રેલવે રાજુમાંથી રાજુ ગાઈડની સફર

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

માલગુડી સ્ટેશનની રખેવાળી કરતા લોખંડના મોટા સળિયા વચ્ચેથી નાનકડો રાજુ પ્લેટફૉર્મમાં ઘૂસી ગયો ત્યાં જ ઍન્જિન અને એની પાછળના રેલના ડબ્બાનો પ્રવેશ થયો. પ્લેટફૉર્મ પર મેજ પાથરીને મિજબાનીની વાનગીઓ ગોઠવવામાં આવી હતી. વારાફરતી દરેક મહાનુભાવે ઊભા થઈને પ્રાસંગિક પ્રવચનો કર્યાં, સૌએ નાસ્તાપાણી કર્યા. બધાએ તાળીઓ પાડી. બૅન્ડ ફરી ગાજી ઊઠ્યું. ઍન્જિનની વ્હિસલ વાગી, પ્લેટફૉર્મ પર ડંકા વાગ્યા, ગાર્ડે પણ સિસોટી વગાડી. નાસ્તો કરી રહેલા મહાનુભાવો ટ્રેનમાં ગોઠવાઈ ગયા. રાજુ પણ ટ્રેનમાં ચડી જવા માગતો હતો, પણ પોલીસ બંદોબસ્ત ભારે હતો. ધીમે ધીમે ટ્રેન ઓઝલ થઈ ગઈ અને સ્ટેશનની બહાર જમા થયેલી ભીડને પ્લેટફૉર્મ પર પ્રવેશ મળ્યો. એ દિવસે રાજુના પિતાની દુકાનમાં રેકૉર્ડ વકરો થયો.

ધંધો વધતો ગયો. પિતાએ મોટા ગામથી ખરીદી માટે આવવા-જવા માટે એક ટાંગો ખરીદી લીધો. માની ના હતી. આપણને ના પોસાય. ખોટી પળોજણ, પણ પિતા સમૃદ્ધિનાં સપનાં જોતા થઈ ગયેલા, પણ છેવટે પિતાને ટાંગાનો નિભાવ ખર્ચ ભારે પડ્યો. ઘોડાની દેખભાળ માટે જેને રાખ્યો હતો એ જ માણસ લુચ્ચાઈ કરીને સાવ સસ્તામાં ઘોડો અને ગાડી – બેઉ પડાવી ગયો. ભલું થયું ભાંગી જંજાળ.

પિતાને પ્લેટફૉર્મ પર એક દુકાન રેલવેવાળાઓએ ચલાવવા આપી. સિમેન્ટની પાકી દુકાન હતી. માએ ટોણો માર્યો કે હવે તો તમે મોટરગાડી જ લઈ લેજો. પિતા મોટે ગામ જઈને ખૂબ બધો માલ લાવતા થયા. વખત જતાં પિતાએ આ નવી દુકાન ચલાવવાની જવાબદારી રાજુને સોંપી દીધી, પોતે જૂની-છાપરી જેવી-દુકાને બેસી રહેતા. માલગુડી સ્ટેશનેથી રોજ બે ટ્રેનો પસાર થતી. બપોરે મદ્રાસથી આવતી અને સાંજે ત્રિચીથી આવતી. રાજુએ દુકાન સંભાળી લીધી એમાં એની સ્કૂલ છૂટી ગઈ. દુકાનમાં માલસામાન વેચવાની સાથે ફાજલ ટાઈમમાં રાજુ પસ્તીમાંથી છાપાં-મૅગેઝિનો-પુસ્તકો તારવીને વાંચતો રહેતો.

કાળક્રમે પિતા ગુજરી ગયા. બચત હતી. માનું ગુજરાન સુખેથી ચાલે એમ હતું. રાજુને એની કોઈ ચિંતા નહોતી. રાજુએ પેલી ઝૂંપડી જેવી દુકાન આટોપી આખો દિવસ સ્ટેશનની દુકાને જ રહેતો. રાજુને લોકો સાથે વાતો કરવાની મઝા આવતી. માલગુડીમાં સ્કૂલ ઉપરાંત આલ્બર્ટ મિશન કૉલેજ પણ ખુલી ગઈ હતી. કૉલેજમાં આવતા વિદ્યાર્થીઓ રાજુની દુકાન પાસે ઊભા રહીને ટ્રેનની રાહ જોતા. રાજુએ નાળિયેર-સંતરાનાં સ્થાને કિતાબો વેચવાનું કામકાજ શરૂ કર્યું. રાજુ ઘણી વખત આ પુસ્તકોની અવનવી દુનિયામાં ખોવાઈ જતો.

હવે એ ‘રેલવે રાજુ’ના નામે ગામમાં ઓળખાતો હતો. અજાણ્યા લોકો આવીને એને પૂછી જતા કે કઈ ટ્રેન કેટલા વાગ્યે આવશે. ટ્રેનમાંથી ઊતરતા મુસાફરો રાજુની દુકાને આવીને સોડા કે સિગારેટ માગતા અને પુસ્તકો પર નજર ફેરવતાં પૃચ્છા કરતા: ફલાણી જગ્યા અહીંથી કેટલી દૂર છે, ઢીંકણા સ્થળે જવું હોય તો કેવી રીતે જવાય? ક્યારેક કોઈ પૂછતું કે અહીં કોઈ જોવા જેવી જગ્યા ખરી? કોઈ પ્રાચીન, ઐતિહાસિક સ્થળ? સરયુ નદી માલગુડીથી પસાર થાય છે, પણ એ નદીનું ઉદ્ગમસ્થાન કયાં? બહુ રમણીય જગ્યા હશે ને એ?

મને ખબર નથી – એવું કહેવાનું રાજુના સ્વભાવમાં જ નહોતું. જો એને એવું કહેતાં આવડતું હોત કે, ‘મને ખબર નથી કે તમે શું કહી રહ્યા છો’ તો રાજુની જિંદગીએ કોઈક જુદો જ વળાંક લઈ લીધો હોત, પણ એને બદલે રાજુ કહેતો, ‘અરે હા, બહુ જ મસ્ત જગ્યા છે. તમે જોઈ નથી? ટાઈમ કાઢીને જવા જેવું છે. નહીં જાઓ તો સમજો કે માલગુડીનો ફેરો ફોગટ ગયો.’

રાજુ કોઈને છેતરવા માટે જુઠ્ઠું નહોતો બોલતો, લોકોને ખુશ કરવા આવું બોલતો હતો. ઘણા લોકો રાજુને ત્યાં જવાનો રસ્તો પૂછતા.

‘એક કામ કરો, પેલા રસ્તે ચાલ્યા જાઓ, ત્યાં બજાર ચોક આવશે અને ત્યાંના કોઈપણ ટૅક્સીવાળાને પૂછજો, લઈ જશે,’ રાજુ જવાબ આપતો, પણ બધા મુસાફરોને આ જવાબથી સંતોષ થતો નહીં. કેટલાક એને બજાર સુધી આવીને રસ્તો દેખાડવાનું કહેતા, કેટલાક ટૅક્સી અપાવવાની વિનંતી કરતા.

સ્ટેશન પર એક પોર્ટર હતો. એનો એક દીકરો હતો. રાજુ એ છોકરાને દુકાન સોંપીને મુસાફરોને ટૅક્સી અપાવવામાં મદદ કરતો. બજારના ફુવારા પાસે ગફૂર નામનો એક ટૅક્સીવાળો ઊભો રહેતો. રાજુ કહેતો, ‘ગફૂર, આ મારા મિત્ર છે, એમને અમુકતમુક જગ્યા જોવી છે…’ ભાવતાલ કરીને ટૅક્સી નક્કી થતી. મુસાફરને જે ભાવે જવું હોય તે જ ભાવે રકઝક કરીને રાજુ ગફૂરને મનાવી લેતો, પણ મુસાફર જો ગફૂરની ઠાઠિયુ ગાડીની હાલત જોઈને ફરિયાદ કરે તો, રાજુ ગફૂરનો પક્ષ લઈને કહેતો, ‘તમારે જ્યાં જવાનું છે ત્યાં ઘણે ઠેકાણે તો રસ્તા પણ નથી. આ જ ગાડી તમને છેક સુધી લઈ જશે.’

રાજુને નવાઈ લાગતી કે લોકો પણ કેવા કેવા હોય છે. ઘરનાં સુખસગવડ છોડીને પ્રવાસે નીકળી પડે છે અને ખાવાપીવાની, રહેવાની, સૂવાની તમામ અગવડો વેઠીને સેંકડો માઈલ દૂર જઈને નવું નવું જોવાની હોંશ રાખે છે. જોકે, રાજુ કંઈ બોલતો નહીં, પણ વિચાર્યા કરતો જરૂર કે સરયુ નદી પોતે પહાડોમાં ઊછળતી કૂદતી સામેથી છેક તમારા ગામ સુધી તમને મળવા આવી ગઈ હોય તો એને જોવા માટે છેક એના ઉદ્ગમ-સ્થાન સુધી લાંબા થવાની શું જરૂર છે!

રેલવે રાજુમાંથી રાજુ ગાઈડ બનવાનું આ પહેલું પગથિયું હતું.

આજનો વિચાર

યા-રબ, ઝમાના મુઝ કો
મિટાતા હૈ કિસ લિયે,

લૌહ-એ-જહાં પે
હર્ફ-એ-મુકર્રર નહીં હૂં મૈં.

– ગાલિબ

(હે ભગવાન, આ દુનિયા શું કામ મારી હસ્તી મિટાવવાના ફાંફા મારે છે. આ જગતની કિતાબ પર લખાયેલો હું એવો અક્ષર છું જે ફરી ક્યારેય લખાવાનો નથી).

એક મિનિટ!

બસ, અનુપ જલોટા વિશેની આ છેલ્લી જોક:

બકો: યાર, આ અનુપજીએ તો બહુ તકલીફ કરી નાખી.

પકો: કેમ?

બકો: કોઈ યંગ છોકરી આપણને ઉંમર પૂછે તો આપણી સાચેસાચી ઉંમર કહી દેવાની કે પછી વીસ-ત્રીસ વર્ષ ઉમેરીને કહેવાની?

( મુંબઇ સમાચાર : શનિવાર, 22 સપ્ટેમ્બર 2018)

3 COMMENTS

  1. ‘ડેઈલી નોવેલ’ નો નવો કોન્સેપ્ટ. અદભુત નવલકથા ની સરળ રજુઆત. ખુબ આનંદ થાય છે, વાંચીને. જાણે નજર સામે આ ઘટના આકાર લઇ રહી છે. માલગુડી ગામ કાલ્પનિક છે તો પણ જાણે ખરેખર ક્યાંક છે , અને ત્યાં જવાની ઈચ્છા થાય છે. ફિલ્મમાં નવલકથા નો એક ભાગ લીધો હોય તેમ લાગે છે.

  2. People like stories to hear and like to get themselves in dreaming of nature. Your story takes us there.adbhoot…

  3. કથાની સળંગસૂત્રતા જાળવી રાખજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here