કેવા મિત્રો છેલ્લે સુધી રહેવા જોઈએ?

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 13 ઑગસ્ટ 2023)

આયુષ્યની સુવર્ણજયંતિ ઉજવાય છે અને જિંદગીનાં સુવર્ણ દિવસો શરૂ થાય છે. પચાસથી પંચોતેર વર્ષની ઉંમરને શાસ્ત્રોએ વાનપ્રસ્થાશ્રમનો ગાળો ગણાવ્યો છે. મારા માટે એ તટસ્થાશ્રમ છે.

જિંદગીમાં જે મેળવવું હતું તે મળી ચૂક્યું છે અને નથી મળ્યું તેની છટપટાહટ હવે નથી. જે નથી મળ્યું તે મેળવવા માટેના પ્રયત્નો આસક્તિ વગર થઈ રહ્યા છે, કોઇ છટપટાહટ વિના, તટસ્થ બનીને થઈ રહ્યા છે- જે મળશે, જ્યારે મળશે ત્યારે સ્વીકારી લઈશું અને નહીં મળે તો હરિ ઇચ્છા- આ લેવલ પર આવેલાં આ પચ્ચીસ વર્ષમાં જે મિત્રો જિંદગીમાં પ્રવેશે છે તે ત્રણ પ્રકારના હોય છે. આ ગાળામાં થતી મૈત્રીની મહેક કંઈક જુદી હોય છે. તમારાથી મોટી ઉંમરના લોકો તમારા ખાસ મિત્રો બને છે, તમારાથી નાની ઉંમરના લોકો પણ તમારા ખાસ મિત્રો બને છે. અગાઉના બે આશ્રમો દરમિયાન- બ્રહ્મચર્યાશ્રમ અર્થાત્ કૌતુકાશ્રમ અને ગૃહસ્થાશ્રમ અર્થાત્ આસત્તાશ્રમ દરમિયાન મોટેભાગે હમઉમ્ર મિત્રો મળે છે. બહુ બહુ તો તમારાથી બે-પાંચ વર્ષ નાના કે બે-પાંચ વર્ષ મોટા હોય. પણ હવે તમારાથી દસ-વીસ વર્ષ નાના કે દસવીસ વર્ષ મોટા સાથે મૈત્રી થઇ શકે છે. ઉંમરની સીમાઓ ભૂંસાઇ જાય છે. આવા મિત્રોમાં સૌથી પહેલા પ્રકારના મિત્રો હોય છે તમારા જીવનને નવો અર્થ આપનારા, નવી દિશા સૂઝાડનારા મિત્રો. પચાસ વર્ષની જિંદગીમાં તમને ક્યારેય સૂઝ્યું જ ન હોય, ક્યારેય તમે જેના વિશે વિચાર્યું જ ન હોય એવું સૂઝાડનારા, એવો વિચાર કરતા તમને કરી મૂકે એવા મિત્રો.

એ પછી બીજા પ્રકારના નવા મિત્રો પણ ઉમેરાય છે. અત્યાર સુધી તમારા મિત્રોની યાદીમાં તમે જેમને મિત્રો જ ગણતા હતા એવા લોકો હતા. હવે તમે જેમને તમારા સગા ભાઇ, સગા વડીલ કે નિકટના સ્વજન ગણી શકો એવા મિત્રો ઉમેરાય છે. આ નવા મિત્રો સાથે તમે તમારું બાળપણ, તમારી કિશોરાવસ્થા કે તમારી યુવાનીના દિવસો શેર નથી કર્યા છતાં કોઇક કારણસર એમની સાથે એવી આત્મીયતા સર્જાય છે જાણે તમારે અને એમને લોહીની સગાઈ હોય.

અને આ પચ્ચીસ વર્ષ દરમિયાન ત્રીજા પ્રકારના જે મિત્રો ઉમેરાય છે એ તમને આ તટસ્થાશ્રમમાં વધુ તટસ્થ થવાની પ્રેરણા આપે છે. એમના અનુભવોનો નીચોડ તેઓ તમારી સાથે વહેંચે છે. એમને મળીને તમને લાગે છે કે આવા મિત્રો પચ્ચીસ વર્ષ પહેલાં મળ્યા હોત તો કેટકેટલી ભૂલો કરવામાંથી તમે બચી ગયા હોત.

પંચોતેર વર્ષ સુધીના આયુષ્યમાં આ ત્રણ પ્રકારના મિત્રો જો અનાયાસે પ્રાપ્ત ન થાય તો પ્રયત્ન કરીને પણ મેળવવા જોઈએ.

સંન્યસ્તાશ્રમ અથવા તો હું જેને વિરક્તાશ્રમ કરું છું તે હવે શરૂ થાય છે. જિંદગીનાં છેલ્લાં 25 વર્ષનો ગાળો. 75થી 100 વર્ષનો ગાળો. શતાયુ થવાના આશીર્વાદ સૌને મળેલા છે. શતાયુ સૌ કોઇએ થવાનું છે. આ જમાનામાં પણ ભરપૂર પ્રવૃત્તિઓ સાથે સો વર્ષ જીવવું શક્ય છે.

આસાન નથી પણ શક્ય છે. આસાન તો અગાઉનાં ત્રણ આશ્રમોમાં જીવવું પણ ક્યાં હતું. પણ જીવી ગયા. જલસા કરતાં કરતાં જીવી ગયા. બાકીનાં પચ્ચીસ વર્ષ પણ એ જ રીતે નીકળી જવાનાં છે.

આ ગાળામાં બે પ્રકારના નવા મિત્રો ઉમેરાય છે. તમારી પત્ની તમારી અંગત મિત્ર બને છે. તમારા પતિ તમારા અંગત મિત્ર બને છે. આવી મૈત્રી લગ્ન પછી તમે ક્યારેય અનુભવી જ નહોતી. પત્ની કે પતિ સાથે આ હદ સુધીની આત્મીયતા કે અનિવાર્યતા હોઇ શકે એવો વિચાર પણ તમને નહોતો આવ્યો. કોઇક કારણસર જો તમારા સ્પાઉઝ આ દુનિયામાં ન રહ્યા હોય તો એમની સાથે ગાળેલી અગણિત ક્ષણો તમારા અંગત મિત્રની ખોટ ભરપાઈ કરે છે. હા, યાદોને સહારે પણ જીવી શકાતું હોય છે.

આ ગાળામાં જે બીજા પ્રકારના મિત્રો ઉમેરાય છે તે તમારા અંતિમ વિલના સાક્ષી તરીકે સહી કરનારા હોય છે. તમને ખબર છે કે તમારા કરતાં એ મિત્ર લાંબું જીવવાના છે અને તમારા ગચા પછી તમારી ઇચ્છા મુજબ તમારા વિલનું અમલીકરણ થાય તેનું ધ્યાન રાખવાના છે.

સો વર્ષની જિંદગી દરમિયાન તમને કુલ આ 14 પ્રકારના મિત્રો મળે છેઃ બ્રહ્મચર્યાશ્રમમાં 5 પ્રકારના, ગૃહસ્થાશ્રમમાં 4 પ્રકારના, વાનપ્રસ્થાશ્રમમાં 3 પ્રકારના અને સંન્યસ્તાશ્રમમાં 2 પ્રકારના. આ 14 પ્રકારના મિત્રોમાંથી 4 ને તમારે આજીવન સાથે રાખવા જોઇએ. જીવનના અંતિમ પડાવ પર આ 4 મિત્રોના ખભે ચડીને યાત્રા કરવાની જે મઝા છે, જે મઝા છે.

પાન બનારસવાલા

મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.

-‘મરીઝ’ (22 ફેબ્રુઆરી1917-19 ઓક્ટોમ્બર 1983)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

9 COMMENTS

  1. જય હો nમિત્રસ્ય ચક્ષુષા સમિક્ષામહે 😊🌹👌

  2. મિત્રૉ માટેનો ખૂબજ સરસ લેખ. ૬૬ વર્ષની ઉમરે હમણાંજ મિત્રતા ને દિવસે અમે પહેલા ધોરણથી મેટ્રીક સુધીના બાર મિત્રો ભેગા થયા હતા અને મિત્રતાના પચાસ વર્ષની ઉજવણી કરી હતી.અમુલખ અમીચંદ શાળા ૧૯૭૩ના બેચના મિત્રો મળીને ખૂબજ આનંદ કયૌં હતો જુની યાદોને તાજી કરીને.

  3. સૌરભભાઇ ઠુદય પૂર્વક વંદન, આપનો આજનો લેખ મૈત્રી વિશેનો વચ્યો, આપને માતૃવંદના સાથે ધન્યવાદ@ સતિષભાઈ

  4. માફ કરશો. ભૂલમાં “ખૂબ ખૂબ આભાર”ની જગ્યાએ “મથુરા આભાર”લખાયુ છે.

  5. મુ.શ્રી સૌરભભાઈ,
    ખૂબ સાચી ને સરસ વાત. આપે લેખમાં જણાવ્યું અદ્દલ એવું જ હું ૫૫ ની ઉંમરે હાલ અનુભવી રહ્યો છું. પોતાની અનુભવી કલમ વડે વાચકોના અંતરમનની લાગણીઓ સાથે સામંજસ્ય સાધી શકે એજ સાચા લેખકની નિશાની છે. મથૂરા ખૂબ આભાર🙏

  6. મિત્ર કેવા હોવા જોઈએ? સરસ આર્ટિકલ. જો કે તમારાં આર્ટિકલ્સ માં હમેશા કઈક નવીનત્તમ હોય છે. વાંચવું ગમે છે.

  7. બહુ જ સરસ લેખ મજા આવી ગઈ સૌરભભાઇ👌👌👌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here