રાજુ ગાઈડના ક્લાયન્ટો

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

ગાઈડ તરીકે રાજુમાં ગજબની કોઠાસૂઝ હતી. ટ્રેન હજુ માલગુડી સ્ટેશનના આઉટર સિગ્નલ પર હોય ને રાજુને ગંધ આવી જતી કે એમાંથી પોતાને લાયક કોઈ ટૂરિસ્ટ ઊતરશે કે નહીં. દેશમાં કેટલાક લોકો કઈ જમીન નીચેથી પાણી નીકળશે અને ક્યાં કૂવો ખોદવો જોઈએ એવી કોઠાસૂઝ ધરાવતા હોય છે. રાજુમાં આવી જ કોઈ છઠ્ઠી ઈન્દ્રિય હતી જે એને કહી દેતી કે એણે આવી રહેલી ટ્રેનના કયા ડબ્બા પાસે ઊભા રહેવું જોઈએ. એવું નહોતું કે એ મુસાફરના ગળામાં લટકતા દૂરબીન કે ખભા પર લટકતા કૅમેરા પરથી પારખી જતો કે આ પેસેન્જર ટૂરિસ્ટ છે કે નહીં. એના વગર પણ એને ગંધ આવી જતી. અને જો ઍન્જિન પ્લેટફોર્મ પર પ્રવેશતું દેખાય છતાં રાજુ જો ઍન્જિન જે દિશામાં જઈ રહ્યું હોય તે દિશા ભણી ચાલી જતો દેખાય તો સમજી લેવાનું કે આ ટ્રેનમાંથી કોઈ ટૂરિસ્ટ નહીં ઊતરે. પહેલાં રાજુને લાગતું કે એને ગાઈડ બનવાનો શોખ છે અને એનો ધંધો દુકાન ચલાવવાનો છે, પણ હવે એને લાગતું હતું કે ગાઈડ તરીકે એ પ્રોફેશનલ બની ગયો છે, દુકાન એનો સાઈડ બિઝનેસ છે.

કોઈ ટૂરિસ્ટ ન આવે ત્યારે પણ રાજુ દુકાન સંભાળવાને બદલે બજારમાં ફુવારાની પાળી પર બેસીને ટૅક્સી ડ્રાઈવર ગફૂર સાથે ગપ્પાં મારતો રહેતો.

રાજુને હવે ખબર પડી ગઈ હતી કે કેટલા પ્રકારના ટૂરિસ્ટો હોય છે. રાજુ જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવતો. કેટલાક ટૂરિસ્ટોને ફોટા પાડ્યા કરવાની બહુ હોંશ હોય. સામે દેખાતું દરેક દૃશ્ય કૅમેરાના વ્યૂ ફાઈન્ડરમાંથી જ જોવાનું. ટ્રેનમાં ઊતરતાં વેંત, હજુ હમાલ આવીને એમનો સામાન ઊંચકે એ પહેલાં પૂછે: આ ગામમાં કૅમેરાનો રોલ ધોઈ આપે એવી કોઈ દુકાન છે?

‘છે ને. માલગુડી ફોટો બ્યૂરો. આ ઈલાકાની સૌથી મોટી…’

‘મારી પાસે ફિલ્મના રોલ તો પૂરતા છે, પણ જો ખૂટી જાય તો અહીંથી મને સુપર પેન્ક્રો થ્રી-કાર મળે ખરા?’

‘સાહેબ, એ જ તો એની સ્પેશ્યાલિટી છે,’ રાજુ એના ક્લાયન્ટને ધરપત આપતો. ટૂરિસ્ટ પૂછે કે અહીં જોવા જેવું શું શું છે તો રાજુ એનો તરત જવાબ ન આપતો, પહેલાં એ ટૂરિસ્ટને ચકાસતો એવી પાસે કેટલા દિવસ છે, વાપરવા માટે કેટલા પૈસા છે. માલગુડી અને એની આસપાસના વિસ્તારોમાં રાજુ કોેઈ પણ ટૂરિસ્ટને બધી જોવા જેવી જગ્યાઓનો ઝડપથી આંટો મરાવી શકતો અને ધારે તો દરેક જગ્યાએ લઈ જઈને કલાકો સુધી ત્યાં ટૂરિસ્ટને ફેરવી શકતો જેમાં કુલ મળીને આખું અઠવાડિયું વીતી જતું. ટૂરિસ્ટ પાસે ગજવામાં કેટલા પૈસા છે એના પર રાજુના માલગુડી-દર્શનના કાર્યક્રમની લંબાઈનો આધાર રહેતો.

ટૂરિસ્ટની આર્થિક સધ્ધરતા માપવાના ઘણા રસ્તા હતા. ટ્રેનમાંથી એ ઊતરે ત્યારે રાજુ એના બેગબિસ્તરાની હાલત જોતો, કેટલો સામાન સાથે છે એની મનોમન નોંધ લેતો, સામાન ઊંચકવા માટે એ મજૂર કરે છે કે નહીં. આંખના પલકારામાં આ બધું જ રાજુના મનમાં નોંધાઈ જતું. હૉટેલ પર જવા માટે એ ચાલી નાખે છે, ટૅક્સી કરે છે કે પછી ટાંગાવાળા સાથે ભાવની રકઝક કરવામાં સમય વેડફે છે. કઈ હૉટેલ પસંદ કરે છે. હૉટેલમાં કયા પ્રકારનો રૂમ રાખે છે. કોઈ કોઈ ટુરિસ્ટ સાધારણ હૉટેલમાં જઈને ધર્મશાળાના રૂમ જેવી ડોર્મિટેરીમાં રહેવાનું પસંદ કરીને કહે છે કે, ‘આપણે તો ખાલી સૂવા માટે અહીં આવવાનું છે. માત્ર એક પથારીની જરૂર છે. આખો દિવસ તો બહાર રખડવાનું છે પછી ખાલી ફોગટ પૈસા શું કામ વેડફવાના, નહીં?’

‘બિલકુલ, બરાબર. એકદમ સાચી વાત’ 2ાજુ કહેતો. પણ ‘પહેલાં આપણે શું જોવા જઈશું?’ એવા સવાલનો જવાબ રાજુ હજુય આપતો નહીં. રાજુ માનતો કે ટુરિસ્ટ ટે્રનમાંથી ઊતરે પછી મુસાફરીનો થાક દૂર કરીને ફ્રેશ થાય, કપડાં બદલે, ઈડલી-કૉફીનો નાસ્તો કરે પછી જ એનો કાર્યક્રમ નક્કી કરવાનો. ટૂરિસ્ટ જો રાજુને પણ નાસ્તાની ઑફર કરે તો સમજવાનું કે એ બીજાઓ કરતાં ઉદાર છે, પણ હજુ વધારે ગાઢસંબંધો થાય તે પહેલાં નાસ્તાની ઑફર સ્વીકારી લેવાની નહીં. થોડી દોસ્તી થઈ ગયા પછી રાજુ પૂછતો, ‘માલગુડીમાં તમે કેટલા દિવસ રોકાવાનું ધારો છો?

‘બહુ બહુ તો ત્રણ દિવસ. શું લાગે છે આટલા વખતમાં બધું કવર થઈ જશે?’

‘બિલકુલ થઈ જશે. જોકે, એનો આધાર તમને ક્યાં ક્યાં જવામાં રસ છે એના પર છે.’

માલગુડીમાં જોવા જેવું બધું જ હતું. ઐતિહાસિક સ્થળો હતાં, કુદરતી સૌંદર્યના નઝારા હતા, તીર્થસ્થળો હતા, હાઈડ્રોઈલેક્ટ્રિક વકર્સ અને ડૅમ જેવાં આધુનિક સમયની સાક્ષી આપતા સ્થળો પણ હતા. ટુરિસ્ટના મિજાજ મુજબ રાજુ એમને ધોધ જોવા લઈ જતો, બારે બાર મંદિરોની યાત્રા કરાવીને એ દરેક મંદિરના કુંડમાં સ્નાન પણ કરાવતો અને કોઈને રસ પડે તો ખંડેરો જોવા પણ લઈ જતો.

રાજુને ખબર પડી ગઈ હતી કે દરેક ટૂરિસ્ટ બીજાઓ કરતાં કંઈક અલગ ખાસિયત ધરાવવાનો છે. જેમ ખાવાપીવામાં દરેકની જુદી જુદી રુચિ હોય એવું જ પર્યટકોમાં રહેવાનું. રાજુ દરેકના ટેસ્ટનો ખ્યાલ રાખતો. જો કોઈ જાણકાર ટૂરિસ્ટનો ભેટો થઈ જાય તો પોતે રચેલા મનઘડંત ઈતિહાસની વિગતો ભરડવાને બદલે ટૂરિસ્ટને બોલવા દેતો. ગાઈડ સમક્ષ પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરવામાં ટૂરિસ્ટને પણ આનંદ આવતો. અને કાંઈ એવો ભોટ જિજ્ઞાસુ ભટકાઈ જાય તો રાજુ નૉનસ્ટોપ બોલી બોલીને એને પ્રભાવિત કરી દેતો. અને ક્યારેક એને કંટાળો આવતો તો કહી દેતો, ‘આ ખંડેર કંઈ પ્રાચીન નથી. વીસ વરસ પહેલાં એક ઈમારત તૂટી ગઈ હતી એને લોકો પ્રાચીન સ્મારક તરીકે ઓળખે છે, આગળ ચાલો…’

આ રીતે દિવસો પસાર થતા હતા ત્યાં એક દિવસ મદ્રાસથી માલગુડી આવેલા ટૂરિસ્ટ દંપતીમાંથી ખૂબસુરત સ્ત્રીએ આવતાવેંત જ રાજુને પૂછ્યું હતું: ‘અહીં કોઈ સપેરાની વસતિ છે? મારે કિંગ કોબ્રાને જોવો છે જે બિન વગાડતાની સાથે જ એની ધૂન પર ડોલવા માંડે, નૃત્યુ કરે.’

આજનો વિચાર

ખેંચતી ઘૂમરાતી પળ વચ્ચે જીવ્યો,
હું જ પોતાનાં વમળ વચ્ચે જીવ્યો.

– મનોજ ખંડેરિયા

એક મિનિટ!

કેબીસીમાં મોદીએ બચ્ચનજીને કહ્યું: મૈં ફોન અ ફ્રેન્ડ કરના ચાહૂંગા…

બચ્ચન: ક્યા કરતે હૈં આપ કે મિત્ર.

મોદી: ભાજપ કો ઈલેક્શનમેં જીતાતે હૈ.

બચ્ચન: કમ્પ્યુટરજી, અમિત શાહ કો…

મોદી: રુકિયે મૈં રાહુલ કી બાત કરતા થા!

( મુંબઇ સમાચાર : મંગળવાર, 25 સપ્ટેમ્બર 2018)

4 COMMENTS

  1. રાજુ ની કમનસીબી કે એ જમાના માં બેંકમાં જોઇન્ટ એકાઉન્ટ નહોતું
    અને
    આપણા નસીબમાં સદીની શ્રેષ્ઠ અધ્યાત્મિક ફિલ્મ મળી.
    આભાર ગોલ્ડી……

  2. માલગુડીની ગાડી હવે ધીરે ધીરે પાટા પર આવેછે.

  3. I have read this book more than once. Wonderful book and great adaptation by Vijay Anand to make film.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here