‘જેણે મને જગાડ્યો એને કેમ કહું કે જાગો?’

તડકભડક : સૌરભશાહ

(‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૧૨ મે ૨૦૧૯)

પ્રાર્થના એ કંઈ યાચના નથી, માગણી નથી એવું ઘણા માને છે. તેઓ સાચા હશે કદાચ. પણ પ્રાર્થના એ ઘણું બધું છે એ ઘણા બધામાં માગણીનો પણ સમાવેશ થઈ જાય. કવિઓ કહેતા ફરે છે કે મંદિરની બહાર માગવા માટે યાચકોની ભીડ લાગી હોય છે એવી જ ભીડ મંદિરની અંદર મૂર્તિની સામે હાથ જોડીને ઊભેલા માગણિયાઓની હોય છે.

ભગવાન પાસે માગવામાં ખોટું શું છે? જગતનો પિતા છે એ. આપણે સૌ એનાં સંતાનો છીએ. દીકરા-દીકરીઓ પોતાના બાપ પાસે નહીં માગે તો કોની પાસે માગશે?(આમેય બેન્કવાળાઓએ આપવાની ના પાડી દીધી છે અને મિત્રો-સગાંઓ પાસેથી જેટલું લેવાય એટલું લઈ લીધું છે એટલે હવે બાકી એક ઉપરવાળો જ બચે છે).

ભગવાન પાસે ઊભા રહીને કે મનોમન એને યાદ કરીને માગવામાં કશું ખોટું નથી. પ્રાર્થનામાં ભગવાનનો આભાર માનીએ, કલ્યાણની ઈચ્છા પ્રગટ કરીએ અને દુનિયામાં સુખશાંતિ સ્થપાય એવી ખ્વાહિશ પ્રગટ કરીએ એની સાથોસાથ આપણું વિશ લિસ્ટ પણ બોલી જઈએ તો સારું જ છે. ભગવાન તો સતત ‘તથાસ્તુ’, ‘તથાસ્તુ’ કહીને આપણા સૌના માથે આશિર્વાદનો હાથ મૂકીને વિહરતો જ રહેતો હોય છે. એની કૃપાથી આપણી કઈ ઈચ્છા ક્યારે પૂરી થઈ જશે કંઈ કહેવાય નહીં. પણ આપણી ઈચ્છાઓ એના સુધી પહોંચાડવી તો પડે જ ને. એ અન્તર્યામી છે, આપણા મનની વાત એ જાણી લે છે એ સાચું પણ આટલા બધા લોકોની ઈચ્છાઓના કોલાહલમાં એને બરાબર ન સંભળાયું કે કંઈક સમજફેર થઈ તો મોડું થઈ જાય કે પછી ઓડનું ચોડ થઈ જાય.

વૈષ્ણવોમાં શ્રીકૃષ્ણના વિવિધ સ્વરૂપ – દ્વારકાધીશ, રણછોડજી, શ્રીનાથજી ઈત્યાદિ-નાં દર્શનનો સમય આઠ ભાગમાં વહેંચી નાખવામાં આવ્યો છે. બહુ ખૂબસૂરત કન્સેપ્ટ છે આ. ભગવાનની સમગ્ર દિનચર્યા એમાં સમાઈ જાય. આ આઠ દર્શન વિશે અનેક ચિંતક-વિચારકોએ પોતપોતાની રીતે મનન કર્યું છે. નાથદ્વારમાં પરોઢિયે અખંડ અને નીરવ શાંતિમાં મંગળાનાં દર્શનનો લહાવો લીધા પછી શ્રીજીબાવાની પ્રેરણાથી જે વિચારોએ ત્રણ અઠવાડિયાંથી દિલદિમાગ પર કબજો જમાવ્યો છે તે આપ સૌની સાથે વહેંચું છું. આઠ દર્શનની ભવ્ય પરંપરાને આધુનિક સમયમાં એક ધર્મભીરુ, આસ્થાળુ ભક્ત કેવી રીતે ઈન્ટરપ્રીટ કરી શકે એની આ એક્‌સરસાઈઝ છે.
પરંપરા મુજબ પ્રથમ દર્શન મંગળાનાં. ઋતુ મુજબ સવારના પાંચ-સાડા પાંચ-છ વાગ્યે આ દર્શન ભક્તો માટે ખુલ્લાં મુકાય એ પહેલાં રાત્રે પોઢી ગયેલા ભગવાનને ઊંઘમાંથી જગાડવામાં આવે. અહીં તર્ક-કુતર્કને સ્થાન નથી, લાગણીનો સવાલ છે. ભગવાન તો ચોવીસે કલાક જાગતા જ હોય છે. પણ આપણે એમને માનવીય સ્વરૂપ આપીએ છીએ જેથી એમની સાથે વધુ નિકટતા મહસૂસ કરી શકીએ. બાકી સુરેશ દલાલે તો મંગળાનાં દર્શન વિશેની કવિતામાં લખ્યું જ છે કેઃ ‘જેણે મને જગાડ્યો એને કેમ કહું જાગો!’

મંગળાનં દર્શનનું આ પરંપરાગત મહાત્મ્ય. આધુનિક સમયના ભક્ત માટે આ દર્શન ભગવાન સમક્ષ પોતાની ઈચ્છા કે ઈચ્છાઓ વ્યક્ત કરવાનો અવસર છે. મનમાં જે કંઈ ઈચ્છાઓ જન્મી, મનોમન જ એને ચાળી, ગાળી (કે પછી વિરાટ બનાવી) અને ભગવાન સમક્ષ રજૂ કરી.

મંગળાનાં દર્શનના દોઢેક કલાક પછી શૃંગારનાં દર્શન થાય. ભગવાન નહાઈ ધોઈને તૈયાર. મંગળામાં નાઈટ ડ્રેસમાં જોયેલા શ્રીજીબાવા સજીધજીને જોવા મળે. આ સેકન્ડ દર્શનમાં ઈચ્છાઓ જે હવે આશા બની ગઈ છે તે ભગવાન સમક્ષ મૂકાય છે. મનમાં ઈચ્છા જન્મે છે તે વખત જતાં આશામાં પરિણમે છે, જે મેળવવું છે તે મળશે એવી આશામાં.

ત્રીજા દર્શન ગ્વાલનાં. ભગવાન નહાઈ ધોઈને પોતાના કામે લાગે છે, ગાયો ચરાવવા જાય છે. આશાઓ હવે સપનાં બની ગઈ છે. આશાઓને આપણે કલ્પનામાં સાકાર થતી જોઈ રહ્યા છીએ. ઈચ્છાઓ જાણે હવે નક્કર સ્વરૂપમાં દેખાવા માંડી છે. પણ છે તો હજુ કલ્પના જ.

ચોથા દર્શન રાજભોગનાં. ભગવાનનો લંચ ટાઈમ. આપણે એલ્યુમિનિયમના લંચ બોક્સમાં વહેલી સવારે ઊઠીને પત્નીએ વણેલી ચાર રોટલી અને તેલ નીતારીને મૂકેલા શાકનો જમણવાર કરીએ. ભગવાનજીનું કામકાજ જરાક વિસ્તૃત હોય – સ્વાભાવિક છે. એમણે આપણા કરતાં વધારે કામ કરવાનું છે. આપણે રોજે રોજ છપ્પન ભોગ કરીએ તો બીજા જ અઠવાડિયે હોસ્પિટલ ભેગા થઈ જઈએ. રાજભોગનાં દર્શન વખતે હાથ જોડીને ઊભેલા ભક્તના મનમાં સર્જાયેલાં સપનાંઓએ યોજનાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. પ્લાનિંગ થઈ ચૂક્યું છે કે આ સપનાંઓ પૂરાં કેવી રીતે કરવાં છે. આપણા પ્લાનિંગ પર આપણને પૂરો ભરોસો છે (ભગવાનને છે કે નહીં એ તો ભગવાન જ જાણે). આ પ્લાનિંગના પાયામાં ઈચ્છા હતી એ પણ ઘડીભર ભૂલી જઈએ છીએ. દરેક ઈચ્છાને આશા ન બનવા દેવાય, દરેક આશાનું સપનું ન બનવા દેવાય અને દરેક સપનાંને પ્લાનિંગમાં પરિવર્તિત ન કરાય એવું હજુ સુધી આપણને કોઈએ કહ્યું નથી. એ અનુભવ યોગ્ય સમયે થશે. ત્યાં સુધી ભલે કાગળ પર નકશાઓ દોરાતા.

પાંચમાં દર્શન ઉત્થાનનાં. ભગવાન જમીકરીને આડે પડખે થઈ, વામકુક્ષી કરીને પાછા કાર્યરત થયા છે. આપણે જે યોજનાઓ બનાવી છે એ હજુ સુધી ફળીભૂત કેમ નથી થતી એવી ફરિયાદો થઈ રહી છે. આને છાપરું ફાડીને આપ્યું, પેલાને ત્યાં લક્ષ્મી ચાંલ્લો કરવા ગઈ પણ મારું છાપરું હજુય અકબંધ કેમ અને કપાળ કોરું કેમ એવી ફરિયાદો ભગવાનને થઈ રહી છે. ભગવાન શું કહે છે એ સાંભળવાનું મન નથી. બસ, જીદ છે – આપ, આપ અને આપ. હમણાં જ આપ. બધાને આપ્યું છે એના કરતાં વધારે આપ.

છઠ્ઠાં દર્શનને ભોગનો સમય કહેવાય. સાંજે સૂતાં પહેલાં લાઈટ નાસ્તાપાણી અથવા તો વાળુ કહો એને. અંગ્રેજીમાં સપર.( ભગવાન દિવસમાં એક જ વાર હેવી મીલ કરે – લંચ સમયે. ડિનર સ્કિપ કરે. એટલે જ એ ફિટ રહે છે અને આપણે ફાંદ હલાવતાં હલાવતાં ટ્રેડ મિલ પર દોડવું પડે છે). ફરિયાદો ભગવાનને સંભળાઈ નથી અથવા તો ભગવાન સાંભળવા છતાં આપણને ઈગ્નોર કરે છે એટલે આ છઠ્ઠાં દર્શન વખતે આપણે ભગવાન સાથે ઝગડો કરી બેસીએ છીએ: તું તો મારું કશું સાંભળતો જ નથી, હવે હું પણ તારું નહીં સાંભળું. તને મારામાં શ્રદ્ધા નથી તો જા, મને પણ તારામાં શ્રદ્ધા નથી એવું વિચારીને નક્કી કરી નાખીએ છીએ કે હવે કોઈ દિવસ તારા ઘરે નહીં આવું. ભૂખે મરીશ પણ તારી આગળ હાથ નહીં ફેલાવું. તને કી’ધું એ જ મારી સૌથી મોટી ભૂલ થઈ. હવે તને કહ્યા વગર જ મારી રીતે મારી બધી ઈચ્છાઓને, આશાઓને, મારાં સપનાંઓને અને પ્લાનિંગને હું મારી રીતે અમલમાં મૂકીશ, મને તારી કોઈ જ જરૂર નથી.

સાતમાં દર્શન એટલે આરતી. ઘીના દીવાના અજવાસમાં દિમાગમાં બત્તી થાય છે કે મેં આ શું કરી નાખ્યું? ભગવાન સાથે ઝગડો કરી નાખ્યો? એનાથી રિસાઈ ગયા આપણે? ભૂલ સમજાય છે. કાં તું નહીં કાં હું નહીં એવી જીદમાં ઊતરીને ભગવાન સાથે ઝગડો કરીને બાંયો ચડાવીને ખરાખરીનો ખેલ રમતાં સમજાય છે કે છેવટે તો ‘હું નહીં’વાળી જ પરિસ્થિતિ આપણી હોય છે. એ તો અવિનાશી છે. આ સમજ આવતાં જ મનમાં શરણાગતિનો ભાવ પ્રગટે છે. તારું ધાર્યું જ કર પ્રભુ, કારણ કે જે કંઈ થાય છે અને થવાનું છે તે બધું તારું જ ધારેલું છે એવા ભાવ સાથે આપણે સંપૂર્ણ સમજના આવિષ્કારથી શરણાગતિ સ્વીકારી લઈએ છીએ. ઈચ્છાઓ, આશાઓ, સપનાંઓના વળગણમાંથી છૂટી જઈએ છીએ. આપણી કલ્પનાના પ્લાનિંગને અમલમાં મૂકવાની કોઈ જીદ નથી, કોઈ ફરિયાદ નથી, ઝગડાને તો લેશમાત્ર અવકાશ નથી. પૂરેપૂરા ભગવાનના શરણમાં છીએ.
દિવસના આઠમા અને છેલ્લાં દર્શન શયનના. ભગવાન પોઢી જવાની તૈયારીમાં છે(શ્રીનાથદ્વારમાં ચૈત્ર સુદ એકમથી આસો સુદ નોમ સુધીના ગાળામાં સાત જ દર્શન થાય, શયનનાં દર્શન ન થાય. શ્રીજીબાવા આ દિવસોમાં સૂવા માટે વૃંદાવન જતા હોય છે એટલે). શયનનાં દર્શન વખતે તો મન સાવ કોરું બની જતું હોય છે. કોઈ ભાવ નથી, કોઈ વિચાર નથી. મન નિર્વિચાર છે, ભાવરહિત છે. શરણાગતિનો ભાવ પણ નથી કારણ કે મન હવે દરેક ભાવ-અભાવથી મુક્ત બની ગયું છે. શયનનાં દર્શન કરીને આપણે પણ કોઈ ભાવ વિના, ભાર વિના જાણે આકાશમાં વાદળોની પથારી પર જઈને સૂઈ ગયા હોઈએ એટલા હળવાફુલ થઈ જઈએ છીએ.
ભગવાનનાં આ આઠ દર્શનનો એક દિવસ જાણે એક આખા જન્મારાનો ફેરો છે.

પાન બનાર્સવાલા

જેણે મને જગાડ્યો છે એને કેમ કહું કે જાગો?
મારો તારી સાથ પ્રભુ હે જનમ જનમનો લાગો.

પંખીના ટહુકાથી મારા જાગી ઉઠ્યા કાન,
આંખોમાં તો સુર-કિરણનું રમતું રહે તોફાન,
તમે મારા શ્વાસ શ્વાસમાં થઈ વાંસળી વાગો,
મારો તારી સાથ પ્રભુ હે જનમ જનમનો લાગો.

ગઈ રાત તો વીતી ગઈ ને સવારની આ સુષ્મા,
વહેતી રહે છે હવા એમાં ભળી તમારી ઉષ્મા,
મારા પ્રિયતમ પ્રભુ મને નહીં અળગો આઘો,
મારો તારી સાથ પ્રભુ હે જનમ જનમનો લાગો.

_સુરેશ દલાલ

9 COMMENTS

  1. Saurabh bhai Welcome back. After long gap saw something from your side. Look forward more writing from your side. Not many bold people exists in Journalism like you.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here