સારી નવલકથા, જબરજસ્ત ફિલ્મ

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

સારી નવલકથા કે સારા પુસ્તક પરથી સારી ફિલ્મ બને છે ત્યારે સોનામાં સુગંધ ઉમેરાય છે, ઝવેરી બજારમાં અત્તરનું ટેન્કર ઢોળાવાની ઘટના સર્જાય છે.

મારિયો પુઝોની ‘ગૉડફાધર’ (1972) કે ફ્રેડરિક ફોસીથની ‘ધ ડે ઑફ ધ જેકલ’ (1973) કે પછી બોરિસ પાસ્તરનાકની ‘ડૉ. ઝિવાગો’ (1965) પરથી અનુક્રમે ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા કે ફ્રેડ ઝાઈનમૅન કે ડૅવિડ લીન ફિલ્મ બનાવે છે ત્યારે મૂળ નવલકથા વાંચી હોય એવા દર્શકોને પણ સંતોષ થાય છે, ન વાંચી હોય એવા દર્શકોને તો જલસા પડે જ છે.

એ જ રીતે રિડલી સ્કૉટ ‘અમેરિકન ગૅન્ગસ્ટર’ (2007) ફ્લ્મિ ‘ન્યુ યૉર્ક’ મૅગેઝિનમાં છપાયેલા માર્ક જૅકબસનના લેખ પરથી લખાયેલા પુસ્તક ‘ધ રિટર્ન ઑફ સુપરફ્લાય’ પરથી ડેવલપ કરી. સ્ટીવન સ્પીલબર્ગે ઑસ્ટ્રેલિયન લેખક થોમસ કેનેલીએ લખેલી સત્યઘટના પર આધારિત નવલકથા ‘શિન્ડલર્સ આર્ક’ પરથી ‘શિન્ડલર્સ લિસ્ટ’ (1993) બનાવી. તો ક ક્લિન્ટ ઈસ્ટવુડે જ્હોન કાલિનના પુસ્તક ‘પ્લેયિંગ ધ એનિમી: નેલ્સન મન્ડેલા ઍન્ડ ધ ગેમ ધૅટ મેઈડ ધ નૅશન’ પુસ્તક પરથી ‘ઈન્વિક્ટસ’ (2009) બનાવી.

નવલકથા પરથી એટલે કે ફિક્શન પરથી કે પછી સત્યઘટનાને બયાન કરતા પુસ્તક પરથી એટલે કે નૉન-ફિક્શન પરથી ફિલ્મ બનાવવાનું કામ કપરું છું. એઝ ઈટ ઈઝ નવલકથા લખવાનું, નૉન-ફિક્શન લખવાનું તેમ જ ફિલ્મ બનાવવાનું કામ કપરું જ હોય છે. પણ સારી ફિક્શન કે સારી નૉન-ફિક્શન પરથી સારી ફિલ્મ બનાવવાનું કામ વધારે કપરું બની જતું હોય છે. આ પુસ્તકો ઑલરેડી બેસ્ટ સેલર બની ચૂક્યાં હોય છે. લાખો કે કરોડો વાચકો સુધી પહોંચી ચૂક્યાં હોય છે. જેમણે ન વાંચ્યા હોય એમને પણ આ પુસ્તકની લોકપ્રિયતા-ગુણવત્તા વિશે જાણકારી તો હોય છે જ. આટલા બધા લોકોની કસોટીમાં પોતાની ફિલ્મ પાર ઊતરશે કે કેમ એવી અગ્નિપરીક્ષા જેવી ફીલિંગ ડાયરેક્ટરને તેમ જ એની સાથે મળીને સ્ક્રીન પ્લે લખનારાઓને રહેવાની. ફિલ્મ બન્યા પછી જો એને મૂળ પુસ્તકના વાચકોએ પણ વખાણી તો માની લેવું કે એ બૉક્સ ઑફિસ પર ટંકશાળ પાડશે. ક્યારેક એવું પણ બનતું હોય છે, ક્યારેક નહીં ઘણીવાર એવું બનતું હોય છે કે, ઑરિજિનલ નૉવેલ બેમિસાલ હોય પણ એનું ફિલ્મ વર્ઝન તદ્દન કંગાળ હોય. આઈન રૅન્ડની 1943માં લખાયેલી નવલકથા ‘ધ ફાઉન્ટનહેડ’ આજની તારીખેય દરેક કૉલેજિયને વાંચ્યા પછી જ દુનિયાની રીતરસમોમાં પગ મૂકવો પડે એટલી રિલેવન્ટ છે. પણ 1949માં વૉર્નર બ્રધર્સે બેસ્ટ સેલર થઈ ચૂકેલી આ નૉવેલ પરથી ફિલ્મ બનાવી તે કેટલી કચરપટ્ટી હતી એ જોવા તમારે યુ ટ્યુબ પર આંટો મારવો પડે. ફિલ્મ રિલીઝ થઈ ત્યારે દરેક રિવ્યુઅરે એને ઝાડી નાખી હતી. ફ્લ્મિ 25 લાખ ડૉલરમાં બની અને એણે કમાણી કરી 21 લાખની. એ પછી બે-ત્રણ મશહૂર ડિરેક્ટરોએ ‘ધ ફાઉન્ટનહેડ’ પરથી ફિલ્મ બનાવવાના પ્રોજેક્ટ તૈયાર કર્યા. આ વર્ષે પણ હૉલિવુડમાં એના પર ફરી એકવાર કામ શરૂ થયું છે. પણ 1949ના ધબડકા પછી હજુ સુધી આ જબરજસ્ત નવલકથા પરથી ફિલ્મ બની શકી નથી. નસીબ.

ફિલ્મો વિશેનું ગજબનું જ્ઞાન ધરાવતા અમૃત ગંગરે તો પુસ્તક પરથી ફિલ્મો બની હોય એવી 17 ગુજરાતી – હિન્દી – બંગાળી – અંગ્રેજી નવલકથા/ ફિલ્મો વિશે એક આખું દળદાર (પોણા ચારસો પાનાનું) પુસ્તક લખ્યું છે – ‘રૂપાંતર’. આ પુસ્તક ‘સરસ્વતીચંદ્ર’ અને ‘માનવીની ભવાઈ’થી માંડીને ‘દેવદાસ’, ‘ઉસ કી રોટી’ અને એક અંગ્રેજી નવલકથા ‘ઍનિમી ઑફ ધ પીપલ’ વિશે વિગતે વાત કરી છે. હાલાંકિ આમાંની મોટાભાગની ફિલ્મો આમ દર્શક સુધી પહોંચીને વખાણાય એવી નહોતી એ જુદી વાત છે. ગુજરાતીમાં ધ્રુવ ભટ્ટની નવલકથા ‘તત્ત્વમસિ’ પરથી બનેલી ‘રેવા’ પણ એ જ કૅટેગરીની ફિલ્મ હતી – ચાર જણામાં વખણાઈને સંતોષ પામે એવી.

આપણને જોેકે રસ છે સ્તરીય વત્તા પૉપ્યુલર – આ કસોટીમાં ખરી ઊતરી હોય એવી નવલકથા પરથી બનેલી સ્તરીય વત્તા પૉપ્યુલર હોય એવી ફિલ્મ સાથે. આવી ઘણી બધી હિંદી-અંગ્રેજી ફિલ્મો બની છે (ના, એવી ગુજરાતી બનવાની હજુ બાકી છે). આ બધી ફિલ્મોની સડસડાટ યાદી આપી દેવાનો કોઈ અર્થ નથી. એમાંથી માત્ર એક જ ફિલ્મ લઈને જોઈશું કે મૂળ નવલકથામાંથી શું શું બાદ કર્યા પછી પણ ફિલ્મ સરસ બની.

આવી એક જ ફિલ્મ/ નવલકથા વિશે વાત કરવાની છે. કઈ હશે. ગેસ કરો!

આજનો વિચાર

ઐસી લાગી લગન… સબ કો હો ગઈ જલન!

– 65 વર્ષીય અનુપ જલોટાની 28 વર્ષીય પ્રેમિકા વિશે વૉટ્સએપ પર વાંચેલું.

એક મિનિટ!

લશ્કરી અધિકારી: સરપંચ સાહેબ, તમે કહો છો કે તમારા ગામમાં 500ની વસતિ છે પણ અમે તો અત્યાર સુધીમાં અહીંથી 2,000 લોકોને પૂરના પાણીમાંથી હૅલિકોપ્ટર વડે ઉગાર્યા છે. આવું કેવી રીતે બને?

સરપંચ: સાહેબ, એ લોકો મફતની હૅલિકોપ્ટર રાઈડ માટે પાછા આવીને પાણીમાં કૂદે છે.

( મુંબઇ સમાચાર : બુધવાર, 19 સપ્ટેમ્બર 2018)

7 COMMENTS

  1. ચિત્રલેખમાં આવતી એક કોલમ દુનિયાના ઊંધા ચશ્મા પરથી અત્યારે છેલ્લા 10 વર્ષથી સતત ચાલી રહેલી સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મા પણ ખૂબજ સફળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here