લૉકડાઉન દરમ્યાન સૌ કોઈમાં પરિવર્તન આવવાનું- કેટલાકની અધોગતિ, કેટલાકની ઉન્નતિ થવાની : સૌરભ શાહ

(ન્યુઝવ્યુઝ: ગુરુવાર, ૯ એપ્રિલ ૨૦૨૦)

લૉકડાઉનના આ કપરા દિવસો ૧૪મી એપ્રિલ પછી પણ લંબાવાના છે એવી સતાવાર જાહેરાત ભલે નથી થઈ પણ સાહેબના આડકતરા ઈશારાઓથી નક્કી થઈ ગયું છે કે હજુ બધું સમુંસૂતરું ચાલી રહ્યું નથી. આપણી માનસિક અને શારીરિક તૈયારી હોવી જોઈએ.

આ ગાળો એકદમ યુનિક છે. કોઈનાય જીવનમાં ક્યારેય આવી પરિસ્થિતિ સર્જાઈ નહીં હોય. સર્જાશે પણ નહીં, ભગવાનને પ્રાર્થના કરીએ. પંદર દિવસના લૉકડાઉનના અનુભવ પછી હું સિરિયસલી માનતો થયો છું કે આ ગાળો પૂરો થયા પછી આપણે સૌ વત્તેઓછે અંશે બદલાઈ ગયા હોઈશું – જીવનમાં અત્યારે જ્યાં છીએ ત્યાંથી આગળ વધી ગયા હોઈશું અથવા પાછળ જતા રહ્યા હોઈશું. આર્થિક બાબતની વાત નથી અહીં. માનસિક – આધ્યાત્મિક લાઈફસ્ટાઈલની વાત છે. કાં તો આપણે ઉન્નતિ સાધી હશે કાં આપણી અધોગતિ થઈ હશે. ઈન એની કેસ આપણે જ્યાં છીએ ત્યાંના ત્યાં રહેવાના નથી એટલું ચોક્કસ છે. આપણાં નીતિમૂલ્યોમાં પરિવર્તન આવશે. આપણી અંગત વિચારસરણીની દિશા બદલાશે. લૉકડાઉનની આ ઘણી મોટી ઉપલબ્ધિ હશે. અને જેમની અધોગતિ થવાની છે એમના માટે આ લૉકડાઉન ઘણું મોટું નુકસાનકારક પુરવાર થશે.

નુકસાનવાળી શક્યતા પહેલાં વિચારી લઈએ. માણસ નિરાશવાદી થઈ શકે છે, રઘવાયો થઈ શકે છે, એને પોતાની જાત પરનો ભરોસો તૂટી જતો હોય એવું લાગે. પોતાની આજુબાજુના લોકો પ્રત્યે સૂક્ષ્મપણે ધિક્કાર સેવતો થઈ જાય એવું બને. પોતે જ પોતાનો ગમતો બંધ થઈ જાય એવું પણ બને. પ્રગટપણે એ આખી દુનિયાની ટીકા કરતો થઈ જાય. ટ્રમ્પમાં અક્કલ નથી, મોદીમાં નથી, ચીનાઓ તો સાલા આવા છે અને આપણો કરિયાણાવાળો પણ કંઈ ઓછો નથી – ગઈકાલે સો ગ્રામ રાઈ મગાવી તો સાલાએ બે રૂપિયા વધારે ઠોકી લીધા, લૂંટવા બેઠા છે બધા, માનવતા જેવું કશું રહ્યું જ નથી, આના કરતાં તો પ્રલય આવે તો સારું, આ દુનિયામાં આમેય રાખ્યું શું છે?

આવું તમારી અને મારી સાથે પણ થઈ શકે છે. એકલા રહીરહીને આવી નેગેટિવિટીથી ઘેરાઈ જઈશું તો લૉકડાઉન ક્યારેક ખુલી જશે પણ આપણું વ્યક્તિત્વ હંમેશને માટે બીડાઈ જશે.

લૉકડાઉનનો સમય, જરાક વધુ પડતા ફિલોસોફિકલ બનીને કહીએ તો, તપનો સમય છે – સાધનાનો સમય છે. આ એ તપશ્ચર્યા છે જેના સંસ્કાર ભારતની સંસ્કૃતિએ આપણને વારસામાં આપ્યા છે પણ આપણે અત્યાર સુધી માનતા રહ્યા કે તપ-સાધના તો હિમાલયમાં જઈને કરાય કે પછી ઈગતપુરી કે પૂજ્ય મોટાના આશ્રમમાં જઈને કરાય. લૉકડાઉને આપણને આ તપ-સાધનાની હોમ ડિલિવરી કરી આપી. ઘરબેઠાં જ આ તક ઊભી થઈ. બહુ ઊંચી ઊંચી વાતોની જાળ ન બિછાવીએ, પ્રેક્‌ટિકલ વાતો કરીએ.

બહુ જાણીતો કિસ્સો છે. ગાંધીજી પાસે એક માતાએ આવીને કહ્યું કે મારા દીકરાને ખુબ ગોળ ખાવાની કુટેવ છે તમે એને સલાહ આપો. ગાંધીજીએ એને પંદર દિવસ પછી આવવાનું કહ્યું. પંદર દિવસ પછી ગાંધીજીએ પેલા દીકરાને ગોળ નહીં ખાવાની સલાહ આપી. માતાએ ગાંધીજીને પૂછ્યું કે આ જ સલાહ તમે પંદર દિવસ પહેલાં કેમ ન આપી? ગાંધીજીનો જવાબ ખૂબ જાણીતો છેઃ ‘જ્યાં સુધી હું પોતે ગોળ ખાધા વિના કેવું લાગે છે તેનો અનુભવ ન લઉં ત્યાં સુધી બીજાને કેવી રીતે સલાહ આપી શકું?’
લૉકડાઉનના આ પંદર દિવસના ગાળામાં જે અનુભવો થયા તે તમારી સાથે વહેંચીને એક સલાહ આપવાની છે.(આપણે ગાંધી નથી તો શુ થયું, શાહ તો છીએ).

ચૈત્રી નવરાત્રિના આરંભે શરૂ કરેલાં એકટાણાં લૉકડાઉન ચાલે ત્યાં સુધી ચાલુ રાખવાં છે એ વાત તમને કહી છે. ઉપવાસના અન્ય ફાયદાઓની વાત વિગતે થઈ ચૂકી છે. અહીં એકદમ પાયાની ૩ વાતો કરવી છેઃ

૧. ઘરમાં એક જ ટંકની રસોઈ બને છે એટલે સમય ઘણો બચે છે. એ સમયનો ઉપયોગ ઘરમાં કામ કરવા માટે જે મદદ મળતી તે હવે બંધ થઈ છે એટલે ઘરકામ કરવામાં વાપરી શકાય છે. બાકી તમે વિચાર કરો કે બેઉ ટંક રસોઈ બનતી હોય તો બમણો વખત રસોડામાં વીતે એટલું જ નહીં રસોઈના વાસણો પણ બમણાં થઈ જાય. કામ એટલું વધી જાય.

૨. એક જ ટંક જમવાનું રાખ્યું હોય તો અનાજ – કરિયાણું – શાકભાજી – ગેસ વગેરે નૉર્મલ સમયમાં ચાલે એના કરતાં ડબલ સમય સુધી ચાલવાનાં છે. તમારી પાસે આર્થિક સમૃદ્ધિ હોય તો પણ બજારમાં જે વસ્તુઓની તંગી ચાલી રહી હોય તેનો વપરાશ અડધો કરી નાખવાથી તમને પોતાને કેટલી નિરાંત રહેશે, વિચારો. દેશમાં અછતની કટોકટી ઓછી કરવા આપણી કક્ષાએ જે કંઈ કરી શકીએ એમ છીએ તે કરી રહ્યાનો આનંદ બોનસમાં.

૩. એક જ ટાઈમ પેટમાં અન્ન નાખવાનું હોય એટલે સવાર-મોડી બપોર-સાંજ-મોડી રાતના નાસ્તાઓ પર આપોઆપ સંપૂર્ણ પ્રતિબંધ આવી જવાનો. આ નાસ્તાઓ બજારમાં લેવા તમે જઈ શકવાના નથી. ઘરમાં રહીને આ બનાવ – તે બનાવનાં ટેટ્રમ કરીને મારાં બહેનને તમે રોજ હેરાન કરતા હશો-રોજેરોજ બટાકાપૌંઆ કે ઉપમાના નાસ્તા કરી કરીને.

આ પંદર દિવસ દરમ્યાન મને જે અનુભવ થયો અને જે સમજાયું તે તમને કહ્યું. હજુય મોડું નથી થયું. આજથી જ એક ટંક ખાવાનું શરૂ કરીએ, આરંભમાં કષ્ટ પડશે પણ લૉકડાઉન સંપૂર્ણપણે ખુલે ત્યાં સુધીમાં કમ્ફર્ટેબલ થઈ જવાશે. બીજા-ત્રીજા-ચોથા દિવસ પછી તો મઝા આવવા માંડશે.

ત્યાગ અને સંયમ શબ્દો બહુ મોટા છે. ભારેખમ છે. એકટાણાના સંદર્ભમાં વાપરીએ તો આપણે કદાચ છિછરા લાગીએ. પણ આ અનુભવને કારણે એટલી તો ખબર પડે છે કે રિયલ ત્યાગ અને રિયલ સંયમ કોને કહેવાય. અને ભવિષ્યમાં જ્યારે એ બંનેનું જીવનમાં આગમન થાય (જો થાય તો) જીવન કેટલું સરળ બની જાય, ક્ષુલ્લક બાબતો તરફ ધ્યાન જતું બંધ થઈ જાય અને જિંદગીમાં જે કંઈ કરવું છે તે કરવા માટે કેટલો બધો સમય મળે, કેટલી બધી શક્તિ – કેટલાં બધાં રિસોર્સીસ એ ધ્યેય તરફ વાળી શકીએ.

લૉકડાઉન આપણને આપણે જ્યાં છીએ ત્યાંથી જરૂર ઉપર-આગળ લઈ જશે. આપણા સૌના માટે આ સમયગાળો ભગવાનના છૂપા આશીર્વાદ સમાન પુરવાર થવાનો છે. બ્લેસિંગ્સ ઇન ડિસ્ગાઈઝ.

આજનો વિચાર

કઈ રીતે મોતી પામવા. દરિયાને જઈને પૂછ,
કે એની પાસે એક બહુ જ ઊંડો જવાબ છે.

–મરીઝ

10 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here