અયોધ્યામાં સરયૂ નદી, કનકભવન, હનુમાનગઢી અને રામજન્મભૂમિની યાત્રા

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : બુધવાર, 2 જાન્યુઆરી 2019)

થર્ટી ફર્સ્ટની ઉજવણી સૌએ પોતપોતાની રીતે કરી. અમે અમારી રીતે કરી – અયોધ્યાની રામજન્મભૂમિ પર સ્થપાયેલી રામ લલ્લાની મૂર્તિનાં દર્શન કરીને.

પણ પરંપરા એવી છે કે રામના દર્શન કરતાં પહેલાં હનુમાનગઢીમાં દર્શન કરવાના. અમે હનુમાનગઢી જતાં પહેલાં સવારે નાગેશ્ર્વર મંદિરમાં શિવજીના દર્શન કર્યાં. પછી સરયૂ નદીના કિનારે ગયા. અયોધ્યા સરયૂના તીરે વસેલી નગરી છે. તમને ખબર છે રામચરિત માનસમાં સરયૂના ઉલ્લેખો અનેકવાર આવ્યા છે. અવધિમાં સરયૂનો ‘ય’ ‘જ’ થઈ જાય. સરજૂ. ઋગ્વેદમાં 3 વાર સરયૂ નદીનો ઉલ્લેખ છે.

સરયૂ સાથે ઘણી કથાઓ સંકળાયેલી છે. ખૂબ પહોળો પટ છે સરયૂનો. હવે તો એના પરથી મોટો બ્રિજ પસાર થાય છે. સરયૂમાં નૌકાયન કરતાં કરતાં અમે વિચારતા રહ્યા કે આ જ નદીમાં ઘડો ડુબાડીને પોતાની કાવડમાં જેમને તીર્થયાત્રા કરાવી રહ્યો હતો એ તરસ્યા માબાપ માટે શ્રવણકુમાર પાણી ભરતો હતો. બુડબુડ અવાજ સાંભળીને મૃગયા માટે નીકળેલા રાજા દશરથે દૂરથી કલ્પના કરી કે કોઈ પ્રાણી હશે. તીર છોડ્યું અને અનર્થ થઈ ગયો છે એવું સમજાયું ત્યારે દશરથ રાજા પોતે પાણી ભરેલો ઘડો લઈને શ્રવણનાં માબાપ પાસે ગયા. પણ અંધ માબાપ પામી ગયા કે આ પોતાનો પુત્ર નથી. રાજાએ ખુલાસો કર્યો, માફી માગી. માબાપે શાપ આપ્યો. અમારી જેમ તું પણ તારા પુત્રના વિરહમાં પ્રાણનો ત્યાગ કરીશ.

એક કથા એવી પણ છે કે રામે રાજ્યાભિષેક પછી, રામરાજ્ય સ્થાપીને, યોગ્ય રીતે શાસન કર્યા પછી, પોતાની અંત વેળાએ આ જ નદીમાં સમાધિ લીધી હતી. એમની સાથે શત્રુઘ્ન તથા ભરત તેમ જ કેટલાક ખૂબ નજીકના અયોધ્યાવાસીઓ પણ હતા. કથા છે આવી.

ગંગાજીમાં અનેક પેટા નદીઓ સર્જાઈ છે. આ પેટા નદીઓમાંથી વળી અનેક ટ્રિબ્યુટરીઝ સજાર્ર્ઈ છે. સરયૂ એમાંની એક છે. પવિત્ર છે. (બાય ધ વે, ‘ગાઈડ’ તેમ જ ‘માલગુડી ડેઝ’ની વાર્તાઓમાં આર. કે. નારાયણે માલગુડી ગામ જે નદીના કિનારે વસાવ્યું છે તે નદીનું નામ સરયૂ આપ્યું છે.)

સરયૂનું જળ માથે ચડાવી અમે કનકભવનનાં દર્શને ગયા. ભવ્ય રાજમહેલ જેવું ભવન છે. રાજમહેલ જ હતો. રામનાં લગ્ન વખતે કૈકેયીએ રાજા દશરથ પાસે આ મહેલ બનાવડાવ્યો હતો – સીતાજી પરણીને આવે ત્યારે એમને મુંહદિખાઈરૂપે ભેટ આપવા. રાજા દશરથે શ્રેષ્ઠતમ સ્થપતિઓ અને વિશ્ર્વકર્માઓને જવાબદારી સોંપી. લગ્ન પછી રામ-સીતા કનકભવનમાં જ રહેતાં હતા. વિધિની વક્રતા જુઓ જે કૈકેયીએ ઉત્સાહથી આ કનકમહેલ બનાવડાવીને ભેટ આપ્યો તે જ કૈકેયીને કારણે રામ-સીતાએ આ મહેલ છોડીને વનવાસે જવું પડ્યું. એ વખતની અયોધ્યાનગરીનો આ સૌથી દિવ્ય-ભવ્ય મહેલ હતો, આજના અયોધ્યાની સૌથી સુંદર ઈમારત કનકભવન જ છે.

માતાપિતાની સ્મૃતિમાં એમના પુત્રોમાંના કુશે સીતારામની મૂર્તિ આ ભવનમાં સ્થાપી. આજની તારીખે અહીં નાના સીતારામ અને મોટા સીતારામની મૂર્તિઓ બાજુબાજુમાં છે. દર્શન કરતી વખતે ડાબે તમને નાના સીતારામની મૂર્તિ દેખાય. એમને અડીને તમારા જમણા હાથે મોટા સીતારામનું સ્વરૂપ દેખાય.

કનકભવનનો ઈતિહાસ ઘણો લાંબો છે. ત્રેતાયુગથી લઈને આજના કળિયુગ સુધીમાં અનેક વખત જિર્ણોદ્ધાર પામેલા આ કનકભવનની વિશાળતા અને ભવ્યતાનાં દર્શન ન કર્યા હોય તો અયોધ્યાની મુલાકાત અધૂરી ગણાય. વર્તમાન કનકભવનનું નિર્માણ ઓરછા રાજ્યના રાજા સવાઈ મહેન્દ્ર પ્રતાપ સિંહના પત્ની મહારાણી વૃષભાનું કુંવરીની દેખરેખ હેઠળ 1891ની સાલમાં (એટલે કે ગાંધીજી બાવીસેક વર્ષના હતા ત્યારે) થયું. આ મંદિરના ગર્ભગૃહ પાસે જ શયનસ્થાન છે જે ભગવાન રામનું શયનગૃહ હતું. આ કુંજની ચારે દિશામાં આઠ સખીઓનાં કુંજ છે જેના પર એમનાં ચિત્રો પણ છે. દરેક સખી ભિન્ન ભિન્ન સેવાઓ કરતી. જેમ કે ચારુશીલા ભગવાનના મનોરંજન તથા ક્રીડા માટે પ્રબંધ કરતી. આ જ પ્રમાણે ક્ષેમા, હેમા, વરારોહા, લક્ષ્મણા, સુલોચના, પદ્મગંધા અને સુભગા ભગવાન માટે વિવિધ સેવાઓ આપતી. આ આઠેય સખી ભગવાન રામની સખીઓ તરીકે ઓળખાતી. આ ઉપરાંત સીતાજીની સેવા માટે બીજી આઠ સખીઓ હતી. સીતાજીની અષ્ટ સખીઓમાં ચન્દ્રકલા, પ્રસાદ, વિમલા, મદનકલા, વિશ્ર્વમોહિની, ઉર્મિલા, ચંપાકલા તથા રૂપકલા છે. જાનકીજી સાથે રામજી પ્રતિદિન ચોપાટ રમતા એટલે અહીં ચોપાટ પણ રાખવામાં આવી છે. આવી બધી કથાઓ કનકભવનના ઈતિહાસ સાથે જોડાયેલી છે.

કનકભવનનાં દર્શન કરીને હનુમાનજીને મળવા અમે હનુમાનગઢી ગયા. કનકભવનમાં જેમ નિરંતર રામચરિત માનસનું ગાન થાય છે એમ અહીં હનુમાન ચાલીસાનો પાઠ ગવાય છે: શ્રીગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ/ બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ…

76 પગથિયાં ચડીને હનુમાનજીનાં દર્શન માટે તમે એમના આ નિવાસસ્થાને પહોંચો છો. લંકા વિજય પછી અયોધ્યા આવીને હનુમાનજીએ એમની સાથે જ રહેવાની આજ્ઞા માગી. રામજીએ એમને હનુમાનગઢીની ઊંચી ટેકરી પર ભવ્ય મહેલ જેવી વિશાળ જગ્યા આપી એટલું જ નહીં જે લોકો મને મળવા માગતા હોય એમણે સૌથી પહેલાં હનુમાનજીને મળવું પડશે એવો આદેશ પણ રામજીએ આપ્યો.

રામજીનો આદેશ માથે ચડાવીને અમે રામજન્મભૂમિ જતાં પહેલાં હનુમાનજીને મળવા ગયા. હનુમાનજીની સૌથી નાની પ્રતિમા, માત્ર છ ઈંચની પ્રતિમા, અહીં છે. હનુમાનજીની આજ્ઞા મળી ગઈ છે એના પુરાવારૂપે કપાળ પર સિંદૂરનું તિલક કરીને અમે રામજન્મભૂમિનાં દર્શને ચાલ્યા. ત્યારે અમારા સમગ્ર અસ્તિત્વમાં આ શબ્દો ગુંજી રહ્યા હતાં.

રામ દુઆરે તુમ રખવારે,
હોત ન આજ્ઞા બિનુ પૈસારે.

સબ સુખ લહે તુમ્હારી સરના,
તુમ રક્ષક કાહૂ કો ડરના.

આપન તેજ સમ્હારો આપૈ,
તીનોં લોક હાંક તે કાંપૈ.

ભૂત પિસાચ નિકટ નહીં આવૈ,
મહાબીર જબ નામ સુનાવૈ.

નાસૈ રોગ હરૈ સબ પીરા,
જપત નિરંતર હનુમંત બીરા.

ગોસ્વામી તુલસીદાસે જે જમાનામાં રામચરિત માનસની રચના કરી અને હનુમાનચાલીસાનું સર્જન કર્યું તે જમાનામાં સેક્યુલરો અને લેફ્ટિસ્ટો અનુક્રમે ભૂત અને પિશાચ તરીકે ઓળખાતા હતા એવી કથા છે.

આજનો વિચાર

વિચારોમાં આ મન ક્યારેક ડૂબી જાય છે, સાહેબ.
જીતેલી બાજી લોકો કેમ હારી જાય છે, સાહેબ!
વધારે આવડતવાળા નીચે રહી જાય છે, સાહેબ.
ને અજ્ઞાની જણાતા ઊંચે પહોંચી જાય છે, સાહેબ!

– ડૉ. મુકુલ ચોક્સી

એક મિનિટ!

થર્ટી ફર્સ્ટની રાતે પ્રધાનમંત્રીની યોજનાનો સાચો અમલ થયો.

સાંજ પડી,

રાત ઢળી,

ઢાંકણાં ખુલ્યાં

અને

ઠેર ઠેર થઈ

મન કી બાત.

3 COMMENTS

  1. Excellent informative article
    Ram devotees will be glad to know all this.
    enjoyed most the sting at the end directed towards secularists andeftists.

  2. આભાર સૌરભભાઈ અફલાતુન આર્ટીકલ. અગાઉ તમે કાશી વિશ્વનાથ ના દર્શન કરીને જે લેખ લખ્યો હતો તેની જેમ જ આખો લેખ અધા (બાપુજી) ના ફોટા સામે બેસી ને વાંચો ગથો. એમની આ બંને જાત્રા કરાવી ન શકવા નો અફસોસ આ જીવન રહેશે.
    એમણે વરસો પહેલાં. સંજય ગાંધી ના અવસાન બાદ રાજીવ ગાંધી ને રાજકારણ માં આવવા માટે જ્યારે કોંગ્રેસના નેતાઓ આગ્રહ કરતાં ત્યારે ગાંધીભાઇ એ પ્રવાસી દૈનિક માં લખેલ લેખ જબરજસ્તી કરી વંચાવયો હતો એમ કહીને કે બબા આ માણસને મોકો મળશે તો બધા કરતાં આગળ જશે. ગાંધીભાઇ ના લેખનું હેડીંગ હતું
    રાજીવ ગાંધી હોવાનો એડવાનટેજ.
    બહુ બધું યાદ કરાવી દીધું બોસ. ખૂબ ખૂબ આભાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here