રોજિંદા જીવનનું વ્યાકરણ

તડકભડક : સૌરભ શાહ

(‘સંદેશ’ , ’સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૨૬ જાન્યુઆરી ૨૦૨૦)

મથાળું સ્વ. નગીનદાસ પારેખ નામના સુવિખ્યાત ગાંધીવાદી વિદ્વાને ગાંધીજી વિશે લખેલા એક યાદગાર લેખના શીર્ષકને શોભાવે છે. એ લેખને અહીં લખાનારા લખાણ સાથે માત્ર શીર્ષકસંબંધ છે. આટલી સ્પષ્ટતા અને સૌજન્ય સ્વીકાર.

ચોવીસ કલાકમાંથી છથી આઠ કલાકની ઊંઘને બાદ કર્યા પછીનો ગાળો માણસની જાગ્રત અવસ્થાનો સમય. સવાલ એ છે કે આ સોળથી અઢાર કલાક દરમ્યાન માણસ ખરેખર જાગતો હોય છે? જિંદગીની જે એક સેટ પેટર્ન બની ગઈ, એનું જે એક નિશ્ચિત વ્યાકરણ ગોઠવાઈ ગયું તે આપણી ધારણા કે ઈચ્છા મુજબનું છે? માણસો પચાસ, સાઠ કે પંચોતેર વર્ષના થાય ત્યારે જિંદગીનાં લેખાંજોખાં કરતા હોય છે. આવા વનપ્રવેશ, ષષ્ટિપૂર્તિ કે અમૃત મહોત્સવની રાહ જોયા વિના કે સાદીસીધી વર્ષગાંઠની પણ રાહ જોયા વિના વીતેલી આખી જિંદગી પર નહીં, માત્ર વીતી ગયેલા ગઈકાલના એક દિવસ પર દૃષ્ટિક્ષેપ કરીએ તો શું દેખાશે? આ સાત વાત:

એક: ગઈકાલના આખા દિવસ દરમ્યાન હું જે નથી તે બીજાને બતાવવામાં મારી કેટલી ક્ષણો ગઈ. આંખ બંધ કરીને મગજ પરની તાણ ઓછી કરે એવું વાતાવરણ રચીને વિચારવાથી બધું યાદ આવશે. આવું કરવું જરૂરી હતું? ન કર્યું હોત તો ક્યા ક્યા ગેરફાયદા થયા હોત? કર્યું એને કારણે શું ફાયદો થઈ ગયો? આ એકએક પ્રશ્નાર્થ પર રોકાઈને જવાબ મેળવવો. જવાબ કોઈનેય લખીને આપવાનો નથી એવી ખબર છે એટલે એ સાચો જ હોવાનો.

બે: ગઈ કાલે મારા મનમાં જે કંઈ હતું તે બીજાની સામે (અને મારી પોતાની સામે) છુપાવવામાં મારે કેટલી મહેનત કરવી પડી? હું ખુલ્લો ન પડી જઉં એ માટે મેં ક્યાં, ક્યારે, કેવા અને કેટલા પ્રયત્નો કર્યા? જોકે હવે ટેવ પડી ગઈ છે એટલે સભાન પ્રયત્નો કર્યા વગર આપોઆપ, એક ઈન્સ્ટિંક્‌ટરૂપે, જાતની અસલિયત છુપાવી શકાય છે. નવોદિત ગુનેગાર રીઢો બની જાય ત્યારે એના માટે ગુનો સ્વભાવ સાથે વણાઈ જાય, એણે કોઈ વિશેષ પ્રયત્નો કરવાના રહેતા નથી.

ત્રણ: સામેની વ્યક્તિને ખુશ કરવાનું ગમતું હોય છે. ક્યારેક એમાં સ્વાર્થ હોય. પણ એકંદરે બીજી વ્યક્તિ નારાજ ન થાય એવી સભાનતા હોય. બીજાને ખુશ કરવામાં પોતાની જાતને અન્યાય કરીને પોતાને જ નાખુશ કરતા રહીએ છીએ એની પ્રતીતિ તત્કાળ નથી થતી. નજીકના ભવિષ્યમાં પણ નથી થતી. ખૂબ આગળ નીકળી ગયા પછી ક્યારેક પાછળ નજર કરતાં જણાઈ આવે કે ક્ષુલ્લક બાબતોમાં પણ બીજાઓ નારાજ ન થાય એવો ઈરાદો રાખ્યો. આપણી ગેરહાજરીમાં તેઓ આપણા વિશે કંઈ ખરાબ તો નહીં બોલેને એવો ભય રાખ્યો. એને કારણે ક્યાંક આપણો રસ્તો ખોવાઈ ગયો. બીજાઓ આગળ સારા દેખાવાની હોંશમાં આપણે પોતાના પરનો આદર ઓછો થઈ જાય એવું વર્તન કરી બેસીએ છીએ.

ચાર: રોજિંદી ભાષામાં જેને ઈગો પ્રૉબ્લેમ્સ કહીએ છીએ એવી નાની અગણિત બાબતોમાં આપણી મમતને પંપાળવાની ટેવ પડી ગઈ છે. ગઈ કાલે એવા કોઈ બનાવો બન્યા હતા? જરૂર બન્યા હશે. કશુંક જોઈતું હતું. સામેવાળાએ ના પાડી, બહુ ખરાબ રીતે ના પાડી. ઘા લાગી ગયો. સારી રીતે ના પાડી હોત તોય ઘા તો લાગવાનો જ હતો. હવે તો એ સામેથી આપવા આવે તોય અને સાત જન્મેય એની પાસેથી કશું નથી જોઈતું એવી પ્રતિજ્ઞા લીધી. સામેવાળાની વૃત્તિ કે એના સંજોગો બદલાય છે. એ હવે તૈયાર છે. જે જોઈતું હતું તે જ નહીં એના કરતાંય અધિક આપવા. પણ હવે તમે એને ના પાડી દીધી. અહમ્‌ સંતોષાઈ ગયો. પણ નુકસાન કોને થયું? મમતને ધીમેથી સાચવીને ગડી કરીને બાજુએ મૂકી દીધી હોત અને સામેવાળાએ કરેલા પુનર્વિચારના પરિણામે એના બદલાયેલા નિર્ણયને સ્વીકારી લીધો હોત તો જે જોઈતું હતું તે જરૂર મળી ગયું હોત. શું વધુ અગત્યનું? જાત પર મુસ્તાક રહીને જીદને લાડ લડાવવાનું કે પછી જે જોઈતું હતું તે ઘરભેગું કરી લેવાનું? હજુ નક્કી નથી કરી શક્યા?

પાંચ: ગઈ કાલનો આખો દિવસ એવી પ્રવૃત્તિઓમાં, એવાં વર્તનોમાં પૂરો થયો જાણે કોઈ આપણને એની હાથલારીમાં બેસાડીને ખેંચતું હોય અને આપણે ખેંચાતા ગયા. આપણી પોતાની કાર છોડીને આપણે બીજાની હાથલારીમાં બેસી ગયા. માત્ર એટલી જ લાલચે કે આપણે ક્યાં એને જાતે ચલાવવાની મહેનત કરવાની છે? એવું પણ વિચાર્યું હતું કે કાલ ઊઠીને દિશાહીનતાની કે રસ્તો ભૂલી ગયાની લાગણી થશે ત્યારે જવાબદારીઓમાંથી છટકી જવાનું સહેલું પડશેઃ હું ક્યાં ડ્રાઈવ કરતો હતો?

છ: હું તો મરી જાઉં પણ બહારની ચા ન પીઉં. આપણો તો નિયમ એટલે નિયમ, રોજ એક ટંક દાળભાત જોઈએ એટલે જોઈએ જ. બાપ જન્મારે પણ હું ઈસ્ત્રી વગરનાં કપડે ઘરની બહાર ના નીકળું. દિવસ આખા દરમ્યાન આવા અનેક નાના નાના આગ્રહો સાચવ્યા અને વહેમમાં રહ્યા કે આપણે કેટલા મક્કમ છીએ. કોઈએ આ બાબતે મહેણું માર્યું તો આપણે કહ્યુંઃ’નાની નાની લડાઈઓ જીતવાનો આગ્રહ રાખીએ તો જ મોટાં યુધ્ધ જીતી શકાય.’ પણ વાસ્તવમાં બનતું હોય છે એવું કે નાની નાની લડાઈએ લડનારા મિનિશૂરવીરો મોટા યુધ્ધની ઘોષણાનો શંખ ફૂંકાતાં જ સફેદ ઝંડી ફરકાવીને શરણાગતિ સ્વીકારી લેતા હોય છે. દેખાડાના વ્રત-નિયમો-આગ્રહોને સ્વભાવની દૃઢતા-મક્કમતા સાથે કોઈ સંબંધ નથી.

સાત: ગઈ કલે પ્રાતઃકાર્ય અને જીવનાવશ્યક એવી, ખાવાપીવા જેવી પ્રવૃત્તિઓ સિવાયની બીજી કેટલી પ્રવૃત્તિઓ કરી જે આજથી બે, પાંચ, દસ, વીસ વર્ષે પણ તમને યાદ રહેવાની? અને યાદ રહેશે તોય એ નિરર્થક નહોતી એવી લાગણી થવાની? જેમને રોજેરોજનો આવો હિસાબ રાખવાની ટેવ નથી હોતી એમને જીવનનાં પચાસ, સાઠ કે પંચોતેર વર્ષે વીતેલાં સમયનું સરવૈયું કાઢતાં નથી ફાવતું. આવા લોકોએ બૅલેન્સ શીટના કોરા કાગળ પર છેવટે કવિ શોભિત દેસાઈની પંક્તિ ટાંકીને ચોપડો સંકેલી લેવો પડે:

સમય છે વ્યાજખોર વેપારી,
આયખું લઈ ગયો હિસાબોમાં.

પાન બનાર્સવાલા

દિમાગને જો બીજો કોઈ ખોરાક નહીં મળે તો દિમાગ પોતાને જ ખાઈ જશે

_ ગોર વિડાલ (અમેરિકન લેખક, ચિંતક, નાટ્‌યકાર, નિબંધકાર. ૧૯૨૫ – ૨૦૧૨)

3 COMMENTS

  1. Hats Off Mr Saurabh shah for this excellent Post. It gives insight and opens up a new direction to think about Life, introspect,and enjoy life without any grudge.

  2. ખૂબ જ સુંદર મનનીય લેખ
    આંતર ચક્ષુ ને ઉઘાડનારો લેખ
    લેખે લાગે એવો લેખ
    આદરણીય સૌરભ શાહ ને સો સો સલામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here