(‘સંદેશ’,‘અર્ધ સાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર,૧૨ જૂન, ૨૦૧૯)
લાઉડ માઉથ :સૌરભ શાહ
સપનાં કહો એને, પ્લાનિંગ કહો કે પછી જીવનનો હેતુ કહો. આપણે જે કામ કરવાનું નક્કી કર્યું છે એ કેમ નથી કરી શકતા? વારંવાર એમાં વિઘ્નો કેમ આવે છે? બીજા બધા જ લોકો આગળ વધી જાય છે ને આપણે કેમ છીએ ત્યાંના ત્યાં જ રહી જઈએ છીએ?
ઘણાં બધાં કારણો છે. સૌથી અગત્યનું કારણ એ છે કે આપણું ફોકસ નથી આપણા ધ્યેય પર. અર્જુનનું ફોકસ હતું. આપણને તો પંખીની આંખ ઉપરાંત ઝાડ પરનાં તમામ પંખીઓના માળા દેખાય છે, એવા કેટલાંય ઝાડ દેખાય છે, જંગલમાં બીજું ઘણું બધું દેખાય છે.
આપણે વહેંચાઈ ગયેલા છીએ. સચિન તેન્ડુલકર વિરાટ કોહલી કે રવિન્દ્ર જાડેજા બનવું હોય તો ક્રિકેટ સિવાય બીજી કોઈ પણ બાબત તરફ ધ્યાન ન ખેંચાવું જોઈએ. આપણે તો રોજ દોસ્તારો-બહેનપણીઓ સાથે પાર્ટી કરવી છે. કોઈની બર્થડેમાં, કોઈના લગ્નમાં, કોઈના સારામાઠા પ્રસંગે જવું છે. શરીરને ચુસ્ત-દુરસ્ત રાખે એવી દિનચર્યા કે એવી ખાણીપીણીનું શેડ્યુલ રોજ કોઈને કોઈ બહાનું કરીને તોડી નાખીએ છીએ. અંગત મોજમઝા, કૌટુંબિક જવાબદારીઓ, સામાજિક કમિટમેન્ટ્સ, આજીવિકાની દોડધામ – આ બધું જ, હા આ બધું જ, છોડી દેવું પડે જો તમારે તમારા ઉચ્ચ લક્ષ્ય તરફ આગળ વધવું હોય તો. જેમને તમે એ લક્ષ્ય સુધી પહોંચી ગયેલા જુઓ છો એ સૌ લોકોએ આ બધું જ છોડી દીધા પછી પોતાના લક્ષ્ય સુધી પહોંચી શક્યા છે. ચાહે એ પી.એમ. હોય, બચ્ચનજી હોય, અંબાણી હોય કે વિરાટ કોહલી. જીવનમાં એક માત્ર ધ્યેય તમારું સપનું સાકાર કરવાનું હોવું જોઈએ. એ સિવાય સપનાંઓ સાકાર નથી થતા. એવું નહીં કરી શકનારાઓ છેવટે પ્રોવિડન્ટ ફન્ડ અને ગ્રેજ્યુઈટીની ગણતરીમાં વ્યસ્ત થઈ જાય છે.
બીજું કારણ પણ છે. આપણામાં ધીરજ નથી. ટ્રેન મોડી આવવાની છે એ જાણીને આપણે ગંતવ્યસ્થાન ભણી ચાલવાનું શરૂ કરી દેવાની મૂર્ખાઈ કરતા હોઈએ છીએ. આ રીતે કંઈ લક્ષ્ય સુધી પહોંચાવાનું નથી. આપણી અધીરાઈ આપણો બોજો વધારે છે, આપણને રસ્તામાં જ થકવી નાખે છે. વિલંબો, અકસ્માતો અને સમસ્યાઓ તો હોવાનાં જ છે માર્ગમાં. એની સાથે ધીરજપૂર્વક ડીલ કરવું પડે. સંજોગો સાથે બાથ ભીડવા જઈશું તો શક્તિઓ આપણી જ ખર્ચાઈ જવાની છે.
હજુ એક ત્રીજું કારણ છે. આપણે સપનાં જોઈએ છીએ પણ એ સપનાંને કસોટીના પથ્થર પર ઘસતા નથી. આપણું સપનું ખરેખર સાકાર થઈ શકે એવું છે કે નહીં એની પરખ કરવાનો આપણને ડર લાગતો હોય છે. એટલે જ એ સપનાને સપના તરીકે સાચવીને બેસી રહીએ છીએ, એને સાકાર કરવા વાસ્તવની ભૂમિ પર એકાદ નક્કર પગલું પણ ભરતા નથી. આપણને ડર છે કે સપનું સાકાર કરવા માટે એકાદ ડગલું ભરીશું તો આપણે જ આપણી જાત આગળ ઉઘાડા પડી જઈશું કે આપણું સપનું સાકાર થઈ શકે એવું છે જ નહીં. અને એટલે જ આપણે જાતને અને બીજાઓને માત્ર કહ્યા જ કરીએ છીએ કે હું આમ કરીશ ને હું તેમ કરીશ. પણ જે કરવું છે તે માટે એકાદ નક્કર પગલું નહીં ભરીએ.
ચોથું કારણ. આપણું સપનું સાકાર નથી થતું એના માટે આપણે બીજાઓને બ્લેમ કરતા રહીએ છીએ. કોણ નડી ગયું અને કોનામાં ચાલાકી ઠાંસી ઠાંસીને ભરેલી છે એવી વાતો કરીને તમે તમારી જાતને યુધિષ્ઠિર જેવા સત્યપ્રિય ગણાવવાની કોશિશ કરતા રહો છો. મારી પ્રામાણિકતા, મારા સિધ્ધાંતો અને મારા આદર્શોના ભોગે હું કંઈ જ નહીં કરું એવું કહીને તમે જતાવ્યા કરો છો કે બીજાઓ પોતાનાં સપનાં સાકાર કરી રહ્યા છે એનું કારણ એ જ છે કે એમને સિધ્ધાંતો સાથે કોઈ લેવાદેવા નથી, એમના જેવા ચલતાપૂર્જા લોકો સફળ થવાના જ છે, આપણને કંઈ એવું કરીને સફળતા નથી જોઈતી. હકીકત એ છે કે તમે સિધ્ધાંતો અને આદર્શોના નામે તમારી આળસ અને અણાઅવડતોને પંપાળો છો, પોષો છો. તમને લોકો સાથે હળીમળીને કામ કરતાં નથી આવડતું, તમે બીજાઓને મદદરૂપ બનવા માટે તત્પર નથી હોતા, તમે હંમેશાં તમારો જ કક્કો ખરો છે એવો ઍટિટ્યુડ દેખાડતા રહો છો અને પછી ફરિયાદ કરો છો કે લોકો મારી સાથે કામ કરવા માગતા નથી, લોકો મને મદદરૂપ થતા નથી, લોકો મારો વિરોધ કરે છે. તમારા સપનાં સાકાર ન થતાં હોય ત્યારે તમારી વ્યવહારુ આવડત, તમારો ઈ.ક્યુ. ઓછો પડે છે એવું વિચારતા નથી તમે અને વાંક બીજાઓનો કાઢ્યા કરો છો.
પાંચમું કારણ પણ છે હજુ. તમે જે ક્ષેત્રમાં છો અને એ ક્ષેત્રની સર્વોત્તમ ઊંચાઈએ પહોંચવા માગો છો પણ એ સપનું પૂરું કરવા માટે તમારે તમારી પ્રોફેશનલ સ્કિલ્સ વધારવી પડશે એનો તમને ખ્યાલ જ નથી. દુનિયા સતત આગળ વધતી જાય છે. તમારે પણ તમારા ક્ષેત્રમાં સતત અપગ્રેડ થવું પડે. જૂની સફળતાઓના આધારે ક્યાં સુધી બેસી રહેવાનું છે. નવાં કામ કરવા માટે, આગળ વધવા માટે નવું નવું જાણવું પડે, શીખવું પડે, પ્રેક્ટિસ કરવી પડે. પણ આપણે તો સૂંઠના ગાંગડે ગાંધી થઈ જવું છે, નવું નવું શીખવાની તસ્દી કોણ લે?
આ બધાં જ કારણોમાં જે વાત ઊડીને આંખે વળગતી નથી, સદાય પ્રચ્છન્ન રહી જાય છે, તે એ કે દરેક વાતે આપણે બીજાઓ માટેના ઈમોશન્સમાં તણાઈ જઈએ છીએ. મારે મારા ફ્રેન્ડ માટે આટલું તો કરવું જ પડે, ફૅમિલી માટે આટલો સમય તો આપવો જ પડે, આના માટે – તેના માટે આટલું તો ખેંચાવું જ પડે એવું માનીને આપણે લાગણીઓના વહેણમાં તણાઈ જતા હોઈએ છીએ. આપણું લક્ષ્ય બાજુએ મૂકીને બીજાનાં લક્ષ્યો સિધ્ધ કરવા દોડી જતા હોઈએ છીએ. લાગણીહીન બની જઈએ એવું નથી પણ લાગણીઓથી દોરવાઈ ન જવાય. દરેક લાગણી ટેમ્પરરી હોય છે. એવી લાગણીથી દોરવાઈને આપણું પરમેનેન્ટ નુકસાન થતું હોય તો પહેલેથી જ બચીએ એવી વાતોથી.
સપનાં સાકાર કરવાં હશે તો મહેણાંટોણાં ખાવાની તૈયારી રાખવી પડશે. લોકોની વાંકીચૂંકી વર્તણૂકોને સહન કરીને પણ એમને તમારી સાથે જોડવા પડશે. દિવસરાત જાગ્રત રહીને કામમાં જોતરાયેલા રહેવું પડશે. આપત્તિઓથી ઝૂક્યા વિના, લાલચોથી દોરવાયા વિના, એક એક કદમ મૂકીને, ધીરજથી આગળ વધવું પડશે. સહેલું નથી સપનાંઓને સાકાર કરવાનું. ખ્વાબ જોવાનું આસાન છે. શેખચલ્લી બની જવાનું આસાન છે. દરેક સપનાને દરેકે દરેક ક્ષણની મહેનત દ્વારા એક એક ઈંચ કરીને એના લક્ષ્ય સુધી પહોંચવું પડતું હોય છે. વરસ, બે વરસ, દસ વરસ, વીસ વરસ, ક્યારેક આખો જન્મારો વીતી જતો હોય છે. ભલે. એ જ તો જીવન છે. સપનાંઓ સાકાર કરવામાં ગૂંથાયેલા રહીએ એ માટે જ તો આ જિંદગી આપી છે ભગવાને. બાકી, ખાઈપીને મઝા તો બધા જ કરે છે. પરણીને, કમાઈને, છોકરાંઓ પેદા કરીને, મોતિયો ઉતરાવીને, ઘૂંટણની ઢાંકણી બદલાવીને, બેન્ક બૅલેન્સ ગણ્યા કરીને, ચાર ધામની જાત્રા કરીને અને મરણમૂડી સાચવીને જીવવું હોય તો તમારી મરજી છે. પછી ફરિયાદ નહીં કરવાની કે અમારાં સપનાં કેમ સાકાર નથી થતાં.
સાયલન્સ પ્લીઝ!
બચપણને બહુ યાદ કરાય ને! ત્યારે ઉંમર થઈ કહેવાય,
જૂના શોખો સમેટાય ને! ત્યારે ઉંમર થઈ કહેવાય.
સમય, કુટુંબ, શરમ, સંકોચ અથવા તબિયત કે અણઆવડત,
બહાનાં કાઢવામાં વપરાય ને! ત્યારે ઉંમર થઈ કહેવાય.
_મુકુલ ચોક્સી
❤️ થી વાહ ..
Your reply to Smit is correct. We need not seek advice from everybody for our passion
શ્રી સૌરભભાઈ,
આપના બધાજ કારણો લેખને પરિપૂર્ણ કરે છે. હુ સંપૂર્ણ સહમત છું. આપના લેખોનો હમેશાં ઈન્તેજાર હોય છે એક પ્રશંસક હોવાના નાતે.
RSS ની શાખામાં બોલાવે છે કે ‘ऊत्तिष्ठ’. અને એ ઉચીત જ છે.માણસે પોતાને દરરોજ આ શબ્દ ऊत्तिष्ठ કહેવો જોઈએ.
માણસ જાગે છે પણ ઊંઘતો હોય તેમ નિષ્ક્રિય. કોઈ લક્ષ્યહીન માણસની જેમ જીવી જાય છે.લક્ષ્ય તો અર્જુનનુ હતુ. જીવન તો શ્રીકૃષ્ણનુ હતું. કર્મશીલ બનો એવું ભગવદ્ગીતામાં તાલી ઠોકી ને કહેવાયું છે. સાદી ભાષામાં કહું તો સપના જોવા એ સપનાની જેમ જ. પણ કામની વાત આવે એટલે કે કર્મની વાત હોય ત્યારે વિચાર, programme, planning, resources અને execution નો સુભગ સમન્વય હોય તો પરિણામ સપનાંમા જોયું હોય એવું મળે.
સ્વામી વિવેકાનંદ અમથું નહોતા કહેતા કે : arise ,awake & not stop till the goal is achieved.
બીજું એક એમનુ જ quotation : કોઈ પણ એક વિચાર પકડો અને એની પાછળ પડી જાઓ જ્યાં સુધી એ સિદ્ધ ના થાય.
મહાપુરુષો અમથા અમથા પૂજાતા,લખાતા નથી!!
સ્વ.ધીરુભાઈ અંબાણીનુ જીવન પણ વાંચવા જેવું છે.
મારા મતે આદર્શ જેવું કશુ હોતું નથી. એ એક પરિકલ્પના છે. વિચારને વાગોળો નહીં,વળગો નહીં ત્યાં સુધી કોસો દૂર રહી જશો.
જો લક્ષ્ય ને સત્યના માર્ગ પર હશે તો સામ દામ દંડ ભેદ બધું સ્વીકાર્ય છે.
વર્તમાન સમયમાં ભારતના બંધારણમાં પણ હિન્દુ સંસ્કૃતિ નો આધાર લીધેલો જ છે. બંધારણના ઘડવૈયાઓની સહી છે એ માનચિત્રો પર .
તો, જે શ્રેષ્ઠ છે એ સમર્પણ માંગે છે, નિષ્ઠા માંગે છે, સમય માંગે છે.
ભારતના અને ભારત બહાર પણ જે લોકો સપનાના વિચારને મૂર્તિમંત કરી શક્યા એ સ્વદેશી અને વિદેશી વીરપુરુષો, મહાપુરુષો મહાન જ કહેવાય કોઈપણ field ના હોય. અને એ સર્વ ને પ્રણામ કરવાનુ મન થાય અને પ્રેરણાસ્ત્રોત કહેવાય.
જરૂર વિશ્લેષણ અને વિશ્વાસ ને આધાર બનાવવો જોઈએ.
સપનાનો કોઈ આધાર હોતો નથી. પણ એક વિચારને ઈચ્છિત પરિણામમાં ફેરવવામાં ઘણાબધા પરિબળોને આધાર બનાવવા પડે.આપે બધા ગણાવ્યા જ છે.
સપનુ સપનુ જ છે.અને કહેવત છે ને કે : “સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય.”
જય ભારત. વંદે માતરમ્.
—- અમીશ
Very Good and to the point article. Thanks Saurabh Bhai.
બહાના કાઢવા મા વપરાય ત્યારે ઉમર થઇ કેવાય
આખું લેખ જોરદાર બટ લાસ્ટ ફકરો તો વાહ
???
Sir,I want to pursue writing. I have written some pieces here and there but haven’t published any of it yet nor that I’ve contacted any publisher. I seek your advice what should I do in order to start my career in writing?
Don’t ask for anybody’s advice. કોઈ સામેથી આપે તો પણ લેવાની નહીં. Just go on writing more and more. And do lots of reading. લોકો સાથે ચર્ચા કરીનેસમય નહીં બગાડવાનો. મનોમંથન કરતાં રહેવાનું. ઑલ ધ બેસ્ટ??
Thanks sir