ડિમ્પલ ઈમ્પાલામાં, બચ્ચનજી ફિયાટમાં : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: ગુરુવાર, 30 એપ્રિલ 2020)

( રિશી કપૂરની 51 અજાણી વાતો: લેખ 5 )

રિશી કપૂરે દીકરા રણબીર કપૂરને ‘ગાતાં’ શીખવાડયું હતું. રણબીરે એક વખત એના પિતાને કહ્યું કે ગીતના પિક્ચરાઈઝેશન વખતે રેકૉર્ડેડ ગીત પર હોઠ ફફડાવતાં નથી ફાવતું. રિશી કપૂર આત્મકથા ‘ખુલ્લમ્ ખુલ્લા’માં કહે છે કે આ સાંભળીને મને જબરજસ્ત શોક લાગ્યો અને મેં એને કહ્યું, ‘તુ રિશી કપૂર કા બેટા હૈ?’ રિશી કપૂરને લિપસિન્ક કરતાં સારું ફાવતું. એમનાં ગીતો ધ્યાનથી જોજો. પ્લેબેક સિંગર શૈલેન્દ્ર સિંહ હોય કે કિશોર કુમાર, રિશી પોતે ગાતા હોય એવું તમને લાગશે. રિશીએ દીકરાને એક ટિપ આપીઃ ‘તુમ કિતને ભી બેસૂરે હો…કેમેરા ઑન થાય એટલે કોઈની પરવા કર્યા વિના એકદમ મોટેથી ગાવાનું. ભલેને તારી હીરોઈન બહેરી થઈ જાય. કેમેરામાં તારા ચહેરા-ગળાના મસલ્સમાં થતો એકેએક ફેરફાર પકડાવો જોઈએ. સિંગરની પિચ અને સંગીતનો ટેમ્પો-આ બે વાત બરાબર પકડી લેવાની, તારું કામ થઈ જશે.’ આ થઈ રિશી કપૂરની આત્મકથામાંની ૪૦મી ઈન્ટરેસ્ટિંગ વાત.

૪૧. ‘પ્રેમરોગ’ બનતી હતી ત્યારે રાજકપૂર અને લક્ષ્મીકાંત-પ્યારેલાલ વચ્ચે જરા અણબનાવ થઈ ગયો હતો. રાજ કપૂરે ‘મેરી કિસ્મત મેં તૂ નહીં શાયદ’વાળા ગીત માટે જોડીમાંના બેઉ સંગીતકારને પોતપોતાની ધૂન બનાવી લાવવાનું કહ્યું. બેમાંથી એકે જે ધૂન બનાવી, જે ફાઈનલી વપરાઈ તે બીજાને બિલુકલ ગમી નહીં અને એમણે રિજેક્ટ કરીઃ ‘નહીં, યે ગાના નહીં રખેંગે. યે નહીં ચલેગા.’ પણ રાજ કપૂરને ધૂન પસંદ હતી અને ગીત ચાલશે એવું એ માનતા હતા. ગીત રેકૉર્ડ થયું અને રિશી લખે છેઃ ‘પ્યારેલાલજીએ ગીતના રેકૉર્ડિંગમાં જબરજસ્ત કમાલો કરી અને મારા પિતાએ ભવ્ય રીતે એને પિકચરાઈઝ કર્યું.’ રિશી જૂની વાતોને વાગોળતાં કહે છે કે મૈસૂરમાં એ ગીતના પિક્ચરાઈઝશનના ગાળામાં જ નીતુને રણબીર કન્સીવ થયો હતો. ‘પ્રેમ રોગ’ તૈયાર થઈને ૩૧ જુલાઈ ૧૯૮૨ના દિવસે રિલીઝ થઈ.

૪૨. શમ્મી કપૂર ‘બંડલબાઝ’ બનાવી રહ્યા હતા તે —૧૯૭૪ના સમયની વાત છે. (ફિલ્મ રિલીઝ થઈ ૧૯૭૬માં) આર.ડી.બર્મન એ ફિલ્મના મ્યુઝિક ડાયરેક્ટર હતા. એક પાર્ટીમાં કાકા-ભત્રીજા મળ્યા. સાથે આર.ડી.પણ હતા. ‘બૉબી’ સુપરહિટ ગઈ હતી. રિશી કપૂરનું નામ તેજીમાં હતું. એક જમાનામાં શમ્મી કપૂરની આસપાસ ટોળે વળતા પ્રોડયૂસરો અને ડાયરેક્ટરો શમ્મીજીની હાજરીમાં જ રિશીની આજુબાજુ બણબણતા હતા. થોડા પેગ પેટમાં ગયા પછી શમ્મીજીએ રિશીને અને આર.ડી.ને બાજુમાં લઈ જઈને કહ્યું: ‘યે લોગ જો આજ તુમ્હારે પીછે પીછે હૈં ના, યે કભી મુઝ સે ઐસે હી કરતે થે, યે વક્ત વક્ત કી બાત હૈ, ચિન્ટુ.’

૪૩. મિત્ર રાકેશ રોશને રિશી કપૂરને એક વાત કહી હતી. પિતા રોશનલાલની સંગીતકાર તરીકેની કારકિર્દી જરા ધીમી પડી ગઈ હતી. તે વખતે બીજા બધા જ સંગીતકારો એક પછી એક મેગા હિટ સોન્ગ્સ આપતા હતા. એક દિવસ રોશનસા’બે મદનમોહનજીને ફોન કરીને કહ્યું: ‘આપ કે ગાને બહુત અચ્છે બજ રહે હૈ. એક કામ કીજિયે. અપની પેટી (હાર્મોનિયમ) ઝરા મેરે પાસ ભેજ દીજિયે કુછ દિનોં કે લિયે. મેરી પેટી સે કુછ નિકલ નહીં રહા હૈ…’ બે જણ ફિલ્ડમાં એકબીજાના પ્રતિસ્પર્ધી હતા છતાં પર્સનલી એકબીજાની પ્રતિભાને બિરદાવવામાં સહેજ પણ સંકોચ કરતા નહીં.

૪૪. રિશી કપૂર કહે છે કે ‘બૉબી’ હિટ થઈ ગયા પછી એમના માટે એક મેજર પ્રોબ્લેમ ઊભો થયો. સ્ટ્રગલ તો એમણે કરવી પડી નહોતી. રેલવે પ્લેટફૉર્મ પર સૂવું પડયું હોય કે બે દિવસ સુધી ભૂખ્યા રહેવું પડયું હોય એવી કોઈ સ્ટ્રગલ તો લાઈફમાં હતી નહીં. પણ ઈન્સ્ટન્ટ સ્ટારડમ મળી ગયા પછી પ્રોબ્લેમ એ થયો કે આ બાજુ ડિમ્પલ કાપડિયાએ રાજેશ ખન્ના સાથે પરણીને ફિલ્મ લાઈન છોડી દીધી અને બીજી બાજુ આ નવા હૉટ યંગ સ્ટાર માટે કોઈ યંગ હીરોઈન હતી જ નહીં. જે હતી તે બધી જ રિશી કરતાં મોટી હતી એટલું જ નહીં રિશી કરતાં મોટી દેખાતી પણ હતી. શર્મિલા ટાગોર, મુમતાઝ, હેમા માલિની, ઝિન્નત અમાન, રેખા, રાખી, પરવીન બાબી…આમાંથી કોઈની સાથે રિશીની જોડી જામે એમ નહોતી. નીતુ સિંહ અને મૌસમી ચેટર્જી સાથે જોડી જામી ગઈ હતી પણ બે જ હીરોઈનો સાથે રિશી કરી કરીને કેટલી ફિલ્મો કરે? રિશી લખે છે , ‘શાહિદ કપૂર અને ઈમરાન ખાનને પણ આ જ પ્રૉબ્લેમ નડયો હતો અને એટલે જ મેં રણબીરને ૨૬ વર્ષની ઉંમર સુધી પહેલી ફિલ્મ કરવા નહોતી દીધી. રિશી કપૂરે બે ડઝન જેટલી હીરોઈનોનાં નામ આપ્યા છે જેમણે પહેલીવાર ફિલ્મી પડદે કામ કર્યું ત્યારે એ બધીના કો-સ્ટાર રિશી હતા.

૪૫. એક આડ વાત. સુષ્મિતા સેનને મિસ ઈન્ડિયા યુનિવર્સ અને ઐશ્વર્યારાયને મિસ ઈન્ડિયા વર્લ્ડનો ખિતાબ મળ્યો ત્યારે જે જજીસની પેનલ હતી એમાં રિશી પણ હતા.

૪૬. ૧૯૭૩માં ‘બૉબી’નું શૂટિંગ ચાલતું હતું ત્યારે ડિમ્પલ કાપડિયા ઈમ્પાલામાં આર.કે.સ્ટુડિયોમાં આવતી. એ જ વખતે અમિતાભ બચ્ચનની ‘બંધે હાથ’ (૧૯૭૩)નું શૂટિંગ પણ ત્યાં ચાલતું. બચ્ચનજી ફિયાટમાં આવતા.

૪૭. ‘નગીના’ (૧૯૮૬)માં રિશી સાથે કામ કરવા માટે શ્રીદેવીને બહુ ઉમળકો નહોતો. એ વખતે રિશી કપૂરની કરિયર લગભગ સ્થિર થઈ ગઈ હતી, આગળ વધતી નહોતી. શ્રીદેવી આમેય બહુ ઓછું બોલે. ‘હેલોજી’, ‘ગુડ નાઈટજી’ સિવાય કોઈ આપલે ન થાય. એક દિવસ આર.કે.સ્ટુડિયોમાં એક ગીતનું શૂટિંગ ચાલતું હતું. ટેકનિકલ કારણસર અધવચ્ચે શૂટિંગમાં બ્રેક પડયો. ફરી એકશન બોલાય તે પહેલાં શ્રીદેવીએ અચાનક રિશી કપૂરને કહ્યું, ‘સર, મેં તમારી ‘ખેલ ખેલ મેં’ ચાર વાર જોઈ છે.’ આખી ફિલ્મ દરમિયાન બસ, એટલી જ વાતચીત. પછી યશ ચોપરાની ‘ચાંદની’ (૧૯૮૯) વખતે બંને જણાં એકબીજા સાથે ફ્રેન્ડલી બન્યાં.

૪૮. શ્રીદેવી અને એમના પતિ બોની કપૂરના પ્રેમસંબંધો વિશે કોઈને ઝાઝી ખબર નહોતી એ દિવસો રિશી યાદ કરે છે. રિશી અને શ્રીદેવી એક ગીતના શૂટિંગ માટે ગોવા ગયા હતા. શૂટિંગ દરમિયાન લંચ બ્રેક પહેલાં જ શ્રીદેવીનું કામ પૂરું થઈ ગયું હતું એટલે એ હોટેલ પર જવા રવાના થયા અને રિશી એ પછી લંચ લેવા માટે હોટેલ પર આવ્યા. રિશીએ ત્યાં દૂરથી બોની કપૂર જેવા દેખાતા કોઈ માણસને જોયો. તાજનો મેનેજર જે એક જમાનામાં રિશીની સાથે સ્કૂલમાં હતો એને રિશીએ પૂછયું, ‘બોની કપૂર આ હૉટેલમાં ઊતર્યા છે?’ મેનેજરે કમ્પ્યૂટરમાં ચેક કરીને કહ્યું કે, ‘એ નામની વ્યક્તિએ કોઈ રૂમ બુક કરાવ્યો નથી.’ એકાએક રિશીને યાદ આવ્યું કે બોની કપૂરે કોઈ જુદા નામે રૂમ બુક કરાવી હોઈ શકે. એમણે પૂછયું, ‘અચલ કપૂરના નામે કોઈ રૂમ બુક છે?’ મેનેજર ચેક કરીને કહ્યું: હા, છે! અનિલના મોટાભાઈ બોનીનું મૂળ નામ અચલ કપૂર છે. બોની લાડકું નામ છે. રિશીને લાગ્યું કે એ બંનેની વચ્ચે અફેર છે. ત્રણ-ચાર મહિના પછી બેઉનાં લગ્ન થયાં ત્યારે આ વાત કન્ફર્મ થઈ સાથોસાથ એ વાત પણ વહેતી થઈ કે એ વખતે શ્રીદેવી ઑલરેડી બોની કપૂરથી પ્રેગ્નન્ટ હતી. રિશી કપૂર-શ્રીદેવીની ફિલ્મના ડ્રેસમેન તરફથી ખબર પડતી કે શ્રીદેવીનાં બધાં જ કપડાં ઑલ્ટર કરાવવામાં આવી રહ્યાં છે! ડાયરેક્ટરે પણ કેમેરામેનને સૂચના આપી રાખી હતી કે શ્રીદેવીનો શોટ હોય ત્યારે એમના શરીરનો નીચેનો ભાગ દેખાવો ન જોઈએ!

૪૯. રિશી કપૂરે એ જમાનામાં એક ફિલ્મ જયા ભાદુરી સાથે સાઈન કરી હતી. લકીલી, એ ફિલ્મ શરૂ જ ન થઈ. કારણ કે એ જ અરસામાં જયાજીનાં લગ્ન થઈ ગયાં. કલ્પના કરો કે આ બંનેની જોડી સ્ક્રીન પર કેવી લાગતી હોત!

વધુ વાતોનો છેલ્લો ભાગ પછી.

3 COMMENTS

  1. ચાંદની 1989 દરમ્યાન શ્રીદેવી પ્રેગનન્ટ હતી…?
    પણ શ્રીદેવી 1997 મા “જુદાઈ ” દરમ્યાન પ્રેગનન્ટ હતી એમ કહેવાય છે…

    • You are right. Jahnvi kapoor is born in 1997. There must be some memory lapse of Rishiji or might be something else!
      Btw,during the climax shooting of Roop ki rani Choron ka Raja (1989 or so)when I was interviewing Shreedevi I did smell the romance between her any Boney Kapoor but didn’t mention it in my article since I am not a gossip film writer. I never asked Bachhanj about Rekha though Ihad two long interviews with him in 80’s.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here