આજનો જમાનો કે પછી વો ભૂલી દાસ્તાં

તડકભડક: સૌરભ શાહ

(‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર,૧૯ મે ૨૦૧૯)

જૂનું જતું રહે એનો અફસોસ થાય છે? થવો જોઈએ. પણ એ અફસોસ કાયમી ન રહેવો જોઈએ. જૂના સાથેની આત્મીયતા હવે પૂરી થઈ એના અફસોસનો સ્વાદ માણી લઈએ પણ એની સાથે એ પણ વિચારીએ કે નવું કેટલું બધું આવી રહ્યું છે. આ બધાથી તમારા જીવનમાં પણ કંઈકને કંઈક નવું પ્રવેશવાનું છે.

આ વિચાર મુંબઈના ઉપનગરમાં દાયકાઓ પહેલાં બંધાયેલા એક ભવ્ય નાટ્યગૃહના બંધ થવાના સમાચાર મળ્યા ત્યારથી, મહિનાઓથી, મનમાં ઘૂમરાતો હતો. એ ઑડિટોરિયમમાં કેટકેટલાં નાટકો જોયાં. મહાન ગુજરાતી અભિનેતાઓનો યુવાનીકાળ જોયો. કેટલાક આ દુનિયામાંથી પસાર થઈ ગયા, એમની શોકસભામાં થતી સ્મૃતિવર્ષા અનુભવી. હવે આમાંનું કંઈ જ નહીં? આ સવાલ ઉદાસ બનાવી દે. ભવિષ્યમાં એની જગ્યાએ ઊંચી ઈમારત બંધાશે. કદાચ એમાં કોઈક નાનકડું સભાગૃહ બાંધવામાં આવે. પણ તે પહેલાં જેવું તો નહીં જ હોય. જૂનું ગયું તે ગયું જ.

અફસોસમાં ગરક થઈને ઉદાસ થઈ જવું માણસને ગમતું હોય. નોસ્ટાલ્જિયાનો સ્વાદ માણવાનો સૌ કોઈને ગમે છે. સ્કૂલ છૂટી ગયા પછી કૉલેજિયનો કૅન્ટિનમાં બેઠાં બેઠાં સ્કૂલમાં કરેલી ધીંગામસ્તી યાદ કરે છે. નોકરી-ધંધે લાગી ગયેલા તરુણો રિ-યુનિયનની પાર્ટીમાં કૉલેજની કૅન્ટિનમાં કરેલી ધીંગામસ્તી યાદ કરતા રહે છે. નિવૃત્ત વડીલો નોકરી-ધંધા વખતના ‘સુવર્ણ દિવસો’ જિંદગીના શ્રેષ્ઠ દિવસો હતા એવું કહીને ‘અમારા જમાના’ને યાદ કરતા રહે છે.

જૂનું હવે નથી એનો અફસોસ કરીએ છીએ ત્યારે નવું જે કંઈ અનાયાસે જિંદગીમાં પ્રવેશ્યું છે એને એપ્રિશ્યેટ કરવાનું ભૂલી જઈએ છીએ. બિનાકા ગીતમાલા અને રેડિયો સિલોનની મીઠી યાદો હવે માત્ર યાદો જ છે પણ ‘એ જમાનાની વાત સાવ જુદી હતી’ એવો અફસોસ કરનારા એક જમાનાના કિશોરો-યુવાનો આજે સિનિયર સિટિઝન થઈને રેલવે પાસેથી પચ્ચીસ ટકા ડિસ્કાઉન્ટ અને બેન્કો પાસેથી પા-અડધો ટકો વધારે વ્યાજ લેતા થઈ ગયા છે એમને ખબર નથી કે હવે આંગળીના એક ટેરવે તમે બિનાકા ગીતમાલામાં જે ગીતો ભારે ડિસ્ટર્બન્સ સાથે અડધાપડધા સાંભળતા તે હવે પૂરેપૂરા જોઈ શકો છો – યુ ટ્યુબ પર, જાતજાતની ઍપ્સ પર ઓરિજિનલ રેકોર્ડેડ સૉન્ગ્સ સાંભળવાનો આનંદ અઠવાડિયાના કોઈ પણ વારે( માત્ર બુધવારે જ નહીં) અને દિવસના કોઈ પણ સમયે( માત્ર રાત્રે આઠ વાગ્યે જ નહીં) માણી શકો છો.

જૂનું જતું રહ્યું છે એનો અફસોસ કરવા રોકાઈ જઈએ છીએ ત્યારે જે નવું આવી ગયું છે એને આવકારવાનું ચૂકી જઈએ છીએ. ગુજરાતી તરીકે હિસાબકિતાબમાં બહુ પાકા છીએ પણ અહીં સરવૈયું બનાવવામાં ગોટાળો થઈ જાય છે. જૂનાના અફસોસની સામે નવાનો આનંદ મૂકવાનું ભૂલી જઈએ છીએ.

એ જમાનામાં જીવનમાં કેટલી શાંતિ હતી, કોઈ ઉતાવળ કે ધાંધલધમાલ નહોતી એવો અફસોસ કરનારાઓ આજની ફાસ્ટ લાઈફને કોસતી વખતે ભૂલી જાય છે કે તે વખતે બાપાના ડેથના સમાચાર ગામથી આવે ત્યારે આઠ ગણા પૈસા કરીને લાઈટનિંગ કૉલ આવતો. હવે જરાસરખી છીંક આવે તો બીજી જ સેકન્ડે વૉટ્‌સઍપ પર મૅસેજ આવી જાય છે અને તમે પિતાની તબિયતના ખબર કાઢવા નેક્‌સ્ટ ફ્લાઈટ પકડી લો છો. એ જમાનામાં ફ્લાઈટ તો શું ટ્રેનનાં કનેક્શન પણ નહોતાં – વતન જવા માટે. અને જે કંઈ અર્જન્ટ ગોઠવણ કરવી પડે એ માટેનાં નાણાંકીય સાધનો પણ ક્યાં હતાં તમારી પાસે?

જૂનું જે વીતી ગયું છે એમાનું ઘણું બધું મિસ કરીએ છીએ. કરવું જ જોઈએ. નવી લતા મંગેશકર તમને નથી જ મળવાની. નવો મદનમોહન કે નવો આર.ડી. પણ નહીં મળે. પણ એ જમાનામાં થિએટરમાં દેખાડાતી ન્યુઝ રીલમાં ત્રણ મિનિટ માટે ફિલ્મના અવૉર્ડ ફંક્‌શનમાં જે લતા, મદનમોહન કે આર.ડી. જોવા મળતા એને બદલે આજની તારીખે તમારા ઘરના ટીવી પર એવા અઢળક અવૉર્ડ ફંક્‌શનોનાં લાઈવ પ્રસારણોમાં તમે તમારા ફેવરિટ ફિલ્મ-સ્ટાર્સ, ગાયકો, સંગીતકારો વગેરેને જોઈ શકો છો એ લહાવો શું અમુલ્ય નથી? પણ આપણો સ્વભાવ થઈ ગયો છે. ‘હવે પહેલાંના જેવું રહ્યું નથી’ – એવું બોલતાં બોલતાં અરીસા સામે ઊભા રહીને વાળને ડાઈ કરવાનો.

કન્ટેમ્પરરી અને યુથ. આજનો જમાનો અને યુવાની. આ બેઉ શબ્દો એકબીજાના પર્યાય છે એવું આપણે માની લીધું છે. પણ આમાં સત્ય પચાસ ટકા જેટલું જ છે. જે યુવાનો છે એમણે કન્ટેમ્પરરી રહેવું જ પડે છે કારણ કે એમની પાસે આજના જમાનામાં રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. પંદર, પચ્ચીસ કે પાંત્રીસ વર્ષની ઉંમરના લોકો ક્યાંથી સેવન્ટીઝ કે સિક્‌સ્ટીઝની વાતોને વાગોળી શકવાના. યુવાનોએ સમકાલીન જ રહેવું પડે છે. એ એમની મજબૂરી છે અને એમનો પ્રિવિલેજ પણ છે. પાંત્રીસ કે પિસ્તાલીસ પ્લસના લોકો પાસે વિકલ્પ છે. શું એમણે કન્ટેમ્પરરી રહેવું છે કે પછી ‘અમારા જમાના’ની વાતોમાં ડૂબેલા રહેવું છે? જૂનાં વર્ષો જેવો સમય હવે નથી રહ્યો એવું કહીને અત્યારના જગતને કોસતી વખતે એટલું જરૂર યાદ રાખજો કે આજે તમે ધારો ત્યાં, ધારો તે ઘડીએ તમારા ફોન પર ફટાફટ ફોટા પાડી શકો છો એવું એ જમાનામાં શક્ય ન હતું. કૅમેરા જ દરેક ઘરમાં નહોતા. અને જેમની પાસે હતા એમણે પણ રોલના ખર્ચા વધી ન જાય એટલે સાચવી સાચવીને એક-એક ફ્રેમ શૂટ કરવી પડતી. પછી રોલને ‘ધોવા’ના ખર્ચા. ડેવલપિંગની સાથે પ્રિન્ટના ખર્ચા. નાની પ્રિન્ટ કઢાવવી કે મોંઘી. અને વખત જતાં એ તસવીરો ફાટી જાય, ઝાંખી પડી જાય, ખોવાઈ જાય એની પાછી ચિંતા.

ગણવા બેસીશું તો આવી હજારો સવલતોની યાદી બનશે. આધુનિક સમયના પ્લસ પોઈન્ટ્સને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણીને નૉસ્ટેલ્જિયમાં ડૂબી રહેવા કરતાં કન્ટેમ્પરરી બનીએ. યુથ તો કન્ટેમ્પરરી છે જ. પણ એમાં પચાસ ટકા જ સત્ય છે. બાકી ૫૦ ટકા સત્ય એ છે કે કોઈ પણ ઉંમરની વ્યક્તિ આજના જમાના સાથે તાલ મિલાવી શકે એમ છે. જમાનો આગળ નથી વધતો, આપણે ત્યાંના ત્યાં ઊભા રહી જઈએ છીએ એટલે પાછળ રહી જઈએ છીએ. સમયનો તો સ્વભાવ જ છે સતત આગળ વધવાનો.
સમયની સાથે તાલ મિલાવવાનો શ્રેષ્ઠ રસ્તો એક જ છે. સમયના વહેણમાં જે વહી ગયું છે એને પાછું પકડવાની કોશિશ કરવાને બદલે સમયની સાથે સાથે જે કંઈ નવું નવું આવે છે એનો આદર કરીએ, એને અપનાવીએ અને એમાંથી આનંદ મેળવીએ. પછી ભલે ને બૅકગ્રાઉન્ડમાં દૂર દૂરથી સંભળાતું રહેઃ ‘વો ભૂલી દાસ્તાં, લો ફિર યાદ આ ગઈ…’

પાન બનાર્સવાલા

એ સૌથી શ્રેષ્ઠ સમય હતો,એ સૌથી ખરાબ જમાનો હતો.એ જમાનો ડહાપણનો હતો. એ ગાળો બેવકૂફીનો હતો. એ શ્રધ્ધાનો યુગ હતો. એ યુગ શંકા-કુશંકાનો હતો. એ પ્રકાશની ઋતુ હતી, એ અંધકારની ઋતુ હતી. એ વખતે ચારેકોર આશા જ આશાની વસંત હતી. એ વખતે સમગ્ર વાતાવરણ નિરાશાની પાનખરથી ઘેરાયેલું હતું…
_ચાર્લ્સ ડિકન્સ(‘અ ટેલ ઑફ ટુ સિટીઝ’માં)

5 COMMENTS

  1. Saurabhbhai
    We miss you in Good Morning column. Of course I don’t agree with all your views but most of your articles were interesting, written after deep thought & reading.
    I don’t understand what went wrong with MS but without you MS is incomplete

  2. Saras,bahu Saras,sache jivan ma jyare pan,je pan,jevi rite pan male tene aavkaro ane teno l anand lyo, viteli kshan karta aaveli pal be mano, nice

  3. Thanks Saurabhbhai, after a long interval you have posted such an amazing artcal. I alo used to think, Saurabhbhai not posted any thing since long, but as you said there are lots of your news prints on this platform which all can read .

  4. खूब सरस. मुंबई समाचार मा तमने miss करिए छिए .=विजय दैया

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here