તમારી આસપાસ કેવા લોકો છે?

લાઉડ માઉથ : સૌરભ શાહ

(‘સંદેશ’, ‘અર્ધ સાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૨૨ જાન્યુઆરી ૨૦૨૦)

ભગવાનની છબી કે મૂર્તિ ઘરમાં શું કામ રાખીએ છીએ? સ્વજન-પ્રિયજનની તસવીરો શું કામ ફ્રેમ કરીને ભીંત પર લટકાવીએ છીએ? કામ કરવાના ટેબલ પર કે પછી પાકીટમાં/લોકેટમાં શા માટે એમની તસવીર રાખીએ છીએ?

એક જ શબ્દમાં જવાબ જોઈતો હોય તો એ છે – પ્રેરણા. એમની પરોક્ષ હાજરી આપણને કશુંક કરવા માટે ઉત્સાહ આપે છે અને કશુંક ન કરવા માટે ચેતવે છે.

જો પરોક્ષ હાજરીનું આટલું મહત્વ હોય તો પ્રત્યક્ષ હાજરીનું કેટલું બધું મહત્વ હોવાનું? આપણે જેમની સાથે સમય ગાળીએ છીએ એની પસંદગી કરવામાં કેટલી કાળજી રાખીએ છીએ? ક્યા પ્રકારના લોકો, કેવી માનસિકતા ધરાવતા, કેવું બૅકગ્રાઉન્ડ ધરાવતા લોકો સાથે આપણે ઈન્ટરઍક્‌શન કરીશું કે સંપર્કમાં આવીશું એ વિશે ક્યારેય જાગ્રત બનીને આપણે નિર્ણય લીધો છે ખરો? પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે અનેક લોકોના સંપર્કમાં આવીએ છીએ ત્યારે મનમાં આવી કોઈ જાગૃતિ નથી હોતી કે આ વ્યક્તિને મારે મળવું જોઈએ કે નહીં, જો મળવું જ પડે એમ હોય તો ક્યાં, કેટલા સમય માટે મળવું જોઈએ? એ વ્યક્તિ સાથે વૉટ્‌સઍપ વગેરે પર કેટલો વ્યવહાર રાખવો જોઈએ?
કેટલાક લોકો ટૉક્‌સિક હોય છે. તમે એમને પારખી જાઓ પછીય તેઓ ગમે તેમ કરીને એમનું ઝેર ફેલાવવા તમારા સંપર્કમાં આવશે. આવા લોકોને વૉટ્‌સઍપ કે ટ્‌વિટર કે ફેસબુક વગેરે પર બ્લૉક કરી દેવાથી પાપ નથી લાગવાનું. કોઈક મેળાવડા કે પાર્ટી વિગેરેમાં તેઓ ભટકાઈ જાય અને પરાણે તમારો સમય લેવાની કોશિશ કરે કે તમારા ગળે પડવાની કોશિશ કરે તો એમને માઠું લાગશે એવી પરવા કર્યા વિના મક્કમતાથી અને વિવેકથી એમનાથી દૂર થઈ જવામાં કોઈ શરમ ન હોય.

તમારો સમય, તમારું જીવન, તમારું વાતાવરણ અને તમારી માનસિકતા કિંમતી છે. કોની સાથે કેટલો સંપર્ક રાખવો, રાખવો કે નહીં, એ તમારે નક્કી કરવાનું હોય છે – બીજા કોઈએ પણ નહીં. કામધંધા કે સામાજિક વ્યવહારો માટે અનિવાર્યપણે જેમના સંપર્કમાં આવવું જ પડે એમ હોય એમની સાથે કવચ, બખ્તર કે મહોરું પહેરીને ખપ પૂરતો સમય ગાળીને તરત જ દૂર થઈ જવાનું હોય. અન્યથા તમે ક્યારેય જિંદગીમાં ઊંચાં શિખરો તરફ નજર નહીં કરી શકો. ભીડમાં અટવાઈ ગયેલા તમારા વ્યક્તિત્વને ક્યારેય નવો નિખાર નહીં આપી શકો.

સારી વ્યક્તિઓ, તમારામાં કશુંક ઉમેરો કરે એવી વ્યક્તિઓ, જેમની પાસેથી તમે કંઈક પામી શકો એમ હો એવી વ્યક્તિઓ રસ્તે રઝળતી નથી હોતી. મોતીની જેમ દરિયાના ઊંડાણમાં ધરબાયેલી હોય છે. તમારે ઘણું બધું જોખમમાં મૂકીને મરજીવાની જેમ એ મોતી સુધી પહોંચવાનું હોય છે.

તમારા જીવનને સ્પર્શતી એકેએક વ્યક્તિનું મહત્વ છે, આ દરેકેદરેક વ્યક્તિ તમારા જીવનમાં સારી કે ખરાબ વાતો ઉમેરી શકતી હોય છે. વરસને વચલે દહાડે ફોન પર બે મિનિટ વાત કરનારી વ્યક્તિનો પણ તમારા પર સારો કે માઠો પ્રભાવ પડતો હોય છે, એવી વ્યક્તિ પણ તમારા મૂડને કે તમારા ચૈતન્યને અપલિફ્‌ટ કરી શકતી હોય છે, ઑફ્‌ફ પણ કરી શકતી હોય છે.

એકલા પડી જઈએ ત્યારે આપણે કરીએ છીએ શું? ગમે તે ગમે તે વ્યક્તિનો સંગ શોધીએ છીએ. એમને રૂબરૂ મળીને, એમની સાથે ફોન પર વાતો કરીને કે પછી વૉટ્‌સએપ પર ચૅટ કરીને આપણો સમય વ્યતીત કરીએ છીએ. પછી એ જ વ્યક્તિ સાથે વાંકું પાડીને મનમાં એના વિશે ભલુંબૂરું વિચારતા રહીએ છીએ. બહેતર એ છે કે આવી કોઈ કંપની શોધવાને બદલે જાત સાથે રહીએ, પોતાની કંપની માણીએ.

આપણને આપણી પોતાની કંપની માણતાં પણ નથી આવડતું. ઘરમાં કે પ્રવાસમાં કે બહાર કોઈની રાહ જોવાતી હોય ત્યારે કે પછી બીજા એવા અનેક સમયે આપણે માનસિક રીતે સાવ એકલા હોઈએ છીએ. આવા સમયે મનના એકાંતને કેવો ખોરાક આપવો એની ખબર નથી હોતી. મન વિચારોના ચકડોળે ચડી જાય છે. કંટાળી જાય તો ફોન ખોલીને એમાં પરોવાઈ જાય છે. ઘરમાં હોઈએ તો ટીવી ઑન કરીને ટાઈમપાસ કરવા માંડે છે, છેવટે છાપું ઊંચકીને જે સમાચાર સાથે કંઈ લેવાદેવા નથી એને વાંચવા માંડે છે.

જેમ કઈ વ્યક્તિ સાથે કેટલું હળવુંમળવું એનો નિર્ણય કરવો તમારા માટે ખૂબ અગત્યનું છે એમ જ મનમાં ક્યા વિચારોને સ્થાન આપવું અને ક્યા વિચારોને દૂર રાખવા એ કામ પણ અગત્યનું છે. આમાં સ્વિચ ઑન, સ્વિચ ઑફ શક્ય નથી. તમારી આસપાસનું વાતાવરણ તમારે તૈયાર કરવાનું છે જે રાતોરાત નથી થવાનું. તમારે તમારી આસપાસનું ભૌતિક અને માનસિક વાતાવરણ સર્જવા માટે તનતોડ મહેનત કરવાની છે. ક્યારેક આવું કરવામાં ટૂંકા ગાળાના ગેરફાયદા નજરે ચડશે. ક્યારેક આવું કરવામાં લાંબા ગાળાના ભવિષ્યની અસલામતી લાગશે. નક્કી તમારે કરવાનું છે કે તમારે ભવિષ્યના આવા કલ્પિત ભયને ધ્યાનમાં લઈને નિર્ણયો કરવા છે કે તમારો વર્તમાન બહેતર બનાવવા માટેની જહેમત કરવી છે.

રાત થોડીને વેશ ઝાઝા એવું આપણે સાંભળ્યું છે. સાચું જ છે. જિંદગીમાં કરવા જેવાં કામ અગણિત છે અને એ કરવાનો સમય સીમિત છે. સહી નિર્ણયો લેતાં શીખવાનું છે અને આ શિખતાં શીખતાં જ જિંદગીનો મોટા ભાગનો સમય વિતી જશે એવું લાગે. તો પછી જિંદગી જીવીશું ક્યારે, એને માણીશું ક્યારે?

એવું નથી. આ બધું શીખવાનું ચાલે છે એ જ ક્ષણો ખરેખર જીવવાની હોય છે, માણવાની હોય છે.

સાયલન્સ પ્લીઝ

કાગડો કોયલના અવાજને દબાવી શકે, પણ પોતાનો અવાજ મધુર ન બનાવી શકે. નિંદા કરનારી વ્યક્તિ સજ્‌જનને બદનામ કરી શકે, પણ પોતે સજ્‌જન તો ન જ બની શકે.

–આચાર્ય વિજ્ય રત્નસુંદરસુરિ

6 COMMENTS

  1. બિલકુલ સાચી વાત છે આપની, જીંદગી શીખતાં શીખતાં ચાલ્યા કરે છે, અને સાયલન્સ પ્લીઝ માં આચાર્ય જી નો વિચાર ખરેખર અનુભવ અમૃતનો નિચોડ છે.???

  2. ‘એવું કરીએ તો એને/લોકોને કેવું લાગે?’ બસ આમ જ વિચારીને મોટાભાગના લોકો નકામા/ટોક્સિક માણસોથી દૂર નથી થઈ શકતા કે નથી એવા લોકોને પોતામાંથી દૂર ધકેલી શકતા. કાયમ અકળાઈને ને કચવાઈને પણ એવા લોકોને નભાવશે. અપવાદરૂપ કિસ્સાઓમાં બહુ મોડે મોડે પણ આવા ટોક્સિકથી છૂટકારો મેળવે ત્યાર સુધીમાં ખાસ્સી એવી પીડા અને ખાસ્સું એવું નુકસાન ભોગવવુ પડ્યું હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here