નિષ્ફળતાની એંધાણી પારખી જતા લોકો જ સતત સફળ થતા રહે છે: હારજીતની સાપસીડી-લેખ 5 : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : બુધવાર, 6 મે 2020)

માણસ બીમાર હોય ત્યારે એ અને એની આસપાસનાઓ એના સ્વાસ્થ્ય માટે જેટલું ધ્યાન રાખે એટલું ધ્યાન એ સાજોનરવો હોય ત્યારે નથી રાખવામાં આવતું. માંદા માણસે કઈ પરહેજી પાળવી, ક્યારે દવા લેવી, ક્યારે શારીરિક/માનસિક શ્રમથી દૂર રહેવું, પૂરતો આરામ કરવો વગેરેની કાળજીનું પ્રમાણ જો 100 ટકા જેટલું લેવાતું હોય તો એની તબિયત જ્યારે ઘોડા જેવી હોય ત્યારે આ કાળજી 99 ટકાથી લઈને શૂન્ય સુધીની કોઈપણ રેન્જમાં આવી જતી હોય છે કારણ કે આપણે માની લીધું હોય છે એવી જરૂર તો બીમારી વખતે જ પડે.

સફળતા પહેલાંની નિષ્ફળતા અને સફળતા પછીની નિષ્ફળતામાં કંઈક આવો જ ફરક છે. માણસ હજુ સફળ નથી થયો ત્યારે એ નિષ્ફળતા પ્રત્યે સાવધાન હોય છે. સફળતા પામી ચૂકેલો માણસ નિષ્ફળતા પ્રત્યે જરાક કે વધુ બેધ્યાન થઈ જાય છે કારણ કે એનું બધું જ ધ્યાન વધુને વધુ સફળ થવામાં કેન્દ્રિત થતું હોય છે.

એક વખત સફળતા પામી ચૂકેલો માણસ જો પોતાની સફળતાના નશામાં ચૂર ન થઈ જાય તો ય તે નિષ્ફળતાની શક્યતા પ્રત્યે તો બેદરકાર થઈ જ જતો હોય છે. સાવધાની ઓછી થાય છે ત્યારે દુર્ઘટના થવાના ચાન્સીસ વધી જાય છે એવું ટ્રક-ગીતા સૂત્ર હાઈવેના ટ્રાવેલર્સને ખબર છે. સફળ માણસ, આવવાની શક્યતા ધરાવતી નિષ્ફળતાને આગોતરી રોકવાનો ઈન્તેજામ કરવાની બાબતમાં બેદરકાર થઈ જાય છે ત્યારે એ સૌથી વધારે વલ્નરેબલ થઈ જાય છે. નિષ્ફળતાને પ્રવેશવા માટેનું છીંડું એ અજાણતાં જ પોતાના હાથે સર્જી નાખતો હોય છે.

નિષ્ફળતાના આદિ-મધ્ય-અંતના ત્રણ તબક્કામાંનો સૌથી પહેલો આદિવાળો તબક્કો આ વલ્નરેબિલિટીને લીધે જ શરૂ થઈ જતો હોય છે.

નિષ્ફળતાની શરૂઆત થવાની તૈયારીનું પહેલું લક્ષણ એ કે માણસ સફળતા માણવા સિવાય બીજું કંઈ જ વિચારતો નથી એવું તમને લાગે. કૉમ્પ્યુટર વસાવીને એમાં એન્ટીવાઈરસ પ્રોગ્રામો નાખ્યા વિના, મજબૂત ફાયરવૉલ બનાવ્યા વિના, જો તમે તમારા લાખો-કરોડો રૂપિયાના કારોબાર એના પર કરવાનું શરૂ કરશો તો એક વખત એવો આવશે જ્યારે તમારે રેન્સમ-વેર બિટકોઈન દ્વારા ખંડણી ઉઘારાવતા હેકર્સોએ બનાવેલા વાઈરસવાળા પ્રોગ્રામના ભોગ બનવું પડશે. તમારી સફળતા આગળ વધતી હોય ત્યારે જ તમારે નિષ્ફળતાની તૈયારીઓ વધારતાં જવું પડે. આ તૈયારીઓ કઈ હોય?

સૌથી પહેલાં તો, સફળતા મળી તે પહેલાં આંખ-કાન ખુલ્લાં રાખીને આજુબાજુનું વાતાવરણ ચોવીસેય કલાક સૂંઘતા રહેવાની જે ટેવ પાડી હતી તે ટેવ છોડી દેવાને બદલે એને વધારે કસવાની. કાર ગેરેજમાં પડી હોય ત્યારે ડ્રાયવરે એની જેટલી કાળજી લેવાની હોય એના કરતાં અનેકગણી કાળજી એ હાઈવે પર દોડતી હોય ત્યારે લેવાની.

આ કાળજીમાં સફળતા મળ્યા પછીની તમારી વર્તણૂક બદલાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું હોય છે. સફળતા નથી મળી હોતી ત્યારે તમે લોકો પાસેથી મદદ મળી રહે એ માટે કે કોઈ તમને નડે નહીં એ માટે બધાની સાથે ભલમનસાઈથી વર્તતા હો છો. લોકો તમારું કામ કરી આપશે એવી આશાએ તમે સામે ચાલીને એમનાં નાનાં-મોટાં કામની જવાબદારી તમારા માથે લઈ લેતા હો છો. સફળતા મળી ગયા પછી આ જ લોકો માટે હવે તમારી પાસે સમય નથી હોતો એટલું જ નહીં ક્યારેક તમે તમારા ક્લીગ્સ, મિત્રો અને ક્યારેક તો તમારાથી બધી રીતે મોટા હોય એમની સાથે પણ ઉદ્ધતાઈથી વર્તવાની ભૂલ કરી બેસો છો. તમારી આવી, બદલાઈ ગયેલી, વર્તણૂક તમારી નિષ્ફળતા વખતે તમને ભારે પડવાની છે એનો તમને અંદાજ પણ નથી હોતો.

નિષ્ફળતાનો આદિ વાળો તબક્કો શરૂ થાય તે પહેલાં ઓછામાં ઓછી એક વાર, અને તમે નસીબદાર હો તો એક કરતાં વધારે વાર, આવી રહેલી નિષ્ફળતાની એંધાણી તમને મળી જતી હોય છે. આ સંકેત કે આ ગુપ્ત ટકોરાની સાથે નિષ્ફળતાને ટાળવાનું સોલ્યુશન પણ હોવાનું જ. જે સફળ વ્યક્તિઓ આ એંધાણીને પારખી શકે છે તેઓ તરત સ્ટિયરિંગ ફેરવીને સામેથી રૉંગ સાઈડમાં આવી રહેલા વાહન સાથેની અથડામણ ટાળી શકે છે. મૂકેશ અંબાણી જેવી વ્યક્તિઓમાં આવી એંધાણી પારખી જવાની જબરજસ્ત સેન્સ હોવાની. કોઈ વ્યક્તિ, કે વ્યક્તિસમૂહ તમને નડવાનાં હોય અથવા માર્કેટમાં કે સરકારી નીતિમાં મોટો બદલાવ આવવાનો હોય જેને કારણે તમારા બિઝનેસ પર અવળી અસર પડવાની શક્યતા હોય ત્યારે એની પહેલી ગંધ પારખીને આવા સફળ લોકો પોતાના લશ્કરને કામે લગાડી દેતા હોય છે. શત્રુપક્ષે ફૂલફ્લેજેડ હુમલો થશે ત્યારે જ પોતાની ત્રણેય સેનાઓને સાબદી કરીશું એવી માનસિકતા રાખીને તેઓ આળસમાં નથી રહેતા. આવું જ પર્સનલ રિલેશન્સની બાબતમાં. સંબંધો રિપેર ન થઈ શકે એ હદ સુધી કથળવાના હોય ત્યારે તમને એના ઘણા સમય પહેલાં નાની-નાની ટિપ્સ મળી જતી હોય છે. જો તમે એને અવગણશો નહીં તો ભવિષ્યમાં આવનારા અકસ્માતની શક્યતાને ટાળી શકશો.

નિષ્ફળતાનો પ્રથમ તબક્કો એટલે કે આદિ અથવા તો આરંભવાળો તબક્કો શરૂ થાય તે પહેલાં તમારી સાથે કંઈક અનયુઝવલ થવાનું શરૂ થઈ જતું હોય છે. તમારા કામકાજમાં ખૂબ અગત્યની હોય એવી વ્યક્તિઓમાંથી કોઈ એક વ્યક્તિની (કે પછી એક કરતાં વધારે વ્યક્તિની) વર્તણૂકમાં પરિવર્તન આવતું જણાય તો તમારે ચેતી જવાનું કે ભવિષ્યમાં કંઈક અમંગળ બની શકે એમ છે. આ પરિવર્તન ક્યારેક એવું પણ હોય કે અગાઉના કરતાં એ વ્યક્તિ/વ્યક્તિઓ તમારી સાથે ખૂબ સારી રીતે, કહો કે વધુ પડતી સારી રીતે વર્તતી થઈ જાય. અથવા તો જે લોકો અત્યાર સુધી તમારી નાની-નાની ભૂલો વખતે તમારું ધ્યાન ખેંચવાને બદલે સામે ચાલીને પોતે એને સુધારી લેતા હતા તેઓ તમારી સમક્ષ ફરિયાદ કરતા થઈ જાય અને તમારો વાંક કાઢતા થઈ જાય કે તમે આટલું કર્યું (કે ન કર્યું) એનું પરિણામ અમારે સૌએ ભોગવવું પડે છે.

અચાનક બદલાઈ જતી તમારા ક્લીગ્સની બીહેવિયર ઉપરાંત તમે જે ક્ષેત્રમાં કામ કરતા હો એ ક્ષેત્રના તમારા પ્રતિસ્પર્ધીઓની તમારા પ્રત્યેની વર્તણૂક બદલાઈ જાય ત્યારે પણ ચેતી જવું જોઈએ. શક્ય છે કે તેઓ તમારા જ સાથીઓ થકી તમારાં છીંડાં જોઈ ગયા હોય એટલે એમની વર્તણૂક બદલાઈ ગઈ હોય. અગેઈન, આ વર્તણૂક ખરાબ જ હોય એ જરૂરી નથી. તમે અંધારામાં રહો એ માટે એકસ્ટ્રા સારી રીતે તેઓ વર્તતા થઈ જાય એવું પણ બને.

તમે જે ક્ષેત્રમાં હો એ ક્ષેત્રના માર્કેટને કન્ટ્રોલ કરનારાં પરિબળો રાતોરાત બદલાઈ જાય તે પહેલાં તમને પરિવર્તનની છૂપી ચેતવણી આપી દેતા હોય છે. જો તમને સમાચારમાં રહેલાં તથ્યોનું બારીકીથી વિશ્લેષણ કરવાની ટેવ પડી હશે તો તમે ટ્રેન્ડ બદલાય તે પહેલાં જ ચેતી જશો અને આવી રહેલી નિષ્ફળતામાંથી બચી જશો. એટલું જ નહીં બદલાઈ જનારા ટ્રેન્ડમાં ભળી જઈને વધુ મોટી સફળતા મેળવી શકશો.

નિષ્ફળતાની દરેક એંધાણીમાં ઉકેલ પણ છુપાયેલો હોય છે. છાપરું તૂટી જતાં પહેલાં એમાં કાણું પડે ત્યારે જ એનું સમારકામ કરી લેવાનું હોય. કોઈ વ્યક્તિ તમારી સાથે અતડું વર્તન શરૂ કરે કે તરત જ, ઝાઝી રાહ જોયા વિના એના બદલાયેલા વર્તનનું કારણ જાણીને એ કારણને દૂર કરી નાખશો તો એ વ્યક્તિ ભવિષ્યમાં તમારી વિરુદ્ધ જવાનું વિચારતી હશે તો એ વિચાર માંડી વાળશે.

પણ મોટાભાગના લોકો આવી એંધાણી પારખવામાં અથવા તો એંધાણી સાથે આવેલા ઉકેલને અપનાવવામાં નિષ્ફળ જતા હોય છે અને એનું સૌથી મોટું કારણ હોય છે એમનો ઈગો. અહમને કારણે તેઓ નાની વ્યક્તિઓ સાથે કરવાં પડે એવાં નાનાં સમાધાનો કરતા નથી અને છેવટે એક મચ્છર હાથીના કાનમાં પ્રવેશીને એને જે રીતે હેરાન પરેશાન કરી નાખે તે રીતે તમારો ઈગો નાની વ્યક્તિઓને ઉશ્કેરીને, એમના માટે તમને હેરાન કરવાનો માર્ગ મોકળો કરી આપે છે.

એક વાત સમજી લો કે, નાની વ્યક્તિઓ, તમે જેમને નગણ્ય માનો છો એવા લોકોએ તમારી સામે પડીને કશું જ ગુમાવવાનું હોતું નથી. તેઓ એમના ચોવીસેય કલાક, રાત-દિવસ તમને ભોંયભેગા કરવામાં વાપરવા છે એવું નક્કી કરશે તો તમે એની સામે તમારો એટલો સમય ફાળવી શકવાના નથી. નાની વ્યક્તિઓ ફૂલટાઈમ ખાઈખપૂચીને તમારી પાછળ પડી જશે ત્યારે તમારા પ્રગટ-અપ્રગટ વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીઓનો છુપો સાથ એમને મળી જવાનો છે. તેઓ પોતાની બંદૂક આ નાના લોકોના ખભા પર મૂકી દેશે.

નિષ્ફળતાના આગમન પહેલાંની આ અને આવી અનેક એંધાણીઓને પારખીને, પોતાના અહમને આડો લાવ્યા વિના જે એને ઉકેલી નાખે છે તેણે પછડાઈને પાછા ઊભા થવામાં સમય-શક્તિ બગાડવા પડતાં નથી. જે લોકો તમને સફળતાના એક શિખરેથી બીજા શિખર સુધી અને બીજાથી ત્રીજા સુધી સતત આગળ વધતા જણાય છે તેઓ સહેજ પણ ક્રાઈસિસ આવતી દેખાય કે તરત જ પોતાનો ઈગો વચ્ચે લાવ્યા વિના એ ક્રાઈસિસની આગ ફેલાય અને પોતાને તારાજ કરી નાખે તે પહેલાં જ ઠારી નાખતા હોય છે. તે વખતે હું સાચો છું તો શું કામ કોઈની આગળ ઝૂકી જઉં એવી જીદ તેઓ રાખતા નથી. કારણ કે એમને ખબર હોય છે કે આવી અકડ રાખીને લાંબી યાત્રા થવાની નથી. એમને જીદ અને મક્કમતા વચ્ચેનો તફાવત શું છે તેની ખબર હોય છે. નાના-નાના મુદ્દાઓમાં જતું કરી દઈશું તો બે લોકોમાં હાંસિપાત્ર ગણાઈશું તો ગણાઈશું, એની કોઈ પરવા નથી કરવી એ એમનો જીવનમંત્ર હોય છે, કારણ કે તેઓ જાણે છે કે જે વિશાળ ધ્યેય સુધી પહોંચવાનો તેઓ પ્રયત્ન કરે છે ત્યાં સુધીની યાત્રામાં આવાં તો લાખ નાનાં-મોટાં વિઘ્નો આવવાનાં. રસ્તાની આડે આવતા દરેક વિશાળ પથ્થરને હટાવવાની કે એમાં બોગદું કરીને આગળ વધવાની જરૂર નથી. થોડો સમય ભલે લાગે પણ એ આડશથી ડાયવર્ઝન લઈને નીકળી જવું સમય તેમજ શક્તિ-બેઉ દૃષ્ટિએ કિફાયત હોવાનું.

નિષ્ફળતાની એંધાણી પારખી શકવાની તાકાત તમારામાં હોય તો ક્યારેય નિષ્ફળતાના આ ત્રણ તબક્કાઓમાં તમારે અટવાઈ જવું પડતું નથી – આદિ, મધ્ય અને અંત.

હવે નિષ્ફળતાના પ્રથમ તબક્કા આદિ વિશે વાત કરીશું. એ સ્ટેજમાં તમારે શું કરવું અને શું નહીં તે જોઈશું. હવે પછી.

4 COMMENTS

  1. આશરે 50 વરસ પહેલાં કોલેજ કાળ દરમિયાન pushing to front અનુવાદ વાંચેલ હતું જેની અનેક ભાષા માં અનુવાદ થયા હતા મને એમાંથી ઘણી સારી prena મળી હતી
    તમારો આ લેખ એનાથી એ ટપી જાય એમછે
    આભાર ન માનુતો ન ગુણો થાઉં
    ધન્યવાદ

  2. Wonderful series. Highlight8the true facets. We are grateful for the wonder pieces. Thanks once again

  3. Your articles are full of worldly wisdom. They put you in the league of corporate management Gurus like Gurcharan Das, R. H. Dastur, Deepak Chopra et al.Hats off to you.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here