મોદી, હું અને આપણે સૌ : વૉચડૉગે કોના પર ભસવું : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક : શુક્રવાર, ૧ ડિસેમ્બર ૨૦૨૩ )

એક જમાનામાં ‘બ્લિટ્ઝ’ સાપ્તાહિકવાળા ફ્લેમ્બોયન્ટ રૂસી કરંજિયાએ જ્યારે ‘ધ ડેઈલી’ નામનું ટૅબ્લોઈડ મૉર્નિંગર મુંબઈથી શરૂ કર્યું ત્યારે એના માસ્ટહેડની બાજુમાં એમના પાળેલા બુલડૉગનો ફોટો છાપીને લખવામાં આવતું: બુલડૉગ ઑફ અ ન્યુઝપેપર. આજે તો ખેર ચારેય નથી. ૧૯૮૧ની વાત. બુલડૉગ તો ન જ રહ્યો હોય. રૂસી અને એમનાં એ બે ઝળહળતાં પ્રકાશનો પણ નથી.

એ વખતે મુંબઈના એક ખૂબ વેચાતા મરાઠી દૈનિકે પોતાના માટે સરસ કૅચલાઈન બનાવી હતી: ‘પત્ર નવ્હે મિત્ર’. એટલે ‘ડેઈલી’ને અમે કહેતા ‘પત્ર નવ્હે, મિત્ર નવ્હે, કુત્ર’.

પત્રકારોને જમાનાઓથી કૂતરા સાથે સરખાવવામાં આવ્યા છે. બેઉ રીતે. નેગેટિવલી કહેવું હોય ત્યારે કહેવાય કે હડ્ડી નાખો કે બિસ્કિટના ટુકડા નાખો એટલે જીભ લટકાવતા, પૂંછડી પટપટાવતા આવી જશે. અને પોઝિટિવલી વાત કરવી હોય તો કહેવાશે કે જર્નલિસ્ટ ઈઝ અ વૉચડૉગ ઑફ ધ સિસ્ટમ/સોસાયટી/વર્લ્ડ.

ઘણી વાર માણસો માટે મજાકમાં કહેવાય: એનામાં કૂતરાનાં તમામ ગુણધર્મો છે, સિવાય કે વફાદારી. કદાચ બરાક ઓબામાએ કહ્યું હતું કે પછી એમના પહેલાંના કોઈ અમેરિકન પ્રેસિડન્ટે કે વૉશિંગ્ટનમાં જો તમારે કોઈ વફાદાર મિત્ર જોઈતો હોય તો એકમાત્ર વિકલ્પ કૂતરો પાળવાનો છે.

હમણાં એક વાચકને લાગી આવ્યું. મને લખે કે તમે મોદીભકત છો તે બરાબર પણ તમારી ફરજ છે કે સરકારના વૉચડૉગ બનવું જોઈએ. એક તટસ્થ પત્રકાર તરીકે તમારે મોદી સરકારની ખામીઓ વિશે લખીને વૉચડૉગની ભૂમિકા ભજવવી જોઈએ.

સૌથી પહેલી વાત તો એ કે હું તટસ્થ પત્રકાર નથી, હું બાયલો પત્રકાર નથી અને આ વિશે હું વારંવાર ભૂતકાળમાં લખી ચૂકયો છું, બોલી ચૂક્યો છું. આ ટૉપિક વિશે હજુ થોડા વખત પહેલાં પણ ફરી લખ્યું કે હું પક્ષપાતી પત્રકાર છું – જે મને સાચું લાગે છે અને સૌના માટે સારું લાગે છે તેનો હું હિંમતભેર પક્ષ લઉં છું.

હું મોદીભકત છું એવું કહીને મોદીવિરોધીઓના સેક્યુલર ફુગ્ગામાંથી હવા જ કાઢી નાખતો હોઉં છું.

હવે રહી વાત વૉચડૉગની ભૂમિકા નિભાવવાની. વફાદાર કૂતરો પોતાના સ્વામીની, પોતાના માલિકની સામે ભસે કોઈ દિવસ? એ તો પોતે જેની રખેવાળી કરી રહ્યો હોય તેના પર હુમલો કરનારની સામે ભસે, પેઈડ મીડિયા અને દેશદ્રોહીની સામે ભસે, સેક્યુલર ભાંગફોડિયાઓને કાટવા દોડે અને લાગ મળે તો આપિયાઓને/કૉન્ગ્રેસીઓને બચકું ભરી લે. ભૂતકાળમાં મારા કરડવાથી ઘણા ઘણા લોકોએ ૧૪ ઈંજેક્શનો લેવા દોડવું પડ્યું હતું. હવે તો જોકે મેડિકલ સાયન્સની મહેરબાનીથી ૧ જ ઈન્જેક્શન લેવું પડતું હોય છે.

વૉચડૉગનું કામ પોતે જેની રખેવાળી કરે છે તેની સામે ભસવાનું કે એને કરડવા માટે દોડવાનું નથી. માલિક, સ્વામી કે ભકત જેવાં વિશેષણો તો લાઈટ હાર્ટેડલી વાપરતો હોઉં છું, સેક્યુલરિયાઓની બોલતી બંધ કરવાના આશયથી વાપરતો હોઉં છું. પણ યસ, મારું એક કાર્ય રખેવાળીનું જરૂર છે. આ દેશની સંસ્કૃતિ, હિન્દુત્વના ઉમદા સંસ્કારો, આ દેશની પરંપરા, આ દેશને પ્રગતિને પંથે ધસમસતા આગળ લઈ જનારા લોકો – આ સૌની રખેવાળી કરનારા કરોડો ભારતીયોમાંનો હું પણ એક છું. મારું કામ મારી કલમ દ્વારા આ જવાબદારી નિભાવવાનું છે.

કેટલાક લોકો પોતાને વૉચડૉગ માનીને જેની ને તેની સામે ભસ્યા કરતા હોય છે. ક્યારેક ઈસ્લામ સામે ભસે તો ક્યારેક હિન્દુત્વ સામે, ક્યારેક આર્કબિશપ સામે ભસે તો ક્યારેક મોહનજી ભાગવત સામે, ક્યારેક કેજરીવાલ સામે ભસે તો ક્યારેક મોદી સામે – જે લાગમાં આવ્યું તેની સામે આગળપાછળ જોયા વિના ભસ્યા કરતા હોય છે. અમારા મકાનમાં અમારી નીચે જ આવો બદતમીજ કોકર સ્પેનિયલ કોકે પાળ્યો છે જેને અમે બિલ્ડિંગવાળાઓ ભોંકેશ કહીએ છીએ – જે સામે મળે એની સામે ભસ્યા જ કરવાનું લક્ષણ ઘણી વખત રસ્તે રખડતાં હડકાયા થયેલાં કૂતરાઓમાં જોવા મળે. આવા રૅબિડ ડૉગ્સ જર્નલિઝમમાં ઠેરઠેર છે. પાછા કહેવડાવે પોતાને વૉચડૉગ!

મારા જેવા વૉચડૉગની જવાબદારી નિભાવતા પત્રકારની ફરજ મોદી પર થતા એલફેલ આક્ષેપોનો જડબાતોડ જવાબ આપવાની છે જેથી જે લોકોને મોદીમાં, એમના કાર્યમાં શ્રદ્ધા છે તેઓ પોતાની શ્રદ્ધાની એ જ્યોતને ફૂંક મારીને બુઝાવી ન દે. મારું કામ મોદી સરકારમાં શું ક્યાં ખોટું થઈ રહ્યું છે તે જાણવાનું છે જ નહીં. એ કામ કરનારા તો બીજા હજારો લોકો છે. અને એવા હજારો લોકો પણ મોદીના નવ વર્ષમાં મોદીનું કે મોદીના ‘સાગરીતો’નું એક પણ ટુજી કૌભાંડ કે કૉમનવેલ્થ કૌભાંડ કે ઈવન પાકીટમારીનું કૌભાંડ પણ તમારી સમક્ષ લાવી શક્યા નથી. મોદીની વિરુદ્ધ જ્યારે નક્કર કશું મળતું નથી ત્યારે આ લોકો માત્ર ટ્વિટર પર થૂંક ઉડાડ્યા કરે છે અને મારા જેવાઓને કહેતા ફરે છે કે તમે વૉચડૉગની ભૂમિકા કેમ નિભાવતા નથી.

લાગે છે કે હવે મારે ભસવાનું બંધ કરીને ફરી એક વાર કરડવાનું શરૂ કરી દેવું પડશે.

તાજા કલમ : જેમને લાગતું હોય મોદી પાસેથી મને કંઈક જોઈએ છે તેઓએ મારો આ એક જૂનો લેખ પણ વાંચી જવો👇🏻

પદ્મશ્રી કે કલમની સાધુતા : સૌરભ શાહ

ગુડ મૉર્નિંગ : સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : મંગળવાર, 24 ઓક્ટોબર 2017)

ચંદ્રકાન્ત બક્ષી, અશ્વિની ભટ્ટ કે હરકિસન મહેતાને એમના કામ બદલ કોઈ પદ્મશ્રી અવૉર્ડ મળ્યો નહોતો. આમ છતાં આજની તારીખેય, એમનાં પુસ્તકો અનેક વિદ્યમાન લેખકો કરતાં વધુ વંચાય છે, વધુ વેચાય છે.

નર્મદ, મુનશી કે મેઘાણીને પણ એમના જમાનાના પદ્મશ્રીને સમકક્ષ હોય એવાં કોઈ માનઅકરામોથી નવાજવામાં આવ્યા નહોતા. આજેય એમનું સાહિત્ય ગુજરાતી પ્રજામાં ધબકે છે.

પદ્મશ્રી કે એવા કોઈ સરકારી ખિતાબો કે અન્ય પારિતોષિકો, ઈનામો, સન્માનોનાં સર્ટિફિકેટ મળવાથી કોઈ લેખક પોતે ઑલરેડી હોય એના કરતાં મોટો બની જતો નથી. અને આવાં ઈનામો-સન્માનો ન મળવાથી કોઈ લેખકની હેસિયત ઓછી થઈ જતી પણ નથી.

પંડિત શિવકુમાર શર્મા, વિરાટ કોહલી કે શ્યામ બેનેગલને સરકારે પદ્મ અવૉર્ડ્સથી નવાજ્યા છે. ન નવાજ્યા હોત તો એમની પ્રતિભા, લોકપ્રિયતા કે હેસિયતમાં તસુભારનો ઘટાડો ન થયો હોત. સરકારે નવાજ્યા છે એને કારણે એમની પ્રતિભાને, એમના પ્રદાનને રેક્ગ્નિશન મળ્યું છે એવું પણ હું નથી માનતો. રેક્ગ્નિશન તો તેઓ સૌ પામી જ ચૂક્યા હતા, એમને આ સરકારી માનસન્માનો મળ્યાં તે પહેલાં. હું જો શિવકુમાર, વિરાટ કે બેનેગલ હોત તો મને ક્યારેય સરકારનાં પદ્મ અવૉર્ડ્સની લાલસા ન હોત (આ હસ્તીઓમાં પણ ક્યારેય દેખાઈ નથી) પરંતુ જો સરકારે સામેથી મને આપ્યું હોત તો મેં આવું સન્માન સ્વીકારી લીધું હોત. પણ હું પંડિતજી, કોહલી કે શ્યામબાબુના ક્ષેત્રમાં નથી. મારું ક્ષેત્ર જુદું છે. હું સંતૂરવાદક, ક્રિકેટર કે ફિલ્મમેકર નથી. હું લેખક, પત્રકાર અને સાહિત્યકાર છું. એ લોકોએ પોતપોતાના ક્ષેત્રમાં જેવું પ્રદાન કર્યું છે એવું જ કૉન્ટ્રિબ્યુશન હું મારા ક્ષેત્રમાં કરી રહ્યો છું તે છતાં મારાથી સરકાર દ્વારા અપાતા પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ જેવાં સન્માનો ન લેવાય. દૂરથી પણ ન અડકાય. લઉં તો મારી વિશ્ર્વસનીયતાને લાંછન લાગે. મારી કલમના તપ પર પાણી ફરી વળે.

હિંદુત્વ અને હિંદુ સંસ્કૃતિ વિશે ગૌરવ વ્યક્ત કરતાં મારાં લખાણો વાંચીને આ દેશની ચોક્કસ જમાતના પેટમાં તેલ રેડાય છે. એ જમાતનું નામ છે સેક્યુલરિયાઓ (જેમનો પ્રાસ રોહિન્ગ્યાઓ સાથે બંધબેસે છે). નરેન્દ્ર મોદીની એક વ્યક્તિ તરીકે, એમની કાર્યશૈલીની, એમની નીતિરીતિ અને એમના શાસનની ખૂબીઓને હું વર્ણવતો હોઉં ત્યારે આ કેટલાક લોકો કહેતા હોય છે કે હું તટસ્થ નથી, નિરપેક્ષ નથી, મારે નરેન્દ્ર મોદીની ટીકા પણ કરવી જોઈએ.

શું કામ? તટસ્થ દેખાવા? નિરપેક્ષ દેખાવા? બૅલેન્સ્ડ દેખાવા? આવું કરનારાઓ બીજા ઘણા છે. કેટલાય લેખકો-પત્રકારો-ટીવી એન્કરોને તમે આવી તટસ્થતા ધરાવતા જોયા છે. હું એવો નથી. ક્યારેય નહોતો. બનવું પણ નથી. મારે તટસ્થ રહેવું નથી, પક્ષ લેવો છે. જે સારું છે, સાચું છે તેનો પક્ષ લેવો છે. ખોંખારો ખાઈને લેવો છે. દૂધ અને દહીં બેઉમાં પગ રાખીને મારે નિરપેક્ષતાના દેખાડા નથી કરવા.

મારી આ ઍટિટ્યુડ જોઈને રોહિન્ગ્યા સેક્યુલરિયાઓ જ્યારે મારા પર આક્ષેપ લગાવતા થઈ ગયા કે હું હાથમાં કટોરો લઈને પદ્મશ્રીનો અવૉર્ડ લેવા માટે ઊભેલા ગુજરાતી રાઈટરોની લાઈનમાં જોડાઈ ગયો છું ત્યારે હસતાં હસતાં હું કહેતો કે તમે લોકો શું મારી હેસિયત પદ્મશ્રી જેટલી જ ગણો છો! હું તો પદ્મભૂષણ કે પદ્મવિભૂષણને પણ મારા માટે નાના અવૉર્ડ્સ માનું છું. મને આવા કોઈ પદ્મ અવૉર્ડ્સની લાલસા નથી. મારે તો આવતા સાડાબેતાળીસ વર્ષ દરમિયાન એવું કામ કરી જવું છે જેથી મારા મર્યાના પાંચ-પચ્ચીસ વર્ષ બાદ તે વખતની સરકાર મને મરણોત્તર ભારતરત્ન આપીને યાદ કરે. સરદાર વલ્લભભાઈ પટેલ કે બાબાસાહેબ આંબેડકર પોતાના જીવન દરમિયાન જેવું કામ કરી ગયા એ કક્ષાનું કામ કરવાની ભગવાન મને શક્તિ આપે એવી પ્રાર્થના હૃદયમાં સંઘરીને હવે પછીના સવા ચાર દાયકા હું એક પછી એક પડાવ પાર કરતો રહું એવી ભાવના સાથે હું લખું છું.

હસતાં હસતાં કહેવાયેલી આ વાતને આજે ર૦૭૪ની લાભપાંચમના દિવસે, હું તમારી સમક્ષ અતિ ગંભીરતાથી મૂકી રહ્યો છું. મારા વિરોધીઓ પણ જ્યારે તલપાપડ છે, મને પદ્મશ્રી અવૉર્ડ મેળવતો જોવા માટે, તો આજે નહીં તો કાલે, એ આવે પણ ખરો. પણ મોદી સરકાર તરફથી (કે પછી ભવિષ્યના પી.એમ. યોગી આદિત્યનાથની સરકાર તરફથી, કે પછી કોઈ પણ સરકાર તરફથી) મને પદ્મશ્રી, પદ્મભૂષણ કે પદ્મવિભૂષણ અવૉર્ડ આપવામાં આવશે તો હું તે સ્વીકારીશ નહીં. એનો વિનમ્રતાપૂર્વક અસ્વીકાર કરીશ. અને મારે કંઈ જાહેરમાં નકારીને કોન્ટ્રોવર્સી ઊભી કરવી નહીં પડે એની ખબર છે. પદ્મશ્રી કે એવા કોઈ પણ ખિતાબો માટે તમારું નામ અનાઉન્સ થાય તે પહેલાં રાષ્ટ્રપતિ ભવનમાંથી (કે સરકારના લાગતાવળગતા ખાતામાંથી, દા.ત. અર્જુન અવૉર્ડ હોય તો રમતગમત વિભાગમાંથી) તમને ફોન કરવામાં આવતો હોય છે. તમારું નામ જાહેર થાય એ પહેલાં જ તમને જાણ થઈ જતી હોય છે. તમારે આ સન્માન ન મેળવવું હોય તો તમે વિનમ્રતાપૂર્વક નકારી શકો છો. મારા સુધી આવી કોઈ વાત આવે ત્યારે મારે શું કરવું એ વિશે હું એકદમ સ્પષ્ટ છું. મારું નામ કન્સિડર કરવાવાળાઓનો આભાર માનવાનો. મોદીસાહેબને એક ખાનગી પત્ર લખવાનો, જેમાં આ અસ્વીકારનો મતલબ એમના પ્રત્યેનો કોઈ અવિવેક નથી એવો ખુલાસો કરીને ત્રણ લેખોની સિરીઝમાં કટિંગ મોકલી આપી એમનો આભાર માનવાનો. બસ.

મારા પદ્મશ્રીબદ્મશ્રીના અસ્વીકારથી દુનિયામાં કંઈ આભ તૂટી પડવાનું નથી. હું જાણું છું કે ગુજરાતી પત્રકારો-લેખકો-સાહિત્યકારોમાં મારાથી સિનિયર, મારા સમકાલીન તેમ જ મારી પછીની પેઢીનાઓમાં એવા કેટલાય છે જેમની હેસિયત પદ્મશ્રી વગેરે મેળવવાની છે અને એમાંના કેટલાકની એવી ઈચ્છા પણ હશે. મારા ભાગના પદ્મશ્રીનો ક્વૉટા જો એમાંના કોઈ માટે વપરાય તો હાથમાં ફૂલનો ગુચ્છો લઈને એમને હૃદયપૂર્વકનાં અભિનંદન આપવાની કતારમાં હું ચોક્કસ જ જોડાઈશ. તેઓ જો આવો અવૉર્ડ લે તો એને કારણે તેઓ કંઈ મારી આંખમાં નાના નથી થઈ જતા. એમની હેસિયત, મારી નજરમાં એટલી જ રહેવાની જેટલી આવા અવૉર્ડ લીધા પહેલાં હતી. ર૦૦૮માં રાજદીપ સરદેસાઈ અને બરખા દત્તને તેમ જ તે પહેલાં તથા તે પછી અનેક પત્રકારો કે લેખકો કે સાહિત્યકારોને પદ્મશ્રીનો ખિતાબ મળ્યો જ છે.

એક નાની વાત કરીને લેખ પૂરો કરું.

ર૦૦રની ર૭ ફેબ્રુઆરીએ ગોધરા હિન્દુ હત્યાકાંડ થયો તે પછી અનેકવાર મારે મારાં પ્રવચનોમાં તેમ જ એક વાર, મારી તે વખતે બીજા એક પ્રકાશનમાં પ્રગટ થયેલી કૉલમમાં, સ્પષ્ટતા કરવી પડી હતી. ર૦૦૩માં છપાયેલા મારા એક પુસ્તકના ૭૫મા પાના પર એ તમને વાંચવા મળશે. મેં લખ્યું છે: પત્રકારો આર્કિટેક્ટ જેવા છે. એમણે નકશા બનાવી આપવાના હોય. એ નકશા સ્વીકારવા જેવા લાગે તો રાજકારણીઓએ, ઉચ્ચ સરકારી અધિકારીઓએ અને સમાજસેવકોએ એના પરથી નેશન બિલ્ડિંગનું, રાષ્ટ્રના ઘડતરનુંં કામ કરવાનું હોય. પત્રકારે પોતે નકશા બનાવવાનું છોડીને બિલ્ડરની જવાબદારી લેવા દોડી જવાનું ન હોય. આ મારી અંગત માન્યતા છે. કોઈ સંમત ન થાય એવું પણ બને, પરંતુ પત્રકારે રાજકારણમાં પ્રવેશવું ન જોઈએ એ બહુ સ્પષ્ટતાપૂર્વક હું માનું છું. આ એક વાત. હવે બીજી વાત જે ગુજરાતની ચૂંટણી (ર૦૦રની વિધાનસભાની ચૂંટણીનો ઉલ્લેખ છે) પહેલાં વધુ પ્રસ્તુત હતી અને હજુ પણ છેક અપ્રસ્તુત નથી થઈ ગઈ. આ લખનારને કોઈ પણ રાજકીય પક્ષ પાસેથી ચૂંટણીની ટિકિટની કે કોઈ પણ સરકાર પાસેથી કોઈ પણ પ્રકારના હોદ્દાની અપેક્ષા નથી. સામેથી આવે તો પણ તેનો સાભાર અસ્વીકાર કરવો એવો નિશ્ર્ચય છે. જો કોઈને ખબર પડે કે આ સંકલ્પ તૂટ્યો છે તો મુંબઈ આવીને તમારે મારા મોઢા પર ડામર ચોપડવાનો. ડામરના પૈસા મારી પાસેથી લેવાના, મારું સરનામું તમને કોઈ પણ સેક્યુલરવાદી ઝનૂની પાસેથી મળી રહેશે…

આ તબક્કે મારે એમાં એટલું જ ઉમેરવાનું કે આ ઑફર જો હું પદ્મશ્રીનો ખિતાબ સ્વીકારું તો પણ ખુલ્લી જ રહેશે.

સ્વામી આનંદને ૧૯૬૭માં દિલ્હીની સાહિત્ય અકાદમીએ ‘કુળકથાઓ’ માટે રૂપિયા પાંચ હજારનું પારિતોષિક અર્પણ કરવાનું ઠેરવ્યું હતું. સ્વામીદાદાએ પોતાનું ગૌરવ કરવા માટે અકાદમીનો હૃદયપૂર્વક આભાર માનીને પોતે સાધુ હોઈને એ અંગેના સમારંભમાં હાજર રહેવાનો કે પારિતોષિકની રકમ લેવાનો ઈનકાર કર્યો હતો. વીતેલાં ત્રણેક વર્ષ દરમિયાન પૂજ્ય મોરારિબાપુ તથા બાબા રામદેવને પદ્મખિતાબ આપવાની હિલચાલ થઈ ત્યારે તેઓએ પણ સ્વામી આનંદના પગલે ચાલીને પોતાનું સાધુપણું દીપાવ્યું હતું. આ એક બાબતમાં (આ જ બાબતમાં અન્ય બીજી કોઈ બાબતમાં નહીં.) મારી કલમની સાધુવૃત્તિ હું જાળવી રાખવા માગું છું.

આજનો વિચાર :1

ચંદ્રકો પામવાની લાહ્યમાં કે એને પામીને પોતાની નીતિમત્તાને વિસરી જનારા મેં ઘણા જોયા. તમે તમારા સિદ્ધાંતોને વળગી રહો છો એ સિદ્ધિ મેડલો મેળવવા કરતાં કંઈક ગણી અધિક છે.

– ફુઆદ અલ્કબરોવ (સ્કૉટિશ એક્ટિવિસ્ટ)

આજનો વિચાર: 2

અબજો રૂપિયાનાં કૌભાંડો કરનારી કૉન્ગ્રેસને તમે છોડતા નથી…

…અને અમે ૮૦ રૂપિયાના પેટ્રોલને લઈને મોદીને છોડી દઈશું એમ તમે માનો છો?

– વૉટ્સએપ પર વાંચેલું

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

    • એકદમ સરસ, અને મસ્ત લેખ, ખુબ ખુબ અભિનંદન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here