પ્રેરણાનું ગલગલિયું અને ઈન્સ્પિરેશનની ચટણી

તડકભડકઃ સૌરભ શાહ
(સંદેશ, રવિવાર, 20 ઑગસ્ટ 2018)

ટીવી પર સચિન તેન્ડુલકરની ડોક્યુમેન્ટરી જોઈ અને તમને ક્રિકેટર બનીને જગત આખામાં નામ રોશન કરવાની ઈચ્છા થઈ આવી. તમે કદાચ સાંભળ્યું કે વાંચ્યું પણ હશે કે કોઈ જાણીતા ક્રિકેટરને એની આગલી પેઢીના બીજા કોઈ મશહૂર ક્રિકેટરને રમતાં જોઈને પ્રેરણા મળી કે મારે પણ એમના જેવું થવું છે અને વખત જતાં એ પોતે પણ ક્રિકેટ જગતમાં એક સિતારો બની ગયો.
આવું બધું વાંચી-સાંભળીને આપણે પણ માની બેસીએ છીએ કે કોઈને જોઈને, એમનું કામ જોઈને, નામ જોઈને આપણને પ્રેરણા મળે એટલે આપણે એમના જેવા થઈ જઈએ. અને એટલે આપણે જ્યાંથી મળે ત્યાંથી પ્રેરણા લેવા માંડીએ. મહાપુરુષોનાં જીવનચરિત્રોમાંથી, એમના જીવનના પ્રેરણાત્મક પ્રસંગોમાંથી, કોઈનાં લખાણોમાંથી, વ્યાખ્યાનો પ્રવચનો અને સેમિનારોમાંથી. પ્રેરણાના ઢગલા નીચે દબાઈ જઈએ ત્યાં સુધી આપણે આપણા પર પ્રેરણાઓ ઠાલવ્યા કરતા હોઈએ છીએ.
કોઈનામાંથી પ્રેરણા મળતી હોય તો તે સારું જ છે પણ આવી પ્રેરણાઓ બહુ બહુ તો સ્ટાર્ટરના સ્પાર્ક પ્લગની ગરજ સારે. તમારી પાસે રસ્તાના ખાડા ટેકરાઓની ઝીંક ઝીલી શકે એવા સસ્પેશનવાળું વાહન હોવું જોઈએ, વાહનને નિયમિતરૂપે ઓઈલ-પેટ્રોલ મળવાં જોઈએ, તમારાં ટાયર પંકચર પ્રૂફ હોવાં જોઈએ અને સૌથી અગત્યની વાત તો એ કે હાઈવે પર ધસમસતા ટ્રાફિકમાં તેમ ગલીકૂંચીઓના બેફામ ટ્રાફિકમાં વાહન ચલાવવાની આવડત, કુશળતા તમારામાં હોવી જોઈએ. સ્ટાર્ટર માટેના સ્પાર્ક પ્લગના જોરે તમે એફ-વન રેસ તો શું અમદાવાદથી મહેમદાવાદનો રસ્તો પણ કાપી શકવાના નથી.
અને આ વાત તમે સારી રીતે સમજો છો. એટલે જ પૂરતી તૈયારી વિના ઘરેથી શાક માર્કેટમાં જવા માટે પણ તમારા વેહિકલમાં નીકળતા નથી.
પણ પ્રેરણાની બાબતમાં આપણે આવું માનતા નથી. ક્યાંકથી પ્રેરણા મળી ગઈ એટલે બની ગયા સચિન તેન્ડુલકર. સ્ટીવ જોબ્સનો કિસ્સો કોઈએ બઢાવી ચઢાવીને પોતાના સ્ટેન્ડ અપ કોમેડી જેવા વ્યાખ્યાન/સેમિનાર/પ્રવચનમાં કહીને તમને પ્રેરણાનું ગલગલિયું કરાવ્યું અને આપણે માની બેઠા કે, ‘હમૌ સ્ટીવ જોબ્સ બનત હૈ’ અને ભણવાનું પડતું મૂકી સ્ટીવ બનવાનાં સપનાં જોવા લાગ્યાં.
કોઈ પ્રેરણા આપે કે કોઈનામાંથી પ્રેરણા મળે ત્યારે પહેલાં તો એ જોવું જોઈએ કે આપણા પોતાનામાં એ પ્રકારની ટેલન્ટ છે કે નહીં. ગળાનાં ઠેકાણાં ન હોય એવા લોકો ટીવીના ટેલન્ટ શોમાં ભાગ લેવા નીકળી પડતા હોય છે. શું કામ? તો કહે અમને ગાવાનો શોખ છે, અમારે પણ લતા-કિશોર બનવું છે.
શોખ હોવાથી તમે એ ક્ષેત્રમાં ટોચ પર પહોંચી શકવાના નથી, ટોચની વાત જવા દો આગળ પણ વધી શકવાના નથી. હા, ઘરમાં ગાતાં ગાતાં તમે પંદરમી ઓગષ્ટના રોજ તમારા બિલ્ડિંગના કે તમારી સોસાયટીના ફંકશનમાં અય મેરે વતન કે લોગોં ગાઈને પાંચ જણાની શાબાશી મેળવી આવો એને કારણે કંઈ ‘તમારા ક્ષેત્રમાં આગળ વધ્યા’ એવું ન કહેવાય.
શોખ હોવામાં અને પેશન હોવામાં જમીન આસમાનનો ફરક છે. પેશનને કારણે તમે તમારું સર્વસ્વ હોડ પર લગાવી દેતા હો છો, બીજા તમામ વિકલ્પો બંધ કરીને તમારું સમગ્ર ફોકસ તમારે જે ક્ષેત્રમાં આગળ વધવું છે તેના પર જ કેન્દ્રિત કરતા હો છો.
જોકે નકરી પેશન કશાય કામની નથી હોતી. મુંબઈ જેવા શહેરમાં રોજના હજારો યુવાન-યુવતીઓ શાહરૂખ ખાન બનવા આવતા હશે. એ સૌને પેશન હશે ત્યારે જ તો એમણે ઘરબહાર છોડીને મુંબઈ આવો સ્ટ્રગલ કરવાનું નક્કી કર્યું. પણ પેશનેટ લોકોમાં જો ટેલન્ટ ન હોય તો કંઈ વળતું નથી. પ્રતિભા કંઈ ઝાડ પર ઊગતી નથી કે બજારમાં તૈયાર પણ મળતી નથી. તમને ક્રિકેટ રમતાં આવડતું હોય, ક્રિકેટના તમામ નિયમોની જાણકારી હોય અને ટીવી/ડીવીડી પર જોઈજોઈને કોણ કેવી રીતે કયા પ્રકારનો બોલ રમે છે એની તમામ જાણકારી પણ તમે મેળવી લીધી હોય છતાં તમે સારા ક્રિકેટર ન બની શકો એવું બને. કારણ કે તમારી પાસે ક્રિકેટ વિશે જે કંઈ છે તે બીજા કોઈનામાં પણ હોઈ શકે-સેંકડો નહીં, હજારો કે લાખોમાં હોઈ શકે. તમારામાં ક્રિકેટર બનવાની વિશેષ પ્રતિભા જો ન હોય તો તમારે એ ક્ષેત્રમાં ‘નસીબ અજમાવવાનો’ કોઈ અર્થ નથી. એવું જ સંગીતના ક્ષેત્રમાં. એવું જ લેખનના ક્ષેત્રમાં અને એવું જ કોઈપણ પ્રોફેશનમાં કે ઈવન બિઝનેસમાં.
અને ટેલન્ટ હોવી પણ પૂરતું નથી. જે લોકોમાંથી આપણે પ્રેરણા લઈએ છીએ એમને પોતાના ક્ષેત્રની તમામ ટેકનિકલ આવડત, પેશન, ટેલન્ટ હોવા ઉપરાંત સૌ લોકોમાં જે સૌથી મોટી ખાસિયત હોય છે તે દિવસરાત મહેનત કરવાની. એમાં કોઈ અપવાદ નહીં. સચિન તેન્ડુલકર પોતાની કારકિર્દીના મધ્યાહૃને પણ નેટ પ્રેક્ટિસ કરતો અને તે પણ વરસતા વરસાદમાં મને શરદી થઈ છે, માથું દુઃખે છે, પેટ દુઃખે છે, આજે મૂડ નથી, ઘરે મહેમાન છે, કેટલા દિવસથી પિક્ચર જોયું નથી વગેરે કારણો આ મહાન લોકોના જીવનમાં નથી હોતા.
જે લોકો આપણને પ્રેરણા આપે છે એમણે એ સ્થાને પહોંચવા માટે પોતાની અંગત તથા પારિવારિક અને સામાજિક મઝાઓનો કેટલો ત્યાગ કર્યો હશે એની તો આપણને કલ્પના પણ નથી હોતી. અને તે પણ એકાદ બે વખત કે અપવાદરૂપે નહીં. ડે ઈન એન્ડ ડે આઉટ તેઓએ આવો ભોગ આપ્યો હોય છે. કોઈ કચકચ વિના, કોઈ બહાનાં કાઢયા વિના, બિલકુલ સાહજિક પણે.
ઈન્સ્પિરેશન જ્યાંથી મળતી હોય ત્યાંથી લઈએ, વાંધો નથી, સારું જ છે. પણ એટલી સભાનતા રાખીએ કે ભોજનની થાળીમાં એનું સ્થાન માત્ર ચટણી જેટલું જ છે. બાકીની વાડકીઓમાં પરસેવો, ટેલન્ટ, ત્યાગ, પેશન વગેરે જેવી ડઝનબંધ વાનગીઓ વિના આ થાળી અધૂરી છે. એકલી ચટણીથી પેટ ભરાતું હોય તો જ તમે પ્રેરણાત્મક વાતો સાંભળીને શેખચલ્લીનાં સપનાં જોતાં રહેજો.

પાન બનાર્સવાલા

અધીરાઈ હોય તો ધીરજના પાઠ વધારે સારી રીતે મળે!
– અર્નેસ્ટ હેમિંગ્વે

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here