વધુ પડતા નમ્ર બનવાને બદલે સાહજિક રહેવું: સૌરભ શાહ

(લાઉડમાઉથ: ‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, બુધવાર, ૨ ડિસેંબર, ૨૦૨૦)

માણસ પાસે વધુ વાંચન હોય, ભરપૂર સર્જનશીલતા હોય અને ટોચની સંવેદનશીલતા હોય તો એ સામાન્ય માણસોની સરખામણીએ જીવનમાં વધારે સુખી થાય કે દુખી? તમે જ્યારે નિત્શે, રૂસો, ન્યુટન, પાસ્કલ, વાન ગોઘ, દોસ્તોએવ્સ્કી, મોપાસાં, બાલ્ઝાક, કાફ્કા અને એફ. સ્કોટ ફિટ્ઝજિરાલ્ડથી માંડીને અર્નેસ્ટ હેમિંગ્વે અને સેમ્યુઅલ બેકેટ સુધીના તત્ત્વચિંતક, વિજ્ઞાની, ચિત્રકાર, નવલકથાકાર, નાટ્યકાર ઈત્યાદિની જિંદગી તપાસો છો ત્યારે એક તારણ પર આવો છો કે જબરજસ્ત સર્જનશીલતાને ડિપ્રેશન સાથે, માનસિક હતાશા સાથે, સીધો સંબંધ છે. આ તમામ નામ, તમે નોંધ્યું હશે એમ, અસામાન્યપણે પ્રતિભાવંત વ્યક્તિઓનાં નામ છે. માનસશાસ્ત્રીઓ તથા મનોવિજ્ઞાનીઓ માટે આ એક પ્રશ્ર્ન હંમેશાં રસપ્રદ અભ્યાસનો રહ્યો છે કે ટેલેન્ટ અથવા ક્રિયેટિવિટી અને ડિપ્રેશન વચ્ચે કેટલો અને કેવો સંબંધ છે.

જેઓને સમાજનો મોટો વર્ગ ઓળખતો ન હોય એવી ઘણી વ્યક્તિઓ પણ માનસિક રીતે ખૂબ ઊંચી કક્ષાએ જીવતી હોઈ શકે છે. પહેલાં આ ગુમનામ લોકોની હતાશા વિશે ચર્ચા કરીએ, જેમની સંવેદનશીલતાનો સ્તર ઉપરછલ્લો હોય એવી વ્યક્તિઓને ડિપ્રેશન અલગ કારણોસર આવી શકે. સામાજિક સંબંધો આમાંનું મુખ્ય કારણ હોય. ભૌતિક અવગડતા (પૈસો, આરોગ્ય વગેરે સંબંધી ફરિયાદો) બીજું કારણ હોય, પરંતુ તેઓ ક્યારેય દેશની કથળતી જતી આર્થિક કે રાજકીય પરિસ્થિતિ વિશે વિચારીને હતાશ નથી થતા હોતા. ભ્રષ્ટાચાર, ક્રાઈમ, આતંકવાદ કે એવા કોઈ વિશાળ મુદ્દાઓ વિશે ચિંતિત થઈને દુખી નથી થતા હોતા, કારણ કે આ પ્રશ્ર્નો સાથેની એમની નિસબત ઉપરછલ્લી હોય છે અથવા તો બિલકુલ નથી હોતી.

સામાન્ય જીવન ધરાવતા અને પોતાની પ્રતિભાને સમાજ સુધી ન પહોંચાડી શકેલા ગુમનામ માણસો જેટલું વધારે વિચારે છે એટલા વધુ દુ:ખી તેઓ થાય છે. અહીં કહેવાનો આશય એ નથી કે માનસિક દુ:ખમાંથી બચવા તેઓએ વિચારવાનું, વ્યાપક નિસબત ધરાવવાનું છોડી દેવું જોઈએ. બિલકુલ નહીં. અહીં માત્ર જે બને છે, જે પ્રક્રિયાનો ઉલ્લેખ છે, તેનું વર્ણન છે. અલબત્ત, અહીં એવા લોકોની બાદબાકી કરવી જોઈએ જેઓ હતાશાનાં અંગત કારણોને ઢાંકવા વ્યાપક કારણોના ઓઠા હેઠળ પોતાની નિસબત જાહેર કરતા હોય. દાખલા તરીકે કોઈ માણસ અંગતપણે ખરાબ આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થતો હોય અને એ માની બેસે કે દેશના કથળતા અર્થતંત્ર વિશે વિચાર કરું છું એટલે જ બેચેન બની જવાય છે, તો એ એનો પલાયનવાદ છે. અહીં એ લોકોની ચર્ચા બિલકુલ નથી, પણ જેમણે સતત સામાજિક બદીઓથી માંડીને પ્રજાના નૈતિક સ્તર વિશે વિચાર્યું હોય એમના જીવનમાં ક્યારેક આ કારણોસર ડિપ્રેશન આવી જાય એ સ્વાભાવિક છે. આ ડિપ્રેશનને કારણે એમની રાજિંદી જિંદગી ખોરવાઈ જાય એમ પણ બને.

જેમની આજિવિકા પોતાની સર્જનશીલતાને કારણે આવે છે અથવા જેમને પોતાની ક્રિયેટિવિટીને કારણે સમાજ ઓળખતો થયો છે એવા લોકો માટે, કળાકારો માટે, ડિપ્રેશન એક ઓક્યુપેશનલ હૅઝાર્ડ છે. રણ મોરચે લડવા જતા સૈનિક માટે દુશ્મનની ગોળી ઓક્યુપેશનલ હૅઝાર્ડ છે, ફાયર બ્રિગેડમાં જોડાઈને આગ ઓલવવા જતા જવાન માટે દાઝવું અને જોકી માટે કે કાર રેસના ડ્રાઈવર માટે હાડકાં ભાંગવાં એ એક ઓક્યુપેશનલ હૅઝાર્ડ છે, વ્યાવસાયિક જોખમ છે.

કળાકારોમાં આ ડિપ્રેશન સર્જાવાનું સૌથી મોટું કારણ માનસશાસ્ત્રીઓ એ આપે છે કે આ લોકોનાં મનમાં સતત વૈચારિક સંઘર્ષ ચાલતો હોય છે. આ મનોવ્યાપારો અજાગ્રત મનમાં ચાલતા હોય એ શક્ય છે. કળાકારને પોતાને પણ આના અસ્તિત્વ વિશે જાણ ન હોય એવું બની શકે. મનમાં ચાલતી વિચારોની મારામારીને કારણે કેટલાય કળાકારોએ હતાશાની પળોમાં આત્મહત્યા કરી. અર્નેસ્ટ હેમિંગ્વે, સિલ્વિયા પ્લાથ, વર્જિનિયા વૂલ્ફ, એન સેક્સટન અને જૉન બેરીમેન તરત યાદ આવતાં નામો છે. સર્જકોમાં મૂડ-ડિસઓર્ડરની પરિસ્થિતિ કૉમન છે.

માનસચિકિત્સકો કહેતા હોય છે કે માણસના ડિપ્રેશનને મગજના કોઈ ખાસ રસાયણ સાથે સંબંધ છે જેના પ્રવાહમાં અવ્યવસ્થા પેદા થવાથી દિમાગ વધુ પડતી કલ્પના કરતું થઈ જાય છે. સાદી ભાષામાં આપણે આ પરિસ્થિતિ અંગે કહેતા હોઈએ છીએ કે: આનું ખસી ગયું.

આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે શું કરવું? તમે ઉત્સાહી માણસની સલાહ પૂછશો તો કહેશે કે વિચાર કરવાનું છોડી દો અને ખાઈપીને જલસા કરો, પરિસ્થિતિ આપોઆપ ઉકલી જશે.

પણ વિચારોની સ્વિચ બંધ થઈ શકતી નથી જેને કારણે સતત ટેન્શનનો અનુભવ થાય છે. આવી માનસિક પરિસ્થિતિમાં દરેક બાબત વિશે ઉગ્રપણે પ્રત્યાઘાત આપવાનું મન થતું હોય છે. આ પ્રક્રિયા લંબાતી જાય એ પછી એક એવો તબક્કો આવીને ઊભો રહે છે જ્યારે માણસ ‘બધું જાણું છું, છતાં કશું કરી શકતો નથી’ એવું માનીને નિ:સહાય થઈ જાય. આ તબક્કે એને દરેક પ્રવૃત્તિ હેતુ વિનાની જણાતી હોય છે. છેવટે એ માનસિક રીતે અને શારીરિક રીતે પણ ભાંગી પડે.

ડિપ્રેશનનું એક કારણ એ છે કે મોટાભાગના ડિપ્રેસ્ડ લોકો જવાબદારી લેવાથી દૂર ભાગતા હોય છે. જવાબદારી ઉપાડ્યા પછી એ નિભાવી શકાશે કે કેમ, નિભાવી શકાશે તો સારી રીતે એમાંથી પાર ઊતરશે કે કેમ, સફળતાપૂર્વક એમાંથી પાર ઊતરશે તો બીજી વ્યક્તિઓને એ સફળતાની ઈર્ષ્યા થશે તો, આવી અનેક ચિંતાઓ જવાબદારી ઉપાડવાની વાત આવે ત્યારે ઊભી થતી હોય છે. આવી ચિંતાઓથી બચવા માણસ કોઈકનું, કોઈક વ્યક્તિ કે ચીજનું, શરણું શોધે છે અને એ ન મળે ત્યારે પોતાની આસપાસ દીવાલ ચણીને બીજાઓથી એકલા પડી જવાનો અનાયાસ પ્રયત્ન કરે છે.

ચિંતામુક્ત બનવા માટે જવાબદારીઓને ઘણી વખત નસીબના આધારે છોડી દેવામાં આવતી હોય છે. એકરાર કરવાથી પણ ચિંતાભર્યું મન હળવું થઈ જાય છે. જડ નિયમોને વળગી રહીને પણ ચિંતા ઓછી કરવાનો પ્રયત્ન થતો હોય છે. અમુક વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે આવું બોલાય જ નહીં કે વિચારી શકાય પણ નહીં એવું માનીને, શાહમૃગની જેમ રેતીમાં માથું ખોસીને જીવ્યા કરવાથી કેટલાય લોકોને સલામતીની અને એને પરિણામે ચિંતામુક્તિની લાગણી પ્રાપ્ત થતી હોય છે. એ અલ્પજીવી હોય છે તે વાત જુદી છે. ટોળામાં ભળી જવાથી અને કોઈને આપણી લાઇફના લીડર માની લેવાથી પણ સલામતી મળતી હોય છે. ટોળામાં ભળ્યા પછી નિર્ણય લેવાની જવાબદારી આપણી નથી રહેતી. કશુંક ખોટું થાય તો જવાબદારી આગેવાન પર ઢોળી શકાતી હોય છે એટલે ચિંતાનો કોઈ સવાલ નથી રહેતો. ગાડરિયા પ્રવાહની બોલબાલા શા માટે દરેક જમાનામાં રહેતી હોય છે એ વાત હવે સમજાય છે. કોઈનાય વિશે સ્પષ્ટ અભિપ્રાય આપવો નહીં, કોઈનીય સાથે બગાડવું નહીં, ગમે એવા અલેલટપ્પુઓ સાથે પણ સારાસારી રાખવી જેથી દિમાગ ખુશ રહે, જિંદગી ઉત્પાત વિનાની વીતે અને આપણા ઉઠમણામાં ખૂબ બધું પબ્લિક ભેગું થાય. માનસશાસ્ત્રીઓ કહે છે કે કેટલાક લોકો તમારી સાથે હંમેશાં લળીલળીને, ઝૂકી ઝૂકીને, મીઠું મીઠું બોલ્યા કરતા હોય ત્યારે એમના એવા વર્તન પાછળનો આશય ચિંતા ટાળવાનો જ હોય છે. સ્વભાવગત કોઈ વ્યક્તિ અમુક હદથી વધુ નમ્ર હોઈ શકે જ નહીં. આ બધી કેળવેલી, ઉપરથી છાંટેલી નમ્રતા હોવાની. સામેની વ્યક્તિ આપણું ખરાબ ન કરે કે ખરાબ ન ઈચ્છે તે માટે આપણે પહેલેથી જ કૃત્રિમ રીતે વધુ પડતા નમ્ર બની જતા હોઈએ છીએ. વધુ પડતા વિવેકી કે સારા દેખાતા કે ચાંપલાઈથી મસ્કો મારનારા લોકોને જરાક જ નજીકથી જઈને જોશો તો તેઓ એકદમ બીકણ-બાયલા જણાશે, ભીરુ અને ડરપોક જણાશે, સતત અસલામતીભર્યા માનસિક વાતાવરણમાં જીવતા જણાશે. આવી રીતે જીવનારા લોકોના જીવનમાં વહેલું મોડું ડિપ્રેશન આવ્યા વિના રહેતું નથી. ડિપ્રેશનમુક્ત જીવવાનો સૌથી મોટો ઉપાય એક જ છે – સાહજિક રીતે જીવતા રહેવું. બીજાઓ કે પોતાના માટે જજમેન્ટલ બન્યા વિના જીવતા રહેવું અને ગઈકાલને યાદ કર્યા વિના, આવતીકાલનાં ખ્વાબ જોયા વિના, આજે જે કામ હાથમાં લીધું છે તેમાં તન્મય થઈને જીવતા રહેવું.

સાયન્સ પ્લીઝ!

જિંદગીમાં ગમે એવી અપ્રિય ઘટનાઓ બનતી રહે પણ એનાથી આખી જિંદગી બગડી ગઈ એવું ક્યારેય થતું નથી, જિંદગી આવા બધા જ આઘાતોથી શૉકપ્રૂફ હોય છે એવું તો ક્યારનું પુરવાર થઈ ચૂક્યું છે.

– સોફી ક્રિન્સેલા (બ્રિટિશ ઑથર: જન્મ-૧૯૬૯)

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here