ઘાણેકર વિરુદ્ધ લાગુ: રંગારો અને ચિત્રકાર

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

અત્યારે મારા હાથમાં બે પુસ્તકો છે. એક છે તે ડૉ. કાશીનાથ ઘાણેકરની બાયોગ્રાફી છે જે કાંચન કાશીનાથ ઘાણેકરે 1986માં પતિના મૃત્યુના 3-4 વર્ષ બાદ લખીને બહાર પાડી છે જેની બીજી આવૃત્તિ પ્રકાશનના ચારેક મહિનામાં જ પ્રગટ થઈ. ‘નાથ હા માઝા…’ ઉપરાંત બીજું પુસ્તક જે છે તે ડૉ. શ્રીરામ લાગુની ઑટોબાયોગ્રાફી ‘લમાણ’ છે જેની પહેલી આવૃત્તિ 2004માં પ્રગટ થઈ.

ડૉ. કાશીનાથ ઘાણેકર એ ડૉ. શ્રીરામ લાગુ વચ્ચે મરાઠી રંગભૂમિ પર જે ઐતિહાસિક મહાયુદ્ધ ખેલાયું તેની વાત આપણે ‘…આણિ કાશીનાથ ઘાણેકર’ ફિલ્મમાં જેટલી લેવાઈ છે તે પૂરતી જ સીમિત રાખીશું. પણ તે પહેલાં સુરતથી એક વાચકે આ ફિલ્મ વિશે લખાઈ રહેલી સિરીઝ વાંચીને જે મજેદાર પ્રતિભાવ મોકલ્યો છે તે શેર કરવા માગું છું:

‘આપની લેખમાળાથી પ્રેરાઈને ગઈકાલે સુરતના પીવીઆર સિનેમામાં આ અદ્ભુત ફિલ્મ માણી. 40-50 દર્શકોની વચ્ચે લીધેલો આ ભવ્ય અને દિવ્ય અનુભવ લાંબા સમય સુધી યાદ રહેશે. ભૂંસી ના શકાય એવી લીટી તાણવા માટે આદર્શ વ્યક્તિ નહીં પણ ટેલેન્ટેડ વ્યક્તિ બનવાની પ્રેરણા આપનારો છેલ્લો સીન તો ગજબનો રહ્યો. ફિલ્મ જોવી જ પડે એવી ઉત્કંઠા નિર્માણ કરવા બદલ આપનો આભાર. અત્રે સુરતના પીવીઆર સિનેમાના સંચાલકોનો ખાસ આભાર કે જેમણે ફક્ત 40-50 દર્શકો માટે પણ કદાચ ખોટ ખાઈને આ શોને ચાલુ રાખ્યો. કદાચ એમને એવું લાગ્યું હશે કે: ઉસ્મેં ક્યાયે…! એકંદરે એકદમ કેડેક્ક!’

અમુક ફિલ્મો દિમાગ પર એવી ચડી જતી હોય છે કે એનો નશો ઊતરતો જ નથી હોતો. આજથી 20 વર્ષ પહેલાં ‘સત્યા’ જ્યારે થિયેટરમાં લાગી ત્યારે બારથી ત્રણમાં એનો પહેલો શો જોયા પછી મગજમાં જે ઘમાસાણ સર્જાયું તે વિશે ફિલ્મ જોઈને બહાર નીકળ્યા પછી ચાલતું જ રહ્યું. ત્રણ વાગ્યે જમતાં જમતાં એની જ ચર્ચા થતી રહી અને તરત જ નક્કી કર્યું કે છથી નવના શોમાં ફરી જવું છે. ગયા. આવું જ એના બે વર્ષ પછી આવેલી કમલ હાસનની ‘હે રામ’ માટે થયું. એક જ દિવસમાં બે શો જોવા પડ્યા. ઈમ્તિયાઝ અલીની ‘લવ: આજ-કલ’ થિયેટરમાં નવ વખત જોઈ. નવમી વખત તો ટિકિટ વિન્ડો પર કહેવામાં આવ્યું કે એક પણ ટિકિટ નથી વેચાઈ એટલે શો કેન્સલ કરવો પડશે. પૂછ્યું કે મિનિમમ કેટલી ટિકિટ વેચાય તો શો કરવો પડે? જવાબ મળ્યો: બે. હું એકલો જ હતો. મેં બે ટિકિટ ખરીદીને શો ચાર્ટર્ડ કરી લીધો. આટલા સસ્તા ભાવમાં પ્રાઈવેટ શો કોઈએ નહીં કર્યો હોય. ‘ફૅન’ અને ‘સંજુ’ પણ થિયેટરમાં ચાર-પાંચ વાર જોઈ એટલું જ નહીં આ ફિલ્મો એક જ દિવસમાં બબ્બેવાર પણ જોવી પડે એટલી માથા પર સવાર થઈ ગઈ હતી. ‘… આણિ કાશીનાથ ઘાણેકર’ પ્રથમ વખત જોયા પછી ચાર-પાંચ દિવસમાં જ એક જ દિવસમાં ઉપરાછાપરી બે વાર જોવી પડી ત્યારે જઈને ધરવ થયો. હજુ કદાચ જોઈ આવીશ. આ બધી અને બીજી ગમતી ફિલ્મો ઘરમાં ડીવીડી પર તો ડિસ્ક ‘ઘસાઈ જાય’ ત્યાં સુધી જોઈ છે. ‘સંજુ’ની ડીવીડી હજુ નથી આવી, પણ અમેઝોન પ્રાઈમમાં જોવા મળે છે.

કોઈકે લખ્યું હતું કે આ બુક કૅન નોટ બી રેડ, ઈટ શુડ બી રી-રેડ. જે પુસ્તક તમને ગમી જાય તે તમે બીજી વાર વાંચો ત્યારે જ તે વંચાયું છે એવું માનવાનું. આવું જ ફિલ્મોની બાબતમાં પણ કહી શકીએ. પહેલી વાર પુસ્તક વાંચતી વખતે કે ફિલ્મ જોતી વખતે ઉત્કંઠા એટલી છવાયેલી હોય છે કે હવે શું થશે, હવે શું થશેના ખયાલમાં એમો જે બારીક નકશીકામ થયું હોય છે તેના પર ધ્યાન ઓછું જતું હોય છે અને ખરેખર સારી બુક કે સારી ફિલ્મને તો જેટલી વાર વાંચો – જુઓ એટલીવાર એમાંથી નવા નવા ન્યુઅન્સીસ, નવા એન્ગલ્સ, નવા નવા ઈન્ટરપ્રીટેશન્સ મળી આવતાં હોય છે અને ક્યારેક આવાં તમામ છીપલાં-મોતી મળી ગયા પછી એટલા ધરાઈ જઈએ કે એ ખજાનો હવે આપણી પાસે આવી ગયો છે એવી નિરાંત-નિશ્ર્ચિતતા તમને એ બુક-ફિલ્મ પાસે હજુ ફરી એકવાર જવા માટે મજબૂર કરતી હોય છે.

ડૉ. શ્રીરામ લાગુ અને ડૉ. કાશીનાથ ઘાણેકર – બેઉનાં વ્યક્તિત્વ ભિન્ન, બેઉનો અભિનય માટે અપ્રોચ ભિન્ન અને બેઉની જીવનશૈલી પણ ભિન્ન. ઘાણેકર 56 વર્ષની વયે ગુજરી ગયા. ઘાણેકર કરતાં ઉંમરમાં 3 વર્ષ સિનિયર એવા શ્રીરામ લાગુ 90મા વર્ષે આપણી વચ્ચે છે, પાર્કિન્સન્સને કારણે એક્ટિવ નથી પણ તેઓ સદેહે આ જમાનામાં જીવી રહ્યા છે એનો પણ આપણને સંતોષ હોય. ‘…આણિ કાશીનાથ ઘાણેકર’માં એક સીન છે. ડૉ. લાગુને વી. શાંતારામની અતિ જાણીતી મરાઠી ફિલ્મ ‘પિંજરા’ના સેટ પર એક પત્રકાર ડૉ. ઘાણેકર સાથેની એમની પ્રતિસ્પર્ધા વિશે સવાલ પૂછે છે જેની પ્રતિક્રિયારૂપે ડૉ. લાગુ કહે છે કે: દુનિયામાં રંગારો હોય છે અને ચિત્રકાર પણ હોય છે. રંગારો તમે જે રંગમાં કહો તે રંગે તમારું કપડું સરસ રીતે રંગી આપતો હોય છે. ચિત્રકાર પોતાને ગમતા રંગો લઈને ચિત્રમાં એક સૃષ્ટિ ઊભી કરીને તમને એ સૃષ્ટિ તરફ ખેંચી જતો હોય છે.

બહુ જ બારીક વાત છે. સમજવા જેવી વાત છે. આ બેઉ અભિનેતાઓની શૈલી વચ્ચે જે પાયાનો ભેદ છે, જેને કારણે બેઉ એકમેકના પ્રતિસ્પર્ધી ગણાયા (લોકપ્રિય તો બેઉ થયા, અભિનય ક્ષમતા બેઉની વખણાઈ, પણ અપ્રોચ જુદો જુદો હતો એટલે રાઈવલ્સ બન્યા).

આ જ વાતને વધારે સ્પષ્ટ કરવા માટે ફિલ્મમાં એક બીજો સીન છે જેમાં એક કોકટેલ પાર્ટીમાં બેઉ અભિનેતા આવ્યા છે. કાશીનાથને ચડી ગઈ છે. એ ખુરશી પર ઊભા થઈને ડૉ. લાગુની ફિરકી લેવા માંડે છે: ‘આજકાલ એક નવા પ્રકારની અભિનય શૈલી બજારમાં પ્રચલિત થઈ છે – વાસ્તવવાદી શૈલી, જેમાં તમે આનંદમાં હો કે પ્રેમભગ્ન થયા હો કે પછી કોઈપણ સારીખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હો એક જ ભાવ ચહેરા પર રાખવાનો, ભાવપલટો લાવવાનો નહીં. બધું તમારી અંદર જ થતું રહે, પ્રેક્ષકોએ સમજી જવાનું!’

ઘાણેકર કહે: આવો ‘વાસ્તવવાદી અભિનય’ કરનારાઓને પ્રેક્ષકોની ગિર્દી વચ્ચે તાળીઓ અને સિટીઓ વચ્ચે અભિનય કરવાની કિક કેવી હોય તેની ક્યાંથી ખબર પડે? એમના શોમાં તો ખાલી ખુરશીઓ સામે જ ઍક્ટિંગ કરવાની હોય છે.

ડૉ. શ્રીરામ લાગુએ પણ હાથમાં ગ્લાસ પકડ્યો છે પણ તેઓ હોશમાં છે. કોઈ ચાહકે એમને ખુરશી પર ચડીને જવાબ આપવાનું કહ્યું પણ તેઓ એવો બ્રેવાડો કરવાને બદલે પોતે જ્યાં ઊભા છે ત્યાં જ ઊભા ઊભા જવાબ આપે છે: સ્ટેજ પર એન્ટ્રી લેતાં પહેલાં ભીંત સામે બરાડા પાડીને, સ્નાયુઓ લેગ તંગ કરીને ધસમસતી ચાલે સ્ટેજ પર આવીને આ છેડેથી પેલા છેડા સુધી દોડાદોડી કરીને સ્પોટલાઈટ સામે જોઈને ફટાફટ એવા આરોહ-અવરોહમાં સંવાદો ફેંકવા જેથી તાળીઓ મળે એને પોતાની અભિનય ક્ષમતા ગણાવતા લોકો પણ આ નાટ્યજગતમાં છે. પણ કળાના આ માધ્યમને જીવંત રાખવા 500 અબુધ પ્રેક્ષકોની ગિર્દીની નહીં 15 જાણકાર ભાવકોની જરૂર છે.

અભિનય માટેના આ બે સંપૂર્ણ સામસામા છેડાના અભિગમને લીધે બેઉ મહાન કળાકારો વચ્ચે જે તણખા ઝર્યા તેને કારણે એક સામાન્ય પ્રેક્ષક તરીકે મારા મનમાં જે પ્રકાશ થયો તેની વાત કરવાની હજુ બાકી છે. સોમવારે.

આજનો વિચાર

‘પ્રવાહ સાથે તો બધા જતા હોય છે. પ્રવાહની વિરુદ્ધ જાય તે જીવનમાં કંઈક બને…’

હું હજુ આટલું સમજાવું તે પહેલાં તો ટ્રાફિક પોલીસે રસીદ બનાવીને પાવતી મારા હાથમાં મૂકી દીધી.

– વૉટ્સએપ પર વાંચેલું.

એક મિનિટ!

બકાએ છાપામાં જાહેરખબર દીધી: મને પરણાવો છો કે મોદી બની જાઉં?

કૉન્ગ્રેસવાળા ઘરે આવીને 60 માંગાં બતાવી ગયા.

( મુંબઇ સમાચાર : શનિવાર, 17 નવેમ્બર 2018)

4 COMMENTS

  1. Dear Saurabhbhai,
    My feedback for this film is a small part of your article today. Overwhelmed……!!!!!
    Thank you very much….
    Really, I also want to enjoy this film one more time but I think for that I have to visit Mumbai in near future.
    Thanks for enriching your readers.

  2. sir marathi filmo have kharekhar kai alag j anubhav karave che,gulabjam,katyar kadjat ghusali,aapla manush aa badhi movie kharekhar jordar che

  3. From the Authentic Google Media, it was revealed that
    Tanveer, Deepa and ShreeRam Lagoos’ son ( and not his grandson) was killed – he went into Coma- never recovered- by a stone flung by a miscreant into the Pune Mumbai Train on which he was traveling in 1994.

    The tragedy happened @24 years ago.

  4. ચાલુ ટ્રેને અજ્ઞાત વ્યક્તિ દ્વારા ફેંકાયેલા પત્થર થી –
    લમણે વાગતાં- બારી બહાર ઉત્સુકતાથી “જીવન માણી રહેલાં” – ડો.શ્રીરામ લાગુના પૌત્રનું પોતાના દાદા ની હાજરીમાં જ અકાળે અવસાન થયું હતું. સાવ જ હેલ્પલેસ કંડિશનમાં મૂકાયેલ ડો. લાગુ ની મનઃસ્થિતિનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. ભયંકર કરૂણ ઘટનાનાં ડો. લાગુ સાક્ષી હતા. ત્યાર બાદ તેમણે લગભગ ક્ષેત્ર સન્યાસ લઈ લીધો હતો. @૧૫ – ૨૦ વર્ષ પહેલાંની વાત છે.છાપામાં વાંચ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here