હિન્દુ આતંકવાદની ભ્રમણા ફેલાવનારાઓએ જ સાચાં એનકાઉન્ટરને ફેક બનાવ્યા

(હિન્દુ આતંકવાદની ભ્રમણા: લેખ 6)

ગુડ મૉર્નિંગ : સૌરભ શાહ

( newspremi.com , રવિવાર, ૩૧ માર્ચ, ૨૦૧૯)

એક બાજુ હિન્દુ આતંકવાદની ભ્રમણા ફેલાવવાનું શરૂ થયું તો બીજી બાજુ મુસ્લિમ આતંકવાદીઓને ઠાર મારવાના કિસ્સાઓને ‘ફેક એનકાઉન્ટર’ તરીકે સાબિત કરવાના ધમપછાડા શરૂ થયા. ૨૦૦૬માં અમદાવાદમાં સોહરાબુદ્દીન શેખને ઠાર મારવાનો સાદોસીધો કેસ કેવી રીતે ફેક એન્કાઉન્ટરમાં પલટી નાંખવામાં આવ્યો અને કેવી રીતે ડી.જી.વણઝારા જેવા જાંબાઝ પુલિસ ઑફિસર તથા એમની ટીમને વર્ષો સુધી જેલમાં રાખવામાં આવ્યા તેનો ઈતિહાસ તમને ખબર છે. સોહરાબુદ્દીન લશ્કર-એ-તોયબા અને પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈ.એસ.આઈ. ( ઈન્ટર સર્વિસીઝ ઈન્ટેલિજન્સ) સાથે જોડાયેલો હતો. સેક્યુલર અને લેફ્ટિસ્ટ પત્રકારોએ ખૂબ ધમપછાડા કર્યા. પણ છેવટે સત્યનો વિજય થયો. વણઝારા અને અમિત શાહ સહિત સૌ કોઈ નિર્દોષ પુરવાર થયા.

એક વાત તમે માર્ક કરજો. કોઈ મુસ્લિમ આતંકવાદી કે ગુંડોમવાલી પકડાય અને વર્ષો સુધી જેલમાં રહ્યા પછી કોર્ટ એને નિર્દોષ જાહેર કરે ત્યારે સેક્યુલર મીડિયાના લેફ્ટિસ્ટ પત્રકાર ચિલ્લમચિલ્લી કરી મૂકે કે આ નિર્દોષને જેલમાં ગોંધી રાખીને એના કુટુંબ પર જે ગુજરી, એણે પોતે જે યાતના સહન કરી તેનું વળતર કોણ આપશે? પણ મુસ્લિમ આતંકવાદીઓને ઠાર મારનારા વણઝારા જેવા હિંમતવાન પોલીસ અફસર અલમોસ્ટ એક દાયકા સુધી જેલમાં સબડે અને છેવટે નિર્દોષ જાહેર થાય ત્યારે આ લેફ્ટિસ્ટ પત્રકારોમાંથી કોઈ માઈનો લાલ એ જ માપદંડ અહીં વાપરીને કહેતો નથી કે આ નિર્દોષ હિન્દુ પોલીસવાળાઓના કુટુંબે તથા એમણે પોતે જે યાતના ભોગવી તેનું કૉમ્પેન્સેશન કોણ આપશે. મુસ્લિમ આતંકવાદીઓને ભારત પાસેથી વળતર અપાવવા માગતા સેક્યુલર પત્રકારો ક્યારેય હિન્દુ પોલીસવાળાઓને વળતર અપાવવાની માગણી કરતા નથી.

આવો જ ‘ફેક એન્કાઉન્ટર’નો કિસ્સો આર.વી.એસ. મણિએ ‘ધ મિથ ઑફ હિન્દુ ટેરર’માં વર્ણવ્યો છે.

દિલ્હીમાં ૧૩ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ પાંચ સ્થળે સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ થયા જેમાં ૩૦ જણ માર્યા ગયા, ૧૦૦ને ઈજા થઈ. આ બ્લાસ્ટનું કાવતરું ઘડનારાઓ આતિફ અમીન અને એના સાગરીતો નવી દિલ્હીના જામિયા નગરના શાહીન બાગમાં આવેલા બાટલા હાઉસ નામના મકાનના એલ-૧૮ ફ્લેટમાં રહે છે એવી બાતમી દિલ્હી પોલીસને મળી. ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ સવારના સાડા દસના સુમારે ઈન્સ્પેક્ટર મોહનચંદ શર્મા તથા દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલની ટીમે બાટલા હાઉસના ચાર માળના મકાન પર છાપો માર્યો. છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો. પોલીસે વળતો જવાબ આપ્યો. આતિફ અમીન અને મોહમ્મદ સાજિદ નામના આતંકવાદીઓ ઠાર થયા. આતંકવાદીઓના ગોળીબારથી ઈન્સ્પેક્ટર મોહનચંદ શર્મા શહીદ થઈ ગયા. સ્પેશ્યલ સેલના એ વન ઑફ ધ બેસ્ટ ઑફિસર હતા. બે આતંકવાદીઓ જીવતા પકડાયા— મોહમ્મદ સૈફ અને ઝીશાન. એક ભાગી છૂટવામાં કામયાબ થયો. બે પોલીસો ઘાયલ થયા.

આ એન્કાઉન્ટર પછી દિગ્વિજય સિંહના કહેવાથી મીડિયાએ બાટલા હાઉસનું એન્કાઉન્ટર ફેક હતું એવી ગપગોળા થિયરી એટલી ફેલાવી કે લોકો સાચું માનવા લાગ્યા. જે એન્કાઉન્ટરમાં ખુદ એ એન્કાઉન્ટરને લીડ કરનારા પોલીસ ઈન્સ્પેક્ટરે જાન ગુમાવ્યો હોય તે ફેક કેવી રીતે હોઈ શકે એવું પૂછવાને બદલે મીડિયામાં સૌ કોઈ કૉન્ગ્રેસે શરૂ કરેલા આ તૂતના બૅન્ડવૅગનમાં જોડાઈ ગયા. બાટલા હાઉસના એન્કાઉન્ટર વખતે ગૃહમંત્રી શિવરાજ પાટિલ દિલ્હીના પોલીસ હેડક્વાર્ટર્સના કોઈ એક ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપી રહ્યા હતા અને એમને આ એન્કાઉન્ટર વિશેની સેકન્ડે સેકન્ડથી વાકેફ રાખવામાં આવ્યા હતા. ત્યાં આવતા-જતા વાયરલેસ મેસેજથી પણ તેઓ વાકેફ હોવાના. પણ દિગ્વિજય સિંહે ફેક એન્કાઉન્ટરની થિયરી વહેતી મૂકી ત્યારે શિવરાજ પાટિલની હિંમત ન ચાલી કે દિગ્વિજય સિંહનું ગપ્પું ઉઘાડું પાડે. શિવરાજ ચૂપકીદી સાધીને દિગ્વિજયના કાવતરામાં સામેલ થઈ ગયા. શિવરાજ પાટિલનું એથીય મોટું પાપ તો ૨૬/૧૧ના મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ વખતે ઉઘાડું પડવાનું હતું. એ વાત પછી.

બાટલા હાઉસના એન્કાઉન્ટરની પોલીસ તપાસ થઈ. એને ફેક એન્કાઉન્ટરનો ટ્વિસ્ટ આપવામાં આવ્યો. આ તપાસ જોઈન્ટ કમિશ્નર (ક્રાઈમ) અમુલ્ય પટનાયકના નેજા હેઠળ થઈ જે પાછળથી દિલ્હીના સી.પી. (કમિશ્નર ઑફ પુલિસ) બન્યા.

દિગ્વિજય સિંહે શરૂ કરેલા ગપગોળામાં કૉન્ગ્રેસી નેતાઓ તથા મીડિયા જોડાઈ ગયા એટલે એન.જી.ઓ.વાળા કેમ પાછળ રહે. ‘એક્ટ નાઉ ફૉર હાર્મની ઍન્ડ ડેમોક્રસી’ જેવું વાયડું નામ ધરાવતી એનજીઓએ દિલ્હી હાઈકોર્ટમાં ધા નાખી કે આ કિસ્સાની તપાસ નૅશનલ હ્યુમન રાઈટ્સ કમિશન પાસે કરાવો. એક અત્યંત શરમજનક થિયરી એવી પણ વહેતી કરવામાં આવી કે ઈન્સ્પેક્ટર મોહનચંદ શર્માને આતંકવાદીઓએ નહીં પણ એમના પોતાના જ પોલીસ સાથીઓએ મારી નાખ્યા હતા. અંદરોઅંદરની ઈર્ષ્યા અને સ્પર્ધાનો ભોગ તેઓ બન્યા હતા.

આ બધાં જ જુઠાણાં વખત જતાં જુઠાણાં જ પુરવાર થતાં હોય છે. મીડિયાને, રાજકારણીઓને, એન.જી.ઓ.વાળાઓને તથા સેક્યુલર લેફ્ટિસ્ટ બ્રિગેડને ખબર જ હોય છે કે સત્ય શું છે અને એક ને એક દિવસ એ બહાર આવ્યા વિના રહેવાનું નથી, પણ એમને એ પણ ખબર હોય છે કે છેવટનું આઉટકમ શું આવ્યું તેની લોકોને પરવા નથી હોતી. ઘટનાની ગરમીમાં જે કંઈ પ્રચાર ઉછાળવામાં આવશે તેના વહેણમાં લોકો તરતાં થઈ જશે. આજની તારિખે પણ તમે લોકોને પૂછશો તો તેઓને સોહરાબુદ્દીન ‘ફેક એનકાઉન્ટર’ કેસ ખબર હશે પણ વણઝારા સહિત સૌ કોઈ એમાંથી નિર્દોષ છૂટ્યા એની બહુ ઓછાને ખબર હશે. પબ્લિક પરસેપ્શનમાં આજે પણ બાટલા હાઉસનો કેસ ‘ફેક એન્કાઉન્ટર’નો છે અને સ્વામી અસીમાનંદજી તથા સાધ્વી પ્રજ્ઞાદેવી નિર્દોષ છૂટી ગયા હોવા છતાં ‘હિન્દુ આતંકવાદીઓ’ છે. આનાં બે કારણો છે. આવા કેસ બને છે ત્યારે એટલા બધા જુઠાણાંનો મારો ચલાવવામાં આવે છે કે જૂઠના ધુમ્મસમાં સત્ય સંપૂર્ણપણે છૂપાઈ જતું હોય છે. વર્ષો પછી ધુમ્મસ વિખેરાય અને સત્ય પ્રગટે ત્યારે મીડિયા એને ભાગ્યે જ પહેલે પાને અગત્યની જગ્યાએ છાપે છે. મોટેભાગે તો અંદરના પાને એવા ન્યુઝને સુવડાવી દેવામાં આવતા હોય છે. અને એ રિપોર્ટની ભાષા પણ જાણીજોઈને એવી અટપટી તથા અસ્પષ્ટ રાખવામાં આવે છે કે નિર્દોષ છૂટનારાઓ ખરેખર નિર્દોષ છૂટ્યા છે એવી છાપ વાચક પર પડવાને બદલે એમના પર ક્યા આક્ષેપો હતા તે જ વાચકને યાદ રહે.

બીજું કારણ એ કે પ્રજા માની બેસે છે કે શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી કે સ્વામી અસીમાનંદ કે વણઝારા કે અમિત શાહ જેવાઓને કોર્ટ નિર્દોષ છોડી દે ત્યારે તેઓ તો ‘વગદાર’ છે એટલે કે ‘મોટા માણસોને તો કોર્ટ પણ હાથ ન લગાડી શકે’ એટલે છૂટી ગયા એવું માની બેસે છે. આવું માનવાનાં પાછાં બે કારણો છે. કૉન્ગ્રેસના શાસનમાં ખરેખર એવું બનતું કે મોટા માથાના બિસનેસમેનોથી માંડીને રાજકારણીઓ ભલભલા કૌભાંડ કે ખૂન કે બળાત્કારના કોર્ટ કેસોમાંથી આસાનીથી છૂટી જતાં. બીજું લેફ્ટિસ્ટ મીડિયાએ છેલ્લાં ૭૦ વર્ષમાં લોકોના મગજમાં જે ભૂસું ઠાંસ્યું છે એમાં આ એક વાત પણ ઠાંસી છે કે આ બધી સિસ્ટમો ગરીબોને માટે અન્યાયકારી છે અને પૈસાદાર કે વગદાર લોકો આ જ સિસ્ટમને વાપરીને નિર્દોષ છૂટી જાય છે.

છાપામાં છપાયું તે સાચું અને ટીવી પર જોયું તે તો સવાયું સાચું એવું આપણે માની લીધું છે અને કૉન્ગ્રેસે તથા એના પાળીતા સેક્યુલર એક્ટિવિસ્ટોએ તથા લેફ્ટિસ્ટ મીડિયાએ આપણી આ માન્યતાનો અત્યાર સુધી ભરપૂર ગેરલાભ લીધા કર્યો છે.

તાજ, સી.એસ.ટી., કાફે લિયોપોલ્ડ વગેરે પર થયેલા ૨૬/૧૧/૨૦૦૮ના આતંકી હુમલામાં શું કૉન્ગ્રેસી નેતાઓ તથા કૉન્ગ્રેસે પાળેલા બ્યુરોક્રેટ્સનો પાકિસ્તાની ટેરરિસ્ટોને ઍક્ટિવ સાથ હતો? આર.વી.એસ મણિ ‘ધ મિથ ઑફ હિન્દુ ટેરર’ પુસ્તકમાં જે લખે છે તેનું જ બયાન મારે કરવાનું છે. કાલે.

આજનો વિચાર

શ્રીમતી પ્રિયંકા વાડરાએ કહ્યું કે ‘અયોધ્યા આવી છું છતાં રામ લલ્લાનાં દર્શને નહીં જાઉં કારણ કે મામલો કોર્ટમાં છે.’ ત્યારે લોકોએ પૂછ્યું કે, ‘મામલો તો તારા પતિનો પણ કોર્ટમાં છે અને તારી માતા- તારા ભાઈનો પણ મામલો કોર્ટમાં છે. તો શું તું સાસરે કે પિયરે નહીં જાય?’

એક મિનિટ!

બકો બૅન્કમાં ગયો: ‘મોટરસાયકલ લેવા લોન જોઈએ છે.’

મૅનેજર: ‘ઈએમઆઈ કેવી રીતે ભરશો?’

બકો: ‘માનનીય રાહુલભૈયા જે ૭૨,૦૦૦ રૂપિયા દર વર્ષે આપવાના છે એમાંથી કાપી લેજો.’

1 COMMENT

  1. Mane Yaad Chhe. Varsho Pahela, tame ek sabha maan kahyu hatu ke Anu Godhra kand vakhate News Channel na ek Gujarati Reportere tamne kahyu hatu ke tame je kaho cho e sachu chhe ane amare Channel ni niti pramane jutthu bolvu pade chhe. Tame e patrakar ne nokri chhodi devani salah aapi hati. E Patrakar ni to aaj sudhi himmat nathi thayi, pan tame tanari salah pali batavi. Jo Modi Sarkar fari thi avse to Media, Police, Education, Judiciary badhe j bethela e Hinduo je satya jane chhe pan bolva ni himmat nathi kari shakta, e badha ne j Communist leftisto same ladva ni himmat malashe. Mani Sir ni aa book athva ena par na tamara lekh vanchi ne jo Pachas Hajar Vote pan Modi na vadhe to e antyant ichhaniya chhe.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here