પહેલું સુખ તે જાતે નર્યા બીજું સુખ તે જલસા કર્યા

ગુડ મોર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : મંગળવાર, 1 જાન્યુઆરી 2019)

ઈસુના નવા વર્ષની શરૂઆત થઈ રહી છે ત્યારે આ વર્ષ માટેનું નવું સૂત્ર છે: પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે જલસા કર્યા. 

સૂત્રનો આ પૂર્વાર્ધ છે. ઉત્તરાર્ધ છે: ત્રીજું સુખ તે કોઈથી ના ડર્યા અને ચોથું સુખ તે મોડા મર્યા.

જિંદગીમાં ગમે એટલો પૈસો હોય, બધી વાતે નિશ્ર્ચિંત હોઈએ પણ તબિયત જો સાથ નહીં આપે તો બધું નકામું. ભોગી બનવા માટે (એટલે કે સુખ-સગવડો-વૈભવ-ઐશ્ર્વર્ય-સંબંધો ભોગવવા માટે) તમારે યોગી બનવું પડે એવું સ્વામી રામદેવ વારંવાર કહેતા હોય છે. યોગી બનવું એટલે શરીરનો અને મનનો સમન્વય સાધવો. પશ્ર્ચિમી મેડિકલ સાયન્સે સાયકો સોમેટિક રોગોની વાત કરી એના હજારો વર્ષ પહેલાં ભારતીય પરંપરામાં આયુર્વેદ તથા પતંજલિ યોગસૂત્રમાં આ વાત કહેવાઈ ગઈ. 

નિરોગી મન અને નિરોગી તન બેઉનો સમન્વય થવો જોઈએ. મન જો દુરસ્ત નહીં હોય તો તનની દુરસ્તી પર એની અસર રહેવાની અને તન જો દુરસ્ત નહીં હોય તો એની અસર મનની દુરસ્તી પર રહેવાની. યોગ આ છે. ભોગી બનવા માટે યોગી બનવું પડે. 

કાચી ઉંમરમાં દેખાદેખીથી જે કુટેવો પડી તે જડબેસલાક આદતોમાં પલટાઈ ગઈ. વ્યસન બની ગઈ. છૂટવું અશક્ય લાગે. પ્રયત્નો નિષ્ફળ જાય. પણ લાંબું તંદુરસ્તીભર્યું જીવન જીવવું હશે તો બીજા ઘણા સાત્ત્વિક નશા છે, અનેક એવાં સાત્ત્વિક બંધાણો છે જેને કારણે પેલાં વ્યસનો મામૂલી લાગે. ત્રણ વર્ષ પહેલાં સિગરેટ છોડી જેની જાહેરાત છોડ્યાના ૧૦૦ દિવસ વીતી ગયા પછી કરી. ગયા વર્ષે દારૂ છોડ્યો જેની જાહેરાત એ છોડ્યાના આજે ૨૦૦થી વધુ દિવસ વીતી ગયા બાદ આપ સૌ સમક્ષ કરી રહ્યો છું. મિત્રો તથા અંગત વર્તુળને તો ખબર છે. દારૂ છોડ્યો છે પણ પ્રિય દારૂડિયા મિત્રોની સંગત નથી છોડી. એમની સાથે બાર, પબમાં બેસીને હવે લીંબુપાણી, કાળી ચા, છાશ (જો ઉપલબ્ધ હોય તો) અને જાતભાતના મૉકટેલ્સ (જેમાં માત્ર રંગીન શરબતો હોય, દારૂનું ટીપુંય ન હોય)ની લિજ્જત માણીએ જ છીએ. ઘરનો બાર પણ પ્રિય પિયક્કડ મિત્રો માટે ખુલ્લો જ છે અને એટલું જ નહીં રિપ્લેનિશ થતો રહે છે. એમની સાથે બેસીને ઘરમાં નાળિયેરપાણી, ફ્રેશ ઓરેન્જ કે મોસંબી જ્યુસ, કોકમ શરબત તથા અનેક અવનવા મન્ચિંગ્સ, બાઈટિંગ્સ, ચખનાઓની મઝા પણ માણવાની. બસ, આપણે પીવાનું નહીં. આટલું બી નહીં. કોઈ છૂટ નહીં. બિયર-વાઈનની પણ નહીં. નો મીન્સ નો. 

સારું લાગે છે. જિંદગીમાં, એક દિવસ ગણતરી કરી હતી કે, કુલ મળીને છ એક પીપડાં-બેરલ જેટલો દારૂ પી લીધો છે. પૂરતો થઈ ગયો. એનો સાત્ત્વિક હેન્ગઓવર હવે બાકીના ૪૨ વર્ષ સુધી ચાલવાનો. 

પહેલું સુખ તે જાતે નર્યા એ વાત તો જાણે કે સમજી લીધી પણ આ તંદુરસ્તી જાળવવી છે શું કામ? બીજું તે જલસા કર્યા. તંદુરસ્તી જાળવીને જો જલસા કરવાને બદલે લાઈફના રૂટિનમાં પડ્યા બીજું સૂત્ર છે: તો એવી જિંદગી શું કામની? ઈન ફેક્ટ, જિંદગીના જે રૂટિન કામો છે એ કરવામાં જ જલસા કરવાના, મૌજ કરવાની. અમારા જીવનનું પ્રથમ અને પરમ કામ છે – લખવું. અમે લખીને જલસા કરીએ છીએ. જિંદગી બની છે જ જલસા કરવા માટે. બચ્ચનજીના પહેલા બંગલાનું નામ ‘પ્રતીક્ષા’ જે એમના કવિ પિતાએ પાડ્યું હતું, બીજા બંગલાનું નામ ‘જલસા’ જે આયમ શ્યોર ખુદ બચ્ચનજીએ પાડ્યું હશે. જિંદગીની તડકી છાંયડીમાંથી, ઉબડખાબડ જિંદગી હોય તો પણ, જલસો કરી શકાય છે. રોદણાં રડવાનાં નહીં. રોતલ મન હશે તો મોઢું પણ રોતલ હશે. ભીતરમાં સતત નૃત્ય ચાલતું હશે તો ચહેરા પર ચિંતનના તેજ સાથેની પ્રસન્નતા છવાયેલી રહેશે. બીજું સુખ તે જલસા કર્યા. 

ત્રીજું સુખ તે કોઈથી ના ડર્યા. મનમાં પાપ હોય તો જલસા કરતી વખતે લોકોથી ડરવું પડે. મન સાફ હોય તો લોકો શું કહેશે એની પરવા ન હોય. માણસની નૈતિક હિંમતને એના મનની સફાઈ સાથે સીધો સંબંધ છે. મન જેટલું સાફ એટલી નૈતિક હિંમત વધારે. મન જેટલું મેલું એટલી નૈતિક હિંમત ઓછી. ડર્યા વિના જીવવા માટે મનનું સ્વચ્છતા અભિયાન ચલાવવું પડે. 

મન સાફ રાખવા વિચારો સાફ રાખવા પડે અને વિચારો સાફ રહે એ માટે આસપાસના વાતાવરણમાંથી મેલા લોકોને દૂર કરવા પડે. તો જ ચારે બાજુએથી શુભ વિચારો પ્રાપ્ત થાયવાળી પ્રાર્થના સાર્થક થાય. ડર્યા વિના જીવવું. 

અને ચોથું સુખ તે મોડા મર્યા. ઝિંદગી બડી ભી હોની ચાહિયે ઔર લંબી ભી. ટૂંકી જિંદગી એટલે માત્ર રિયાઝ અને રિહર્સલ. જે શીખ્યા છીએ, જેની તાલીમ લીધી છે, પડીઆખડીને જે અનુભવો કર્યા છે તેનો પાઠ અમલમાં મૂકવા માટે જિંદગી લાંબી જોઈએ. રિયાઝ પછી કૉન્સર્ટ ના થાય અને રિહર્સલો પછી શો ના થાય તો બધું અધૂરું અધૂરું લાગે. ઓડકાર આવે ત્યાં સુધી જીવવું જોઈએ. પેટ ભરીને જીવવું જોઈએ. ૨૦૧૯માં બસ, આ જ ઈચ્છાઓ છે. તમારી પણ આ જ ઈચ્છાઓ હોય તો તમનેય શુભેચ્છા. શ્રીજીબાવા જનરલ ઈલેક્શનના આ વર્ષમાં આપણા સૌનું કલ્યાણ કરે એવી પ્રાર્થના. 

આજનો વિચાર

એક ડગલું ચાલવામાં લ્યો, વરસ પૂરું થયું; 
પંથ કપરો કાપવામાં લ્યો, વરસ પૂરું થયું. 

ગ્રંથનો આખોય દરિયો પાર કરવો’તો છતાં;
બે’ક’ પાનાં વાંચવામાં લ્યો, વરસ પૂરું થયું. 

આમ તો બત્રીસ ભોજન પીરસ્યા’તા પ્રેમથી; 
સ્વાદ થોડો ચાખવામાં લ્યો, વરસ પૂરું થયું. 

ના જરા પૂછી શક્યો આખા જગતની હું ખબર; 
જાતને સંભાળવામાં લ્યો, વરસ પૂરું થયું.

– નીતિન વડગામા

એક મિનિટ!

બકો: દુનિયાનું એવું કયું એકમાત્ર શહેર છે જેના નામે કોર્ટ છે, બૅન્ક છે, સૂટ છે, સલવાર છે, જૂત્તી છે અને પેગ પણ? 

પકો: પતિયાલા!

3 COMMENTS

  1. Yoggram માં જોડાવા માટે શું. કરવાનું અને charges કેવી રીતે હોય છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here