( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : ગુરુવાર, 4 જૂન 2020)
(આ લેખ ફેબ્રુઆરી 2015માં, મોદી વડા પ્રધાન બન્યા એના નવેક મહિના પછી લખાયો)
યાર, કમાલ માણસ છે આ! ભારતના પ્રધાનમંત્રી બન્યા પછી પણ વિદ્યાર્થીઓ સાથે પૂરી પચીસ મિનિટ સુધી એમને સમજાય એ રીતે, એમની ભાષામાં રેડિયો પરથી ‘મન કી બાત’ કરવાનું સૂઝ્યું કેવી રીતે? અને એ પણ દિવસનાં હજાર કામની વચ્ચે આટલી બારીકીથી, આવા કૉન્સન્ટ્રેશનથી, આટલા નવા-નવા મુદ્દાઓ વિચારીને બોલવું. એમની પાસે પ્રવચનો તૈયાર કરી આપનારી ટેલેન્ટેડ ટીમ હશે, પણ છેવટે તો એને અપ્રૂવ કરવું, રજૂ કરવું, એમાં પોતાને જે કહેવું છે તે બધું જ સામેલ કરાવડાવવું- આ બધામાં 25 મિનિટ કરતાં બીજો ઘણો વધારે સમય જાય.
આનંદ છે કે નરેન્દ્ર મોદી આવો સમય દેશના વિદ્યાર્થીઓ માટે આપે છે. કોઈ કહેશે કે એમનો સ્વાર્થ હશે, ભવિષ્યમાં આ સ્ટુડન્ટ્સ પોતાને વોટ આપતા થાય એટલે આવો પ્રચાર કરે છે. ઠીક છે, આવો સ્વાર્થ તો કોઈપણ રાજકારણીમાં હોય, પણ કયો રાજકારણી આવું કામ કરે છે?
‘મન કી બાત’ વિશે સાંભળ્યું હશે બધાએ, પણ બહુ ઓછાએ આ રેડિયો ટૉક સાંભળી હશે. મોદીએ વાતની શરૂઆત સીધીસાદી ટિપ્સથી કરી છે અને હળવેકથી એવી ઊંચાઈએ એને લઈ ગયા છે, જ્યાં પહોંચવાનું ગજું કોઈ ઉમદા કક્ષાના ફિલોસોફરનું જ હોય. અહીં રાજકારણી મટીને તેઓ ચિંતક બને છે. શરૂઆત સીધીસાદી છેઃ
“નમસ્તે, યુવાદોસ્તો! આજે તો આખો દિવસ કદાચ તમારું મન ક્રિકેટ મેચ પાછળ લાગ્યું હશે. એક તરફ પરીક્ષાની ચિંતા, બીજી તરફ વર્લ્ડ કપ. શક્ય છે કે તમે નાની બહેનને કહી રાખ્યું હશે કે વચ્ચે-વચ્ચે મને સ્કોર કહેતી રહેજે. ક્યારેક તમને એવું પણ લાગતું હશે કે ચલો, યાર, છોડો. થોડા દિવસ પછી તો હોળી આવી રહી છે. પછી માથે હાથ દઈને વિચારશો કે આ વખતની હોળી પણ બેકાર ગઈ. શું કામ આ એક્ઝામ માથે આવી? થાય છે ને આવું? બિલકુલ થતું હશે. મને ખબર છે. ખેર, દોસ્તો! તમારી આ મુસીબતના સમયમાં હું તમારી પાસે આવ્યો છું. તમારા માટે (પરીક્ષાનો આ સમય) મહત્વનો અવસર છે એવા સમયે હું આવ્યો છું પણ હું કંઈ તમને કોઈ ઉપદેશ આપવા નથી આવ્યો. બસ, આમ જ થોડી હલકીફૂલકી વાતો કરવા આવ્યો છું.”
મોદીની આ ખાસિયત છે. ચૂંટણીપ્રચારની જાહેરસભામાં એક અલગ અંદાજથી બોલતા હોય, કોઈ સભાગૃહમાં નિશ્ચિત ઑડિયન્સને સંબોધતા હોય ત્યારે એમનો અંદાજ જુદો હોય. ગુજરાતમાં શિક્ષકદિને બાળકો સાથે લાઇવ વાતચીત થતી હોય ત્યારે સાવ જુદી ભાષા હોય- આ બધા સમયે જે કૉમન હોય તે એમની સિન્સિયારિટી- નિષ્ઠા. જે વિષય પર બોલવાનું છે તે વિષયને જ કેન્દ્રમાં રાખવાની સભાનતા. બાકી કુશળ વક્તાઓ તો કોઈપણ વિષય તમે એમને આપો, એમની પાસે જે સ્ટૉક હોય તેમાંથી તમને આંજી નાખે એવુ બોલી નાખે, પણ તમારી આંખ ઊઘડે ત્યારે તમને યાદ પણ ન રહે કે એમણે શું બોલી નાખ્યું.
મોદી આ જમાનાના એક ઉત્તમ વક્તા છે, તે માત્ર એમની વક્તૃત્વકળાને કારણે જ નહીં, એમના વક્તવ્યમાં આવતા એમના વિચારો- એમના ચિંતનને કારણે.
‘મન કી બાત’માં મોદી વિદ્યાર્થીઓને કહે છેઃ “ખૂબ વાંચ્યું ને? બહુ થાકી ગયા ને? અને મા ગુસ્સે થાય છે, પાપા ધમકાવે છે, ટીચર પણ ડાંટે છે, શું-શું સાંભળવું નથી પડતું! ફોન મૂકી દો. ટી.વી. બંધ કરી દો. આખો દિવસ કમ્પ્યૂટર પર બેસી રહે છે. ચાલ, બધું છોડીને ભણવા બેસ. આવું જ ચાલતું હોય છે ને ઘરમાં? આખું વરસ આ જ સાંભળ્યું હશે- દસમાની પરીક્ષા હોય કે બારમાની. અને તમે પણ વિચારતા હશો કે આ એક્ઝામ પતે એટલે જાન છૂટે! એવું જ વિચારો છો ને? મને ખબર છે તમારા મનની વાત એટલે જ આજે હું ‘મનની વાત’ કરવા આવ્યો છું.”
એ પછી વડાપ્રધાન પોતાના મનની મૂંઝવણ પ્રગટ કરે છેઃ “આમ જુઓ તો આજનો વિષય જરા અઘરો છે. આજનો વિષય જાણીને મા-બાપની ઇચ્છા હશે કે હું કંઈક એવી વાતો કરું જે તેઓ પોતાનાં દીકરા-દીકરીઓને કહી નથી શકતાં. તમારા ટીચર ચાહતા હશે કે હું એવી વાત કરું જે વિદ્યાર્થી તરીકે તમારા માટે કામની હોય અને તમે વિદ્યાર્થીઓ મારી પાસેથી એવું સાંભળવા માગતા હશો, જેને કારણે ઘરમાં જે પ્રેશર છે તે પ્રેશર ઓછું થઈ જાય. મને નથી ખબર કે મારી વાતો કોને કેટલી કામ આવશે, પણ મને એટલો સંતોષ જરૂર થવાનો કે ચાલો, મારા યુવાન મિત્રોની મહત્વપૂર્ણ પળો દરમિયાન હું એમની વચ્ચે હતો, મારા મનની વાતો એમની સાથે મેં ગુનગુનાવી. બસ, આ જ મારો ઇરાદો છે અને આમેય મને એવું કહેવાનો હક્ક તો બિલકુલ નથી કે હું તમને સારું પેપર કેવી રીતે લખવું એની કે વધારે માર્ક્સ લાવવાની તરકીબો શીખવું, કારણ કે હું આ બધી બાબતોમાં એક અત્યંત સાધારણ સ્તરનો વિદ્યાર્થી હતો. મેં મારા જીવનમાં કોઈપણ એક્ઝામમાં સારા માર્કસ નથી મેળવ્યા. મામૂલી લોકો જેમ વાંચે એમ વાંચી નાખતો. ઉપરાંત મારા હેન્ડરાઇટિંગ પણ એટલા ખરાબ કે ક્યારેક તો મને લાગતું કે મારું પેપર વાંચી શકતા નહીં હોય એટલે પાસ કરી નાખતા! ખેર, આ તો બધી અલગ વાતો થઈ- હલકીફૂલકી વાતો થઈ.”
અને આટલી પ્રસ્તાના બાંધ્યા પછી વક્તા ગિયર બદલે છે. પરીક્ષાનો પ્રસંગ કેવી રીતે એક માનસિક બોજ બની જાય છે એની વાત કરે છે. બીજાઓની સાથે સરખામણી કરીને મા-બાપ, આડોશીપાડોશી, આપણે પોતે કઈ રીતે ટેન્શન ઊભું કરી નાખીએ છીએ એની વાત કરે છે.
નરેન્દ્ર મોદીની આ વાતો સાથે કોણ સહમત નહીં થાય? હું તો શતપ્રતિશત સહમત થઉં છું. સ્કૂલના દિવસોમાં રિઝલ્ટ લઈને હું ઘરે આવતો ત્યારે મારાં મા-બાપ હંમેશાં મને કહેતાં કે જરાક વધારે મહેનત કરી હોત તો સંદીપની જેમ તારો પણ પહેલો નંબર આવ્યો હોત. મારા નિકટતમ ઓળખીતાઓ પણ એ જ કહેતા. સારા માર્ક્સ સાથે પાસ થવાનો બધો જ આનંદ ઓસરી જતો. આખું વરસ રખડી ખાય છે- એ જ સાંભળવાનું હોય. હવે રખડવું એટલે શું? મવાલીગીરી થોડા કરતા’તા? આખા એરિયાની સર્ક્યુલેટિંગ લાઇબ્રેરીઓમાં ફરીફરીને જે હાથમાં આવતી તે ચોપડીઓ વંચી કાઢતા. સ્કૂલની ને બીજી લાઇબ્રેરીઓની તમામ ચોપડીઓ ચાટી જતા. ઘરે આવતાં છાપાં-મેગેઝિનોમાં રામન રાઘવન ખૂનકેસથી માંડીને કવિ ચિનુ મોદીએ ધર્મપરિવર્તન કરીને કરેલાં બીજાં લગ્ન કર્યાં એનો વિવાદ સાંજના ગુજરાતી છાપાના રિપોર્ટ્સ રૂપે આવતો તે વાંચતા. જેમ્સ બોન્ડ અને રિપ કર્બી અને ડેગ્વૂડ-બ્લોન્ડીની કોમિક પટ્ટીઓ વાંચતા. આને જો રખડી ખાવાનું કહેવાય અને એના કારણે ક્યારેય ક્લાસમાં પહેલો નંબર ન આવતો હોય તો પૂળો મૂક્યો પહેલા નંબર પર- એવું તે વખતે ટેન્ટેટિવલી લાગતું. હવે તો ઓફકોર્સ દ્રઢતાપૂર્વક લાગે છે. મેથ્સની ફાઇનલ્સના આગલા દિવસે જમતાં-જમતાં સ્કૂલમાંથી ભેટ મળેલી વિમળા સેતલવાડ ટ્રસ્ટની ‘સાહસિક કિશોર’ નવલકથા વાંચવાને લીધે મેથ્સમાં ઓછા માર્ક્સ આવ્યા હશે, પણ એ કિશોરકથા હજુય યાદ છે. કોઈ અફસોસ નથી. અફસોસ હોય તો તે એટલો જ કે અમારા જમાનામાં પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ ક્યારેય અમને સંબોધીને આ રીતે ‘મન કી બાત’ નહોતી કરી. કદાચ એટલે જ 1977ની લોકસભાની રાયબરેલીથી રાજનારાયણ જીત્યા અને ઇન્દિરા ગાંધી હાર્યાં એવા સમાચાર રેડિયો પર સાંભળીને વાર્ષિક પરીક્ષાનું વાંચવાનું પડતું મૂકીને રસ્તા પર ફૂટતા ફટાકડા સાંભળવા દોડી ગયા હતા.
સર્જેઈ બૂબકા વર્લ્ડ પોલ વોલ્ટ ચેમ્પિયન છે. યુક્રેનનો છે. એણે 17 વખત આઉટડોરમાં અને 18 વખત ઇન્ડોરમાં મેન્સ પોલ વોલ્ટમાં પોતાના જ રેકોર્ડ તોડ્યા છે. એથ્લેટિક્સની શરૂઆત એણે હન્ડ્રેડ મીટર્સની દોડ અને લોંગ જમ્પથી કરી, પણ રિયલ સિદ્ધિઓ પોલ વોલ્ટમાં મેળવી. લાંબા વાંસડા સાથ દોડીને એના પર લટકીને 19 ફીટ બે ઇંચનો કૂદકો મારીને એણે પહેલો રેકોર્ડ સ્થાપ્યો. 1983ની વાત. 2001માં રમતમાંથી નિવૃત્તિ લીધી એ પહેલાં એણે, અગાઉ લખ્યું તેમ, 35 વખત પોતે જ પોતાના રેકોર્ડ તોડ્યા. 20 ફીટ પોણા બે ઇંચ સુધી એણે પ્રગતિ કરી- ઇંચ બાય ઇંચ.
નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે ‘મન કી બાત’ કરતી વખતે સર્જેઈ બૂબકાનો દાખલો આપે છેઃ “દોસ્તો! એક વાત છે, જે આપણને બહુ તકલીફ આપતી હોય છે. આપણે હંમેશાં આપણી પ્રગતિની સરખામણી બીજાઓ સાથે કરવાની ટેવ ધરાવતા હોઈએ છીએ. આપણી બધી જ શક્તિઓ પ્રતિસ્પર્ધામાં ખર્ચાઈ જતી હોય છે. જીવનનાં ઘણાં ક્ષેત્રોમાં કદાચ પ્રતિસ્પર્ધા જરૂરી પણ હશે, પરંતુ પોતાના વિકાસ માટે પ્રતિસ્પર્ધા એટલી પ્રેરણા નથી આપતી જેટલી આપણી પોતાની જ સાથે સ્પર્ધા કરવાની ટેવ આપણને પ્રેરણા આપે છે. તમે પોતાની સાથે જ સ્પર્ધા કરતા રહો, જ્યાં છો ત્યાંથી હજુ વધારે આગળ જવાની સ્પર્ધા તમારી પોતાની જ સાથે કરો (અને તમે પોતે જ તમારો માપદંડ બનો). પછી જુઓ, આ સ્પર્ધાની તાકાત તમને એટલો સંતોષ આપશે, એટલો આનંદ આપશે, તમે કલ્પના પણ નહીં કરી શકો. આપણે બહુ મોટા ગૌરવ સાથે એથ્લિટ સર્જેઈ બૂબકાનું સ્મરણ કરીએ છીએ. આ રમતવીરે 35 વખત પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. એ દર વખતે પોતાની જ પરીક્ષા લેતો. પોતાની જાતને પોતાની જ કસોટીમાં ઉતારતો અને નવા સંકલ્પો સિદ્ધ કરતો. તમે પણ એ જ રીતે આગળ વધો, પ્રગતિના માર્ગ આડે બીજું કોઈ નહીં આવી શકે, જોજો.”
સ્પર્ધાના આ યુગમાં મોદી યુવાનોને જે રીતે પ્રેરણા આપે છે તે વાત સમજવા જેવી છે. આખી દુનિયા એક રેટ રેસમાં દોડી રહી છે. સૌની નજર પોતાનાથી આગળ નીકળી ગયેલા લોકો પર છે. અહીં જ આપણા બધાની ભૂલ થતી હોય છે. આપણી શક્તિ, આપણી તાકાત, આપણા રિસોર્સિસ અને આપણા સર્કમસ્ટન્સીસનો વિચાર કર્યા વિના આપણે બીજાઓ સાથે સરખામણી કરીને એમનાથી આગળ નીકળી જવાની કોશિશ કરીએ છીએ ત્યારે બેમાંથી એક વાત બને છે. કઈ?
મોદી વિદ્યાર્થીઓને જે કહેવા માગે છે તેનો સાર એ છે કે એક, બીજાઓ સાથે કમ્પેરિઝન કરવામાં ક્યાંક આપણે આપણા પોતાના પોટેન્શ્યલને અંડરવેલ્યુ કરતા થઈ જઈએ એવું બને. ગુજરાત રાજ્યની સ્ટેટ લેવલ કોમ્પિટિશન તમારે જીતવી છે. સ્પર્ધા કરીને તમે જીતી પણ ગયા, પણ તમારું પોટેન્શ્યલ નેશનલ લેવલની સ્પર્ધા જીતવાનું છે. જો તમે ગુજરાતના બીજા સ્પર્ધકો સાથે જ તમારી સરખામણી કરતા રહેશો તો તમારી છૂપી શક્તિને ક્યારેય બહાર નહીં લાવી શકો. જો તમે નેશનલ લેવલ પર જીતી ગયા અને ખુશ થઈ ગયા, સંતોષ પામીને ત્યાં ને ત્યાં જ અટકી ગયા તો ઑલિમ્પિક કક્ષાએ નહીં જઈ શકો. અહીં માત્ર રમતગમતની જ વાત નથી, જિંદગીનાં અનેક ક્ષેત્રોની વાત છે. ચાહે એ બિઝનેસનું ક્ષેત્ર હોય, ચાહે એ કળા-વિજ્ઞાનનું ક્ષેત્ર હોય. તમે એક સારી ગુજરાતી ફિલ્મ બનાવી. તમારું સપનું ભવિષ્યમાં સંજય લીલા ભણશાલી બનવાનું છે, પણ તમારી આંખ સામે સ્ટીવન સ્પિલબર્ગ નહીં હોય તો તમે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્યારેય ઝળકી નહીં શકો. જો તમે તમારી પોતાની જ જાત સાથે સ્પર્ધામાં હશો તો શક્ય છે કે સ્ટીવન સ્પિલબર્ગ કરતાંય આગળ વધી શકશો.
આ એક વાત અને બીજી વાત. તમારી પોતાની જ સાથે સ્પર્ધામાં હશો તો તમને તમારી મર્યાદાઓ, તમારાં લિમિટેશન્સનો પણ અંદાજ આવશે. તમારા સંજોગો, તમારી પ્રકૃતિ કે તમારી તાલીમની મર્યાદા સ્વીકારી હશે તો તમે સમજી શકશો કે મારા માટે ‘ધસ ફાર એન્ડ નો ફર્ધર’ની સીમા ક્યાં છે. સપનું જોતાં પહેલાં આપણે આપણી લાયકાત માપી લેવી જોઈએ. નાનેપણથી યુવાની સુધીમાં શારીરિક બાંધો (જે વારસામાં પણ મળતો હોય છે) જેવો બન્યો તેને અવગણીને તમે એવરેસ્ટના શિખર પર પહોંચવાની કોશિશ કરશો તો બેઝ કેમ્પ પહોંચતાં પહેલાં જ તમને હોસ્પિટલ ભેગા કરવા પડે એવું બને. શારીરિક ક્ષમતા અને માનસિક દ્રઢતા આ બેઉનું કૉમ્બિનેશન હોય ત્યારે જ સંકલ્પો સિદ્ધ થતા હોય છે.
ક્યારેક એવું બને કે સંજોગો બધા જ સાનુકૂળ હોય, પણ કોઈક કારણોસર તમારું મન, તમારું સકલ્પબળ પૂરતો સાથ ન આપે અને કોઈ વખત એવું પણ બને કે સંકલ્પમાં તમે અત્યંત દ્રઢ હો, પણ શારીરિક ક્ષમતા પૂરતી ન હોય- આ બેઉ સંજોગોમાં તમારે સ્વીકારી લેવું પડે કે તમે તમારા ધ્યેય સુધી નહીં પહોંચી શકો. આમાં તમારી હાર નથી, તમારી વ્યવહારુતા છે. તમે મૂકેશ અંબાણીની જેમ ‘એન્ટિલિયા’ બાંધી ન શક્યા તો કંઈ નહીં, સ્વતંત્ર ધંધો કરીને ગામના કાચા ઘરમાંથી શહેરમાં બે બેડરૂમનો સુંદર ફ્લેટ તો લઈ શક્યા. આ કંઈ તમારી હાર નથી. આટલું સ્વીકાર્યા પછી જ સંતોષની જિંદગી પ્રાપ્ત થતી હોય છે.
નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને હવે પછી જે વાતો કરી છે એમાં જે. કૃષ્ણમૂર્તિ કે રજનીશ જેવા તત્વજ્ઞાનીઓ સમું ઊંડું ચિંતન તમે અનુભવી શકશો. આમાં મોદીને મારીમચડીને હાય પેડેસ્ટલ પર મૂકવાની વાત નથી, એમના વિચારોની ઊંચાઈને રેકગ્નાઇઝ કરવાની વાત છે. મોદીવિરોધીઓ આ એન્ગલ ન સ્વીકારી શકે તો લૉસ એમનો છે. ભારતના વિદ્યાર્થીઓ માટે તો આ વાતો સોનાની લગડી જેવી છેઃ
“દોસ્તો! ખુદની પહેચાન કરવી બહુ જરૂરી છે. તમે એક કામ કરો, બહુ કંઈ દૂર સુધી જોવાની જરૂર નથી. તમારા ઘરમાં જ તમારી બહેન હશે કે તમારા મિત્રની બહેન હશે, જે દસમા કે બારમાની એક્ઝામ માટે તૈયારી કરી રહી હશે. તમે જોયું હશે કે આવી મોટી પરીક્ષાઓના સમયે પણ ઘરની દીકરીઓ માને મદદ કરતી હોય છે. ક્યારેય વિચાર્યું છે કે એમની અંદર એવી કઈ શક્તિ છુપાયેલી હશે, જે કારણે એ પરીક્ષા માટે વાંચવાની સાથેસાથે ઘરકામમાં માને મદદ કરતી રહેતી હશે! આસપાસની પરિસ્થિતિ તમને ડિસ્ટર્બ કરે છે, તો આ દીકરીઓ કેવી રીતે વાંચવામાં ધ્યાન આપતી હશે? ડિસ્ટર્બન્સ બહારના વાતાવરણમાંથી નહીં, આપણી અંદરથી જ પેદા થતું હોય છે. આત્મવિશ્વાસનો અભાવ હોય ત્યારે આવું થાય અને આત્મવિશ્વાસનો અભાવ હોય ત્યારે અંધવિશ્વાસ વધી જાય. અંધવિશ્વાસને કારણે ડિસ્ટર્બન્સ દૂર કરવા માટે બહારથી કારણો શોધતા રહીએ છીએ, આરંભે શૂરા બની જઈએ છીએ. રોજ એક નવો વિચાર, રોજ એક નવી ઇચ્છા, રોજનો એક નવો સંકલ્પ અને પછી એ સંકલ્પનું બાળમૃત્યુ થઈ જાય છે. આપણે હતા ત્યાંના ત્યાં રહી જઈએ . ઇચ્છાઓ સ્થિર હોવી જોઈએ. ઇચ્છાઓ સ્થિર થાય ત્યારે જ એમાંથી સંકલ્પ સર્જાય અને આવા સંકલ્પની સાથે પુરુષાર્થ જોડાય ત્યારે તમારો સંકલ્પ તમારી સિદ્ધિમાં પરિણમે છે. કોઈ તમારી પરીક્ષા શું કામ લે? તમે પોતે જ તમારી કસોટી કરતા રહો ને ટેવ પાડો એવી. જિંદગીની પરીક્ષાઓમાં જેમને પાસ થવું છે એમના માટે ક્લાસરૂમની પરીક્ષા તો બહુ મામૂલી હોય છે.
“તમે જ તમારામાંથી પ્રેરણા લેતા થાઓ. અગાઉ તમે કેવી કસોટીઓમાંથી સફળતાપૂર્વક પાર ઊતર્યા હતા, યાદ કરો. ગયા વરસે બીમાર હતા, છતાંય સારા માર્કસ સાથે પાસ થયા હતા. ગયા વખતે મામાને ત્યાં લગ્ન હતાં, અઠવાડિયું વેડફાઈ ગયું હતું, છતાં સારા માર્કસ આવ્યા હતા. તમે જ તમારા માર્ગદર્શક બની જાઓ. આ મોદી તમને શું ઉપદેશ આપવાનો છે. ભગવાન બુદ્ધે કહ્યું છેઃ ‘અપ્પ દીપો ભવઃ’ – તમારો દીપક તમે જ બનો. હું માનું છું કે તમારી ભીતર જે પ્રકાશ છે ને, એને ઓળખો. તમારામાં રહેલા સામર્થ્યને ઓળખો. જે પોતાને વારંવાર કસોટીમાં ઉતારે છે એ નવી-નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે છે. બીજી વાત. ક્યારેક ક્યારેક આપણે બહુ લાંબા ભવિષ્યનું વિચારીએ છીએ, તો ક્યારેક ભૂતકાળમાં ડૂબેલા રહીએ છીએ. દોસ્તો! પરીક્ષાના સમયે આવું નહીં કરતા. પરીક્ષાના સમયે તમે વર્તમાનમાં રહો તે જ સારું છે. શું કોઈ બેટ્સમેન બેટિંગ કરતી વખતે અગાઉ કેટલી વાર પોતે ઝીરોમાં આઉટ થઈ ગયો હતો એ યાદ કરે છે? અથવા તો આ આખી સિરીઝ જીતીશું કે નહીં એવું વિચારે છે? સેન્ચુરી મારીશ કે નહીં એવું વિચારે છે? ના. એનું સમગ્ર ધ્યાન અત્યારે, આ ઘડીએ, સામેથી આવી રહેલા બૉલ પર જ હોય છે. એ ન તો હવે પછીના બોલ વિશે વિચારે છે, ન આખી મેચ વિશે, ન સિરીઝ વિશે. તમે પણ તમારું મન વર્તમાનમાં લગાવી દો. જીતવું હશે તો આ જડીબુટ્ટી કામ લાગશે. વર્તમાનમાં જીવો.
“મારા યુવા દોસ્તો! શું તમે એમ વિચારો છો કે આ પરીક્ષા તમારી ક્ષમતા બીજાઓની આગળ દેખાય એના માટે હોય છે? તમારે કોની સામે તમારી ક્ષમતા દેખાડવી છે? પરીક્ષા તમારી ક્ષમતાના પ્રદર્શન માટે નથી, તમે પોતે તમારી ક્ષમતા કેટલી છે તે જાણી શકો એ માટે પરીક્ષા હોય છે. જે ક્ષણે તમને આ સમજાઈ જશે એ ક્ષણથી તમારી અંદરનો વિશ્વાસ વધતો જશે અને એકવાર તમે તમારી જાતને ઓળખી શકશો, તમારી તાકાતનો અંદાજ લગાવી લેશો અને તાકાતને ખાતરપાણી આપતા રહેશો તો એ તાકાત એક નવા સામર્થ્યમાં પરિવર્તિત થઈ જશે. પરીક્ષાને આ દુનિયાને દેખાડી આપવા માટેની ચેલેન્જ તરીકે નહીં સ્વીકારતા, આ અવસર છે પોતાની જાતની સાથે જીતવાનો, જીવી લો, મારા મિત્રો!
“મને પહેલાં કવિતા લખવાનો શોખ હતો. ગુજરાતીમાં મેં કવિતા લખી હતી. આખી કવિતા તો મોઢે નથી, પણ એમાં મેં કંઇક એવું લખ્યું હતું કે સફળ થયા તો ઇર્ષાપાત્ર, વિફળ થયા તો ટીકાપાત્ર. તો આ તો દુનિયાનું એક ચક્ર છે, ચાલ્યા કરવાનું છે. સફળ થાઓ, પણ કોઈને પરાજિત કરવા માટે નહીં. સફળ થાઓ પોતાના સંકલ્પો સિદ્ધ કરવા માટે. સફળ થાઓ તમારા પોતાના આનંદ માટે. સફળ થાઓ જેઓ તમારા માટે જીવી રહ્યા છે એમના જીવનમાં ખુશીઓ ભરી દેવા માટે આ ખુશીને જ જો કેન્દ્રમાં રાખીને તમે આગળ વધશો તો મને વિશ્વાસ છે, દોસ્તો! બહુ સરસ સફળતા મળશે અને પછી ક્યારેક હોળી મનાવી કે નહીં, મામાના ઘરે લગ્નમાં જવાયું કે નહીં, દોસ્તની બર્થડે પાર્ટીમાં જવાયું કે નહીં, ક્રિકેટ વર્લ્ડ કપની મેચ જોવાઈ કે નહીં- આ બધી વાતો બેકાર બની જશે. તમે એક નવા આનંદ સાથે, નવી ખુશીઓ સાથે જોડાઈ જશો. મારી ખૂબ શુભકામના છે તમને. તમારું ભવિષ્ય જેટલું ઉજ્જવળ હશે એટલું ઉજ્જવળ દેશનું ભવિષ્ય હશે.”
વડાપ્રધાનની ‘મન કી બાત’ અહીં પૂરી નથી થતી, શરૂ થાય છે. મોદીના આ વિચારો એમને એક રાજકારણીથી, એક સર્વોચ્ચ આસનના પદાધિકારીથી ઘણે ઊંચે લઈ જાય છે, થિન્કર મોદી બનાવે છે.
(નોંધ: વડા પ્રધાન તરીકે ચૂંટાયાના પાંચેક મહિનામાં જ નરેન્દ્ર મોદીએ દર મહિને આકાશવાણી પરથી ‘મન કી બાત’) કહેવાનું શરૂ કર્યું. વિદ્યાર્થીઓ સાથેની વાત ફેબ્રુઆરી 2015માં કરી. ઑગસ્ટ 2016માં એમણે કરેલા આવા 23 વક્તવ્યોનું સંકલન ‘મન કી બાત: રેડિયો પર એક સામાજિક ક્રાન્તિ’ એક પુસ્તકરૂપે પ્રગટ થયું જેની પ્રસ્તાવના જાપાનના વડા પ્રધાન શિન્જો આબેએ લખી.)
••• ••• •••
આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.
‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ
પ્રિય વાચક,
તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.
‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.
વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.
કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.
તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.
દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.
‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.
‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.
‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/
ગઇકાલની રિપબ્લિક ની વિડીયો લીંક મુકશો
આપની ગઇકાલની રી પબ્લિક ની લીંક હોય તો જરૂરથી અહીં મુકશો
મોદી તો મોદી જ છે.
આટલું પ્રભાવક વકતવ્ય જ સાબિત કરે છે કે મોદી કેવળ રાજકારણી નથી.
અભિનંદન સૌરભભાઈ નીતનવા વિષય પર તમારી કલમ નો આસ્વાદ કરાવો છો .
મન કી બાત માં રજું થતાં વિચારો અને દીર્ઘદ્રષ્ટિ મોદીસાહેબને વર્લ્ડ કલાસ ફિલોસોફરો ની શ્રેણીમાં સ્થાન પામે તેમ છે.
Yes agreed ?%☑️ If you can translate such article in English,it will be a great help to the younger generation who don’t read Gujarati, eg, I want my son to read this article and if it’s in English, he can read it and understand it easily.
SIRJI I HAVE BEEN READING UR ARTICLES SINCE U WERE WRITING IN NEWSPAPER, THEY R ABOVE ALL ,SUPERB & TRUE. A REQUEST IF U CAN TRANSLATE IN ENGLISH FOR THE NEXT GEN WHO DON’T KNOW HOW TO READ GUJARATI.THANKS FOR KEEPING US UPDATED IN EVERY FIELD.