વિકલ્પો ઘટાડી નાખ્યા પછી શરૂ થાય છે પૅશનેટ જિંદગી

તડકભડક : સૌરભ શાહ
(‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૯ મે ૨૦૧૯)

જીવવાની મઝા નથી આવતી કારણ કે આપણે વહેંચાઈ ગયેલા છીએ, અખંડ નથી રહ્યા, અપણું ધ્યાન – આપણો સમય – આપણું બધું જ નાના નાના ટુકડાઓમાં વિખેરાઈ ગયું છે અને એટલે આપણું ફોકસ કોઈ એક જગ્યાએ રહ્યું નથી. આપણી પૅશન ઘટી ગઈ છે. કોઈ એક-બે-ત્રણ બાબતોમાં ગળાડૂબ ખૂંપી જવાને બદલે આપણે ચૂઝ કર્યું છે કે દરેક બાબતમાં થોડો થોડો રસ લેવો જેથી લોકોમાં આપણે નૉલેજેબલ ગણાઈએ, અપ-ટુ-ડેટ લાગીએ.

કોઈ એકાદ બે ક્ષેત્રમાં ગળાડૂબ ખૂંપી જવાને બદલે દરેકમાં છબછબિયાં કરીએ છીએ એટલે જ હવે આપણામાં પૅશન નથી રહી અને આવું જ વ્યક્તિઓની બાબતમાં, સંબંધોની બાબતમાં થાય છે. દરેકની જોડે પર્સનલ રિલેશનશિપ ડેવલપ કરવી છે કારણ કે આનામાં આ ગમે છે, એનામાં પેલું ગમે છે, ત્રીજામાં કંઈક બીજું જ… આને કારણે જેની સાથે આખી જિંદગી ગાળવી છે એ વ્યક્તિમાં ગળાડૂબ થઈ શકાતું નથી, બીજે બધે જઈને છબછબિયાં કરવાં ગમે છે. દરિયાના છેક પેટાળમાં ડૂબકી મારનારા મરજીવાને જ સાચું મોતી મળે છે એ વાત આપણે ભૂલી ગયા છીએ એટલે હવે ફટકિયાં મોતી ચલવી લઈએ છીએ, સંબંધમાં પણ.

પૅશન વગર જીવવાની મઝા નથી. કોઈના પર સંપૂર્ણપણે ન્યોચ્છાવર થઈ જવા જેવું સુખ બીજું એકેય નથી. આ કોઈ એટલે તમારી નજીકની વ્યક્તિ હોઈ શકે અને આ કોઈ એટલે તમને કામ કરવાનું ગમે એવું તમારું કાર્યક્ષેત્ર પણ હોઈ શકે. તમે હાથમાં લીધેલો કોઈ પ્રોજેક્‌ટ હોઈ શકે.

તમારો દોડવાનો-ચાલવાનો-યોગ કરવાનો-જિમમાં જવાનો સમય પણ હોઈ શકે. વૅકેશનનો સમય પણ હોઈ શકે. જે કંઈ કરીએ, જેની સાથે રહીએ, પૂર્ણપણે નીચોવાઈ જઈને કરીએ. જિંદગી ઠાલવી દઈએ એમાં. સાવધાની વર્તીને, ફૂંકી ફૂંકીને ન જીવીએ. જિંદગી કંઈ યુધ્ધનું મેદાન નથી, અહીં દુશ્મનોએ લૅન્ડ માઈન્સ બીછાવીને નથી રાખી. અને જો તમને એવું લાગતું હોય તો તમે પેરાનોઈયાના શિકાર છો. આ માનસરોગ તમને ડરપોક બનાવે છે, જનભાષામાં તમને પ્રેક્‌ટિકલ બનાવે છે, વ્યવહારુ.
પૅશનેટ લોકો ‘વ્યવહારુ’ નથી બની શકતા અને જિંદગીમાં જે લોકો કંઈક ઉકાળી શક્યા છે તે સૌ અવ્યવહારુ જ રહ્યા છે. એમણે લોકો શું કહેશે એની પરવા કર્યા વગર નિર્ણયો લીધા છે, લોકોનાં મહેણાંટોણાં સહન કર્યાં છે, નાતબહાર મૂકાવાનું જોખમ લીધું છે, હાંસિયામાં ધકેલાઈ જવાની તૈયારી સાથે એમણે પોતાનું ધાર્યું કરવાની જીદ પૂરી કરવામાં જિંદગી વીતાવી છે. બાકી તો આ જિંદગીનો મતલબ પણ શું છે? જન્મ્યા, પરણ્યા, વૃધ્ધ થયા અને મરી ગયા. આ ચક્કરમાં તો બધા જ ફસાયેલા છે. આ ચક્કરમાં રહીને પણ જેઓ કંઈક જુદું કરી શક્યા છે એમના માટે કુદરતને વિશેષ પ્યાર હોય છે. ક્યારેક જિંદગી એમના શરીર પર કોઈ દુર્ઘટનાના ઘાની નિશાની કરે છે ત્યારે એને શણગાર સમજવાનો. ટૅટુ કરાવવા તમે હજારો રૂપિયા ખર્ચીને સામેથી દર્દ વેઠો છો. કુદરત તમને આ દર્દ મફતમાં આપે છે. ટૅટુ જેવી જ શોભા આ ઘાની છે એ સમજો, એને છુપાવો નહીં, ડોકિયાં કરવા દો.

ખંડિત થઈને જીવવામાં મઝા નથી. ખંડિત જીવન જીવવું એટલે શું? તમને દસ ફિલ્મો બહુ ગમે છે. તમે અઠવાડિયામાં આ ફિલ્મનો આ પાર્ટ, બીજી ફિલ્મનો બીજો, ત્રીજી ફિલ્મનો ત્રીજો વગેરે મળીને દસ ફિલ્મોના દસ આખા આખા પાર્ટ જોવાની મઝા માણો છો. પૅશનેટ બનીને જીવવું એટલે શું? આ દસ મનગમતી ફિલ્મોમાંથી કોઈ એક ફેવરિટ ફિલ્મ પસંદ કરીને તમે થિએટરમાં ઉપરાછાપરી એને બે-ત્રણ-ચાર વાર જોઈ લો છો. આને પૅશન કહેવાય. જે કંઈ કરવું તે ગળાડૂબ કરવું, છબછબિયાં નહીં. ગાંડાતૂર બનીને વહેવું. આ રીતે જીવવું બેદરકારી કે બેજવાબદારી કહેવાય એવું લોકો કહેશે, કહેવા દો. તેઓ જે કંઈ કરી નથી શકતા એને વખોડવાના જ છે. વખાણવા જશે તો એમને પોતાના માટે શરમ આવતી થઈ જશે – કઈ વ્યક્તિ પોતે કાયર છે, ડરપોક છે એવું કબૂલ કરશે? તમારી હિંમતને, તમારી ઝિંદાદિલીને બિરદાવવી એટલે અંદરખાનેથી કબૂલ કરવું કે પોતે કાયર છે. માટે બીજાઓનાં સર્ટિફિકેટની રાહ જોયા વગર જિંદગી જીવવાનું શરૂ કરીએ, ભાઈ.

ડરેલા છીએ એટલે ખંડિત થઈ ગયા છીએ. ઈન્વેસ્ટમેન્ટ કરવા ગયા ત્યારે લોકોએ સમજાવ્યું કે બધા જ પૈસા એક જ જગ્યાએ ન રોકાય. થોડા બૅન્કમાં, થોડા મ્યુચ્યુઅલ ફંડમાં, થોડા શેરબજારમાં, થોડા સોનામાં, થોડા ઈન્શ્યોરન્સમાં, જમીનમાં, ફ્લેટમાં… ડોન્ટ પુટ ઑલ ધ એગ્સ ઈન વન બાસ્કેટ. મૂડીરોકાણકારો માટે આ સલાહ કામની હશે. પણ એક ક્ષેત્ર માટેની સલાહ દરેક ક્ષેત્ર માટે ઉપયોગી ન હોય. પ્લેનમાં ટેક ઑફ કરતી વખતે પાયલટે પોતાનું સમગ્ર ધ્યાન, તમામ માનસિક-શારીરિક શક્તિ, પ્લેનને ધરતી પરથી અધ્ધર કરીને આકાશમાં ઊંચે ને ઊંચે લઈ જવામાં ખર્ચી નાખવી પડે. તે વખતે એના દિમાગમાં વહાલસોયી પત્ની કે ખૂબસૂરત પ્રેમિકાના ખયાલો આવે તે ન ચાલે.

જિંદગીને પૅશનેટ તરીકાથી જીવવી હશે તો ઑપ્શન્સ ઘટાડી નાખવા પડશે. વિકલ્પો અઢળક રાખ્યા હશે તો વહેંચાઈ જઈશું. બધે જ ખર્ચાઈ જઈશું. પાછા જવાના પુલ બાળી નાખ્યા હશે તો જ આગળ વધ્યા સિવાય હવે છૂટકો નથી એવા જોશ સાથેનો પ્રવાસ શરૂ કરીશું. અન્યથા વારંવાર પાછળ જોયા કરીશું અને વિચારતા રહીશું કે પુલ તો હજુ અડિખમ ઊભો છે. ચાલો, રિવર્સમાં જઈએ. અને ત્યાં સુધીની વળતી યાત્રા કર્યા પછી ખબર પડશે કે હવે એ પુલને વન-વે જાહેર કરવામાં અવ્યો છે, તમારા માટે ત્યાં નો-એન્ટ્રી છે. આવું થતું હોય છે. આવું જ થતું હોય છે. માટે જ જૂના પુલ બાળી નાખવાના – ફિઝિકલી નહીં, મનોમન.

પાન બનાર્સવાલા

આપણી અંગત જિંદગીમાં જે કંઈ બની રહ્યું છે તેનો વિરોધ કરવામાં શક્તિ ખર્ચી નાખવાને બદલે એને સ્વીકારીએ અથવા એને ચાતરીને ચૂપચાપ બીજે રસ્તે વળી જઈએ. શાંતિથી જીવવાનો આ જ એક માર્ગ છે.
_અજ્ઞાત

6 COMMENTS

  1. જે લોકો પેશનેટ છે એમને સલામ. હું કોઈ પણ બાબત માં ખાસ પેશનેટ નથી. પણ મને જીંદગી જીવવા ની મજા આવે છે. મને જીંદગી થી કોઈ ફરિયાદ નથી

  2. મજ્જા આવી ગ‌ઇ. શબ્દે શબ્દે પેશનનો ધસમસતો સાક્ષાત્કાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here