મક્કા વિવાદાસ્પદ નથી, જેરૂસલેમ વિવાદાસ્પદ નથી, રામજન્મભૂમિ વિવાદાસ્પદ છે

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : બુધવાર, 3 જાન્યુઆરી 2019)

ઈસુના કે મોહમ્મદ પયગંબરના જન્મના પુરાવાઓ ન માગનારા ભારતના ડાબેરીઓ, સેક્યુલરો અને દેશદ્રોહીઓને ભગવાન રામનું બર્થ સર્ટિફિકેટ જોઈએ છે. રામ જન્મભૂમિને ‘વિવાદાસ્પદ મુદ્દો’ ગણાવનારાઓ જંગલી અને જાહિલ કહેવાય. આ આસ્થાનો વિષય તો છે જ, ઐતિહાસિક પુરાવાઓનો પણ વિષય છે.

તમે મને થપ્પડ મારીને મારું પૈસાનું પાકીટ છીનવી લો અને પોલીસ ચૂપચાપ જોયા કરે, અને હું તમારો કૉલર પકડીને તમે તફડાવેલું મારું પાકીટ પાછું લઈ લઉં તો પોલીસ મને ડંડૂકા મારે એ વળી ક્યાંનો ન્યાય કહેવાય?

ઈ.સ. ૧૫૨૮-૨૯ દરમ્યાન અહીંનું રામ મંદિર તોડીને મીર બાકીએ મોગલ આક્રમણકર્તા બાબરના હુકમથી મસ્જિદ બાંધી. મૂળ તાશ્કંદનો રહેવાસી બાકી તાશ્કંદી મીર બાકી તરીકે ઓળખાતો. બાબરે એને અવધ (અયોધ્યા)નું શાસન સોંપેલું. મારી પાસે બાબરની જીવનકથાનું એક દળદાર પુસ્તક (‘બાબરનામા’) છે જેમાં બાકી તાશ્કંદીનો ઉલ્લેખ બાકી બેગ તેમ જ બાકી મિંગબાશી તરીકે છે, પણ ક્યાંય એને મીર બાકી તરીકે ઓળખવામાં નથી આવ્યો. ‘મીર’નો બનાવટી હોદ્દો ૧૮૧૩ના અરસામાં બાબરી મસ્જિદ પર લગાવવામાં આવેલી તકતી પર કોતરવામાં આવ્યો હતો.

ઈનફેક્ટ બાબરી મસ્જિદ બંધાવાનો આખો ઈતિહાસ જ ગરબડ ગોટાળાવાળો છે. ૧૫૨૮-૨૯માં બાબરીના નામની મસ્જિદ બની નહીં હોય પણ એના ઘણા દાયકાઓ કે એકાદ-બે સદી બાદ બની હોઈ શકે. કારણ કે રામચરિત માનસના રચયિતા જેમનો જન્મ ૧૫૩૨માં થયો અને એમનું દેહાવસાન ૧૬૨૩માં થયું, એમણે ક્યાંય રામજન્મભૂમિ પર મસ્જિદ બંધાઈ હોવાનો કોઈ ઈશારો કે ઉલ્લેખ સુધ્ધાં એમના કોઈ ગ્રંથમાં કર્યો નથી.

બાબરી મસ્જિદ ગણાવાય છે એટલી પ્રાચીન નથી આ એક વાત. બીજી વાત કે આ મસ્જિદ મંદિરને તોડીને બનાવવામાં આવી છે એના આર્કિયોલૉજિકલ પુરાવાઓ અલાહાબાદ (હવે પ્રયાગરાજ)ની હાઈ કોર્ટે મંજૂર રાખ્યા છે. પુરાતત્ત્વ ખાતાએ બાબરીનો ઢાંચો જ્યાં હતો તે જગ્યાએ ઉત્ખનન કરીને આ પુરાવાઓ ભેગા કરીને અદાલતને સોંપ્યા હતા.

બાબરી મસ્જિદ ૧૯૪૦ પહેલાં મસ્જિદ-એ-જન્મસ્થાન તરીકે ઓળખાતી હતી એની જાણ બહુ ઓછા લોકોને છે, કારણ કે આ આખી વાત જ ડાબેરી ઈતિહાસકારોએ ભૂંસી કાઢી છે. મસ્જિદ-એ-જન્મસ્થાન તરીકેનો બાબરી મસ્જિદનો ઉલ્લેખ એક નહીં ત્રણ પુસ્તકોમાં થયેલો છે. ત્રણેય પુસ્તકો વિદેશી સંશોધકોએ લખેલાં છે, વિદેશી પ્રકાશન સંસ્થાઓએ પ્રગટ કર્યાં છે. ૧૯૪૦ પહેલાંના રેવન્યુ રેકોર્ડસ જેવા તમામ સરકારી દસ્તાવેજોમાં બાબરી મસ્જિદ તરીકે ઓળખાવાના શરૂ થયેલા સ્થળને ‘મસ્જિદ-એ-જન્મસ્થાન’ નામે ઓળખવામાં આવ્યું છે. ડાબેરી ઈતિહાસકારોએ કઈ હદ સુધી ભારતના ઈતિહાસ સાથે ચેડાં કર્યાં છે એનો આ સૌથી મોટો પુરાવો છે. કારણ કે મસ્જિદ-એ-જન્મસ્થાન એને કોઈ ક્યારે કહે? અહીં મોહમ્મદ પયગંબરનું જન્મસ્થાન હતું એટલે? ઈસુનું જન્મસ્થાન હતું એટલે? ભગવાન રામનું આ જન્મસ્થાન છે, આ રામજન્મભૂમિ છે એવું અહીં મંદિર તોડીને મસ્જિદ બનાવનારાઓએ ખુદ સ્વીકાર્યું છે. શક્ય છે કે આવું નામ આપીને તેઓ પોતાની તાકાત કેટલી છે એવું અહીંની બહુમતી હિન્દુ પ્રજાને જતાવવા માગતા હશે. આજની તારીખેય અયોધ્યા જિલ્લામાં ૯૨ ટકા કરતાં વધુ હિંદુ પ્રજા વસે છે છતાં અત્યારના સી. એમ. યોગી આદિત્યનાથના પુરોગામી તકવાદી – મુસ્લિમવાદી શાસકોએ આ આખા જિલ્લાને ફૈઝાબાદનું નામ આપી દીધું હતું. યોગીજીએ પાછું અયોધ્યા કર્યું.

એક જમાનાની બાબરી મસ્જિદવાળી ઈમારતની જગ્યા કોઈ પણ તર્ક, પુરાવા તથા ઐતિહાસિક સંદર્ભો મૂકીને જોઈએ તો તે હિન્દુઓની જ છે. આઝાદી પહેલાં આ મામલો કોર્ટમાં ગયો ત્યારે અંગ્રેજ જજોએ આને લટકતો રાખીને હિંદુઓને મુસ્લિમો સાથે લડાવવાની નીતિ રાખી. આઝાદ ભારતમાં અદાલતોએ નેહરુ સરકારને ખુશ કરવા આ વિવાદને વકરાવ્યા કર્યો. કાયદેસર આ જગ્યા નિર્મોહી અખાડાની છે. સુન્ની મુસ્લિમોએ આ જગ્યા પર પોતાનો દાવો કર્યો છે જે તદ્દન ખોટો છે. કારણ કે શિયા મુસ્લિમોએ આ જગ્યામાં બંધાયેલી મસ્જિદ પોતાની હોવાના પુરાવાઓ આપીને સાબિત કર્યું છે કે સુન્નીઓનો કોઈ હક્ક નથી. વળી આજની તારીખે શિયાઓએ સમજણ દેખાડીને સુપ્રીમ કોર્ટને લખીને આપ્યું છે કે આ જગ્યા પરનો દાવો તેઓ જતો કરે છે, અહીં રામ મંદિર બંધાય તો એમને કોઈ વાંધો નથી. સરકાર અહીં ભવ્ય રામ મંદિર બાંધવા પ્રતિબદ્ધ છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો શું આવે છે એના પર આધાર છે કે સરકારે ઓર્ડિનન્સ દ્વારા, અધ્યાદેશ કાઢીને રામ મંદિર બાંધવું પડશે કે નહીં. સુપ્રીમ કોર્ટનો ચુકાદો હિંદુઓ તરફી આવે કે ગોળગોળ જલેબીઓ પાડતો આવે, અસ્પષ્ટ કે સંદિગ્ધ આવે તો સેક્યુલરો બુમરાણ મચાવશે જ. સ્પષ્ટ રીતે હિંદુ તરફી ન હોય એવા ચુકાદા પછી જો સરકાર અધ્યાદેશ કાઢશે તો પણ આ લેભાગુ ડાબેરી પ્રજા એમના ભ્રષ્ટ મીડિયા દ્વારા ૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બર પછી જેવો કકળાટ કરેલો એવો કકળાટ કરીને મુસ્લિમોને ઉશ્કેરવાની કોશિશ કરશે. આને કારણે હિંદુઓ પણ વળતા પ્રહારો કરશે.

મક્કાને કે જેરૂસલેમને પવિત્ર સ્થળો તરીકે સ્વીકારનારા લોકોને અયોધ્યાની રામજન્મભૂમિ શું કામ આંખમાં કણાની જેમ ખૂંચે છે તેની ખબર નથી. આપણે ક્યારેય બીજા ધર્મોના આરાધ્ય સ્થળો, આરાધ્ય દેવો કે એમની આસ્થાઓ વિશે વિવાદ ઊભો નથી કરતા. એટલું જ નહીં, એ સૌનો આદર કરીએ છીએ. અને અહીં ભારતમાં જ જન્મેલી સેક્યુલર, ડાબેરી પ્રજા કેટલાક મુસ્લિમોને ઉશ્કેરીને રાજકીય લાભ ખાટવા માગતા રાજકારણીઓના પિઠ્ઠુ બનીને ભગવાન રામની જન્મભૂમિ વિશે કેવું કેવું લખે છે ખબર છે? ૧૯૯૨માં બાબરી ઢાંચાને તોડ્યા પછી આનંદ ઉત્સવ મનાવવાને બદલે હિંદુ વાચકો તથા જાહેરખબર દાતાઓના પૈસે કરોડપતિ બની ગયેલા હિંદુ માલિકોના મીડિયા હાઉસે છાપેલું કે આ જગ્યાએ હવે મંદિર તો ન જ બનવું જોઈએ, જાહેર શૌચાલયો બાંધવા જોઈએ. આવા પ્રકાશનની જાહેરમાં હોળી કરવી જોઈએ એવું સૂચન જ્યારે કરવામાં આવ્યું ત્યારે મેં કહેલું કે ના એને બાળવું નહીં જોઈએ, દફનાવવું જોઈએ જેથી એની ધાર્મિક લાગણી દુભાય નહીં!

અયોધ્યાની રામજન્મભૂમિનાં દર્શન કરવા નીકળ્યા ત્યારે આંખમાં આંસુ સાથે આ પવિત્ર સ્થળ સાથે જોડાયેલી આવી કેટકેટલી યાદો તાજી થઈ. વધુ આવતી કાલે.

આજનો વિચાર

વિશ્ર્વાસ એવો મોતના રસ્તા પર હતો,
‘બેફામ’ આંખ બંધ કરીને જતા રહ્યા.

– બરકત વીરાણી ’બેફામ’

એક મિનિટ!

બકો: બોલ તો પકા, લગ્નની જેમ બે અજાણ્યા લોકોએ ક્યારે એકબીજાનો સાથ નિભાવવાની મજબૂરી ભોગવવી પડે છે.

પકો: ટ્રેનમાં આર.એ.સી.ની ટિકિટ મળે ત્યારે…

4 COMMENTS

  1. The tragedy is no unity in Hindus. As Hn PM Shri Modi gave statement on Ram-Mandir in his i’view on 1st Jan’19, print media has started their role you might read Gujarat Samachar headline…

  2. Sir, you are doing a great service to the people of India. May your tribe flourish —-Jai Siyaram

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here