દરેક માણસને પોતાના કર્મમાંથી આનંદ આવવો જોઈએ: મોરારિબાપુ

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 27 ડિસેમ્બર 2018)

ટાઢ એટલી છે અયોધ્યામાં કે સવારે કથામાં જવા નીકળીએ ત્યારે વાત કરતી વખતે મોઢામાંથી ‘ધુમાડા’ નીકળે! ઠંડીમાં વરાળ થઈને થીજી જતી શ્વાસની હવા બર્ફીલા હિલ સ્ટેશનો પર માણી હોય. પણ આ થથરાવતી ઠંડી કથામંડપમાં ઉષ્મામાં ફેરવાઈ જાય અને પૂજ્ય મોરારિબાપુની વાણી શરૂ થાય ત્યારે તો એ હૂંફમાં પરિવર્તન પામે.

ક્યાં ક્યાંથી લોકો કથાશ્રવણ માટે આવે છે. એક 19 વર્ષીય ટીનેજર એના 25 વર્ષના દોસ્તાર સાથે છેક પંજાબથી, નવી નવી નોકરીમાં દસ દિવસની રજા લઈને અયોધ્યા આવે છે. એક વિનોદકુમાર સપત્નીક કાઠમંડુથી આવ્યા છે. અમારા જેવાઓ મુંબઈથી, અને ગુજરાત તથા દેશભરમાંથી રામભક્તો પધાર્યા છે – બાપુની કથા સાંભળવા. સ્થાનિકોમાં તો જબરો ઉત્સાહ છે. રામકથાના શ્રવણ માટે તો તેઓ હોંશથી ઊમટી પડે જ છે, કથાના અન્ય શ્રોતાઓની સગવડો સાચવી લેવા માટે સદા તત્પર હોય છે. નાનીમોટી ચીજ વેચનારા ફેરિયાઓ, દુકાનદારો, હોટલ-રેંકડીવાળાઓ કે રિક્શા-ટેક્સીવાળા સૌ કોઈ જય સિયારામ સાથે અભિવાદન કરીને પોતાના માલસામાન કે સેવાના બદલામાં એક રૂપિયો વધારાનો માગતા નથી, આપો તો લેતાય નથી. કનકભવનની ઐતિહાસિક જગ્યાએ ભોજનની થાળીમાં ગાયનું દેશી ઘી ચોપડેલી ગરમાગરમ રોટલીઓ આગ્રહ કરી કરીને પીરસ્યા કરે, સાથે બે અતિ સ્વાદિષ્ટ શાક,દાળ-ભાત વગેરે પેટ ભરીને જમાડે અને પછી અમને કહે: આજે બરાબર જમ્યા નહીં આપ! બિલ ચૂકવીએ ત્યારે ખબર પડે કે એ અનલિમિટેડ થાળીના માત્ર રૂપિયા 60 (સાઠ). કોણ કહે છે કે ભારતમાં મોંઘવારી વધી ગઈ છે? મુંબઈની એસી રેસ્ટોરાંમાં તો આટલાનો ખાલી પાપડ આવે. અને એય શેકેલો. ફ્રાઈડ મગાવો તો નેવું અને મસાલા પાપડ ખાવો હોય તો સવાસો. એક છોટુ અમારા માટે પાણીની બાટલીઓનું ભારેખમ બૉક્સ ઊંચકીને ઉપરના માળે આપવા આવ્યો તો મેં પાકિટમાંથી વીસની નોટ કાઢીને એને આપવા માંડી. એ કહે: ‘નીચે તમારા જે મિત્રે મોકલ્યું છે એણે ઑલરેડી દસ રૂપિયા દીધા છે.’ આવું કોઈ કહે? મેં એને ધરાર વીસની નોટ આપી. બીજા પણ વીસ આપવા જોઈતા હતા. કોણ કહે છે કે ભારતમાં સાદગી નથી, વિવેક નથી, પ્રામાણિકતા અને સજ્જનતા નથી? આપણામાં ના હોય એટલે શું બીજા બધામાંય ના હોય? જરા ઘરની બહાર નીકળીને જોઈએ તો ખરા.

ઉદારતા પણ ભરપૂર છે. બાપુએ ગણિકાઓની તબીબી સારવાર માટે ફંડ ઊભું કરવાની ઘોષણા કરતાં પ્રથમ 11 લાખની રકમ પોતાની નોંધાવી એ પછી કુલ આંકડો કૂદકે ને ભૂસકે વધીને આજે 4 કરોડ 38 લાખને આંબી ગયો છે એવી જાહેરાત થઈ. કથામાં હાજરી આપનારાઓ માટે તો મંડપમાં જ ડોનેશન ક્સ છે પણ બહારગામના તેમ જ પરદેશના દાતાઓ માટે હજુ સુધી કોઈ વ્યવસ્થા જાહેર નહોતી થઈ જે આજે માઈક પરથી કરવામાં આવી.

એક બહુ મોટું કામ બાપુ દ્વારા થઈ રહ્યું છે જેમાં એશિયાનું સૌથી જૂનું અખબાર ‘મુંબઈ સમાચાર’ પણ આડકતરી રીતે મદદરૂપ થઈ રહ્યું છે જેનો અહીં સૌ કોઈને આનંદ છે.

કથારંભે બાપુએ કહ્યું કે શબ્દકોશમાં ગણિકાના અનેક અર્થ છે જેમાંના એક અર્થના પાયામાં ‘ગણના’ છે. એક એવી સ્ત્રી જે તમારી સાથેના સંસર્ગ દ્વારા પામી જાય કે તમે કેટલી ગણનામાં છો, (માણસ તરીકેની) તમારી હેસિયત શું છે, તમારી ઔકાત કેટલી છે.

બીજી એક માહિતી બાપુએ આપી: દક્ષિણ ભારતના વિજયનગર રાજ્યના સમ્રાટ ધર્મદેવે એક ગણિકાને પત્નીનું સ્થાન આપ્યું હતું. એમના પુત્ર-પુત્રીઓને ગણિકાઓ સંગીત શીખવતી, સંસ્કાર આપતી. દરબારમાં શાસ્ત્રાર્થ વખતે ચૂક થતી તો એ ભૂલને ગણિકાઓ સુધારી શકતી એટલી તેઓ પ્રજ્ઞાવાન પણ હતી. વિજયનગર રાજ્યમાં ગણિકાનગર વસાવવામાં આવ્યું હતું અને સમગ્ર રાજ્યમાં ગણિકાઓને બહુ મોટો દરજ્જો આપવામાં આવ્યો હતો. એમના ચાલવા માટે ખાસ માર્ગ બનાવવામાં આવતા જેના પર કોઈ ઐરાગેરાની અવરજવર વર્જ્ય હતી. બાપુ કહે છે: વેદોં તક ઈનકા ઉલ્લેખ હૈ.

એક પ્રાચીન કથા છે, બાપુ વાત માંડે છે: એક યુવક ઋષિના આશ્રમમાં અભ્યાસ માટે ગયો. ઋષિએ એને શિષ્ય બનાવતાં પહેલાં એનું ગોત્ર પૂછ્યું. યુવક કહે કે મને ખબર નથી. ઋષિએ કહ્યું, જા તારા ઘરે જઈને જાણી લાવ. યુવક ઘરે ગયો. માતાને પૂછ્યું. માતાએ કહ્યું કે: મને પણ ખબર નથી કે તારું ગોત્ર કયું છે કારણ કે મેં તો કંઈ કેટલાય મહાપુરુષોની સેવા કરી છે. મેં સેવેલા પુરુષોમાંથી તારો પિતા કોણ હશે એની મને ખબર નથી. યુવકે આ વાત ઋષિ પાસે આવીને કહી. ઋષિ યુવકની માતાની નિર્ભિકતા પર વારી ગયા. ઋષિએ કહ્યું કે તારી માતાનું નામ શું? યુવકે કહ્યું: જાબાલ. ઋષિએ કહ્યું કે આજથી તારું ગોત્ર તારી માતાના નામથી ઓળખાશે. યુવકનું નામ સત્યકામ, જે પાછળથી સત્યકામ જાબાલ તરીકે જાણીતો થયો.

આ વાર્તા સંભળાવવા પાછળનો બાપુનો હેતુ સત્યના ઉચ્ચારણનો મહિમા કરવાનો છે તેની હવે તમને ખબર પડે છે. બાપુ કહે છે કે અસત્યની રક્ષા આપણે કરવી પડે છે જ્યારે સત્ય આપણી રક્ષા કરે છે. અસત્ય હોય ત્યારે કેટકેટલી પળોજણ હોય- આ તર્ક લડાવું, આ સાવધાની રાખું, આ પ્રમાણ લાવું, આનો આધાર લઉં, અસત્યની રક્ષા કરવાની જવાબદારી આપણી બની જાય છે. સત્ય આપણી રક્ષા કરવાની જવાબદારી નિભાવે છે.

બાપુ કહે છે કે એક યુવકે પ્રશ્ન કર્યો છે કે તમે વાલ્મીકિ રામાયણનું પ્રમાણ આપીને ગણિકાનું મહાત્મ્ય ગાયું, શું તુલસી રામાયણમાં ગણિકાનું મહિમાગાન થયું છે? બાપુ કહે છે: કેમ નહીં, ઠેર ઠેર થયું છે, તમે અભ્યાસ તો કરો, માનસમાં ડૂબકી તો લગાવો, પોતાની મેળે ઉત્તરો મળતા થશે. રામચરિતમાનસમાં ઉત્તરકાંડમાં જ્યારે રામનો રાજ્યાભિષેક થઈ રહ્યો છે ત્યારે ગોસ્વામીજી લખે છે:
નભ દુંદુભિ બાજહિં વિપુલ ગંધર્વ કિન્નર ગાવહીં
નાચહીં અપછરા વૃંદ પરમાનંદ સુર મુનિ પાવહીં.

દેવગણિકાઓ નર્તન કરી રહી છે. કિન્નર ગંધર્વ ગાન કરી રહ્યા છે. વિપુલ માત્રામાં દુંદુભિ વાગી રહ્યાં છે. આ નૃત્યને જોઈને બે સમાજ પરમાનંદનો અનુભવ કરી રહ્યા છે. આમાંથી એક સમાજ છે સુર સમાજ, બીજો છે મુનિ સમાજ. પરમાનંદ સુર મુનિ પાવહીં-એવું લખ્યું છે. આનંદ, પરમાનંદ અને બ્રહ્માનંદ-ત્રણ પ્રકાર છે. એક અર્થમાં, આનંદને જોડી શકાય , બાપુ કહે છે આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે, નવો શબ્દ બનાવી શકાય -કર્માનંદ. આપણને આપણા કર્મથી આનંદ મળવો જોઈએ. એક લેખકને એની લેખિનીથી આનંદ આવવો જોઈએ. કવિતાના સર્જકને સર્જનથી આનંદ મળવો જોઈએ. ગાયકને ગાવામાંથી આનંદ મળવો જોઈએ. આદમી કો અપને કર્મ કા આનંદ આના ચાહિયે ક્યોંકિ હમ કર્મ કે બિના એક ક્ષણ ભી જી નહીં સકતે ઐસા ગીતાકાર કા શાશ્વત વચન હૈ. એક કિસાન કો ખેતી કરને કા આનંદ આના ચાહિયે. એક બહન-બેટી કો રસોઈ કા આનંદ આના ચાહિયે- કરે તો! ફાસ્ટ ફૂડના જગતમાં-કરે તો!

કર્માનંદ. માનસમાં ક્રાંતિકારી સૂત્રો ઠેર ઠેર છે. અમે કથા ગાઈએ છીએ તો અમને કથા ગાવાનો આનંદ આવવો જોઈએ. જેને તુલસી સ્વાન્ત: સુખાય કહે છે. જે વ્યક્તિને પોતાનામાંથી આનંદ નથી મળતો એનું મન ક્યારેય સ્થિર નથી હોતું. વિવિધ ઉપકરણોથી આનંદ મેળવવાની કોશિશ કરતાં રહીશું તો ઉપકરણ નહીં હોય ત્યારે આનંદ ખંડિત થઈ જશે. મને જો ખીર ખાવામાંથી આનંદ મળતો હોય ને મને ખીર કોઈ નહીં આપે તો મારો આનંદ ખંડિત થઈ જશે. ઉપકરણોના આધારે મળતો આનંદ અખંડ નથી હોતો, ખંડિત થઈ જતો હોય છે. જેને પોતાનામાંથી આનંદ મળતો થઈ જાય છે તેનું મન સ્થિર થઈ જાય છે એવું ગોસ્વામી કહે છે: નિજ સુખ બિનુ મન હોઈ કિ થીરા. પરસ કિ હોઈ બિહિન સમીરા. કેટલો વૈજ્ઞાનિક સૂત્રપાત છે. (થીરા એટલે સ્થિર, પરસ એટલે સ્પર્શ). જેમ પવન ન હોય તો કોઈ કોઈને સ્પર્શ નહીં કરી શકે. એમ માણસને જો પોતાનો આનંદ ન હોય તો એનું મન સ્થિર ન થઈ શકે. આનંદ અને સુખની વ્યાખ્યાઓ જુદી જુદી છે પણ અહીં ગોસ્વામી સ્વાન્ત: સુખની વાત કરે છે ત્યારે એ બેઉને જોડી દઈએ. કર્માનંદ.

નાટ્યશાસ્ત્રના રચયિતા ભરતમુનિએ આપેલા ગણિકાના પર્યાય શબ્દો વર્ણવીને બાપુ કહે છે કે બૌદ્ધ ધર્મશાસ્ત્રમાં, જૈન ધર્મશાસ્ત્રમાં, ઈસાઈ પરંપરામાં-દરેક ઠેકાણે ગણિકાઓના માનભેર ઉલ્લેખો થયા છે. અહીં બાપુ સાંઈરામ દવે રચિત એક હૃદયસ્પર્શી કવિતાનું પઠન કરે છે:

કિસીને મેરી રુહ કે છાલે નહીં દેખે
મૈં વો કમરા હૂં જિસને ઉજાલે નહીં દેખે
બડે બડે નામ હૈ, ઓહદે હૈ જિનકે શહર મેં
મેરે કમરે ને તો ઈજ્જતવાલે નહીં દેખે
અપની અપની પ્યાસ લે કે રોજ આતે લોગ
કિસી કે હાથોંમેં નિવાલે નહીં દેખે
કૈદ હૂં મૈં ઝરૂરત-એ-જિસ્મ કી આંધી મેં
પૂજારી દેખે હૈ, શિવાલય નહીં દેખે
હાથ મેરા થામ કર કમરે સે નિકાલે
મૈંને ઐસે દિલવાલે નહીં દેખે
શરાબ કમ પડી તો મુઝે પી ગયે થે લોગ
યહાં કભી કિસીને ખાલી પ્યાલે નહીં દેખે

બાપુ કહે છે કે બહાર તો બહુ ગરમાગરમ ચર્ચાઓ થઈ રહી છે (આ રામકથા ‘માનસ : ગણિકા’ વિશે) પણ અયોધ્યામાં તો કેટલી શાંતિ છે! સાધુસંતોના આશીર્વાદ છે, બહેનબેટીઓ પણ આવી છે. કોઈ મને પૂછે છે કે બાપુ, તમે જ્યાં ગયા હતા ત્યાં જ (કામાઠીપુરામાં) જઈને કથા કેમ નથી કરતા. હું કહું છું કે ત્યાં જગ્યા નથી, તમે લોકોએ જ રહેવા દીધી નથી!

બાપુની આ ચાબૂકના સોળ તથાકથિતોની પીઠ પર યુગો સુધી રહેવાના.

બાપુ કહે છે: કોઈએ મને પૂછ્યું છે કે તમે લોકસભામાં ચૂંટાઈને જાઓ તો શાસક પક્ષમાં બેસો કે વિપક્ષમાં? બાપુ બુલંદ અવાજે બોલે છે: હું કોઈ પક્ષમાં બેસવાને બદલે મારી વ્યાસપીઠ લગાવીને રામકથા સંભળાવીશ, પણ જે લોકો રામનામથી ડરે છે એમની સાથે બેસાય કેવી રીતે. સૂરસમ્રાજ્ઞી લતાજી રાજ્યસભામાં નોમિનેટ થયાં પછી ત્યાં ગૃહમાં હાજરી નહોતા આપતાં ત્યારે કોઈએ પૂછ્યું તો એમણે કહ્યું: બેસૂરાઓની સાથે કેવી રીતે બેસાય? બાપુ કહે: દેશમાં રામરાજ્ય આવ્યું કે નહીં એની ખબર નથી પણ રામકથારાજ્ય જરૂર આવી ગયું છે. અહીં અવધમાં તો ગલીએ ગલીએ રામકથા થાય છે. (બાપુની વાત સાચી છે. અમારા ઉતારાના વિસ્તારમાં ગઈકાલ સાંજથી આજ વહેલી પરોઢ સુધી રામચરિત માનસનો અખંડ પાઠ થઈ રહ્યો હતો જેની ચોપાઈઓ અને તબલાં-હાર્મોનિયમના સૂર અમને ઊંઘમાં પણ કથામંડપમાં જ હોઈએ એવો આનંદ આપતા હતા).

બાપુ આજે આનંદ-વિનોદના મૂડમાં છે. ખૂબ હળવાફૂલ કરી નાખ્યા બધાને. બાપુ કહે: કોઈએ મને પ્રશ્ન પૂછ્યો છે: બાપુ, તમે તમારા હાથે ચા બનાવો છો? બાપુ જવાબમાં કહે: બિલકુલ બનાવું છું. કૈલાસ-માનસરોવરની કથા વખતે પણ ત્યાં બનાવી હતી. ચા બનાવવામાં તો માણસ ક્યાંથી ક્યાં પહોંચી જતો હોય છે!

બાપુને પોતાના જીવનમાં આવેલા શત્રુઓ વિશે લખવાનું કહેવામાં આવ્યું એ સંદર્ભમાં બાપુ કહે: આ દુનિયામાં મારો કોઈ મિત્ર નથી. અને એનો ફાયદો એ છે કે મારે કોઈ શત્રુ પણ નથી! ગીતામાં કહ્યું છે કે માણસ પોતે જ પોતાનો મિત્ર છે, પોતે જ પોતાનો શત્રુ છે.

રામકથામાં આજે રામજન્મ થયો છે. અયોધ્યાની કથામાં બાપુ રામજન્મની ચોપાઈઓ અને દોહાઓ જે ઉમંગથી ગાતા હોય તે રૂબરૂ જોવાનો-સાંભળવાનો લહાવો મળી રહ્યો છે. કથાએ આજે બપોરે બે વાગ્યા પછી વિરામ લીધો. શ્રોતાઓને જાણે બોનસ મળી ગયું. પણ અમને હંમેશાં નવાઈ લાગી છે: બાપુ ચાર-પાંચ કલાક સુધી પાણીનું એક ટીપું પીધા વિના કેવી રીતે બુલંદ અવાજે કથા ગાઈ શકે છે. પલાંઠી મારીને કલાકો સુધી એક આસને કેવી રીતે બેસી શકે છે. આપણે તો ખાલી સાંભળવાનું છે તોય અડધો કલાક-કલાક થાય અને પલાંઠી ખોલીએ, પગ લાંબા કરીએ, પાછા વાળીએ. પાણીનો ઘૂંટડો પી લઈએ. બાપુ પાસે ઘણું ઘણું શીખવાનું છે. શરૂઆત અહીંથી તો કરીએ.

5 COMMENTS

  1. Jyotsna Shah, London

    પૂ.બાપુની પ્રત્યેક રામકથા સમાજમાં એક નવી ચેતના પ્રગટાવે છે. સમાજ જેના પ્રતિ સૂગ સેવે છે એવી ઉપેક્ષિત ગણિકાઓની ગણના થાય અને એમની વ્યથાને વાચા મળે, પીડાને શીતળ મલમનો લેપ થાય તથા સમાજમાં સ્થાન મળે એ માટેના સંગીન પગલાં સમી આ “માનસ ગણિકા” કથા માટે શબ્દો ઝાંખા પડે છે. સાચે જ બાપુના હ્દયમાં, મસ્તિષ્કમાં અને વાણીમાં સાક્ષાત્ મા સરસ્વતિનો વાસ છે. એમના મુખેથી નીકળતી વાણી ભલભલાને ભીંજવી દે છે. સૌરભભાઇનો લેખ અમને લંડનમાં બેઠાં બેઠાં અયોધ્યના કથા મંડપમાં લઇ જાય છે. આ શુભ કાર્ય માટે અભિનંદન. બાપુને કોટી કોટી વંદન.

  2. આજે ૨૭/૧૨/૧૮ ની કથા માં સૌરભભાઈ ને કરતાલ લઈને આનંદ થી નાચતા જોવા નો લહાવો અનેરો હતો . અભિનંદન સૌરભભાઈ।

  3. પરમ પૂજ્ય મોરારીબાપુને હૃદયથી વંદન. અમે નોકરીમાંથી સમય કાઢીને કથા સાંભળી શકતા નથી પણ સૌરભભાઈ આપના લેખ વાંચીને ખુબજ આનંદ મળે છે, મન પ્રફુલ્લિત થાય છે.
    બાપુ “માનસ ગણિકા” પર કેટલી અદ્ભૂત વાત કરતા હશે તેની આપનાં લેખ પરથી પ્રતીતિ થાય છે. સમાજનાં એક તિરસ્કૃત વર્ગને નજરમાં રાખીને જે કૃતિ થઇ રહી છે તેની પ્રશંસા કરીએ તે માટે શબ્દો જ ન હોય શકે, બાપુની આ કથાને “ગણિકા” ના જીર્ણોદ્ધાર તરીકે ઇતિહાસ ઓળખશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
    ધન્ય એ ધરા, ધન્ય એ ગગન… જય સિયારામ

    • બાપુ, આપના પ્રત્યુત્તર બદલ આપનો ખૂબ ખૂબ આભાર સહ વંદન. બાપુ “કર્મ એજ ભક્તિ” ને ચરિતાર્થ કરવા સદા પ્રયત્નશીલ રહીશ, એજ વચન સહ આપને પુનઃ પુનઃ વંદન… જય સિયારામ

  4. પૂજનીય બાપુને વંદન. આપનો પણ આભાર. રીતસર ગુડ મોર્નિંગ આવે એની રાહ જોવી પડે અને સડસડાટ આખો લેખ વંચાઈ જાય, પછી પાછો વાંચવાનો. પછી એ લેખના બાપુના વિચારો કરતાં કરતાં ઊંઘવાની કોશિશ કરવાની. આ હમણાં નો નિત્યક્રમ બની ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here