પોતાનાં કૌભાંડો છુપાવવા બીજા પર જુઠ્ઠા આક્ષેપો કરવાની કૉન્ગ્રેસની જૂની ચાલ છે

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 8 માર્ચ 2019)

બાલાકોટ પરની ઍર સ્ટ્રાઈકથી હક્કાબક્કા થઈ ગયેલા વિપક્ષોને ખાતરી થઈ ગઈ છે કે આગામી ચૂંટણીમાં હવે કોઈ એમનો ભાવ પૂછે એમ નથી. આમેય કોઈ પૂછવાનું નહોતું. હવે ક્ધફર્મ થઈ ગયું છે અને એટલે જ તેઓ ‘સ્ટ્રાઈકના પુરાવાઓ લાવો’, ‘રફાલના સોદામાં ભ્રષ્ટાચાર થયો છે’ અને આવા બીજા અનેક નારાઓ લગાવીને ટાઈમપાસ કરી રહ્યા છે. કોઈ પણ સમજદાર ભારતીય વિપક્ષોની આવી વાતોમાં ભરોસો ન કરી શકે. વિપક્ષોનું પાળીતું અને માનીતું મીડિયા આવી વાતોને રોજ ફ્રન્ટ પેજ પર ચગાવ્યા કરે કે રાત્રે પ્રાઈમ ટાઈમમાં એની ટીવીચર્ચા કરે એને કારણે દેખીતી રીતે એવો માહોલ ભલે બંધાય કે રાષ્ટ્ર આખામાં અત્યારે આ જ એક ચર્ચાનો મુદ્દો છે – બાલાકોટની ઍર સ્ટ્રાઈક બનાવટી હતી કે રફાલમાં મોદીએ અનિલ અંબાણી સાથે કુલડીમાં ગોળ ભાંગીને દેશની તિજોરીને લૂંટી છે.

આવા આક્ષેપો કરનારાઓની ક્રેડિબિલિટી કેટલી? પુરાવાઓ માગવાની પાત્રતા કેટલી? કોઈના પર આક્ષેપોનો કાદવ ઉછાળવો એ તો સાવ સહેલી વાત છે. કોઈ પણ બેજવાબદાર વ્યક્તિ એ કામ કરી શકે. દેશ માટે નક્કર કાર્યો આ લોકોમાંથી કોણે કર્યાં સત્તા પર રહીને પોતાની તથા પોતાના સગાવહાલા અને મળતિયાઓની તિજોરીમાં સરકારી માલ ભરવા સિવાય આ લોકોએ દેશનું એટલું જ કાર્ય કર્યું છે જેટલું પોતાના ભ્રષ્ટાચારનો ઢાંકપિછોડો કરવા માટે અનિવાર્ય હોય.

મીડિયા સાથેની મિલીભગતથી તેઓ આપણને ગુમરાહ કરતા રહ્યા છે. 70 વર્ષથી એમણે મીડિયાને ટુકડા નાખ્યા છે એટલે મીડિયાને આ લોકોને જોઈને પૂંછડી પટપટાવવાની આદત પડી ગઈ છે. મીડિયા એમને કરડવાનું તો ઠીક એમની સામે ભસવાનું પણ ભૂલી ગયું છે. નાનીઝીણી વાતોમાં મીડિયા આપણને ઊંધા રવાડે ચડાવે છે. જે છાપવા જેવું છે તેને છુપાવે છે અથવા જાણે મામૂલી વાત હોય એ રીતે એને પેશ કરે છે અને જેમાં સરકારને અડફેટે લેવાની હોય એવી વાતોને ચગાવે છે.

રફાલ જેટ ફાઈટર્સમાં મોદીએ કોઈ ગોટાળો નથી કર્યો એવું જાણવા છતાં વિપક્ષો આ મુદ્દાને ચૂંટણી સુધી ગરમ રાખવા માગે છે. ન્યાય તોળવા માટે બેઠેલા કેટલાક લોકો જાણેઅજાણે વિપક્ષોના હાથા બની રહ્યા છે અને આ લોકોમાં એવા પણ સૌથી ઊંચા જજસાહેબો છે જેમણે પ્રોટોકોલ અને ન્યાયતંત્રની ગરિમાની ઐસીતૈસી કરીને સરકારની ખિલાફ પ્રેસ કૉન્ફરન્સ ભરી હતી.

રફાલનો મુદ્દો ચગાવીને વિપક્ષો ઑગસ્ટાવેસ્ટલેન્ડના એ.ડબ્લ્યુ. 101 હેલિકોપ્ટર કૌભાંડને ભુલાવી દેવા માગે છે. અત્યારે આ કૌભાંડને લગતા એક હૉટ ન્યૂઝ આવ્યા છે પણ આયમ શ્યૉર તમે એ વાંચ્યા કે સાંભળ્યા નહીં હોય કારણ કે મોટા ભાગના મીડિયાએ એને દબાવી દીધા છે. આ કેસનો એક આરોપી રાજીવ સક્સેના દુબઈ રહેતો હતો. એને આપણી સરકાર એક્સ્ટ્રાડિશન ટ્રિટી હેઠળ ભારત ઘસડી લાવી. પાંચ – સાત દિવસ કરતાં પણ જૂના સમાચાર છે કે રાજીવ સક્સેના આ કેસમાં સરકારી સાક્ષી બનવા તૈયાર છે એવું એના વકીલે જાહેર કર્યું હતું. પરમ દિવસે કાલે (બુધવારે) એણે આ મતલબનું નિવેદન કોર્ટમાં નોંધાવી પણ દીધું છે. રાજીવ સક્સેના બધું જ કહેવા તૈયાર છે કે આ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે. રાજીવ સક્સેનાને બ્લડ કૅન્સર છે અને એને જામીન મળી ગયા છે. એ જેલની બહાર હશે પણ એની જાનને આ કૌભાંડમાં સંડોવાયેલાઓ તરફથી ઘણો મોટો ખતરો છે.

ઈટલીની કોર્ટમાં પણ આ કેસ ચાલી રહ્યો છે. ત્યાંના સરકારી વકીલના કહેવા મુજબ સોનિયા ગાંધીના રાજકીય સેક્રેટરી અહમદ પટેલને આ સોદામાં ત્રણ મિલિયન યુરોની લાંચ આપવામાં આવી હતી. આ ઉપરાંત ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, પ્રણવ મુખર્જી (ત્યારે તેઓ રાષ્ટ્રપતિ નહોતા), એમ. વીરપ્પા મોઈલી, ઑસ્કાર ફર્નાન્ડિસ, એમ. કે. નારાયણન અને વિનય સિંહના નામ પણ આ કૌભાંડમાં છે. આમાંથી કોઈને 6 મિલિયન યુરો તો કોઈને 8.4 મિલિયન યુરો તો કોઈને વધુ 6 મિલિયન યુરોની લાંચ આપવામાં આવી છે. કુલ મળીને 250 કરોડ રૂપિયા યુ.કે. અને યુ.એ.ઈ.ની બૅન્કોમાંથી ટ્રાન્સફર થયેલા છે એવું સી.બી.આઈ.નું કહેવું છે. 2006-2007ની સાલમાં ભારતે 12 ઑગસ્ટાવેસ્ટલૅન્ડ એ.ડબ્લ્યુ. 101 હેલિકૉપ્ટર્સ ખરીદવા માટેનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. આ ઈટાલિયન કંપની છે. (ફરી વાંચો: આ ઈટાલિયન કંપની છે). 500 મિલિયન અમેરિકી ડૉલર અર્થાત્ અંદાજે રૂપિયા 36 અબજની રકમના આ કોન્ટ્રાક્ટ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ તથા વડા પ્રધાન જેવા સર્વોચ્ચ હોદ્દાધારી વી.વી.આઈ.પી.ઓ માટેના હેલિકૉપ્ટર ખરીદવાનાં હતાં. સોદાના વચેટિયા પ્રિસ્ટિયન માયકલને ડિસેમ્બર 2018માં એક્સ્ટ્રાડિટ કરીને ભારત લાવવામાં આવ્યો. આ આખું કૌભાંડ 2013ના ફેબ્રુઆરીમાં બહાર આવ્યું જ્યારે ઑગસ્ટાવેસ્ટલેન્ડની પેરન્ટ કંપની ફિન્મેચાનિકાના સી.ઈ.ઓ. જિયુસ્પી ઓર્સીની ભ્રષ્ટાચાર તથા લાંચ આપવાના કેસમાં ધરપકડ કરવામાં આવી. એના બીજા દિવસે મનમોહન સિંહ સરકારના સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટનીએ આ કોન્ટ્રાક્ટમાં તપાસ કરવાનો આદેશ આપવો પડ્યો. માર્ચ 2013માં એન્ટનીએ કબૂલ કરવું પડ્યું કે, ‘હા, આ સોદામાં ભ્રષ્ટાચાર થયો છે અને સી.બી.આઈ.ને તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે.’

જૂન 2014માં ભારત સરકાર ઈટલીની આ કંપનીને આપેલા રૂ. 3,600 કરોડમાંથી લગભગ અડધી રકમ પાછી મેળવી શકી હતી. 2016ના એપ્રિલમાં ઈટલીની મિલાન કોર્ટ ઓફ અપીલે નીચલી અદાલતનો ચુકાદો ફગાવીને પેલા સી.ઈ.ઓ. જિયુસ્પી ઓર્સીને 4 વર્ષની કેદ તથા 30 મિલિયન યુરોનો દંડ કર્યો હતો. એનો ગુનો શું હતો? ભારતીય રાજકારણીઓ, બ્યુરોક્રેટ્સ તથા ઈન્ડિયન ઍરફોર્સના અધિકારીઓને લાંચ આપવાનો અને આ લાંચ લેવા બદલ ભારતમાં કેટલા રાજકારણી, બ્યુરોક્રેટ્સ કે એરફોર્સના અધિકારીઓને સજા થઈ? હજુ સુધી એક પણ નહીં.

ખેર, 2018માં પેલા ઈટાલિયન સી.ઈ.ઓભાઈને ત્યાંની કોર્ટે છોડી મૂક્યા, કોના દબાણ હેઠળ? જિસસ જાણે અને ભારતમાં હજુ સુધી કોઈનેય સજા કેમ નથી થઈ? એ પણ વેટિકન જાણે.

2014ની લોકસભા ચૂંટણીના થોડાક મહિના પહેલાં, જાન્યુઆરીમાં કૉન્ગ્રેસે ઑગસ્ટાવેસ્ટલેન્ડ સાથેનો આ રૂ. 3,600 કરોડનો કોન્ટ્રાક્ટ રદ કર્યો. તે વખતના કાયદા પ્રધાન કપિલ સિબ્બલે આ કેસની સી.બી.આઈ. જાંચ ન થાય તે માટે ઘણા ધમપછાડા કર્યા હતા. કૉન્ગ્રેસ સરકારે આ કૌભાંડમાં તે વખતના વાયુસેનાધ્યક્ષ એસ.પી. ત્યાગીને સુધ્ધાં ભાગીદાર બનાવવાની જુર્રત કરી હતી. તે વખતે આ મામલાની તપાસ કરી રહેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં જે રાજકીય પક્ષો સામેલ હતા તે મમતાની તૃણમૂલ કૉન્ગ્રેસ અને ચંદ્રાબાબુની ટીડીપી આજે કૉન્ગ્રેસની સાથે મહાગઠબંધન કરી રહી છે.

ઑગસ્ટાવેસ્ટલેન્ડના અસલી કૌભાંડકારીઓને પ્રજા ભૂલી જાય એ માટે આ લોકો રફાલને ચગાવી રહ્યા છે.

આજનો વિચાર

કૉન્ગ્રેસ અને પાકિસ્તાન બંનેને એક જ ચિંતા છે. મોદી ફરી વાર પીએમ બન્યા તો એમનો ઈતિહાસ અને બીજાની ભૂગોળ બદલાઈ જશે.

એક મિનિટ!

બકાનો દુશ્મન: આ જીત ઈન્ડિયન ઍરફોર્સની જીત છે, મોદીની નહીં.

બકો: અચ્છા? તો 1971માં ઈંદિરા ગાંધી ખુદ તોપ લઈને સીમા પર ગયાં હતાં?

5 COMMENTS

  1. BJP a hamesha ek rastrepremi, karmeyogi, corruption vagar na ne bhartiye sanscruti na rakhevade eva prime minister apya che jyare congress ma mejority naheru na varasdaro je bhartiye oocha, desh nu nukshaan karva vada, corrupted vadhu che
    Ane main neta j jyare baraber hoi tyare ani under kaam karta ministero ma corruption saav oochu j rahevanu.
    Modiji ek eva j apda yug na Mahapurush che jeni tulna ma atyare bija koi j neta 10% pan nahi aave.
    ????

  2. Excellent Article Boss. મારા એક મિત્ર નો છેલ્લા દસેક વરસથી એક જ ફેવરિટ ડાયલોગ છે અને એ રાજકીય ચર્ચા બાદ બે શબ્દો અચુક બોલે, a Kill Congress

  3. Aa lekhak paagal che emne modi ni chamcha giri karvathi vishesh biju kasu aavadtu j nathi nahiter manmohan sinh pranav mukgarji jeva nu naam lej nahi ane badha chor cho to nakho ne jail ma sarkar su kare che aa lekhak ni buddhi nu devalu nikli gayu che koi divas Amit shah Na dikra nu b to lakho

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here