બિછડે સભી બારી બારી પછી આજ ફિર જિને કી તમન્ના હૈ આવે છે : સૌરભ શાહ

(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, ૧૪ માર્ચ ૨૦૨૧)

સંઘર્ષના ગળામાં તમારા એકલાની કસોટી થતી નથી. તમારા કરતાં વધારે કસોટી એ લોકોની થાય છે જેઓ વર્ષોથી તમારી આસપાસ હોય, જેઓ ક્રમશ: તમારી જિંદગીમાં ઉમેરાતા ગયા હોય.

એ લોકોનું ટિમ્બર, એ લોકોની કક્ષા, એ લોકો કેટલા પાણીમાં છે એની ખબર તમને તમારા પોતાના સંઘર્ષના કાળમાં થતી હોય છે.

સામાન્ય રીતે બનતું હોય છે એવું કે કપરા કાળમાં આપણે આપણી જાતને કોસતા થઈ જઈએ છીએ. આપણી ખામીઓ શોધતા થઈ જઈએ છીએ. આપણી ભૂલોને કારણે આ આપત્તિ આપણા માથે આવી પડી એવું માનતા થઈ જઈએ છીએ અને મોટે ભાગે એવું જ હોય. પરંતુ એને લીધે જાતને કોરડા મારીને સ્વપીડનમાં પડ્યા રહેવાની જરૂર નથી હોતી. આ ગાળો અંદર ઊતરીને આત્મનિરીક્ષણ કરવા માટેનો તો છે જ, સાથોસાથ બહારના વાતાવરણનું આકલન કરવાનો પણ છે, એ વાતાવરણ સર્જી રહેલી વ્યક્તિઓને નાણવાનો પણ છે.

તેઓ તમારા આ ગાળામાં તમારી સાથે શું કરે છે, બીજાઓ સાથે તમારા વિશે શું વાતો કરે છે એ બધાને લીધે એમનું માપ નીકળતું હોય છે, એમની કક્ષા નક્કી થઈ જતી હોય છે.

કોઈની પડતીના ગાળામાં આસપાસના બીજા લોકોને સ્વાભાવિક છે કે ડર લાગે કે અમે એનો હાથ ઝાલવા જઈશું તો અમે પણ ખેંચાઈને એના ખાડામાં પડી જઈશું. આવું ફર્સ્ટ રિએક્શન સ્વાભાવિક હોવાનું. અચ્છા અચ્છા લોકો પોતાની સુરક્ષા જાળવવાના આશયથી તમારાથી દૂર થઈ જવાના. તમે મદદની પોકાર લગાવશો તોય તેઓ સાંભળ્યું – ન સાંભળ્યું કરશે. એમની જગ્યાએ તમે હોત તો તમે પણ કદાચ એવું જ કર્યું હોત. કદાચ ના પણ કર્યું હોત. પરંતુ અત્યારે તો તેઓ જે કરી રહ્યા છે તે તમારી સામે છે. તમારાથી દૂર થઈ ગયા છે.

તમે જો એમની આ દૂર થઈ જવાની પ્રક્રિયા નિર્લેપ રહીને જોયા કરશો તો તમને મઝા આવશે. તમારી પીડા હળવી થઈ જશે. બિછડે સભી બારી બારીની આ પ્રોસેસ પૂરી થયા પછી જ આજ ફિર જિને કી તમન્ના હૈવાળો તબક્કો આવતો હોય છે.

તમારા સંઘર્ષ સમયે બીજા લોકો તમારી સાથે કેવી રીતે વર્તશે એ તમે નક્કી કરી શકતા નથી. નૉર્મલ સંજોગોની વાત જુદી છે. સામાન્ય પરિસ્થિતિ હોય ત્યારે તમે જેમની સાથે સારી રીતે વર્તશો તેઓ તમારી સાથે સારી રીતે વર્તશે (મોટે ભાગે). અને જેમની સાથે ખરાબ વર્તાવ કરશો તેઓ તમારી સાથે એવો જ કે એથી વધુ ખરાબ વર્તાવ કરશે (અચૂક). પણ તમારા કપરા કાળમાં તમે જેમની સાથે ભલમનસાઈથી વર્તતા હો છો તે તમામ લોકો તમારી સાથે એવો જ વ્યવહાર કરશે એવું જરૂરી નથી. કેટલાક લોકો તમારા આ માઠા દિવસોનો લાભ લેવાની લાલચ રાખશે. કેટલાક તમારી આ ભલમનસાઈને તમારી ગરજ માનીને તમારો ફાયદો ઉઠાવવાની દાનત રાખશે. તમને મદદ કરવાના બહાને, સોયનું દાન કરીને તમારી પાસેથી એરણ પડાવી લેશે.

સંઘર્ષના ગાળામાં મોટી તકલીફ એ થતી હોય છે કે બીજાઓના વર્તનને ધ્યાનમાં રાખીને આપણે આપણી જાતને મૂલવવાનું શરૂ કરી દઈએ છીએ. આપણે કઈ પરિસ્થિતિઓ, કેવી વ્યક્તિઓ તથા કેટલી ભૂલોને કારણે આ આપત્તિમાં ફસાયા તેની એકમાત્ર આપણને જ ખબર હોય છે. બીજાઓ તો બહારથી સાંભળેલી કે જોયેલી વાતો પરથી જ તમારી સાથેના સંબંધોમાં વધઘટ કરવાના કે તમારા વિશેના અભિપ્રાયો બાંધવાના. આવું થાય ત્યારે તમે જો ખુલાસાઓ કરવા જશો તો લોકો તમને પીંખી નાખશે, કારણ કે તમારા વિશેનો મત એમણે બાંધી લીધો છે. હવે તમે ગમે એટલાં તથ્યો એમની સમક્ષ રજૂ કરશો તો એમણે તમારા માટેનો પોતાનો મત બદલવો પડશે જેમાં એમને પીછેહઠ કરવા જેવું લાગશે, પોતાની જ જાત આગળ તેઓ પોતે ખોટા પડ્યા એવું લાગશે, એમનો અહમ્ ઘવાશે.

બહેતર એ છે કે આ કપરા ગાળાને તમે હ્યુમન બીહેવિયરનો કોર્સ સમજીને લોકોના બદલાતા વર્તનને નિહાળ્યા કરો, એમાંથી જે કંઈ શીખવાનું હોય તે શીખ્યા કરો. સંઘર્ષનો કાળ માત્ર આત્મપરીક્ષણ માટેનો નથી હોતો, બાહ્ય નિરીક્ષણ માટેનો પણ હોય છે. આ ગાળામાં આપણને પોતાના વિશે જેટલું શીખવા મળે છે એના કરતાં વધારે આસપાસના લોકોના માનસ વિશે જાણવા મળે છે.

કુદરત એટલા માટે જ આવા ગાળાઓ આપણા જીવનમાં સર્જે છે. જીવનમાં રૂટિન સેટ થઈ ગયા પછી આપણે બધી જ વાતોને ટેકન ફૉર ગ્રાન્ટેડ લેતા થઈ જઈએ છીએ. ખાસ કરીને આપણી આસપાસની વ્યવસ્થાને, આપણી આસપાસના માણસોને. ક્યારેક આ વ્યવસ્થા – આ માણસો પર વધુ પડતો ભરોસો રાખીને આપણે ભગીરથ કાર્યો કરવાની હોંશ રાખતા થઈ જઈએ છીએ – આ વ્યવસ્થાની નક્કરતા તપાસ્યા સિવાય, આ લોકોના પગ મજબૂત છે કે માટીના એ વિશે વિચાર કર્યા વિના.

સંઘર્ષના કાળમાં તમારે અનિવાર્યપણે આ તમામ વ્યવસ્થાનું – લોકોનું પુનર્મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા કરવી પડે છે. આ પ્રોસેસ થાય છે તે સારું જ છે – તમે કરવાં ધારેલાં ભગીરથ કાર્યોમાં હવે કોણ તમારી સાથે રહેશે અને કોને તમે દૂર રાખશો એની તમને સૂઝ પડવા માંડશે.

પાન બનાર્સવાલા

જેટલું વધારે આપતા રહેશો એટલું ઓછું જોઈશે.

— સ્ટીફન રિચર્ડ્સ (લેખક)

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here