ટીન એજમાં આ પાંચ વાત શીખી લીધી હોત તો : સૌરભ શાહ

(તડક ભડકઃ ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ: રવિવાર, 2 જાન્યુઆરી 2022)

શિસ્તમાં રહેવું એટલે બંધન સ્વીકારીને પરાધીન થઈ જવું એવું ટીન એજર્સને લાગતું હોય છે. એટલે જ તેઓ કોઈ કારણ વિના બંડખોર બની જતા હોય છે – રિબેલ વિધાઉટ અ કૉઝ.

કંઈક નવું કરવાનો થનગનાટ જે ઉંમરમાં હોય, જૂનું ફગાવી દઈને ચીલો ચાતરવાનો ઉમંગ જે ઉંમરે હોય તે ગાળામાં કોઈ શિસ્તમાં રહેવાની વાત કરે તો ગુસ્સો જ આવવાનો છે. શિસ્ત એટલે ખરેખર શું એ વાત જો કોઈ ટીન એજર્સને સમજાવી શકે અને ટીન એજર્સ સમજીને એને જીવનમાં અપનાવી શકે તો તેઓ જે કંઈ નવું કરવા માગે છે, જે કંઈ બાબતે ચીલો ચાતરવા માગે છે તે કામ વધુ સરળતાથી, વધુ ઝડપે થઈ શકે.

શિસ્ત એટલે આ પાંચ બાબતો માટેનું આયોજન કરવું. આયોજન કરવા માટે અમુક બંધનો સ્વીકારવાં પડે તો સ્વીકારી લેવાનાં અને અમુક સીમા રેખાઓ દોરવી પડે તો દોરી લેવાની. ભવિષ્યની જિંદગીમાં મુક્તપણે જીવવું હશે, કોઈ પણ ક્ષેત્રમાં મનફાવે તે રીતે આગળ વધવું હશે તો કેટલીક બાબતમાં પરાધીનતા સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. આ પરાધીનતા કોઈ ગુલામી નથી પણ પોતાની સ્વતંત્રતામાં સ્વૈચ્છિક રીતે, સમજણપૂર્વક મૂકેલો કાપ છે જેથી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પરિણમીને તમને ડુબાડી ના દે.

આ પાંચ બાબતોની શિસ્ત ટીન એજમાં પ્રવેશતાંની સાથે જરૂરી છે અને ટીન એજમાંથી બહાર આવ્યા પછી આખી જિંદગી એનું ચુસ્ત પાલન અનિવાર્ય છે. ટીન એજ થર્ટીનથી નાઇન્ટીનનાં સાત વર્ષની હોય. એમાં આગળ પાછળનાં દોઢ-બે વર્ષ ઉમેરીને પૂરા એક દાયકાનો ગાળો રાખીએ. વ્યવહારુ દુનિયામાં પગ મૂકતાં પહેલાંનો એક દાયકો જો આ પાંચેય શિસ્તનું પાલન કરવાની પ્રેક્ટિસ કરી હશે તો જિંદગીમાં અણધારી આફતો આવી પડશે ત્યારે એનો સ્વસ્થતાપૂર્વક સામનો થઈ શકશે.

પહેલી વાત નાણાકીય શિસ્ત. એકેએક પૈસાનો હિસાબ રાખવાની ટેવ નાનપણથી જ હોવી જોઈએ. દાદી કે મમ્મીની હિસાબની ડાયરીમાં એ જમાનામાં બે-પાંચ પૈસાનો ખર્ચ કર્યો હોય તો એની પણ નોંધ જોવા મળે. આવકનો પણ હિસાબ લખાય. કોઈની પાસેથી ઉછીના લીધા હોય કે કોઈને ઉછીના આપ્યા હોય તેનો પણ હિસાબ રહે. બૅન્કમાં કે ઘરના ગલ્લામાં કેટલા રૂપિયા છે તેનો પાકો હિસાબ રહે. મહિનાને અંતે સરવાળા-બાદબાકી કરતી વખતે ફરી એક વાર ખર્ચની વિગતો પર નજર નાખવામાં આવે જેથી ખબર પડે કે ક્યાં-કેટલો ખર્ચ થયો. ફિઝુલ ખર્ચાઓ ઓછા કરવાની સમજણ વિકસે. આવેશમાં આવીને કરેલા શૉપિંગ પર કન્ટ્રોલ આવે. માસિક ખર્ચા સેંકડો રૂપિયામાં હોય, હજારો રૂપિયામાં હોય કે પછી લાખો રૂપિયામાં હોય – જેવી જેની આવક અને જેવી જેની ત્રેવડ. પણ હિસાબ દરેકે દરેક પરિસ્થિતિમાં પાકો. આર્થિક શિસ્તની આ વાત થઈ.

બીજી વાત. સમયની શિસ્ત. ભગવાને ચોવીસ કલાક દરેકે દરેકને આપ્યા છે. દેશના વડા પ્રધાન પાસે જેટલો સમય છે બરાબર એટલો જ સમય તમને પણ આપવામાં આવ્યો છે. કયું કામ જાતે કરવું તે નક્કી કરી લેવાનું. શક્ય છે કે રોજ સવારનો નાસ્તો તમે તમારી જાતે બનાવી લો. એમાં ભલે અડધોએક કલાક વીતે. દિવસ દરમ્યાન તમે જે ક્ષેત્રમાં કામ કરતા હો તેમાં બધું કામ જાતે કરવાને મબદલે માણસો રાખીને એમની પાસે કરાવી લો. મોટાં ઑપરેશન કરવાવાળા સર્જયનો શરીરનો કોઈ ભાગ ખોલવાનું કામ મદદનીશોને સોંપી દે. મુખ્ય સમારકામ પોતે કરીને બાકીનું કામ આટોપવાની જવાબદારી ફરી મદદનીશોને સોંપી દે. રોજની દરેક મિનિટનો ઉપયોગ કરવાની સૂઝ તો હોવી જ જોઈએ પણ સાથોસાથ જ્યાં જ્યાં તમે કોઈ કામ બીજા પાસે કરાવીને તમારો બોજ હળવો કરી શકો એમ હો ત્યાં બીજાઓની મદદ લેવી જોઈએ. હિન્દી ફિલ્મના સંગીતકારો પોતે સારા વાદ્યવાદકો હોય છે છતાં બીજા વાદ્યકારો પાસે વગાડાવે છે. મોટા મોટા ઉદ્યોગપતિઓ ને ખબર હોય છે કે કયું કામ કેવી રીતે થાય, પોતે ધારે તો એ જ કામ વધારે સારી રીતે કરી શકે તે છતાં એ કામ મોટા પગારદારો પાસે કરાવતા હોય છે. વકીલોનું પણ એવું જ. દરેક ક્ષેત્રમાં આવું હોવાનું. ચોવીસ કલાકની દરેક મિનિટનો ઉપયોગ કેવી રીતે થાય છે એ તમારી કાબેલિયતના આધારે નક્કી થશે. તમારી આ કાબેલિયત જ તમને ભવિષ્યમાં મામૂલી સફળતા, નાની-મોટી સફળતા કે ભવ્યાતિભવ્ય સફળતા અપાવશે.

ત્રીજી વાત લોકો સાથેના વ્યવહારોમાં શિસ્ત. ન કોઈનીય સાથે રુક્ષતાથી વાત કરવી, ન કોઈનીય સાથે લાગણીઓમાં તણાઈ જઈને લાંબી લાંબી વાતો કરવી. ન કોઈનેય અપમાનિત કરવા, ન કોઈનીય આગળ ઝૂકી ઝૂકીને સલામો ભરવી. ન કોઈનીય સાથે તુચ્છકાર કરવો, ન કોઈનેય માથે ચડાવવા. કોઈકને ના પાડવી હોય તો સુંવાળી રીતે ના પાડવી અને હા પાડતાં પહેલાં બેવાર વિચાર કરીને હા પાડવી. જાણી જોઈને તો કોઈનેય હર્ટ કરવાની જરૂર નથી અને અજાણતાં જો કોઈ તમારાથી દુભાઈ જાય તો તરત જ પૂરી સિન્સિયારિટીથી દિલસોજી દર્શાવી દેવી. જે કોઈ તમારા સંપર્કમાં હોય કે ભવિષ્યમાં સંપર્કમાં આવે એની સાથે ભાવપૂર્વક-વિવેકથી વર્તવું અને જો એ રીતે વર્તન ન થઈ શકે એમ હોય તો સંપર્ક ઓછો કરીને નહિવત કરી નાખવો જેથી તમારા ખરાબ વર્તનના છાંટા એમના પર કે એમના ખરાબ વર્તનના છાંટા તમારા પર ના પડે. વ્યવહારોની શિસ્ત કે સંબંધોની શિસ્ત આને કહેવાય.

ચોથી, બાબત આરોગ્યને લગતી શિસ્તની. ખાવાપીવા અને ઉંઘવાથી માંડીને કસરત-યોગ-પ્રાણાયામ દ્વારા આરોગ્યને કેવી રીતે સાચવવું છે તેની સમજણ ટીન એજથી જ આવી ગઈ હોય તો સારું અને ના આવી હોય તો દરેક બાબતની જેમ અહીં પણ જાગ્યા ત્યારથી સવાર. સદીઓથી કહેવાતું આવ્યું છે કે પહેલું સુખ તે જાતે નર્યા. આરોગ્યમાં ક્યારેક ઉન્નીસબીસ થાય ત્યારે દવા લેવી કે નહીં, કઈ ઉપચાર પદ્ધતિની દવા લેવી, કોની સલાહ લેવી વગેરે દરેક બાબનતો ઞઆધાર માત્ર પોતાના અનુભવ પર ના રાખવો. જાણકારોની સલાહ ક્યારેક જાત અનુભવ કરતાં વધારે ઉપયોગી થતી હોય છે. આયુષ્ય તો ભગવાને જે આપ્યું હશે તે જ રહેવાનું છે પણ જેટલાં વર્ષોનું આયુષ્ય મળ્યું છે તે વર્ષોમાં તમે શું શું કરી શકશો તેનો ઘણો મોટો આધાર આરોગ્યની બાબતમાં તમે પાળેલી શિસ્ત પર રહેવાનો છે.

પાંચમી અને છેલ્લી વાત વિચારોની શિસ્ત. મન બેકાબુ છે અને મનને શિસ્તમાં નથી રાખી શકાતું એ વાત સાવ વાહિયાત છે. મનમાં રમતા વિચારોની આવન જાવનનો કન્ટ્રોલ સંપૂર્ણપણે તમારા હાથમાં છે. એક જ વિચાર મનમાં રમ્યા કરતો હોય તેને દૂર કરવા માટે તમે અન્ય કોઈ કામ હાથમાં લઈ શકો છો, કોઈ નવા વિચારને મનમાં રમતો કરી શકો છો. કોઈ બાબતની ચિંતા પરેશાન કર્યા કરતી હોય તો એનો ઉકેલ ના જડી આવે ત્યાં સુધી જે વિષયની ચિંતા હોય તેના કરતાં તદ્દન જુદા જ વિષયના કામમાં ડૂબી જઈ શકાય છે. અંધાધૂંધ વિચારોની આંધી ચાલતી હોય ત્યારે કઠોર શારીરિક શ્રમ દ્વારા એને શાંત કરી શકાય છે. પુસ્તકો અને સંગીત કે ફિલ્મો-મનોરંજન પણ કારગત ઉપાય છે. સ્થળફેર કરી શકાય. આ બધું કંઈ પલાયનવાદ નથી. મનમાં કયા વિચારો પ્રવેશે અને કયા વિચારોને નો એન્ટ્રી હશે તેનું મૅનેજમેન્ટ કરવું અઘરું નથી. પ્રેક્ટિસની જ જરૂર છે. દેશ આખાની જવાબદારી જેમના પર છે કે સમાજની જવાબદારી જેમના પર છે કે વિશાળ ઉદ્યોગગૃહોની જવાબદારી જેમના પર છે તેઓ પોતાના મનમાં ચાલતા વિચારોના ટ્રાફિકનું નિયમન કરીને જ અત્યારે જ્યાં છે ત્યાં સુધી પહોંચ્યાં છે. વિચારોની બાબતમાં શિસ્ત હશે તો આપોઆપ પ્રથમ ચાર બાબતોમાં શિસ્તનું પાલન કરવાની ટેવ પડશે. વિચારોની બાબતની અશિસ્ત પ્રથમ ચારેય ક્ષેત્રોમાં અરાજકતા ફેલાવશે.

આ પાંચેય શિસ્ત દ્વારા સૌ કોઈ સુખી થાય એવી ઇષ્ટદેવને પ્રાર્થના.

પાન બનાર્સવાલા

પ્રવાસમાં થાકી ગયા હોઈએ ત્યારે થોડો આરામ કરી લેવાનો, ઘરભેગા થઈ જવાની જરૂર નથી.

— અજ્ઞાત્

•••

આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. Hope today’s teenagers read and try to understand importance to discipline addressed to them/ all.
    Elders can guide them diligently.

  2. બહુ જ ઉપયોગી સરસ લેખ, બધા ને જરૂર શીખવા મળે, નવી પેઢી ના બાળકો ને આ લેખની અવશ્ય માહિતી આપવી જોઈએ

  3. સૌરભભાઇ excellent and very true, ટીન એજ is proper v much true but should be implemented at any age,very effective article,that’s why we are your fan ,keep it up sir

  4. Suuuuuperb suggestion. Very very apt and all time applicable at any age…. but yes….earlier the recognition, better it is. As rightly said..પાકે ઘડે કાંઠા ના ચડે.
    Thanks for this write up.
    In today’s satsang at the end of the day , just before sleep will share this article with my kids.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here