બહુજ ઉપયોગી રહેશે. મેં આપ ના દ્વારા જાણ્યું કે ઘરે આપણે પોતે પણ યજ્ઞ કરી શકીયે, અને તમારા સ્વામી રામદેવજી ના યોગગ્રામ ના અનુભવ ની લેખમાંળા વાંચ્યા પછી મેં નક્કી કર્યું કે હું પણ ઘરે યજ્ઞ કરીશ. આજ ના લેખ માં આપે આપેલી યજ્ઞ વિશે ની વિગત મને બહુ ઉપયોગી નિવડશે.
    ખુબ ખુબ આભાર 🙏🙏

  4. Saurabhbhai તમારા દરેક લેખ હુ બે બે વાર વાચું છુ. ખૂબ માહિતિ ભર અને flawless હોય છે. હુ પણ પતંજલિ યોગ કેન્દ્ર મા જવાનો વિચાર કરતી હતી જેને તમારા આ સુંદર લેખ દ્વારા સમથઁન મળ્યુ.
    આભાર
    હંસાબેન

  5. લેખ વાચવાની મજા પડે છે સાથે કંઈક નવું શીખવા પણ મળે છે
    પતંજલી યોગપીઠમા રહેવા માટે નો ચાજૅ કેટલો છે તેની કોઈ જાણકારી હોય તો આપવા વિનંતિ

  6. શ્રી સૌરભભાઈ
    તમારા હ્દય કમળ માં બીરાજમાન માં સરસ્વતી ને નમન
    તમારી આ યોગ સાધના માટે આવેલ આ સુંદર વિચારો ને અમલીકરણ કરી અમને વાચકો ને આપણી શ્રેષ્ઠત્તમ ઉપચાર પધ્ધતિ થી માહીતગાર કરવા બદલ (હજુ તો ૧૩ દિવસ જ થયા છે હજુ ઘણું બાકી છે ) ખુબ ખુબ આભાર સહ નમન

  7. તમારું લખાણ(વિષય ભલે ને ગમે તે હોય) એટલે રસ ગળે અને કટકા પડે. હંમેશા તરોતાજા જ લાગે અને મન પ્રફુલ્લિત થઈ જાય.

  8. I do havan on all Navratri days of Ashwin Navratri and Chaitra Navratri. I get all material from Arya samaz , Khar Linking Road . Saurabh bhai has correctly said performing hawan with gugal , kapur , jav ( ready to use havan samagri is available at arya samaj ) is very very beneficial

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here