ન્યુઝ અને બુફે સમારંભ

ગુડ મોર્નિંગ

સૌરભ શાહ

શ્રેયસ ઐય્યર ઈન્ડિયન ક્રિકેટ ટીમનો રાઈટહૅન્ડ પ્લેયર છે. શ્રેયસ નવોસવો ટીમમાં દાખલ થયો ત્યારે મહેન્દ્રસિંહ ધોનીએ એને એક સલાહ આપી હતી. ધોનીની આ સલાહ માત્ર ક્રિકેટર માટે જ નથી, આપણા સૌના માટે હોઈ શકે છે.

ધોનીએ શ્રેયસ ઐય્યરને કહ્યું હતું: ‘છાપાં વાંચતો નહીં અને સોશ્યલ મિડિયાથી દૂર રહેજે.’ ૨૩ વર્ષના શ્રેયસે સિનિયર ક્રિકેટરની આ સલાહ ગાંઠે બાંધી લીધી. ધોનીએ એને ન્યુઝપેપર્સ નહીં વાંચવાનું કહ્યું હતું. આપણે એમાં ન્યુઝ ચેનલ્સ પણ ઉમેરીએ.

જે કોઈ વ્યક્તિએ જિંદગીમાં નક્કર કામો કરવાના હોય એણે મિડિયા અને સોશ્યલ મિડિયાથી દૂર રહેવું જોઈએ અને આમાં છાપા-ટીવી ચેનલોના પત્રકારોનો પણ સમાવેશ થઈ જાય છે.

ચોંકવાની જરૂર નથી. રોજેરોજના ન્યુઝની બહાર પણ ઘણી મોટી દુનિયા છે. મિડિયા-સોશ્યલ મિડિયાથી દૂર રહેવું એટલે એનાથી સાવ દૂર થઈ જવું એવું નહીં. તમારી આસપાસ શું બની રહ્યું છે એનાથી તમારે વાકેફ રહેવું જોઈએ. તમારા વ્યવસાય અને કામકાજના ક્ષેત્રને ધ્યાનમાં રાખીને મિડિયાનું એક્ઝપોઝર રાખવું જોઈએ. ટીવીની ન્યુઝ ચેનલો કે છાપાઓમાં કામ કરતા પત્રકારોએ બીજા વ્યવસાયના લોકો કરતાં થોડું એક્સપોઝર વધારે રાખવું પડે, પરંતુ પત્રકારોએ પણ સારે ગાંવની ફિકર કરીને દુબલે કાજી થઈ જવાની જરૂર નથી હોતી.

ન્યુઝના ઈમ્પોર્ટન્સ વિશે અથવા તો કહો કે ન્યુઝના અતિરેક અને ઈર્રિલેવન્સ વિશે છેલ્લા થોડા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી ચર્ચા થઈ રહી છે. આપણે ત્યાં છૂટુંછવાયું લખાય છે એ વિશે પણ સઘન ચર્ચાનું મુહૂર્ત હજુ નીકળ્યું નથી. આ લેખ પૂરતું આપણે મિડિયામાં જ સોશ્યલ મિડિયાનો સમાવેશ કરી લઈએ, સગવડ પૂરતું.

હું માનું છું કે રોજેરોજ મિડિયા દ્વારા આપણા પર સમાચારોનો મારો થાય છે એમાંથી ૯૯ ટકા ન્યુઝ આપણા માટે બિલકુલ કામના નથી હોતા, આપણા કામકાજ માટે આપણી જિંદગી માટે બિલકુલ નિરૂપયોગી હોય છે. બાકી રહેલા એક ટકા ન્યુઝમાં ધારો કે ૧૦૦ આયટમો હોય તો એમાંની ૯૦ આયટમો આપણે ન જોઈએ કે ન વાંચીએ તો આરામથી ચાલે – આપણને ભલે એમ લાગે કે એ ૯૦ ન્યુઝ આયટમો આપણા જીવન સાથે કે આપણા કામકાજ સાથે સંકળાયેલી છે તો પણ એના તરફ લક્ષ્ય ન આપીએ તો બિલકુલ ચાલે. બાકી રહેલી દસ જેટલી ન્યુઝ આયટમો આપણા માટે કામની કે ઉપયોગી કહેવાય. રોજેરોજ છાપાં-ટીવીની ન્યુઝ ચેનલો દ્વારા આપણા સુધી પહોંચવા માગતા સમાચારોમાંથી એક ટકા કરતાં પણ ઓછા (એ એક ટકાના દસમાં ભાગ જેટલા જ) સમાચારો આપણા માટે ખરેખર કામના છે એવું હું પ્રામાણિકપણે માનું છું, મિડિયામાં ચાળીસ વર્ષ સુધી કામ કરવાના અનુભવને કારણે માનું છું, આવતા ૪૦ વર્ષ આ જ ક્ષેત્રમાં ગાળવાનો છું તે નિશ્ર્ચિત છે, છતાં માનું છું.

મિડિયાની દખલગીરી આપણા જીવનમાં વધતી જાય છે એનું એક મોટું કારણ છે ટૅક્નોલોજિ. મરાઠા અનામત આંદોલનને કારણે મુંબઈ બંધ હોય તેનાથી લુધિયાણા કે ગુવાહાટીમાં રહેતા નાગરિકોને શું આપદા પડવાની છે? દેશમાં કોઈક ખૂણે ચોરી, લૂંટફાટ કે ખૂન-બળાત્કાર થતા હોય તો એમાં તમે શું કરી શકો? ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા કે ચીન કે નૉર્થ કોરિયા સામે કેવી રીતે બીહેવ કરે છે એ જાણીને આપણામાંથી કેટલા લોકોની જિંદગી પર અસર પડવાની છે? આવા તો અગણિત દાખલાઓ આપી શકાય.

છાપાં અને ન્યુઝ ચેનલો શ્રીમંત કુટુંબમાં થતા લગ્ન સમારંભોના બુફે જેવાં છે. મોટા માણસોને ત્યાં બુફે પ્રસંગે દસ અલગ અલગ પ્રકારના વિભાગો હોય. એક વિભાગમાં ચાઈનીઝ વાનગીઓમાં કાઉન્ટર્સ હોય. બીજા વિભાગમાં મેક્સિકન, ત્રીજામાં કૉન્ટિનેન્ટલ, ચોથામાં પંજાબી, પાંચમામાં ચાટ આયટમ્સ, છઠ્ઠામાં દેશી ગુજરાતી, સાતમા-આઠમા-નવમા-દસમામાં તમે કલ્પના કરી લો. હવે તો ડિઝર્ટ માટે પણ એકાદ બે કાઉન્ટરને બદલે એક આખો અલગ વિભાગ હોય છે જેમાં નહીં નહીં તોય ઠંડી ગરમ એવી કુલ બે ત્રણ ડઝન મીઠી વાનગીઓનો રસથાળ હોય.

આવા બુફેમાં જઈને આપણે જે ભૂલ કરતા હોઈએ છીએ એ જ ભૂલ છાપાં વાંચતી વખતે, ટીવીની ન્યુઝ ચેનલો જોતી વખતે કરીએ છીએ. મને જો સાઉથ ઈન્ડિયન ફૂડ ભાવતું હોય તો મારે એ જ વિભાગમાં જઈને રસમ, મિનિ ડોસા, કાંચીપુરમ ઈડલી વગેરે ટ્રાય કરીને પેટ ભરી લેવું જોઈએ. મારી રુચિ ગુજરાતી ભોજનની હોય તો મારે ઊંધિયું, પુરી, કઢી-ભાત, ખાંડવી, શીરો વગેરેથી પેટ ભરવું જોઈએ.

પણ આપણે કરીએ છીએ શું? પતંગિયાની જેમ કે ભમરાની જેમ કે મધમાખીની જેમ દરેક ફૂલ પર બેસીને એનો રસ ચાખવાની લાલચ રાખીએ છીએ. થોડુંક અહીંથી, થોડુંક ત્યાંથી, પેલું કાઉન્ટર તો રહી જ ગયું, ત્યાં ગિરદી છે તો કંઈક સારું બનતું હશે એવી એવી કલ્પના કરીને પેટમાં ઠાંસતા જઈએ છીએ પછી ત્રણ દિવસ સુધી પેટ ખરાબ કરીએ છીએ. લગ્ન સમારંભોના બુફેમાં જઈને થતી આવી વર્તણૂક આપણું ત્રણ દિવસ માટે જ પેટ બગાડે છે. છાપાં – ન્યુઝ ચેનલો સાથે રાખવામાં આવતી આવી એટિટ્યુડ રોજેરોજ આપણું દિમાગ ખરાબ કરતી રહે છે – જિંદગીભર.

વધુ કાલે.

આજનો વિચાર

જીવન કી પહેલી કો બૂઝને મત જાના,
નહીંં તો કુછ ઉલટા-સીધા હો જાગેયા.
જીવન કો જીઓ,
સમગ્રતા સે જીઓ,
પૂર્ણતા સે જીઓ,
સાક્ષીભાવ સે જીઓ,
હોશ સે જીઓ,
ઔર તલ્લીનતા સે.

– ઑશો રજનીશ

એક મિનિટ!

બકો: ગઈ કાલે મેં એક પુસ્તક જોયું: ‘જીવનની ૫૦ ટકા સમસ્યાઓને દૂર કરવાની કળા.’

પકો: અચ્છા? પછી?

બકો: પછી શું? બે નકલ ખરીદી લીધી!

5 COMMENTS

  1. “Shekhu, tumne hamare muhki baat chhin li”. This is what Akbar (Prithviraj K.) tells Salim (Dilip K.) when he was about to ask Anarkali (Madhubala) to dance in the darbaar on the day of Krishna Janma in one scene in Mughal-E-Azam.
    These were my thoughts too.
    Very well articulated, Saurabhbhai.
    Also, I am glad that you have decided to live for about 100 years and continue this wonderful writing profession.
    I stopped newspaper subscriptions few years back. I spend not more than 10-15 minutes reading online news. I prefer reading some featured articles and of course books.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here