સુપરસ્ટાર રિશી કપૂર ડિપ્રેશનનો ભોગ કેમ બન્યા : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: 30 એપ્રિલ 2020)

( રિશી કપૂર ની 51 અજાણી વાતો: લેખ 4)

રાજ ખોસલાનું નામ હિંદી ફિલ્મ જોનારી યંગ જનરેશને નહીં સાંભળ્યું હોય. રાજ ખોસલાએ ‘સી.આઈ.ડી.’ (૧૯૫૬), ‘વો કૌન થી?’ (૧૯૬૪), ‘મેરા સાયા’ (૧૯૬૬), ‘દો રાસ્તે’ (૧૯૬૯), ‘મેરા ગાંવ મેરા દેશ’ (૧૯૭૧), ‘મૈં તુલસી તેરે આંગન કી’ (૧૯૭૮) અને ‘દોસ્તાના’ (૧૯૮૦) સહિતની લગભગ બે ડઝન ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. તેમણે એક વખત રિશી કપૂરને પૂછયું: ‘એકટિંગ એટલે શું ખબર છે?’ રિશીએ જવાબ આપ્યોઃ ‘શીખવાની તમન્ના રાખીને સ્પોંજની જેમ બધું જ એબ્સોર્બ કરતાં રહેવું.’ રાજ ખોસલા કહેઃ ‘ના, દરેક એક્ટર પાસે એની આગવી જે સ્ટાઈલ હોય તે રિયલ એક્ટિંગ. બાકી તો કોઈપણ એક્ટર બની જાય. એક્ટિંગ ઈઝ ઓલ અબાઉટ સ્ટાઈલ.’ રિશીકપૂરે રાજ ખોસલા સાથે ‘દો પ્રેમી’ (૧૯૮૦) અને ‘નકાબ’ (૧૯૮૯)માં કામ કર્યું.

રિશી કપૂરે ‘ખુલ્લમ્ ખુલ્લા’ નામની બેસ્ટસેલર બની ગયેલી આત્મકથામાં આ વાત લખી છે તેને આપણે અત્યાર સુધી નોંધેલી ૨૮ વાતોમાં ૨૯મી વાત ગણીએ અને આગળ વધીએ.

૩૦. આર.ડી.બર્મને રિશી કપૂરની અનેક ફિલ્મો માટે હિટ મ્યુઝિક આપ્યું. આર.ડી.બર્મને અને ગુલઝારે સાથે મળીને અનેક યાદગાર ગીતો બનાવ્યાં પણ, રિશી કપૂર અફસોસ કરતાં કહે છે, ‘મારી એક પણ ફિલ્મમાં ખબર નહીં કેમ, ગુલઝારસા’બે ગીતો લખ્યાં જ નથી. એટલું જ નહીં પાલી હિલમાં અમારા બંગલો એકદમ નજીક હોવા છતાં ક્યારેય હું અને ગુલઝાર એક પણ વખત સાથે ડ્રિંક લેવા બેઠા નથી.’ આવો જ અફસોસ રિશીને શક્તિ સામંતા, ઋષિકેશ મુખર્જી અને બાસુ ચેટર્જીની ફિલ્મોમાં કયારેય કામ કરવા ન મળ્યું એનો છે. વિજય આનંદ સાથેની ત્રણ ફિલ્મોનું મુહૂર્ત થયું પણ એકે ય ફિલ્મ બની નહીં. દરેક માટે અનેક સિટિંગ્સ થયેલી ફોટો સેશન્સ થયેલાં. એમાંની એક ફિલ્મનો મુહૂર્ત શોટ અમિતાભ બચ્ચન, રણધીર કપૂર અને વિનોદ ખન્નાની સાથે હતો. બીજીમાં જિતેન્દ્ર સાથે અને ત્રીજીના મુહૂર્ત શોટમાં રિશી એકલા જ હતા. ત્રણેય પ્રોજેક્ટ પડી ભાંગ્યા. ચેતન આનંદ રિશી-પદ્મિની કોલ્હાપુરે અને રાજકુમારને લઈને ‘સલીમ અનારકલી’ બનાવવા માગતા હતા અને ચેતનસા’બે શુકન તરીકે રિશીને પાંચ ગિની પણ આપી હતી. ‘મોગલ-એ-આઝમ’ જેવી ભવ્ય ફિલ્મ બનાવવાની ઈચ્છા મનમાંને મનમાં જ રાખીને ચેતન આનંદ ગુજરી ગયા. દાને દાને પે લિખા હૈ ખાનેવાલે કા નામની જેમ ફિલ્મના દરેક પ્રોજેક્ટ પર એના કરવાવાળાનું નામ હોવાનું . તકદીરમાં હોય તો જ ફિલ્મ બને અને જેના તકદીરમાં હોય તેને જ એ ફિલ્મ કરવા મળે.

૩૧. આર.કે.સ્ટુડિયોમાં ‘બૉબી’નું શૂટિંગ થતું હતું ત્યારે એ જ સ્ટુડિયોના બીજા એક સ્ટેજ પર મનમોહન દેસાઈ રિશી કપૂરના મોટાભાઈ રણધીર કપૂરને લઈને ‘રામપુર કા લક્ષ્મણ’નું શૂટિંગ કરતા હતા. ‘બૉબી’ના  શૂટિંગમાં રિશીને જોઈને મનજી કહેતાઃ ‘રાજસા’બની અક્કલ ચરવા જતી રહી છે. ‘જોકર’ (ફલોપ ગયા) પછી એમણે હ્યુજ સેટ અપવાળી (મોટા મોટા એકટરોને લઈને) ફિલ્મ બનાવવાની હતી પણ આ જુઓ ચાર-ફૂટીયા (રિશી કપૂર)ને લઈને ફિલ્મ બનાવી રહ્યા છે. મનમોહન દેસાઈએ અમિતાભ બચ્ચનના શરૂઆતનાં વર્ષોમાં ‘ટાંગે ટાંગે અમિતાભ બચ્ચન’ જેવી મજાક કરતા. કુદરતનો ખેલ જુઓ, મનમોહન દેસાઈએ જ્યારે પોતાનું બેનર (એમ.કે.ડી. ફિલ્મ્સ) લૉન્ચ કર્યું ત્યારે પ્રોડયુસર તરીકેની એમની પહેલી જ ફિલ્મમાં આ બેઉ અભિનેતાને લીધા. ‘અમર, અકબર, એન્થની’ (૧૯૭૭).

૩૨. ‘ઝહરિલા ઈન્સાન’ રિશી કપૂરની ‘બૉબી’ પછીની બીજી ફિલ્મ. ‘બૉબી’ના સુપર સકસેસ પછી આ બીજી ફિલ્મ ટોટલી ફલોપ ગઈ. રિશી કપૂર યાદ કરે છે કે આ ફિલ્મમાં એમણે બૈરૂતથી ખરીદેલું એક ટાઇટ ફિટિંગવાળું બ્લેક ટ્રાઉઝર બહુ હોંશથી પહેરેલું. ‘ઓ હંસિની’વાળા ગીતમાં તે જોવા મળે છે. શૂટિંગનો દિવસ પૂરો થયા પછી ડ્રેસમેને રિશી કપૂરનું ધ્યાન દોર્યું કે એની ઝિપ સાઈડમાં હતી, ફ્રન્ટમાં નહીં. વિચ મીન્સ કે એ લેડીઝ ટ્રાઉઝર હતું!

૩૩. રિશી કપૂર કહે છે કે ૧૯૮૦માં રિલીઝ થયેલી સુભાષ ધાઈની ફિલ્મ ‘કર્ઝ’ સુપર હિટ થશે એવી સૌને ખાતરી હતી. પણ ‘કર્ઝ’ રિલીઝ થઈ એના અઠવાડિયા પછી ફિરોઝ ખાનની ‘કુરબાની’ રિલીઝ થઈ. બેઉ ફિલ્મોમાં હિટ ગીતો હતા. પણ ‘કુરબાની’ એટલી ચાલી કે ‘કર્ઝ’નો બધો ધંધો એ લઈ ગઈ.

૩૪. ‘કર્ઝ’ વિરુદ્ધ ‘કુરબાની’નો સમય જૂન ૧૯૮૦નો ગાળો હતો. રિશી કપૂર-નીતુ સિંહનાં લગ્નને પાંચ મહિના થઈ ચૂકેલા. રિશીને લાગ્યું કે પોતે રોમેન્ટિક હીરો હતા પણ લગ્ન કર્યાં એટલે પ્રેક્ષકોમાં પોતાનો ચાર્મ ઓછો થઈ ગયો એટલે ‘કર્ઝ’ ન ચાલી. એ જ ગાળામાં રિશીની ચાર ફિલ્મોનું  શૂટિંગ ચાલુ હતું: ‘નસીબ’, ‘દીદાર-બે-યાર’, ‘ઝમાને કો દિખાના હૈ’ અને ‘પ્રેમ રોગ’. પણ રિશી એવા ડિપ્રેશનમાં કે કામ ન કરી શકે. ચારેય ડિરેકટરો ચિંતામાં. મનમોહન દેસાઈની ‘નસીબ’નું છેલ્લા દિવસનું  શૂટિંગ બાકી. અમિતાભ બચ્ચન, હેમા માલિની અને શત્રુઘ્ન સિંહા સાથેનો સીન. પણ રિશી સેટ પર પહોંચ્યા જ નહીં. એક વખત પિતાની ફિલ્મ ‘પ્રેમ રોગ’ના સેટ પર ગયા તો ખરા પણ કેમેરાનો સામનો કરતાં પગ ધ્રૂજે.  શૂટિંગ કેન્સલ કરવું પડયું. ડૉકટરો બોલાવવા પડયા, સાઈકિયાટ્રિસ્ટને કન્સલ્ટ કરવામાં આવ્યા. સદનસીબે બધા જ ડિરેકટરો રિશી કપૂરની પડખે રહ્યા. શૂટિંગ રખડી પડયું હતું અને આર્થિક ખોટ સહન કરવી પડતી હતી છતાં સૌ કોઈને રિશી કપૂર માટે સહાનુભૂતિ હતી. મનમોહન દેસાઈ અને એચ.એસ.રવૈલે ધીરજ રાખી. નાસિર હુસૈને તો એથીય આગળ વધીને રિશીને વધારાની એક લાખ રૂપિયાની રોકડ બેગમાં ભરીને મોકલી આપી, એમ માનીને કે રિશીને પૈસાની તકલીફ હશે એટલે એ ડિપ્રેશનમાં છે! પણ હકીક્ત એ હતી કે જે ફિલ્મ માટે ખૂબ આશા હતી તે ‘કર્ઝ’ ધારવા જેટલી હિટ ન થઈ એટલે ડિપ્રેશન આવી ગયું હતું. રાત્રે દોસ્તો સાથે ડ્રિંક લેતા ત્યારે થોડો કૉન્ફિડન્સ આવતો પણ સવારે નશો ઊતરી જતો ત્યારે પાછું ડિપ્રેશન ચાલુ થઈ જતું. મહિનાઓ પછી અમિતાભ બચ્ચને રિશીને કહ્યું કે મારે પણ આવા ડિપ્રેશનના દૌરમાંથી પસાર થવું પડયું હતું અને રાજ કપૂરે પણ દીકરાને કર્યું કે ‘દિલ દિયા દર્દ લિયા’ (૧૯૬૬)ના  શૂટિંગ દરમિયાન દિલીપકુમાર પણ આવા જ ડિપ્રેશનમાં હતા.’

૩૫. યશ ચોપરાની ‘ચાંદની’ (૧૯૮૯) બની રહી હતી ત્યારે યશજી જબરજસ્ત સ્ટ્રેસમાં હતા. શ્રીદેવી-વિનોદ ખન્ના-રિશી કપૂરના સેટ અપવાળી આ ફિલ્મ જો ફલોપ જશે તો યશ ચોપડા પોતાની પ્રોડકશન કંપની બંધ કરીને ગુલશનકુમારની ટી-સિરીઝ માટે ફિલ્મો બનાવતા થઈ જશે એવી ખાનગી માહિતી યશજીની એક ઘણી નિકટની વ્યક્તિએ રિશીને આપી હતી. ગુલશનકુમાર સાથે આ વિશે વિગતવાર વાતચીત પણ થઈ ચૂકી હતી. ‘ચાંદની’ સુપર હિટ થઈ અને યશ ચોપરાએ ગુલશનકુમાર જેવા સાથે હાથ મિલાવવા ન પડયા.

૩૬. શાહરૂખ ખાન અને દિવ્યા ભારતી સાથે ‘દીવાના’ (૧૯૯૨) કર્યા પછી રિશી કપૂરે રિયલાઈઝ કર્યું કે લીડ એક્ટર કે હીરો તરીકેની પોતાની કરિયર હવે પૂરી થઈ ગઈ છે.

૩૭. યશ ચોપરાએ અંધેરીમાં પોતાનો (વાયઆરએફ) સ્ટુડિયો શરૂ કર્યો ત્યારે એમાં સૌથી પહેલી ફિલ્મ એમના જ પ્રોડકશન હેઠળની ‘ફના’ બની. ‘ફના’ના પહેલા દિવસના  શૂટિંગમાં રિશી કપૂર હીરોઈન કાજોલના પિતાનો રોલ કરતા હતા ત્યારે એમણે જોયું કે યશજીની આંખોમાં આંસુ હતાં. રિશી કપૂરે એમને ભેટીને કહ્યું, ‘ખૂબ લાંબી મુસાફરી પછી આ મંઝિલ તમારી જિંદગીમાં આવી છે. એક વખત હતો જ્યારે તમે  તમારી દુકાનનું શટર કાયમ માટે પાડી દેવાનું વિચારતા હતા. આજે તમારી માલિકીનો આટલો મોટો સ્ટુડિયો છે!’

૩૮. રિશી કપૂર કહે છે કે ‘બૉબી’ પછી ‘લૈલા-મજનુ’ એમની સૌથી હિટ ફિલ્મ હતી. ‘કોઈ પથ્થર સે ના મારે મેરે દીવાને કો…’ સહિતના મદનમોહને અને (એમના પછી) જયદેવે કંપોઝ કરેલા સુપર હિટ સોન્ગસવાળી આ ફિલ્મ ‘બૉબી’ના ૩ વર્ષ બાદ રિલીઝ થઈ-૧૯૭૬માં.

૩૯. એક દિવસ રિશીકપૂર સાથેની  સિટિંગમાં આર.ડી.બર્મન એક ધૂન સંભળાવતા હતા ત્યારે એ પછીની સિટિંગ જેમની સાથે હતી તે દેવ આનંદ જરા વહેલા આવી ગયા. એમણે પણ એ ધૂન સાંભળી અને કહ્યું: ગાના બહોત અચ્છા હૈ, કિસકે લિયે બનાયા?’ આર.ડી. દેવસા’બ જેવા સિનિયરને કહી શક્યા નહીં કે રિશી કપૂરની ફિલ્મ માટે છે. આર.ડી.એ.કહ્યું: ‘આમ જ બનાવી છે…’ દેવ આનંદે કહ્યું:  આ ધૂન મારી….પછી એ ધૂન પરથી જે ગીત બન્યું તે દેવ આનંદે ‘વૉરન્ટ’ (૧૯૭૫)માં વાપર્યું: રુક રુક…રુક…રુક…રુક જાના ઓ જાના હમ સે દો બાતેં કર કે ચલી જાના…’ આ ગીત યાદ આવે ત્યારે તમને દેવ આનંદ આવે કે ઝિન્નત અમાન? અમને તો સ્ટીમ રોડ રોલર યાદ આવતું હોય છે.

વધુ વાતોષપછી.

7 COMMENTS

  1. 38 નમ્બર ના પોઇન્ટ મા એક કરેકસન…
    લૈલા મજનુ 1976 મા રિલીઝ થયેલી અને હમ કિસીસે કમ નહી 1977 મા એટલે જ લૈલા મજનુ બોબી પછીની રિશીજી ની સૌથી હિટ ફિલ્મ ગણાય…

  2. સુંદર અવલોકન આભાર યાદો તાજી thai

  3. I liked the write up! All of them are not only touchy but very interesting! It just makes us feel as if we are just talking to Him! Thank you!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here