અમિતાભ @ 81—બચ્ચનજી મારા માટે કોણ છે: સૌરભ શાહ

હિંદી સિનેમા વિના મારા માટે જીવવું આકરું થઈ જાય. હિંદી ફિલ્મોનાં ગીતોને હું મારી ન લખાયેલી રોજનીશીનું એક-એક પાનું ગણતો આવ્યો છું.

સારી-નરસી તમામ પ્રકારની ફિલ્મો બનતી રહે છે. ફિલ્મ સ્ટુડિયો, થિયેટરો વગેરે જો માત્ર સારી ફિલ્મો જ બનાવે અને પ્રદર્શિત કરે તો 365 દિવસમાંના કેટલાય અઠવાડિયા એ લોકોએ નવરાધૂપ બેસી રહેવું પડે. મને ગમે એવી જ ફિલ્મો રિલીઝ થાય એવું હું માની લઉં તો બાકીના અઠવાડિયાઓમાં શું થિયેટરો ખાલી રહે? સિસ્ટમ ચલાવવી હશે તો 24×7 પ્રવૃત્ત રહેવું પડે. એટલે નકામી ફિલ્મો પણ આવવાની જ, એવું સ્વીકારી લેવાનું. (જેમ ગુજરાતી પબ્લિશરો વર્ષમાં કેટલાંક ઉમદા પુસ્તકોની જોડે જોડે તદ્દન કચરપટ્ટી પુસ્તકો પણ પ્રગટ કરે છે-ના કરે તો એમના ઓવરહેડ્સ વગેરેનો ખર્ચો ક્યાંથી કાઢે?)

શિક્ષણ, મનોરંજન અને મીડિયામાં લેફ્ટિસ્ટોએ ઘૂસી ઘૂસીને આ દેશનો દાટવાળી નાખવાનું નક્કી કર્યું અને 1947 પહેલાંની બ્રિટિશ સરકારે તથા 1947 પછીની ભારત સરકારે આ ડાબેરીલાલોને મોકળું દાન આપ્યું. આ ત્રણેય ક્ષેત્રોમાં ખરું ડિટોક્સિફિકેશન 2014 પછી શરૂ થયું જેનું પૂરેપૂરું પરિણામ આવતાં થોડી વાર લાગશે. વચ્ચેનાં બે-પાંચ વર્ષોમાં પ્રયત્નો થયા પણ કાં તો એ સિન્સિયર પ્રયત્નો નહોતા, કાં એ પ્રયત્નોનું ફળ મળે તે પહેલાં જ આક્રમણખોરો પાછા ચઢી બેઠા.

કલા, સાહિત્ય અને મનોરંજનના ક્ષેત્રને દુષિત કરનારા સ્યુડો સેક્યુલર હરામખોરો આ ધરતી પરના સૌથી મોટા બોજ સમાન છે. તેઓ ફિલ્મો-નાટકોને તેમ જ સાહિત્યનાં વિવિધ સ્વરૂપોને તેમ જ ચિત્રકલા-શિલ્પકલા-નૃત્યકલા ઇત્યાદિને દૂષિત કરવાનું કામ, આ પવિત્ર ક્ષેત્રોને અભડાવવાનું કામ, દાયકાઓથી કરી રહ્યા છે. આવું કામ કરનારા સર્જકોને તેમ જ આવાં સર્જનોને, તેઓ ક્યારેક ઉમદા કે ટૉપ ગ્રેડનાં હોય તો પણ હું તેમને ધિક્કારતો રહ્યો અને એમને ઉઘાડા પાડતો રહ્યો છું.

હિંદી તેમ જ અન્ય ભાષાઓનાં સિનેમામાં તેમ જ ગુજરાતી સહિત અન્ય ભાષાઓમાં નાટકોમાં (અને અફકોર્સ સાહિત્યમાં) આવા અનેક બદમાશો ઘૂસી ગયેલા છે. એ બધાને યાદ કરીને કે એમનાં નામ લખીને મારે આજના ઉત્સવનો મારા મનમાં જામેલો માહોલ વિખેરાવા દેવો નથી.

1971ની સાલ. ઉંમર દસ-અગિયાર વર્ષ. લેમિંગ્ટન રોડના‘સ્વસ્તિક’ સિનેમામાં ‘આનંદ’ રિલીઝ થયેલું. ઘરથી ઘણું દૂર. એક શ્રીમંત રિલેટિવને એ થિયેટરના માલિક સાથે (કે પછી‘આનંદ’ના ડિસ્ટ્રિબ્યુટર સાથે)ઓળખાણ હશે એટલે ઘણા બધા પાસ ફ્રી પાસ આવેલા. ‘સ્વસ્તિક’ના બોક્સમાં બેસીને ‘આનંદ’જોયેલી.

રાજેશ ખન્ના તો ‘આરાધના’થી ફેવરિટ બની જ ગયેલા પણ ‘આનંદ’ જોયા પછી બચ્ચનસાહેબ મનમાં વસી ગયેલા. સાવ નોનગ્લેમરસ પર્સનાલિટીવાળું કિરદાર ભજવતા હતા-તે છતાં મનમાં વસી ગયેલા.

‘આનંદ’ પછી બચ્ચનજીની ડઝન-દોઢ ડઝન ફિલ્મો ઉપરાછાપરી આવી. મોટાભાગની સુપર ફ્લોપ ગઈ. મેં એ બધી જ જોઈ—થિયેટરોમાં જઈ જઈને, સ્કૂલના પૉકેટ મનીમાંથી બચાવી બચાવીને.

‘સાત હિન્દુસ્તાની’ ‘આનંદ’ પહેલાં આવી પણ તે વખતે ખબર નહીં. જોવી જોઈએ એવી સમજણ આવી ત્યાં સુધી થિયેટરોમાંથી ઊડી ગઈ. બહુ મોડેથી ડીવીડી પર જોઈ.

એ સિવાયની ‘પરવાના’, ‘બંસી બિરજુ’, ‘રાસ્તે કા પથ્થર’, ‘બંધે હાથ’, ‘ગહરી ચાલ’, ‘સૌદાગર’, ‘કસોટી’ વગેરે એમની તમામ ફિલ્મો રિલીઝ વખતે થિયેટરમાં જોઈ. એક માત્ર ‘એક નઝર’ નહોતી જોઈ. એમાં એક સાહિત્યકાર કોઈ તવાયફના પ્રેમમાં પડે છે એવી સ્ટોરી છે એવું સાંભળેલું અને બચ્ચનજી એવી કોઈ બાઈના પ્રેમમાં પડે એવું બાર-તેર વર્ષના એમના આ ચાહકને પસંદ નહોતું. પણ એનાં ગીતો રેડિયો પર આવતાં તે ગમતાં—‘હમીં કરે કોઈ સૂરત’, ‘પ્યાર કો ચાહિયે ક્યા એક નઝર એક નઝર’ અને ‘પત્તા પત્તા બૂટા બૂટા હાલ હમારા જાને’(આ ગીતનુ મુખડું મીર તકી મીરે લખેલું છે અને બાકીનું ગીત મજરહ સુલતાનપુરીનું છે એની ખબર તો ગુલઝારસા’બની ‘ગાલિબ’ સિરિયલ આવી ત્યારે ખબર પડી.)

એ ગાળામમાં ‘બાવર્ચી’(1972)આવી જેના ટાઈટલ એમના અવાજમાં બોલાયેલા, થિયેટરમાં એમણે પોતાનું નામ કહ્યું તે પહેલાં જ અમે પારખી ગયેલા કે આ તો સાહેબનો અવાજ છે.‘ગુડ્ડી’માં એક ઝલક એમની જોવા મળી હતી.

બચ્ચનજીની પ્રક્ષકોને ગમી જાય એવી ફિલ્મો પણ ત્રુટક-છું ટકઆવતી રહેતી- ‘બૉમ્બે ટુ ગોવા’(1972), ‘ઝંજીર’, ‘નમકહરામ’અને ‘અભિમાન’(ત્રણેય 1973)માં.

એ પછીના વર્ષે, ‘બેનામ’, ‘રોટી કપડા ઔર મકાન’ અને ‘મજબૂર’.

1975નું વર્ષ હિંદી સિનેમાનું શ્રેષ્ઠ વર્ષ હતું એ વિશે એક લેખ હું લખી ગયો છું. અનેક હીરો, દિગ્દર્શકો, મ્યુઝિક ડાયરેક્ટોની કેટકેટલી સુપરહિટ ફિલ્મો એ વર્ષમાં રિલીઝ થઈ હતી. 1975 બચ્ચનજીનું પણ વર્ષ હતું. ‘દીવાર’, ‘ઝમીર’, ‘શોલે’, ‘ફરાર’, ‘ચુપકે ચુપકે’ અને ‘મિલી’ રિલીઝ થઈ. એમાંની ત્રણ ફિલ્મો તો આજે પણ વારંવાર જોવી ગમે.

બચ્ચનજીના સર્ટિફાઈડ ચાહકોમં ભાગ્યે જ કોઈ એવો ગાંડો ચાહક હશે જેણે ‘ઝંજીર’ પહેલાં આવેલી એમની તમામ ફ્લૉપ ફિલ્મો થિયેટરમાં રિલીઝ પામી તે વખતે ટિકિટ ખર્ચીને જોઈ હોય (‘એક નઝર’ સિવાય.) એમને ખબર પડે તો મને ચા પીવા બોલાવે અને જયાજી પાસે બટાકાપૌંઆ બનાવડાવીને મારું સ્વાગત કરે.

આજની તારીખે ય હું જ્યારે જ્યારે જુહુ પીવીઆર જતો હોઉં અને દસમા રોડ પર ‘પ્રતિક્ષા’ બંગલો દેખાય કે જુહુના પૃથ્વી થિયેટર્સ પર જતાં ‘જલસા’ બંગલો દેખાય તો હું મનોમન એ ભૂમિને વંદન કરતો હોઉં છું–મારા માટે બચ્ચનજીનું એ જ મહત્ત્વ છે જેટલું સચિન તેંડુલકરને ગૉડ કહેનારા ક્રિકેટપ્રેમીઓના મનમાં હોય.

અમિતાભ બચ્ચન મારા માટે પ્રેરણાની જીવતી જાગતી મિસાલ છે. એમની ફિલ્મો જોવાનું શરૂ કર્યું ત્યારે તો ક્યાંથી એવાં ભાનસાન હોય પણ પછી લાગ્યું કે કારકિર્દીની શરૂઆતમાં જ આટલી બધી નિષ્ફળતાઓ આવી તે છતાં ટકી રહેવું કેટલું મુશ્કેલ હશે માણસ માટે. પોતાને ખબર છે કે ટેલેન્ટ છે છતાં એક પછી એક ફિલ્મો બૉક્સઑફિસ પર પિટાઈ જાય. જાહેરમા હ્યુમિલિયેશન થતું રહે. જેમના પિતા દેશના સર્વોચ્ચ સાહિત્યકારોમાં ગણાતા હોય, જેમનું કુટુંબ સમાજમાં આદરપાત્ર અને મોટી મોટી ઓળખાણો ધરાવતું હોય એ પરિવારના પુત્રે આયુષ્યના ત્રીસમા વર્ષે પણ ઠેબાં ખાવા પડતાં હોય ત્યારે એમના મનમાં કેવી કેવી આંધી ઉઠતી હશે. જિંદગીમાં નિષ્ફળતાઓ ઉપરાછાપરી આવતી રહે ત્યારે બચ્ચનજી યાદ રાખવાના.

‘ઝંજીર’, ‘દીવાર’, ‘શોલે’ પછી અકલ્પનીય સફળતાનો દાયકો આવ્યો અને એ સુપર સક્સેસ દરમ્યાન બચ્ચનજીની પોતાના કામ માટેની નિષ્ઠા અકબંધ રહી. સેટ પર સમયસર પહોંચી જવું. ક્યારેય કોઈની બુરાઈ નહીં કરવી. ઘર-પરિવારને પણ પૂરતો સમય આપવો. હરિવંશરાય બચ્ચનના કુટુંબમાં જન્મીને ભાષા પ્રત્યેના લગાવનો જે વારસો મળ્યો તેને સાચવી રાખવો, આગળ વધારવો. પોતાના વ્યક્તિત્વની ગરિમાને હંમેશાં જાળવી રાખીને બીજાઓ સાથે હળવું મળવું.

લાઈફમાં બે વાર એમને મળ્યો છું. ઇન્ટરવ્યુ માટે. પહેલી વાર 1986માં. એ વખતે બે-ચાર વર્ષ હું નોકરી માટે સુરત ગયેલો.ગુજરાતમાં કુદરતી આફતને પહોંચી વળવા રાહતફંડ ભેગું કરવા માટે બચ્ચનજી સ્ટેજ પ્રોગ્રામ કરતા. મેં લીધેલો ઇન્ટરવ્યુ ‘ગુજરાતમિત્ર’માં ફુલ પેજ ભરીને છપાયેલો. બીજા કોઈ પત્રકારને એમણે મુલાકાત નહોતી આપી. એની યાદગીરીનો એકમાત્ર ફોટો મારી પાસે બચ્યો છે જે મેં ક્લૅપ બોર્ડ જેવી ફ્રેમમાં મઢાવી રાખ્યો છે. તસવીર ઝાંખી થઈ ગઈ, સ્મૃતિ ફ્રેશ છે.

બીજી વખત 1990ની આસપાસ ‘અભિયાન’ના એક વિશેષાંક માટે ઇન્ટરવ્યુ લીધેલો. સમય નક્કી કરવા માટે બાન્દ્રા મહેબૂબ સ્ટુડિયોમાં મને બોલાવેલો. વાતચીત કરીને થોડા દિવસો પછી ફિલ્મસિટીમાં રમેશ સિપ્પીની ‘અકેલા’ના સેટ પર બોલાવ્યો. વચ્ચેના ગાળામાં સ્કૂટરની કિક છટકી ગઈ અને મારા ડાબા પગની એક આંગળી નીચે વળવાને બદલે ઉલટી દિશામાં વળી ગઈ. દાક્તરી સારવારથી ઠીક થઈ રહ્યું હતું પણ હું પગે લંગડાતો હતો. બચ્ચનજીએ નોંધ્યું અને મને પૂછ્યું કે મહેબૂબ સ્ટુડિયોમાં મળ્યા ત્યારે તો આવી તકલીફ નહોતી. શાંતિથી પૂછ-પૂછ કરીને ચિંતા વ્યક્ત કરી અને પછી પોતાની વાનમાં લઈ જઈને નિરાંતે મુલાકાત આપી.

તે વખતે મેં એમને છુટા પડતી વખતે હ્યુ પ્રાધરનું ‘નોટ્સ ટુ માયસેલ્ફ’ પુસ્તક ભેટ આપ્યું. મને ખૂબ ગમતું. મેં એ પુસ્તકમાંના વાક્યો ક્વોટ કરીને મારી કારકિર્દી વિશેનો એક લેખ ‘અભિયાન’માટે લખ્યો હતો. બચ્ચનજીને આ વિશે કંઈ થોડી ખબર હોય?ત્રણેક મહિના પછી ‘સ્ટારડસ્ટ’માં એમણે પોતાની કારકિર્દી વિશે સાઈન્ડ આર્ટિકલ લખ્યો તેમાં એ જ રીતે ‘નોટ્સ ટુ માયસેલ્ફ’નાં અવતરણો એમણે વાપરેલાં. વૉટ અ કો-ઇન્સીડન્સ.

વચ્ચેના ગાળામાં એ રાજકારણમમાં પડ્યા અને બૂરી તરહથી ઘવાઈને એ ગંદકીના ખાબોચિયામાંથી બહાર આવી ગયા. પ્રીતીશ નાન્દીને ‘ધ ઇલસ્ટ્રટેડ વીકલી’ માટે આપેલી મુલાકાતમાં એમણે જે શબ્દ વાપર્યા તે કવરસ્ટોરીના હેડિંગમાં હતા-અ સેસકુલ ઑફ પોલિટિક્સ.

મીડિયા માટેનો ગુસ્સો વ્યક્ત કરતો એક લેખ એમણે ‘વીકલી’ માટે લખ્યો જેમાં એમણે કવિ જ્હૉન ડ્રાયડનની આ પંક્તિનું મથાળું બાંધેલું: ‘બીવેર ધ ફ્યુરી ઑફ એ પેશન્ટ મેન.’ સહનશીલ વ્યક્તિના મનમાં ધરબાયેલા જ્વાળામુખીને લલકારવાનો નહીં. અર્થાત્ હું ભલે શાંત છું પણ મારી જોડે લપ્પનછપ્પન કરવાની નહીં.

સુપર સક્સેસના દસકા પછી એક ગાળો એવો આવી ગયો કે એમની એક પછી એક મેગાફિલ્મોને એમના ચાહકો અવગણવા માંડ્યા. બચ્ચનજીની એ ફ્લૉપ ફિલ્મો પણ નિર્માતાઓને કમાણી કરાવતી પણ બચ્ચનજી આ બધી ફિલ્મોમાં વેડફાઈ જતા હોય એવું અમને અને બધાને લાગતું. આ એમનો ટ્રાન્ઝિશનનો ગાળો હતો. એમના ચાહકોને ચિંતા કરાવનારો ગાળો હતો. એ ગાળામાં એમને શું સૂઝ્યું કે એમણે પોતાની એન્ટરટેઈનમેન્ટ અને ઇવેન્ટ કંપની શરૂ કરી-એબીસીએલ. ઘર બાળીને તીરથ કરવા ગયા અને ફસાઈ ગયા. ‘પ્રતિક્ષા’ કેનેરા બૅન્કને ગિરવે મૂકવું પડ્યું. ગાડીઓ વેચાઈ ગઈ. ઊંડા દેવામાં ઉતરી ગયા. એવો ગાળો કે મામુલી રકમના પુરસ્કાર માટે પૂનાની મોટરકંપનીના કામદારો-મેનેજરો સમક્ષ પ્રવચન આપવા મુંબઈથી લાંબા થવું પડે ને ફેક્ટરીના ગેસ્ટહાઉસમાં ઉતારો મળે તો ચલાવી લેવું પડે.

યશ ચોપરા પાસે જઈને—જેમની સાથે ‘દીવાર’, ‘કભી કભી’,‘ત્રિશુલ’ કરી એમના ઘરે જઈને—એમની નેક્સ્ટ ફિલ્મમાં કામ માગવું પડે. ઘર ચલાવવા જાહેરખબરો કરી. જયાજીએ નાટકોમાં કામ કર્યું. એ જમાનામાં ટીવી પર કોઈ ફિલ્મસ્ટાર કામ કરે નહીં.એમણે હિંમત કરીને ‘કૌન બનેગા કરોડપતિ’ માટે કોન્ટ્રાક્ટ કર્યો.પછી તો એ ટ્રેન્ડ બની ગયો.

‘મહોબતેં’ પછી એમની સેકન્ડ ઇનિંગ્સ શરૂ થઈ. સફળતાની દ્રષ્ટિએ આ બીજી ઇનિંગ્સ પ્રથમ કરતાં પણ વધુ નોંધપાત્ર પુરવાર થઈ.

અગાઉના ‘કુલી’ના અકસ્માત પછી તેમ જ દિવાળીમાં હથેળી પર કોઠી રાખીને ફોડવાની ‘બહાદુરી’ પછી કુદરતે એમના શરીરને ઘણું ડેમેજ કર્યું. માયસ્થેનિયા ગ્રેવિસ નામનો સ્નાયુઓ પરનો કાબૂ જતો રહે એવો રોગ આવ્યો. ઉંમરની સાથે આવતી બીજી તકલીફો પણ હશે. પણ આ સઘળાનો સામનો કરીને, એનો ઇલાજ કરતાં કરતાં એ ન તો ક્યારેય અટક્યા છે, ન ધીમા પડ્યા છે.

81મા વર્ષે પણ એમની અપોઈમેન્ટ ડાયરી એટલી જ ભરચક છે જેટલી 35-40-45 વર્ષની ઉંમરે હતી. જિંદગી માટેનો ઉત્સાહ અને કામ પ્રત્યેની નિષ્ઠા હજુય એવાં ને એવાં જ છે. એટલે જ તેઓ મારા માટેનાં જિંદગીમાં પ્રેરણા લેવા જેવા વ્યક્તિત્વોમાંના એક છે-જેમ લતાજી હતાં (એમના સ્વર્ગવાસને કારણે ‘હતાં’લખવું પડે છે, બાકી તો ‘છે’ લખવું જોઈએ). જેમ આર.ડી. બર્મન. જેમ કિશોરકુમાર. જેમ અન્ય વિવિધ ક્ષેત્રોની વ્યક્તિઓ છે. (મોદીનું નામ નથી લખતો, કારણ કે વાયડીનાઓ કહેશે કે તમારા તો ફિલ્મના લેખમાં પણ હિંદુત્વ ઘૂસી જાય છે.)

અમિતાભ બચ્ચને જિંદગીમાં અનેક ભૂલો કરી. એમાંથી એ પોતે ઘણું શીખ્યા. આપણે પણ શીખવાનું. સફળતા મેળવવા કે કામ માટેનો લગાવ જાળવવા શું શું કરવું એની એક આખી ગાઈડબુક લખાય એવી જિંદગી તેઓ જીવ્યા અને જીવી રહ્યા છે. એમના મધ્યાહ્ન પછી બીજા ઘણા સારા અભિનેતાઓ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા, સ્ટાર્સ આવ્યા, સુપરસ્ટાર્સ આવ્યા, એમની ફિલ્મો કરતાં અનેકગણી કમાણી કરાવી આપનારી ફિલ્મો આપતા હીરોલોગ આવ્યા. એ સૌને બચ્ચનજીએ આદર આપ્યો, વખાણ કરવા લાયક હોય એમને પર્સનલી ફૂલોનો બુકે અને હાથે લખેલો પત્ર મોકલીને ટ્વિટર પર જાહેરમાં પોંખ્યા. કોઈને ઉતારી પાડ્યા નથી.

ઇન્ડસ્ટ્રીમાં તે વખતે પણ કેટલાક ઇર્ષ્યાળુઓ બચ્ચનજી વિશે બૂરું બોલતા, એમના પડતીના કાળમાં પણ ઘસાતું બોલતા, આજની તારીખેય કેટલાક છે-ખાસ કરીને સોશિયલ મીડિયાની ઉધઈઓ—જે એમના વિશે એલફેલ બોલે છે.

પણ કાદવમાં ખીલતા કમળની જેમ બચ્ચનજીને આમાંનું કશું જ સ્પર્શતું નથી દુનિયાની ગંદકીથી એમણે પોતાની જાતને હંમેશાં દૂર રાખી, ક્યારેક ભૂલ થઈ ગઈ તો તરત જ તેઓ એમાંથી બહાર નીકળી ગયા.

બચ્ચનજી સાથેનો અપ્રત્યક્ષ નાતો હવે તો પચાસ વર્ષ કરતાં વધુ સમયનો થઈ ગયો. આજે એમના જીવનનાં 81 વર્ષ પૂરાં થયાં.તેઓ 102 નૉટઆઉટ રહે અને આ જ રીતે પ્રવૃત્તિસભર જિંદગી જીવતા રહે એવી શ્રીજીબાવાને પ્રાર્થના.

જાહેરજીવન જીવતી અનેક વ્યક્તિઓની જેમ દરેકનાં પ્લસમાઈનસ હોવાનાં એમના ઉજળા પાસાને જોઈને જીવનમાં બે વાત ઉમેરીશું તો આપણા પોતાના અંધારિયા ખૂણાઓમાં અજવાસ પ્રવેશશે.

બચ્ચનજીની 80મી વર્ષગાંઠે એક વીડિયો બનાવેલી એની યુ-ટયુબ લિન્ક આપું છું.

એ પ્રસંગે ચાર દિવસ સુધી થિયેટરોમાં ચાલેલી એમની બર્થડે પાર્ટી વિશેની પણ એક વીડિયો બનાવેલી લિન્ક તેની બીજીલિન્ક પણ છે:

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

6 COMMENTS

  1. Indirectly you already took Modiji’s name above.
    For me, Modiji is at much higher level than all others.

  2. ખુબ સરસ લખો છો તમે, મને એમ હતું કે બચ્ચનનો મારા જેવો ચાહક કોઈ નહિ હોય પરંતુ તમે પણ મારા જેવાજ ગજબના ચાહક કહેવાઓ. મારું તો ઉપનામ પણ મારા એરિયાના લોકોએ બચ્ચન પાડેલું કારણ કે મારો ચહેરો અને હેરસ્ટાઇલ બંને કાર્બન કોપી લાગતા,
    ઘણા લોકોની સલાહ હતી કે હું બચ્ચનના ટીનેજર્સના રોલમાં ફિટ થાઉં એવો હતો તો મુંબઈ જઈને કોશિશ કરવી જોઈએ.
    જય વસાવડા સાથેની મુલાકાતના પાંચેય એપિસોડ જોઈ લીધા, ખુબ ખુબ મજા આવી. જયનું નામ આ પહેલા સાંભળેલું નહિ કે એમનો કોઈ લેખ વાંચેલો હોય તેવું પણ નથી પરંતુ એ માણસ મને પહેલી પાંચજ મિનિટમાં ઈન્ટરેસ્ટિંગ લાગ્યા તેથી નવા એપિસોડ આવતાની સાથેજ જોતો રહ્યો કારણકે તેઓ ખુબજ નિખાલસ, સહજ અને પ્રામાણિક છે તેવું લાગ્યું. તમને પણ ખુબ ખુબ અભિનંદન અને ધન્યવાદ કે તમે તેમને છૂટોદોર આપ્યો અને ખુબજ આનંદથી સવાલો પૂછયા અને જવાબો શાન્તિથી માણ્યા
    ગુજરાતી એડિટરનો ઉપયોગ કરીને લખ્યું છે તો ગ્રામરમાં ભૂલ હોય તો સુધારીને વાંચવી !!

  3. “મોદીનું નામ નથી લખતો… “
    👏🏼👏🏼👏🏼
    બરાબર છે. વાયડીનાઓ નવરા જ બેઠા છે.

  4. સુંદર…૧૩ ઓક્ટોબર એ કિશોર કુમાર સાહેબની death anniversary આવે છે..એમના વિશે જરૂરથી લખવા વિનંતી 🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here