નીતુજી, રાકેશ રોશન અને જિતેન્દ્ર સાથેની તડકી છાંયડી અને ખટ્ટી મીઠી : સૌરભ શાહ

  1. (ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: ગુરુવાર, 30 એપ્રિલ 2020)

( રિશી કપૂરની અજાણી વાતો: લેખ 6)

રિશી કપૂરના જીવનની, એમના કુટુંબની અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઝીણીમોટી ૪૯ વાતો જાણી લીધા પછી સિરીઝના આ અંતિમ હપ્તામાં એમની આત્મકથા ‘ખુલ્લમ્ ખુલ્લા’માંથી થોડીક બચેલી-ખુચેલી વાતોની ભેળપૂરી.

નીતુસિંહ સાથે ‘ઝહરીલા ઈન્સાન’ (૧૯૭૪) કર્યા પછી રિશી-નીતુની જોડીવાળી અનેક ફિલ્મો આવતી રહી. પણ એ બંને સિરિયસલી ભ્રમમાં પડયા ‘અમરઅકબરએન્થની’ (૧૯૭૭)નું શૂટિંગ-ડબિંગ પૂરું થયું એ અરસામાં. એ પહેલાં રિશીકપૂર યાસ્મિન નામની એક ખૂબસૂરત છોકરી સાથે સ્ટેડી જતા હતા. ‘ઝહરીલા ઈન્સાન’નું શૂટિંગ કર્ણાટકમાં ચિત્રદુર્ગ પાસે ચાલુ હતું ત્યારે રિશી નીતુને કહેતા કે યાસ્મિન સાથે મારે વાત કરવી છે તો તું ફોન લગાડીને એની માને કહે કે તું એની બહેનપણી છે, પછી ફોન મને આપી દે જે!

રિશી-નીતુએ ૧૧ ફિલ્મોમાં સાથે કામ કર્યું. નીતુ ચાઈલ્ડ સ્ટાર હોવાને કારણે યંગ એજમાં જ હીરોઈન બની ગયાં. ‘ઝહરીલા ઈન્સાન’ અને ‘રફૂચક્કર’ના શૂટિંગ વખતે નીતુજીની ઉંમર માત્ર ૧૫ વરસ હતી.

આત્મકથામાં રિશી કપૂર લખે છે કે પ્રેમમાં પડયા પછી મારે નીતુ સાથે એકલા બહાર જવું હોય તો એની મમ્મી એલાઉ કરતી નહીં. અમારી સાથે લવલી નામના નીતુના કઝિનને ગાડીમાં બેસાડતી. અમે ત્રણેય ઘેરથી ગાડીમાં સાથે નીકળતા. રસ્તામાં લવલી ઊતરીને પોતાની ગર્લફ્રેન્ડને મળવા જતો રહેતો.

‘અમર અકબર એન્થની’ વખતે જે ફૂલ પુરબહારમાં ખીલ્યું તે ‘કભી કભી’ ( 1976) વખતે કળી સ્વરૂપે હતું. બંનેના રોમાન્સની નવી નવી શરૂઆત. રિશી કપૂર પોતાના પિતાથી ખૂબ ડરતા. નીતુ સાથે લગ્ન કરવાં છે એવી વાત કરી શક્તા નહીં. ફાઈનલી ૨૨ જાન્યુઆરી ૧૯૮૦ના રોજ રિશી-નીતુનાં લગ્ન થયાં.

રિશીજી લખે છે કે ૩૭ વર્ષના લગ્નજીવન પહેલાં અને લગ્નજીવન દરમ્યાન અમે ઘણીયવાર અબોલા લીધા છે. ‘ઝૂઠા કહીં કા’ (૧૯૭૯)ના ‘જીવન કે હર મોડ પર’ ગીતના શૂટિંગ વખતે અમે એકબીજા સાથે બોલતા નહોતા. ઈવન યશ ચોપરાની ‘જબ તક હૈ જાન'(૨૦૧૦)નું શૂટિંગ ચાલતું હતું ત્યારેય બેઉને એકબીજા સાથે બોલવાનોય સંબંધ નહોતો! અને ફિલ્મમાં તેઓ કેટરિના કૈફ આગળ એક આદર્શ દંપતિ તરીકે પેશ આવે છે અને પ્રેમ વિશેની ડાહી ડાહી વાતો કરે છે. છેલ્લે ૨૦૧૫ની સાલમાં પાંત્રીસમી વેડિંગ એનિવર્સિરીના દિવસે રિશી ‘પટેલ કી પંજાબી શાદી’ માટે પરેશ રાવલ સાથે શૂટિંગ કરી રહ્યા હતા અને નીતુજી એમની સાથે નહોતાં. બીજે દિવસેય રિશીજી પત્ની સાથે મોડે મોડે સેલિબ્રેટ કરવા ગયા નહીં કારણ કે બંને વચ્ચે ઝઘડો થઈ ગયેલો, બેઉએ ફરી પાછી એકબીજા જોડે કિટ્ટા કરી લીધેલી.

રિશી કપૂરની આત્મકથામાં નીતુજીએ છેલ્લે ‘આફટરવર્ડ’માં લખ્યું છેઃ ‘શું મને ક્યારેય મારા પતિને છોડી દેવાનો વિચાર આવે છે? હા,હા,હા, અમે સાથે રહેતાં થયાં એ પછી રોજેરોજ મને આવો વિચાર આવે છે. આમ છતાં ૩૭ વર્ષ પછી પણ હું મિસિસ રિશી કપૂર જ છું. કેમ? કારણ કે ૩૭ વર્ષ બહુ લાંબો સમયગાળો છે અને હું બીજા કોઈનીય સાથે રહેવા માગતી નથી, રહી શકું એમ પણ નથી.’

ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું યુગલ હોય કે સાધારણ જિંદગી જીવતાં પતિ-પત્ની હોય, આવું તો બધે જ ચાલતું રહે અને લડતાં-ઝઘડતાં હોવા છતાં કોઈક એવું ખેંચાણ બંને વચ્ચે હોય જે એમને ગમે એવા કપરા સંજોગોમાં પણ છૂટા ન પાડે.

રિશી કપૂરના નિકટના જૂના મિત્રોમાં જિતેન્દ્ર અને રાકેશ રોશનનો સમાવેશ થાય છે. બેઉ મિત્રો સાથે અલગ-અલગ પ્રસંગે થયેલી ગેરસમજાણો અને એમાંથી નીપજેલા મનદુઃખની વાત કરીને રિશીજી ‘ખુલ્લમ્ ખુલ્લા’ને અંત તરફ લઈ જાય છે.

બન્યું એવું કે જિતેન્દ્રની પુત્રી એકતા કપૂરે ‘કુછ તો હૈ’ (૨૦૦૩) નામની ફિલ્મ માટે રિશીને સાઈન કર્યા. દસેક દિવસનું જ કામ હતું. સોર્ટ ઓફ ગેસ્ટ અપિયરન્સ. ફિલ્મમાં એમનો રોલ એવી વ્યક્તિનો હતો જેને શરૂઆતમાં પ્રેક્ષકો વિલન ધારી લેવાના છે પણ અંતમાં એ સારી વ્યક્તિ નીકળે છે. ફિલ્મ શરૂ થયા પછી એમાં લોચા જ લોચા ઉમેરાતા ગયા. પહેલાં અનુરાગ બસુને ડિરેક્ટર તરીકે લીધેલા, એ બદલાઈ ગયા. પછી કેમેરામેન બદલાઈ ગયા. છેવટે રિશીનો રોલ પણ ચેન્જ થઈ ગયો અને એમનું કેરેકટર વિલનનું જ બની ગયું. સ્ક્રિપ્ટમાં વારંવાર થતા ફેરફારોથી રિશી ત્રાસી ગયા. એકતાને ઠપકો પણ આપ્યો. ઘણુંબધું શૂટિંગ ફરી કરવું પડયું.

એક દિવસ બાન્દ્રાના મહેબૂબ સ્ટુડિયોમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું. બધાને ખબર કે મુંબઈમાં શૂટિંગ હોય ત્યારે રિશી કપૂર સવારે સાડા દસ વાગ્યે સ્ટુડિયોમાં હાજર થઈ જાય અને રાત્રે સાડા આઠ પછી શૂટિંગ ન કરે. એ દિવસે રિશીને પોતાના ખૂબ નજીકના મિત્ર રાહુલ રવૈલના ભત્રીજાના લગ્નમાં જવાનું હતું. શૂટિંગ સાડા છ-સાતે પૂરું થવાનું હતું. રિશીએ વિચાર્યું કે સ્ટુડિયોથી ઘર નજીક જ છે. ઘરે જઈને ફ્રેશ થઈ, નવાં કપડાં પહેરીને લગ્નમાં જઈશું. લગ્ન પણ બાન્દ્રામાં જ હતાં. ઈન્ડસ્ટ્રીમાં સૌ કોઈને ખબર કે રવૈલ ફેમિલી સાથે રિશી કપૂરને કેટલો ગહરો રિશ્તો છે. રાહુલના પિતા એચ.એસ.રવૈલે ૧૯૭૯માં ‘લૈલા-મજનુ’ બનાવી હતી. સોલો હીરો તરીકે રિશી કપૂરની ‘બૉબી’ પછીની એ સૌથી મોટી હિટ ફિલ્મ હતી.

સેટ પર અચાનક રિશીને કહેવામાં આવ્યું કે અહીંથી હવે મઢ આયલેન્ડ પર શૂટિંગ કરવા જવાનું છે અને રાત્રે બે વાગ્યે તમે છૂટા થશો. એકતા કપૂરની એસ્ટ્રોલોજર ફ્રેન્ડ સુનિતા મેનને કહેલું કે આ ફિલ્મ ર્પિટક્યુલર તારીખે જ રિલીઝ થવી જોઈએ, તો જ એ હિટ થશે. એટલે એકતા ગમે તેમ કરીને ફિલ્મ પૂરી કરવા માટે સૌને છેલ્લી ઘડીએ દોડાવી રહી હતી. રિશીએ કહ્યું કે હવે મારું શૂટિંગ પૂરું, મારે તો રિસેપ્શનમાં જવાનું છે. રિશીની ના સાંભળીને સેટ પર સૌ કોઈને ધ્રાસકો પડયો. થોડી જ વારમાં જિતેન્દ્રનો ફોન આવ્યો. અરે યાર, પંજાબી શાદી તો આખી રાત ચાલે છે. શૂટિંગ પૂરું કરી લેને. રિશી પરમ મિત્રને ના પાડી શક્યા નહીં.

મઢ આયલેન્ડમાં પહેલો શોટ રાતના અગિયાર પછી લેવાયો. શૂટિંગ રાતે અઢી વાગ્યે પૂરું થયું. વેનિટી વાનમાં જ નહાઈ ધોઈ તૈયાર થઈને રિશી રિસેપ્શન માટે છેક મઢ આયલેન્ડથી બાન્દ્રા મારતી ગાડીએ પહોંચ્યા. બધું આટોપાઈ ચૂક્યું હતું. રવૈલ ફેમિલીને બહુ માઠું લાગ્યું. પિક્ચર રિલીઝ થયું. મઢ આયલેન્ડમાં શૂટ થયેલો સીન એડિટિંગ ટેબલ પર કપાઈ ગયેલો. પિક્ચર સુપર ફ્લોપ ગયું (જયોતિષની સૂચનાનું અક્ષરશઃ પાલન થયું હોવા છતાં). કોઈ પત્રકારે એક ઈન્ટરવ્યૂમાં રિશીને પૂછયું કે તમે તો રોલ પસંદ કરવામાં બહુ ચૂઝી છો છતાં આવો ફાલતુ રોલ કેમ કર્યો. રિશીએ કઈ રીતે સ્ક્રિપ્ટમાં ફેરફાર થતાં ગયા તેની આખી રામકહાણી સમજાવીને કહ્યું, ‘ટીવીમાંથી ફિલ્મ બનાવવા નીકળી પડેલા લોકોએ આખી ફિલ્મની વાટ લગાવી દીધી.’

ઈન્ટરવ્યૂ છપાઈ ગયા પછી જિતેન્દ્રનો ફોન આવ્યો. ગુસ્સામાં હતા. રિશીને કહ્યું, ‘તું એકતા વિશે આવું બોલી શકે જ કેવી રીતે? એ આ વાંચશે તો ખબર છે, કેટલી દુઃખી થશે?’

રિશીએ ખુલાસો કર્યો કે, ‘જે સાચું હતું તે જ તો મેં કહ્યું છે અને એક એક્ટર મારે મારો બચાવ તો કરવો જ પડે ને, હું કેવી રીતે ચૂપ રહું?’

જિતેન્દ્રએ કહ્યું, ‘કયા બડા હીરો બન ગયા હૈ તૂ?’

રિશીને આ સાંભળીને બહુ માઠું લાગ્યું. એકચ્યુઅલી તો આ ફ્રેન્ડશિપમાં જિતેન્દ્રએ કામને વચ્ચે લાવવાની જરૂર જ નહોતી, શૂટિંગ પૂરું કરવા માટેનો ફોન એમણે નહોતો કરવો જોઈતો એવું રિશીને હજુય લાગ્યા કરે છે.

આજે જોકેે, બંને મિત્રો મળે છે ત્યારે જૂની કડવી યાદોને ઓગાળીને મળે છે.

આ જ રીતે રાકેશ રોશન ‘કોઈ મિલ ગયા’ (૨૦૦૩) બનાવી રહ્યા હતા ત્યારે એમણે રિશીને રિતિકના ફાધરનો રોલ કરવાનું કહું હતું. રિશીએ એમને ના પાડી. બંને વચ્ચે બોલાચાલી થઈ ગયેલી. બે જ દિવસનું કામ હતું. પણ રિશીએ તે વખતે માન્યું હતું કે આ તબક્કે આવો નાનો રોલ નથી કરવો. રિશીએ પોતાનું લૉજિક રાકેશ રોશન સામે મૂકીને ફ્રેન્કલી વાત કરી પણ રાકેશ રોશન ભડકી ગયા, ‘બ્લડી ઈડિયટ, આ સ્ટેજે તું કઈ કરિયરની વાત કરે છે. તારી કરિયર હવે ખતમ થઈ ગઈ. તારે હવે જે મળે તે છૂટમૂટ નાના-નાના રોલ કરી લેવાના હોય.’

રાકેશ રોશનના શબ્દોથી રિશીજી ખૂબ ઘવાઈ ગયા. પણ ૨૦૦૩ પછીના સવા દાયકાનો સમય સાક્ષી છે કે રિશી પોતાની પસંદગી પર અડગ રહ્યા તો કેટલા સારા સારા રોલ કરી શક્યા. ‘લવ આજ કલ’ (૨૦૦૯), ‘દો દૂની ચાર’ (૨૦૧૦) અને ‘અગ્નિપથ'(૨૦૧૨) જેવી બીજી ઘણી ફિલ્મો રિશી કપૂરે અંગત મિત્ર સાથે વહોરી લીધેલા ઝઘડાને વાજબી ઠેરવે છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી વ્યક્તિઓએ આત્મકથા લખી. ઘણી હસ્તીઓના જીવન પર જીવનકથા લખાઈ. રિશી કપૂરની ‘ખુલ્લમ્ ખુલ્લા’ જેવી નિખાલસતા આમાંના બહુ ઓછા પુસ્તકોમાં જોવા મળે. આ પુસ્તકનું કવર ખોલીને પ્રથમ અસ્તર પરની કપૂર ખાનદાનની લેટેસ્ટ સમૂહ તસવીર જુઓ તો ખ્યાલ આવે કે આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ કુટુંબે કેટલું મોટું કોન્ટ્રિબ્યુશન કર્યું છે અને આ કુટુંબના એક સભ્ય તરીકે રિશીજીએ વ્યક્તિગત રીતે, છેલ્લા સવા ચાર દાયકા દરમ્યાન, આપણા સૌનું મનોરંજન કરવામાં કેટલો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.

( છ હપતાની શ્રેણી સમાપ્ત)


•••••

20 COMMENTS

  1. આજે આપે મોકલેલી છ એ છ લિંક એક પછી એક ખોલીને કંટીન્યુઅસ વાંચી. આખી આત્મકથાનો ટૂંક સાર ખૂબ સરસ રીતે સમાવ્યો છે. ફિલ્મી લેખોની લિંક આ રીતે વખતો વખત મોકલો તો જૂના લેખો વાંચવાની પણ મજા કંઇક ઓર જ છે!

  2. જાણે ઋષી કપૂર સામે બેસીને પોતાની વાતો કરી રહ્યા હોય એવું લાગ્યું.
    ધન્યવાદ…

  3. ધન્યવાદ…. આવું સ્પષ્ટ, ત્વરિત અને સંપૂર્ણ ભોજન આપવા બદલ આભાર……આવું ભોજન કાયમ પીરસતા રહેજો….અમે કાયમ ભૂખ્યા છીએ….તમારો આસિક

  4. રિશી કપુરની આત્મકથાની ૫૧ અજાણી વાતો દ્વારા તેમના જીવનનાં ઘણાં પૃષ્ઠો વાંચવા મળ્યાં. સંક્ષિપ્તમાં સરસ રજુઆત. મહાન કલાકારને સરસ શ્રધ્ધાંજલિ.

  5. સૌરભભાઈ ઋષિ કપૂરે એમની આત્મકથામાં પંચમ વિષે શું લખેલું છે?

    • My friend Ajay Sheth who is an authority on Pancham says: “Shocked to hear about Rishi Kapoor.Five and half years back he had done a 6 hour show,spread on 3 weeks,for an fm channel for RD on his own birthday 4th September.Only of its kind tribute to Panchamda.I recorded it all.”

      This link is shared by Ajay Sheth

      https://clyp.it/fjh134th

  6. ખુબ જ સુંદર, વિગતવાર પણ સંક્ષિપ્ત રજુઆત! આટલું સરસ preci-writing ભાગ્યે જ જોવા મળે છે.

  7. Must read at a stretch without putting down the mobile. I recommend supplenry reading of 2 books, “FOLLYWOOD FLASHBACK” by Bunny Reuben & “THE KAPOORS” written by Madhu Jain
    There are interesting stories on Raj Kapoor (chapter 24) and Rishi Kapoor(chapter 5).

  8. ખૂબજ સુંદર..સૌરભ ભાઈ આત્મકથા ભાવનુવાદ શ્રદ્ધાન્જ્લી..વાહ આટલી સહજતા સાથે ખુબ સુંદર લેખ ની રસપ્રદ રજૂઆત…ઘટના દુંખદ છે..પણ આપ ને રસપ્રદ લેખ બદલ અભિનંદન અને શુભેચ્છાઓ સાથે વંદન ?.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here