મૅનમાંથી જેન્ટલમૅન બનવાની કળા

ગુડ મોર્નિંગસૌરભ શાહ

ગ્રુમિંગની વાત કરતાં ઝ્વેન રાફાયલ શ્નાયડર યુટ્યુબના જેન્ટલમૅન્સ ગેઝેટમાં કહે છે કે છેલ્લા કેટલાક દાયકાઓથી બે, ત્રણ કે ચાર, પાંચ બ્લેડવાળા રેઝરની ફૅશન શરૂ થઈ છે તે બીજું કંઈ નહીં પણ કંપનીઓના પૈસા બનાવવાના ધંધા માત્ર છે. આવા રૅઝરની મોંઘી બ્લેડ્સ ઝાઝો વખત સુધી શાર્પ રહેતી નથી અને આપણે મોંઘી છે, આટલી જલદી ક્યાં બદલીએ એમ કહીને બુઠ્ઠી થઈ ગયા પછી પણ એ બ્લેડને બદલતા નથી. આના કરતાં એક જમાનામાં સેવન ઓ’ક્લોક જેવી બ્રાન્ડ્સની સિંગલ બ્લેડની પતરીઓ મળતી તે લાખ દરજ્જે સારી. આવી સિંગલ બ્લેડ ફિટ કરવા માટેનું રેઝર સાવ પ્લાસ્ટિકનું ન હોય કે એકદમ હળવું ન હોય તે જોવાનું. જરાક ભારે હોય તો ગ્રિપ સારી રહે. ઈન્ડિયામાં બનતી સિંગલ બ્લેડ્સને એકાદ વખત વાપરીને ડિસ્કાર્ડ કરી નાખવી. જપાનની ફિધર બ્રાન્ડની ઈન્ટરનૅશનલી ફેમસ બ્લેડ મોંઘી હોય છે અને એની ધાર ચાર-છ શેવ સુધી તેજ રહે છે.

શેવિંગ માટે કૅનમાં મળતાં ફોમ કે જેલ સાવ નકામાં એવું શ્નાયડર કહે છે. ટ્યુબરૂપે મળતા શેવિંગ ક્રીમ વિશે એણે કોઈ ટિપ્પણ કરી નથી પણ શ્નાયડર તેમ જ અન્ય ગ્રુમિંગ નિષ્ણાતો શેવિંગ સોપની કેક વાપરવાની ભલામણ કરે છે. ભારતમાં આવા દાઢીના સાબુના લાટા બહુ જુનવાણી અને ચીપ ગણાતા. પણ સારી ક્વૉલિટીનાય મળે છે. બીજું, શેવિંગ કરતાં પહેલાં ગરમ પાણીથી મોઢું નહીં ધોવાનું. ચહેરા પરનાં છિદ્રો ખુલી જાય તો ઈન્ફેક્શન થવાનો ભય રહે. શેવિંગ બ્રશ પર ક્રીમ લઈને ચહેરા પર ઘસી ઘસીને ફીણ બનાવવાની આપણને ટેવ હોય છે. ખોટી આદત છે. એક નાનકડા શેવિંગ બોલમાં ક્રીમ કે શેવિંગ સોપની કેક પર બ્રશ ઘસીને લીધેલા સાબુને ફીણીને એ ફીણ ચહેરા પર લગાડવાનું. અને શેવિંગ કર્યા પછી આલ્કોહોલવાળાં સુગંધી આફ્ટર શેવ નહીં વાપરવાના. કટ્સ થયા હોય તો ફટકડી (ઍલમ)ની સ્ટિક ઘસી નાખવી અને આફ્ટર શેવ લોશનને બદલે નિવિયા જેવી કંપનીના સેન્સિટિવ ક્રીમ આવે છે તે વાપરવાં. દાઢી કરતાં પહેલાં જો જરૂર હોય તો પ્રી-શેવ ઑઈલ પણ નીકળ્યાં છે. ફોરેસ્ટ એસેન્શ્યલવાળા બનાવે છે. મોંઘા હોય છે.

કપડાંની વાત આગળ વધારીએ. ઘણા લોકો માતના હોય છે કે અમારે જેવાં કપડાં પહેરવાં હશે એવાં પહેરીશું, તમારે શું, અમને છૂટ છે અમારી મરજી મુજબ ડ્રેસિંગ કરવાની. વાત સાચી છે. એમ તો હવે આપઘાત કરવાની પણ તમને છૂટ છે. પણ કરવાનો ન હોય. કારના એક્ઝોસ્ટ પાઈપમાં નળી નાખીને કાર્બન ડાયોક્સાઈડને મોં વાટે ફેફસાંમાં નાખવાની પણ છૂટ છે. પણ જ્યાં ત્યાં તમારી મનમરજી મુજબ કરવાનું ન હોય, કપડાંની કે એટિકેટ તથા રીતભાત, મૅનર્સની બાબતમાં પણ એવું જ છે.

પગમાં ફાફડા જેવા ભદ્દા સેન્ડલ્સ ક્યારેય પહેરવાના નહીં. ઈન્ડિયન ડ્રેસ પહેર્યો હોય તો ડિસન્ટ સેન્ડલ્સ પહેરીએ તે અપવાદ. મોદીજી પહેરે જ છે.

શ્નાયડરની સલાહ છે કે સૂટ પહેરો ત્યારે ટાઈની સાથે બરાબર મૅચ થાય એવા કોટમાં મૂકવાના શોભાના રૂમાલને અવૉઈડ કરો. બચ્ચનજી ક્યારેક એવું કરે છે પણ તે ખોટું કહેવાય. ટાઈ અને કોટના રૂમાલની સેમ ડિઝાઈન, સેમ કલર, સેમ ટાઈપનું કપડું હોય તે ખરાબ કહેવાય. બેઉ જુદાં જુદાં હોવાં જોઈએ. બહુ કોન્ટ્રાસ્ટ નહીં (ટાઈ પીળી હોય ને કોટ રૂમાલ લાલ એવું નહીં) પણ સાવ એક તાકામાંથી બનાવ્યા હોય એવો સેટ ક્યારેય ખરીદવાનો નહીં કે કોઈએ ભેટ આપ્યો હોય તો બેઉને એક સાથે વાપરવાનાં નહીં. જોકે, આપણી વેધરમાં સૂટને લગતી આવી બધી વાતો બહુ ઓછા લોકો માટે કામની છે અને જેમના માટે કામની હોય એમણે આવી બધી ટિપ્સ આ કૉલમમાંથી લેવાને બદલે ઑલરેડી કોઈને કોઈ જાણકાર પાસેથી મેળવી લીધી હોવાની. છતાં એકવાત ઉમેરી દઈએ. કોટનો રૂમાલ તૈયાર ગડી કરીને – અમુુક આકારમાં સિલાઈ કરીને પણ મળે છે. એવા તૈયાર રૂમાલ અવૉઈડ કરવાના. સિલ્કના નૉર્મલ ચોરસ અને સ્પેશ્યલ કોટમાં રાખવાના રૂમાલની જાતે ગડી વાળીને ખિસ્સામાં ગોઠવવાના. ટાઈ પણ જાતે જ બાંધવાની. લાંબી ટાઈ જ નહીં, બો ટાઈ પણ જાતે જ બાંધવાની, તૈયાર મળતી બો ટાઈને ક્લિપ કરીને પહેરી લીધી હશે તો બચકાના હરકત લાગશે.

ફુલ પૅન્ટ પહેર્યું હોય તો લાંબાં મોજાં જ પહેરવાનાં. બેસતી વખતે પૅન્ટની બૉટમ ઉપર ખેંચાય ત્યારે પગની પીંડીની ત્વચા દેખાય તે અભદ્ર કહેવાય. શોટર્સ પહેરતી વખતે એવા સોક્સ પહેર્યા હોય તે બરાબર. અમુક પ્રકારના શૂઝ તથા અમુક પ્રકારનું પેન્ટ પહેર્યું હોય ત્યારે બિલકુલ ન દેખાય એવા સોક્સ પહેરો તો અપવાદ કહેવાય. પણ અગેન, સૂટ પહેર્યો હોય ત્યારે તો ફુલ સોક્સ જ હોય. ઘણા લોકોને ટાઈ પહેર્યા પછી ગરમી લાગતી હોય તો શર્ટનું સૌથી ઉપલું બટન, કોલરવાળું બંધ બટન ખોલી નાખીને ટાઈની ગાંઠ સહેજ ઢીલી કરીને રિલેક્સ થવાની ટેવ હોય છે. ફિલ્મી હીરોને સ્ક્રીન પર જોઈને આવું શીખવાની જરૂર નથી. ગરમી લાગતી હોય તો પહેલું બટન ખોલતાં પહેલાં ટાઈ કાઢીને ખિસ્સામાં મૂકી દેવી. ટાઈ પહેરવી તો પ્રોપર રીતે પહેરવી, નહીં તો કાઢીને રોલ કરીને ખિસ્સામાં મૂકી દેવી.

શૂઝમાં આગળથી રાઉન્ડેડ કે સાંકડા હોય એવા પસંદ કરવાનાં. આગળથી સ્ક્વેર હોય એવા શૂઝની કૃત્રિમ ફૅશન એટલા માટે શરૂ થઈ હતી કે કોઈ ઉત્પાદકે આવા શૂઝ બનાવીને મોંઘી કિંમતે બજારમાં મૂકીને એવી છાપ ઊભી કરી હતી કે આવી ડિઝાઈન પ્રીમિયમ ગણાય. એ પછી ઘણા લોકોએ આંધળૂક્યિાં કરીને સ્કવેર ટો શૂઝ બનાવ્યાં, ભરપૂર વેચ્યા પણ આપણાથી ન પહેરાય. ફોર્મલ શૂઝમાં ઑક્સફર્ડ, ડરબી કે લોફરમાં આગળથી રાઉન્ડેડ હોય એવા જ શૂઝ લેવાના. ફૉર્મલ ડ્રેસિંગમાં કે ઈવન કોઈપણ કલરના પૅન્ટ સાથે વ્હાઈટ સૉક્સ ઈઝ નો નો. સ્પોટર્સ વેર કે જિમ વેર માટે જ સફેદ મોજાં છે. ટાઈ પહેરનારાઓએ ધ્યાન રાખવું કે ટાઈની વિન્ડસર નૉટ જુનવાણી થઈ ગઈ. એવી રીતે ગાંઠ બાંધીને ટાઈ પહેરી હશે તો સેન્કડ હૅન્ડ કારના સેલ્સમૅન હો એવી છાપ પડશે. હાફ વિન્ડસર સહિત બીજી અનેક પ્રકારની નૉટ્સ બાંધતા શીખી લેવાનું – મિત્રો મદદ કરી શકે, અને હવે તો યુટ્યુબ પણ.

ઑફિસે જતી વખતે કે કામ પર જતી વખતે પહેરવાનાં બિઝનેસ કેઝયુઅલ્સ વિશે શ્નાયડર કહે છે કે લોચા જેવાં કપડાં પહેરીને ઑફિસે જશો તો તમે લોચા જેવા જ લાગવાના અને તમારા સુપિરિયર્સ કે તમારા ક્લીગ્સ કે તમારા જુનિયર્સમાં પણ તમારી છાપ અણઘડ માણસ તરીકેની જ પડવાની. ઑફિસે જતી વખતે કમ્ફર્ટેબલ કપડાં પહેરવાનો મતબલ એ નથી કે દોસ્તારો સાથે દારૂના બારમાં જતી વખતે જેવાં રંગબેરંગી કપડાં પહેરીએ. ઈન ફેક્ટ તમે ઘરેથી કામ કરતા હોય તો પણ સવારે નહાઈધોઈને બિઝનેસ કેઝયુઅલ્સ પહેરીને કામ કરશો તો તમે પોતે તમારી જાતને લઘરા જેવા નહીં લાગો અને આને કારણે તમારા કામમાં પણ તમારી લઘરી માનસિકતા નહીં પ્રવેશે. ઑફિસમાં બીજા લોકો તમને રિસ્પેક્ટ આપે એવું ચાહતા હો તો પ્રોપરલી ડ્રેસ્ડ થઈને જવાનું. પણ સાથે સાથે એ પણ ધ્યાન રાખવાનું કે તમારા ઉપરી, ઈમિજિયેટ બૉસ કે જેમના હાથ નીચે કામ કરતા હો એના કરતાં વધારે સ્માર્ટ કપડાં પહેરીને જશો તો સાહેબને ખૂંચવાનું જ છે. માટે ધ્યાન રાખવાનું. ઑફિસ ડ્રેસિંગમાં એક સિદ્ધાંત એવો છે કે તમે જે પોસ્ટ પર કામ કરી રહ્યા છો તેને અનુરૂપ નહીં, પરંતુ કરિયરમાં આગળ વધીને જે પોસ્ટ પર કામ કરવા માગો છો તે પ્રકારનાં કપડાં પહેરવાનાં. આ બધી વિરોધાભાસી વાતોમાં તમને જે પ્રેક્ટિકલ લાગે તે સાચું. કાલે પૂરું.

આજનો વિચાર

ભારત એક એવો દેશ છે જ્યાં ફટાકડા ફોડવાવાળાઓનો ધર્મ કયો છે એની ખબર છે પણ બૉમ્બ ફોડવાવાળાઓનો ધર્મ કયો હોય છે એ રહસ્ય અકબંધ રહે છે.

– વૉટ્સએપ પર વાંચેલું.

એક મિનિટ!

પકો: આ વર્ષે દિવાળી જેવું બહુ લાગતું નથી ને!

બકો: ભાઈ તું પતંગ ચગાવ કાં પિચકારી લઈને નીકળી પડ, બીજું શું?

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 1 નવેમ્બર 2018)

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here