ઉડી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’: અત્યાર સુધીની બેસ્ટ ભારતીય વૉરફિલ્મ

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : મંગળવાર, 22 જાન્યુઆરી 2019)

સેસલપિનિયા ડૅકાપેટાલા નામ બોલવામાં અઘરું અને યાદ રાખવામાં અશક્ય છે. કાશ્મીરની સ્થાનિક ભાષામાં આ વૃક્ષને ઉડી કહે છે અને જે વિસ્તારમાં પીળાં ફૂલ ધરાવતાં આ ઉડી વૃક્ષ વિપુલ પ્રમાણમાં ઉગતાં તે આખો પ્રદેશ ઉડી સેકટર તરીકે ભારતના નકશામાં શિરમોર સ્થાન ધરાવે છે. શ્રીનગરથી જેલમનદીને કિનારે કિનારે બારામુલ્લા સુધી ગયા પછી ઉડી આવે. અહીંથી લાઈન ઑફ કન્ટ્રોલ માત્ર દસ કિલોમીટર દૂર છે.

‘વેરવૈભવ’ પછી બીજી નવલકથા ‘જન્મોજનમ’ (1989) લખી ત્યારે એ કથાની પાર્શ્ર્વભૂમિ 1946-48 દરમ્યાનનું કાશ્મીર હતી. કાશ્મીરના સંઘર્ષકાળ પરની એ નવલકથા માટેનું રિસર્ચ કરવા હું 25 દિવસ સુધી જમ્મુ તથા કાશ્મીરના વિવિધ પ્રદેશોમાં રખડ્યો, જાણકારોને મળ્યો, લાયબ્રેરીઓમાં જઈને સંદર્ભગ્રંથો વાંચીને નોટ્સ બનાવી અને ભારતીય લશ્કરની સહાયથી એક અફસરની જીપમાં ઉડીની સરહદ સુધી ગયો. મારે એ ભૂમિ પર ચાલવું હતું. અનુમતિ મળી પણ સાથે ચેતવણી પણ. ચાલતાં ચાલતાં જો ફંટાઈ જશો તો ભૂલા પડી જશો અને ક્યારે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (પી.ઓ.કે.)ની સરહદ પાર કરી જશો એની ખબર પણ નહીં પડે.

‘ઉડી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ નામની ઉમદા ફિલ્મ જોતાં જોતાં આ બધું યાદ આવતું ગયું. ભારતમાં બનેલી અત્યાર સુધીની આ સર્વશ્રેષ્ઠ વૉર ફિલ્મ છે. અહીં સંદેસે આતે હૈ, જાતે હૈ, લાતે હૈ, ગાતે હૈ નથી. અહીં કર ચલે હમ ફિદા જાનોતન સાથીયોં પણ નથી કારણ કે અહીં વતન માટે મરવાની નહીં, મારવાની વાત છે. સરહદ પાર લડવા ગયેલો એક એક જવાન ત્યાં તબાહી મચાવીને હિફાઝતથી વન પીસમાં પાછો ફરશે એવી વચનબદ્ધતા નિભાવવાની વાત છે. અહીં કોઈ નારાબાજી કે જિંગોઈઝમ નથી અને અહીં ‘પડોશી મુલ્ક’ જેવી મોઘમ ટર્મ નથી, સીધીને સટ વાત છે- પાકિસ્તાન અને એણે બદમાશીથી પચાવી પાડેલો ભારતીય ઈલાકો.

‘ઉડી’ સત્યઘટના પર આધારિત છે અને 2017માં થયેલી સર્જિકલ સ્ટ્રાઈકથી તમે વાકેફ છો. ભારતે પહેલીવાર પાકિસ્તાનના કબજા હેઠળના આપણા ઈલાકામાંથી પાકિસ્તાન જે આતંકવાદી સંગઠનો ચલાવે છે તેમાં ચાર મથકો, અડધી રાત્રે એમના મકાનમાં સદેહે ઘૂસીને ફૂંકી માર્યા અને આપણા તમામ બહાદુર સૈનિકો- અફસરો સહીસલામત પાછા પણ આવી ગયા. વડા પ્રધાને આ સૌ પાછા ન આવે ત્યાં સુધી મિનિટે મિનિટની માહિતી મેળવવા સૈનિકોની સાથે ઉજાગરો કર્યો જેથી આ સવાસો કરોડની જનતા નિરાંતે ઊંઘી શકે. મિશનને મોકલતી વખતે વડા પ્રધાને બાહેધરી માગી કે મને એક એક જવાન જીવતો પાછો આવેલો જોઈએ, કંઈ પણ થાય. અને તેમને પ્રોમિસ આપવામાં આવ્યું કે સર, કંઈ પણ થાય, અમે સૌ, એક એક જણ, પાછા આવીને તમારી સાથે ડિનર લઈશું. ફિલ્મનો છેલ્લો સીન પીએમ સાથેના ડિનરનો છે. અને તમે તમારી જાત પર ફિટકાર વરસાવો છો કે અહીં થિયેટરમાં બેઠાં બેઠાં પૉપકૉર્ન ખાઓ છો. દેશ માટે લડવું હોય તો સરહદ પર જ જવું જરૂરી નથી. જેઓ જાય છે એમને સલામ છે, સાષ્ટાંગ દંડવત છે. પણ જેઓ નથી જતા એમણે તો કમ સે કમ મતદાન મથક સુધીની કૂચ તો કરવી જ જોઈએ, વૉટ્સઍપ પર નઠારા મૅસેજ મોકલનારા કોન્ટ્રેક્ટ્સને બે થપ્પડ મારવામાં આવતી હોય એવાં કડક વાક્યો લખીને એમની બેવકૂફી બદલ ફટકારવા જોઈએ અને જે કોઈ ભારતીય આ દેશને સમર્પિત હોય એવી વ્યક્તિ/ વ્યક્તિઓ વિશે એલફેલ બોલે તેને એવા શબ્દોમાં જાહેરમાં ધીબેડવો જોઈએ કે એનું પાટલૂન ભીનું થઈ જાય અને ફરી ક્યારેય દેશદ્રોહનું કામ કરવાનું વિચારે સુધ્ધાં નહીં.

‘ઉડી’ રિલીઝ થવાની હતી ત્યારે લ્યુટેન્સ મીડિયાએ જેને અમે સેક્યુલર બદમાશો અને લેફ્ટિસ્ટ મવાલીઓ ગણતા આવ્યા છીએ એવા પત્રકારોએ ‘આ તો પ્રોપેગેન્ડા ફિલ્મ છે’ એમ કહીને ઉતારી પાડી હતી. પાકિસ્તાની આતંકવાદીઓને પોતાના ખોળામાં બેસાડીને વહાલ કરતું અને એમના ‘હક્ક’ માટે અડધી રાત્રે સુપ્રીમ કોર્ટના દરવાજા ખોલવાનું એ અમન કી આશાનો કેમ્પેઈન કરીને ભારતની આબરૂના ધજાગરા ઉડાવતું આ મીડિયા કેટલું બાયસ્ડ છે એનો એક ઔર પુરાવો ‘ઉડી’ રિલીઝ થયા પછી આ મીડિયાના ફિલ્મ રિવ્યુઅરોએ કરેલી સમીક્ષાઓમાંથી મળ્યો. સેક્યુલરબાજી કરતી, ભારતની નબળાઈઓ પર ફોકસ કરતી ફિલ્મો ગમે તેટલી ઠેકાણાં વિનાની હશે તોય એના વખાણ કરનારા આ ચાપલૂસ સમીક્ષકો ‘ઉડી’ની ત્રુટિઓ તમને ગણાવે છે. ઓછા બજેટને કારણે કેટલીક ત્રુટિઓ છે પણ એ છતાં અત્યાર સુધી ક્યારેય ન બની હોય એવી પાવરફુલ હિંદી વૉર ફિલ્મ આપણે ભારતમાં બનાવી શકયા છીએ એનું ગૌરવ હોવું જોઈએ કે નહીં?

પણ ના. કારણ કે જો વખાણ કરે તો તેઓ મોદીતરફી ગણાઈ જાય, હિન્દુવાદીમાં ખપી જાય. તમને યાદ છે, સપ્ટેમ્બર 2017ની આ સર્જિકલ સ્ટ્રાઈક વિશેના સમાચાર આવ્યા પછી કૉન્ગ્રેસની પ્રતિક્રિયા શું હતી? આવું કંઈ બન્યું જ નથી! અને પોતાની વાતને સમર્થન આપતાં કૉન્ગ્રેસી નેતાઓ કહેતા કે: જુઓ, પાકિસ્તાન પોતે કહે છે કે આવું કંઈ બન્યું જ નથી.

પાકિસ્તાન કેવી રીતે કહે કે અમે ભારતનો જે પ્રદેશ પચાવી પાડેલો છે ત્યાં અમારા લશ્કર તથા અમારી સરકારની સહાયથી ચાલતા આતંકવાદીઓના 4 મથકોને ભારતીય લશ્કરના જાંબાજ જવાનોએ ફૂંકી માર્યા છે. આવી કોઈ કબૂલાત કે ફરિયાદ કરે તો એ પોતે જ ફસાઈ જાય કે ભારતમાં આતંકવાદ ફેલાવવાનું પ્લાનિંગ ક્યાં થઈ રહ્યું હતું.

એ પછી સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા આપો, પુરાવા આપો, એવું ગાણું રાહુલ ગાંધીએ શરૂ કર્યું. બહુ ચગાવ્યું. અને જ્યારે પુરાવાઓના ફૂટેજ રિલીઝ થયા ત્યારે શું કહ્યું? ‘મનમોહન સિંહની સરકારનાં દસ વર્ષ દરમ્યાન આવી તો કંઈ કેટલીય સર્જિકલ સ્ટ્રાઈક્સ અમે કરી છે પણ ક્યારેય એની પબ્લિસિટી કરી નથી.’

રાહુલની આ વાતને જુઠ્ઠી સાબિત કરતું નિવેદન ભારતીય લશ્કરે આપ્યું: એ દસ વર્ષ દરમ્યાન અમને એક પણ સર્જિકલ સ્ટ્રાઈક કરવાનો હુકમ મળ્યો નથી.

મનમોહન- સોનિયા સરકારના દસ વર્ષના ગાળામાં કેટલી આતંકવાદી ઘટનાઓ બની તેની સંપૂર્ણ યાદી નેટ પર ઉપલબ્ધ છે, જોઈ લેવી. મોદી સરકાર આવ્યા પછી પ્રજા આતંકવાદના ડરથી મુક્ત થઈ ગઈ છે એ તો આપણે જાતે અનુભવ્યું છે, અનુભવી રહ્યા છીએ, આનો અર્થ શું થયો, મિત્રો. કૉન્ગ્રેસ શાસન આંતકવાદને ખાળવા અસમર્થ હતી? ના. કૉન્ગ્રેસ શાસનમાં અનેક સ્તરે આતંકવાદીઓ સાથે સાઠગાંઠ હોય એવા લોકો હતા જેઓ આતંકવાદીઓને સક્રિય સાથ આપતા હતા, એમની સગવડો સાચવતા હતા અને તે વખતની સરકારમાં બેઠેલા સત્તાધીશો એમને ઉત્તેજન આપતા હતા. આ બાબતના પુરાવાઓ સામે આવી રહ્યા છે અને તે પુસ્તક રૂપે પણ પ્રગટ થશે, ધીરજ રાખો અને ભરોસો રાખજો. આ કોઈ હવાઈ ગપગોળા નથી, નથી, નથી.

શુક્રવારે રિલીઝ થયેલી ‘ઉડી’ છેક સાતમે દિવસે- ગુરુવારે જોવાનો સંયોગ થયો અને તે પણ રાતના દસને વીસના શો માં. કઈ ટિકિટ મળી? સ્ક્રીનથી બીજી, સાહેબ. શો વખતે થિયેટર હાઉસફૂલ થઈ ગયું.

પેલા ફિલ્મ સમીક્ષકોની ચાંપલી દૃષ્ટિએ દેખાતી આ ફિલ્મની કેટલીક ત્રુટિઓને તમે સહેલાઈથી નજર અંદાજ કરી શકો છો. ફિલ્મના તમામ કળાકાર- કસબીઓનો ઉલ્લેખ કર્યા વિના સૌ હાર્દિક અભિનંદનને પાત્ર છે એટલું જ કહીશું. કારણ કે અહીં ઉપક્રમ આ ફિલ્મનો ટિપિકલ રિવ્યૂ કરવાનો નથી, તમને એ જોવા માટે થિયેટરમાં ધકેલવાનો છે.

‘ઉડી’નો અંગ્રેજી સ્પેલિંગ યુ. આર. આય. થાય છે એટલે કેટલાક લોકો એને ‘ઉરી’ કહે છે. ભલે. ચોપડા, પુડી, પકોડા વગેરેના સ્પેલિંગ ‘ડી’ની જગ્યાએ ‘આર’ લખાય છે અને આપણે પણ પછી ચોપરા, પુરી, પકોરા બોલતાં થઈ જ જઈએ છીએ ને. પણ સાચો ઉચ્ચાર ‘ઉડી’ છે, ‘ઉરી’ નહીં.

સાલું, કેવું કહેવાય આ દેશમાં. જે બહાદુરી માટે આખા દેશે ગૌરવ લેવાનું હોય એ ઘટનાને વિપક્ષો વખોડે અને વિપક્ષોના ટુકડા પર તગડું થયેલું લ્યુટેન્સ મીડિયા આ ફિલ્મને ઉતારી પાડે! તમે શું આશા રાખી શકો આવા વિરોધ પક્ષ પાસે અને આવા મીડિયા પાસે.

એક વિચાર આવે છે. વાજપેયીના શાસનમાં આવી સર્જિકલ સ્ટ્રાઈક થઈ હોત તો કૉન્ગ્રેસી શાસને આવી ફિલ્મ બનવા દીધી હોત? રિલીઝ થવા દીધી હોત? દેશમાં અસહિષ્ણુતા વ્યાપી ગઈ છે એવો બકવાસ કરતા કૉન્ગ્રેસીઓએ ‘એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરનાં શોમાં થિયેટરોમાં જઈને જે તોડફોડ કરી એ જ પુરાવો છે કે વિરોધ પક્ષમાં બેઠેલાઓએ ભાંગફોડ જ કરવી છે, કોઈ નક્કર કામ નથી કરવું.

આજનો વિચાર

કુંભમેળામાં બધા અખાડાવાળા સ્નાન કરી ગયા. ત્યાં સુધી કે ક્ધિનર અખાડાવાળા પણ ડૂબકી લગાવી ગયા. પણ પેલો જનોઈધારી બ્રાહ્મણ દેખાયો નહીં.!

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

બકાએ છ વરસ પછી જૂની બહેનપણીને વૉટ્સએપ કર્યો. હાય, મિસ યુ!

ત્યાંથી રિપ્લાય આવ્યો: મમ્મીની શાદી થઈ ગઈ છે, અંકલ. હવે તમે પણ કરી લો!

18 COMMENTS

  1. તા. ૨૯ ની ટીકીટો ઓલરેડી કઢાવી જ લીધી છે…. વાંચતા વાંચતા રુંવાડા ઉભા થઈ ગયા…

  2. આજે જ ‘ઉડી’ જોઈ છે, જબરદસ્ત િફ્લ્મ છે ! આ આર્ટિકલ કાલે બધ્ધાને મોકલું છું..
    સૈનિકોની સાથે આપણે ય જુસ્સાથી કહીએ- “જયહિંદ” !!

  3. Khubaj Saras….mane toh khaber nathi padti media hoi ke seculer ke leftist ke Bharat no evo koi PAN Nagrikk, RASTREVIRODHI PRAVRUTI Kari J kevi rite Sake..Vande Mataram ????

  4. મને ગઇકાલે જોવાનો ચાન્સ મળ્યો , ને સર 10.55 નો શૉ પણ હાઉસ ફૂલ, જોરદાર મુવી છે.

  5. ચેતન આનંદે બનાવેલ રોતલ ફીલ્મ અને ફક્ત ગીત સાંભળી રડી પડે તેવો વડા પ્રધાન એ આપણી જવાનીની કમનશીબી હતી, પણ પછી શાસ્ત્રીએ કંઈક છૂટ આપી અને આપણાં લશ્કરની ત્રણે પાંખે દુશ્મનને ખોખરો કર્યો, બાકી આપણેતો સફેદ કબુતરો જ ઉડાડતા રહ્યા

  6. સર એક વાર જોવા થિ પેટ ભરાઈ એવી મૂવી નથી આ કમ સે કમ ૩-૪ વખત તો જોવી જ પડે.

  7. Thank you Sir, for the chance to get the de facto write up on Udi and the movie of the same name.

  8. ખરેખર ‘ઉડી’ એક અપવાદરૂપ પ્રામાણિક્તાથી અને સંપૂર્ણપણે મૂળ વિષય ઉપર જ focused રહીને બનાવેલી ફિલ્મ છે, બાકી મહદ્અંશે તો ભારતીય ફિલ્મકારો પોતાની જ વાર્તા સાથે પ્રામાણિક નથી રહી શકતા. આપે સાચું કહ્યું જે કેટલીક ટેક્નિકલ કે અન્ય નબળાઈઓ છે એનું એક કારણ બજેટ છે અને બીજું કારણ, કદાચ, લેખક-દિગ્દર્શકનો આવી large scale ફિલ્મ બનાવવાના અનુભવનો અભાવ.

    મિડિયા હજુ કેટલું નીચું ઊતરશે એની તો કલ્પના પણ થઈ શકે એમ નથી. આજના (૨૨/૧/૧૯) ગુજરાતી ‘દિવ્ય ભાસ્કર’ માં EVM હેકિંગ વિશેના ગપગોળા મહત્વના સમાચાર તરીકે પહેલા પાને જ જે રીતે છાપેલા છે એ બતાવે છે કે इस हमाम में सब के सब मीडियावाले… એ લોકો માટે કદાચ neutrality = બુદ્ધિનું દેવાળું ફૂંકવું એવી કોઈ formula લાગે છે. ?

  9. Definately the best movie. ???Canada ma pan housefull Jay chhe……ane movie joti vakhat ni lagni nu varnan karva mari pase shabdo nathi

  10. ફિલ્મ ની અંતમાં પબ્લિક તાળીઓના ગડગડાટથી ભારતીય સેના ને વધાવી લે છે. આવા લાઇવ રિસ્પોન્સનો ઘણાં વખત પછી લ્હાવો મળ્યો. ભારતીય સેના ને કોટી કોટી વંદન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here