‘કાશ્મીર ફાઇલ્સ’નું બૅકગ્રાઉન્ડર : સૌરભ શાહ

( ધૂળેટી, વિક્રમ સંવત ૨૦૭૮. શુક્રવાર, ૧૮ માર્ચ ૨૦૨૨)

‘કાશ્મીર ફાઇલ્સ’ વિશે બે લેખ પ્રસિદ્ધ થઈ ગયા. બીજા કાલે-પરમ દિવસે બે આવી રહ્યા છે. દરમ્યાન, આ વિષયની પાર્શ્વભૂમિ સમજવા આ વિષય પર અગાઉ લખાયેલા મારા લેખોમાંથી પસંદ કરીને માત્ર ત્રણ જ પીસ થોડા ટૂંકાવીને સળંગ મૂક્યા છે, તમે ઝડપથી પસાર થઈ જશો. દરેક લેખ લખાયાની તારીખ વાંચીને આગળ વધશો.

* * *

એક ઘા ને ૩૭૦ કટકા: સૌરભ શાહ

(મંગળવાર ૬ ઑગસ્ટ ૨૦૧૯ : આ ઐતિહાસિક દિવસે 370મી કલમને રદ કરવાના સંસદના નિર્ણયને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી.)

લોકો મોદીની હિંમતને બિરદાવે છે, છપ્પનની છાતીને બિરદાવે છે.

મોદીમાં હિંમત-સાહસ તો છે જ પણ એથી વિશેષ ઘણું બધું છે જે લોકોના હાઈપમાં ઢંકાઈ જાય છે.

સૌથી પહેલી વાત છે — દ્રઢ સંકલ્પ. ૩૭૦ હટાવવી છે એવો નિર્ધાર મોદીએ પ્રથમ વખત વડાપ્રધાન બનવાની શક્યતા ઊભી થઈ હશે ત્યારનો કર્યો હશે. કારણ કે ૩૭૦ દૂર થવી જોઈએ એવી માગણીમાં એમને શ્રદ્ધા તો ઈવન ચીફ મિનિસ્ટર બનતાં પહેલાં પણ હતી. રામ માધવે એ ફોટો ટ્‌વિટર પર શેર કર્યા પછી સોશ્યલ મીડિયામાં ખૂબ ફર્યો છે. દ્રઢ સંકલ્પ મોદીની અપ્રતિમ સાહસિકતાનું પહેલું પગથિયું.

પણ આ પગથિયું – નિસરણીનું પ્રથમ ચણતર – ત્યારે બંધાય જ્યારે ભૂમિ એને અનુરૂપ હોય. ૩૭૦ દૂર થવી જોઈએ એવી માગણીમાં મોદીને શ્રદ્ધા ક્યારે બેસે? જ્યારે એમની પાસે સાચા ઇતિહાસની સમજ હોય ત્યારે. સેક્યુલરો અને સામ્યવાદીઓએ લખેલા ઇતિહાસથી જેનું ઘડતર થયું હોય એવા લોકો આજની તારીખે પણ બંધારણની ૩૭૦મી કલમ અનિવાર્ય છે, દૂર ન થવી જોઈએ, એવું માને છે. પોતાનો કોઈ જ પોલિટિકલ એજન્ડા ન હોય તો ય આવું માનવાની ભૂલ કરનારા આપણી આસપાસ પણ ઘણા છે.

સાચા ઇતિહાસની સમજવાળી ભૂમિકા અને એના પર ચણાયેલા દ્રઢ સંકલ્પના પ્રથમ પગથિયા પછી વારો આવે છે દીર્ઘ દ્રષ્ટિનો. લાંબું વિચારવાની ટેવ મોદીને છે અને તે એમણે ડગલે ને પગલે પુરવાર કર્યું છે. કોઈ પણ પગલું ભરતાં પહેલાં એનાં ટૂંકા ગાળાનાં, મધ્યમ ગાળાનાં અને લાંબા ગાળાનાં પરિણામો શું આવશે એ વિશે મોદી ઝડપથી વિચારી શકે છે. ૨૦૦૨નાં રમખાણો, વાઈબ્રન્ટ ગુજરાત, ૨૦૧૪ની ચૂંટણીનો પ્રચાર, નોટબંધી, જીએસટી, અને ૨૦૧૯ની ચૂંટણી અને સર્જિકલ સ્ટ્રાઈક – અનેક ઉદાહરણો તમારી નજર સામે છે. ટ્રિપલ તલાક જેવા સેન્સિટિવ અને એના કરતાં હજારગણા સંવેદનશીલ તથા ઈન્ટરનૅશનલ અસરો ઉપજાવી શકે એવા આ ૩૭૦ હટાવવાના મુદ્દાની લાંબા-ટૂંકા ગાળાની સર્વવ્યાપી અસરો વિશે એમણે જે જે વિચારી લીધું હશે એનું સોમા ભાગનું વિચારવાનું પણ બીજા કોઈનું ગજું નથી – ન સરકારમાં, ન પ્રજામાં.

ત્રીજું પગથિયું પ્લાનિંગનું. જડબેસલાક પ્લાનિંગ મોદીની ઍડમિનિસ્ટ્રેટિવ શક્તિઓનો પુરાવો છે. મુખ્યમંત્રી બનતાં પહેલાં જ એમણે આ કૅપેસિટી પુરવાર કરી હતી – ૨૦૦૧ના કચ્છના ભૂકંપ વખતે. ૨૦૦૨ના ગોધરા હિન્દુહત્યાકાંડ બાદ ગુજરાતની પ્રજામાં એટલો બધો ભારેલો અગ્નિ હતો કે મોદી ન હોત તો બેઉ પક્ષે ઘણી મોટી જાનહાનિ-માલહાનિ થઈ હોત. વાઈબ્રન્ટ ગુજરાતનું પ્લાનિંગ તો ભારતનાં બીજાં રાજ્યોએ પણ અપનાવી લીધું. ચૂંટણી સભાઓનું અને ચૂંટણીની વ્યૂહરચનાનું આયોજન તો એમના માટે ડાબા હાથનો ખેલ થઈ ગયો છે. નોટબંધી-જીએસટીના અમલીકરણ બાબતે હજુય કેટલાક દુભાયેલાઓ તથા કરચોરો તથા થિયરીને વળગી રહેનારા અર્થશાસ્ત્રીઓ પાણીમાંથી પોરાં કાઢે છે પણ કોઈ એ જોતું નથી કે નોટબંધી જેવી ઈતિહાસ બદલનારી ઘટના વખતે પણ રાજકીય પક્ષોની ઉશ્કેરણી બાવજૂદ પ્રજાએ કોઈ એકલદોકલ એટીએમનો કાચ પણ ફોડ્યો નથી, વ્યાપક રમખાણોની તો વાત જ જવા દો. નોટબંધી અને જીએસટી જેવી યુગપ્રવર્તક ઘટનાઓના અમલીકરણમાં જે જે કંઈ કચાશ રહી ગઈ તે સમયસર સુધરતી ગઈ. પણ બાળક જન્મે ને ચાલતાં શીખે કે તરત જ ઉસેન બોલ્ટની જેમ દોડતાં શીખી જાય એવો આગ્રહ સેવનારા અધીરાઓ હજુય અણસમજમાં ટીકા કરતા રહે છે કે નોટબંધી અને જીએસટી જન્મતાવેંત દોડતી કેમ ન થઈ ગઈ?

૩૭૦મી કલમ વિશે સંસદમાં ઘોષણા થાય એ પહેલાં મોદીએ કેટકેટલી પૂર્વતૈયારીઓ કરી હતી તેની તમને ખબર જ છે. મહેબૂબા-ઓમર વગેરેને નજરકેદ, ઈન્ટરનેટ બંધ, મોબાઈલ બંધ, પોલીસ અધિકારીઓ માટે સેટેલાઈટ ફોન્સ, હજારો ટ્રુપ્સનો બંદોબસ્ત, ટુરિસ્ટોને પાછા વળવાની સૂચના — આ બધી તો માત્ર ભૌતિક તૈયારીઓ થઈ. ઈન્ટરનૅશનલ પ્રેશર ઊભું ન થાય એ માટેની ડિપ્લોમેટિક તૈયારી, પાકિસ્તાન કોઈ ઉંબાડિયું ના કરે એ માટે એને ‘સમજાવવાની’ તૈયારી, સંસદમાં અને સંસદની બહાર વિપક્ષો જે હોહા મચાવે એનો જવાબ આપવાની તૈયારી. આ ઉપરાંત કાશ્મીરની પ્રજાને કોઈ ઉશ્કેરીને ન કરવાનું કરાવી બેસે ને સિવિલ વૉરની પરિસ્થિતિ સર્જાય તે પહેલાં જ મોદીએ પૂરા પાંચ વર્ષ સુધી કાશ્મીરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું ઘણું મોટું કામ કર્યું. નવા રસ્તા, નવી રેલવે લાઈનો, પંચાયતોને કેન્દ્ર તરફથી ડાયરેક્‌ટ આર્થિક મદદ, આર્થિક રીતે નબળા વર્ગ માટે (૮ લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવનારા માટે) દસ ટકા અનામતની જોગવાઈ જે ભારતનાં બીજાં ઘણાં રાજ્યો ઑલરેડી લાગુ કરી ચૂક્યા છે. આ બધી પૂર્વતૈયારીઓ દ્વારા મોદીએ જડબેસલાક બંદોબસ્ત કરી લીધો કે કાશ્મીરીઓ દુભાય નહીં અને એમને ઉશ્કેરવામાં કોઈ સફળ થાય નહીં. તો આ ત્રીજું પગલું— પ્લાનિંગ.

મોદીની ચોથી ખાસિયત ઊડીને આંખે વળગે છે તે એમની સ્વસ્થતા અને સિક્રસી. કોઈ પણ પ્લાનિંગનું અમલીકરણ ન થાય ત્યાં સુધી એના વિશે કોઈ બણગાં ફૂંકવાનાં નહીં. લોકોને જે કહેવું હોય તે કહે—એમને જવાબ નહીં આપવાનો. પોતે જે કંઈ કરે છે, કરવા માગે છે કે નથી જ કરવાના તે વિશે કોઈ આગોતરી સ્પષ્ટતાઓ, ખુલાસાઓ કરવાનાં નહીં. વાત જ્યારે બહાર આવશે ત્યારની વાત ત્યારે, અત્યારે ચૂપચાપ કામ કરો. જરૂર પડ્યે ક્યારેક ઈન્ડિકેશન આપો પણ આખેઆખું પેપર ફોડી દેવાની જરૂર નથી—ગમે તેટલું પ્રેશર આવે— પાર્ટીમાંથી, વિપક્ષોનું, મીડિયાનું—ચૂપ રહેવાનું, કામ કરતાં રહેવાનું.

પાંચમી અને સૌથી ટોચની વાત મોદીની એ કે એક વખત અમલમાં મૂકાઈ ગયા પછી જાહેરમાં એ વાતનો જશ પોતાને મળતો હોય તો, કોઈ સંકોચ કે નમ્રતાના દેખાડા વિના, પોતે લેવાનો. કારણ કે જો અપજશ મળત તો લોકોએ એમના જ માથે માછલાં ધોયાં હોત. કલ્પના કરો કે અભિનંદનવાળી સર્જિકલ સ્ટ્રાઈકમાં જરા સરખી ગરબડ થઈ ગઈ હોત તો લોકોએ એનું માઈક્રો પ્લાનિંગ કરનારાઓનો વાંક કાઢ્યો હોત કે? ના. મોદીને ફોલી ખાધા હોત. તો પછી જે કંઈ સફળતાપૂર્વક પાર ઉતરે એમાં મોદી શું કામ જશ ન લે.

આટલી પૂર્વભૂમિકા પછી બે વાત.

સેક્યુલરિયાઓના પ્રચારને લીધે તેમજ સામ્યવાદી ઈતિહાસકારોએ લખેલા ઈતિહાસના પાઠ્‌યપુસ્તકોને કારણે હું પોતે એક જમનામાં માનતો હતો કે મૉરલી (અને લીગલી પણ) કાશ્મીર પર આપણો કોઈ હક્ક નથી. પરંતુ ૧૯૮૮ –૮૯ના અરસામાં, ૧૯૪૬થી ૧૯૪૮ દરમ્યાનના કાશ્મીર વિશેની નવલકથા (‘જન્મોજનમ’) માટે રિસર્ચ કરવા ૨૫ દિવસ સુધી જમ્મુ-કાશ્મીરમાં રખડ્યો અને સંશોધન કરીને ઘણા દસ્તાવેજો જોયા ત્યારે મારી આંખો ઊઘડી. (એ નવલકથા ૧૯૮૯માં ‘ચિત્રલેખા’માં ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થઈ હતી. પુસ્તકરૂપે પ્રગટ નથી કરી કારણ કે સારી રીતે નથી લખાઈ. ઘણી કાચી હતી.)

એ પછી તો કાશ્મીરના ઇતિહાસના સંદર્ભો આપીને આર્ટિકલ ૩૭૦ વિશે મેં ‘ગુડ મોર્નિંગ’ની ફર્સ્ટ સિઝન (૧૯૯૫ – ૧૯૯૯) દરમ્યાન ખૂબ લખ્યું. એના પરથી એક સળંગ દીર્ઘ લેખ બન્યો જેનો અંશ ૨૦૦૨માં પ્રગટ થયેલા મારા પુસ્તક ‘૩૧ સુવર્ણમુદ્રાઓ’માં છે (પુસ્તક આઉટ ઑફ પ્રિન્ટ છે).

કાશ્મીર અને આર્ટિકલ ૩૭૦ એવા મુદ્દાઓ છે જેને સમજવા માટે અને ઉકેલવા માટે મોદીની નજર, મોદીની માનસિકતા તથા મોદીની આયોજનશક્તિ જોઈએ.
ભારત ખરેખર સદ્‌નસીબ છે.

આજનો વિચાર

દુઃખ સહન કરવું પડશે એવા ભયથી આપણે જિંદગીની વિશાળ તકોને, શક્યતાઓને વેડફી નાખતા હોઈએ છીએ.

સદ્‌ગુરૂ જગ્ગી વાસુદેવ


* * *

પીઓકેના સરપંચને પાકિસ્તાન ‘આઝાદ કશ્મીર’નો વડો પ્રધાન ગણે છે! : સૌરભ શાહ

( ઑક્ટોબર 2018)

બાવીસમી ઑક્ટોબરની તારીખ માત્ર જમ્મુ-કશ્મીરના જ નહીં, ભારતના ઈતિહાસ માટે અતિ મહત્ત્વની તિથિ છે. 2018ની 22મી ઑક્ટોબરે, કબાઈલીઓના વેશમાં આવેલા પાકિસ્તાન સૈનિકોના હુમલાને 71 વર્ષ પૂરાં થશે. કબાઈલીઓ 1947ના વર્ષના એ દિવસે અબોત્તાબાદના રસ્તે કાશ્મીરમાં પ્રવેશ્યા હતા અને 48 કલાક કરતાં ઓછા સમયમાં શ્રીનગરથી માત્ર 40 કિલોમીટર દૂરના બારામુલ્લા ગામ સુધી આવી પહોંચ્યા હતા. 24 ઑક્ટોબરે મહારાજા હરિ સિંહે ભારત સરકારને લશ્કર મોકલવાની અપીલ કરી. ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર અને ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે ભારત તરફથી લશ્કર મોકલવા માટેની શરત રાજા હરિ સિંહને જણાવી. ભારત એ જ પ્રદેશની સુરક્ષા માટે પોતાનું લશ્કર મોકલી શકે જે પ્રદેશ ભારતનો હોય. સ્વાભાવિક અને સિમ્પલ વાત હતી. રાજા હરિ સિંહે પોતાના રાજ્યનું ભારત સાથે જોડાણ કરતા દસ્તાવેજો પર સહી કરી દીધી. ભારતીય લશ્કરે કબાઈલીઓને દૂર સુધી ખદેડી મૂકવા માટે જાનની બાજી લગાવી. હજુ આ બાબતે લશ્કરને સંપૂર્ણ સફળતા મળે તે પહેલાં, 1 જાન્યુઆરી 1948ના રોજ (અર્થાત્ હુમલાના માત્ર અઢી મહિનામાં જ) પંડિત નેહરુએ,સરદાર પટેલના કર્યાકરાવ્યા પર પાણી ફેરવી દઈને, આ મામલામાં સંયુક્ત રાષ્ટ્રસંઘને વચ્ચે પડવાનું કહ્યું. નેહરુના આ પગલાંની સરદાર સખત વિરુદ્ધ હતા. યશવંત દોશી (જેમના હાથ નીચે મેં 18 વર્ષની ઉંમરે પત્રકારત્વની કારકિર્દી શરૂ કરી તે ‘ગ્રંથ’ માસિકના તંત્રી) એ સરદાર પટેલની દળદાર અધિકૃત જીવનકથા લખી છે. એ બાયોગ્રાફીમાં તેમ જ સરદારના પત્રોના સંકલનમાં તમને આ બાબતના ઐતિહાસિક પુરાવાઓ સાંપડશે. ગાંધીજીની પ્રકાશન સંસ્થા ‘નવજીવન’એ આ બેઉ મહામૂલાં પુસ્તકો પ્રગટ કર્યાં છે.

પંડિત નેહરુની ટૂંકી દૃષ્ટિને લીધે પાકિસ્તાનના કબાઈલીઓને પાછા પાકિસ્તાન ભેગા કરી દેવાની કવાયત અટકી ગઈ અને કબાઈલીઓએ જે પ્રદેશમાં ઘૂસણખોરી કરી લીધી હતી તેમાં ભારતીય લશ્કરને પ્રવેશવાની પાબંદી આવી ગઈ, યુદ્ધવિરામ થઈ ગયો, જેને પરિણામે કાશ્મીરનો એ ઘણો મોટો હિસ્સો ભારતે ‘પાક ઑક્યુપાઈડ કશ્મીર’ (પી.ઓ.કે.) કે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર તરીકે ઓળખવો પડે છે.

છેલ્લાં 71 વર્ષથી ભારતના નકશામાં રાજસ્થાની પાઘડીના આકાર જેવા દેખાતા કાશ્મીરનો ઘણો મોટો પશ્ર્ચિમોત્તર હિસ્સો ભારતના કબજા હેઠળ નથી. અત્યાર સુધી દુનિયાના કોઈ મહત્ત્વના દેશો એ પ્રદેશને ભારતની ભૂમિ ગણતા જ નહોતા અને એવી જ ભૌગોલિક પરિસ્થિતિ દર્શાવતા નકશા છાપતા. આવા કોઈ પણ નકશા, પાઘડીના ડાબા ઉપલા છેડાને કાપી નખાયેલા નકશા, ભારતમાં આવતાં વિદેશી મૅગેઝિનોમાં પ્રગટ થતા ત્યારે એની દરેક નકલ પર ભારત સરકાર લાંબા રબર સ્ટેમ્પ મારીને અત્યાર સુધી ખુલાસો કરતી. ર014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી આ રબર સ્ટેમ્પવાળી હાસ્યાસ્પદ મજૂરી બંધ થઈ, હવે આવું કરવું ફોજદારી ગુનો ગણાય છે. આવા નકશા છાપવા બદલ ભારતના કાનૂન મુજબ આકરી સજા થઈ શકે છે. હવે એ લોકો સીધા થઈને ભારત સરકાર જે માન્ય રાખે છે તેવા નકશા છાપતા થઈ ગયા છે. કૉન્ગ્રેસ સરકાર આટલુંય નહોતી કરી શકતી.

ભારત જે પ્રદેશને પી.ઓ.કે. ગણે છે તેને પાકિસ્તાન ‘આઝાદ કશ્મીર’ ગણાવે છે. એટલું જ નહીં એ પ્રદેશના સરપંચ જેટલી સત્તા ભોગવનાર પદાધિકારીને આઝાદ કશ્મીરના ‘વડા પ્રધાન’ ગણાવે છે!

શેખ અબદુલ્લાની નૅશનલ કૉન્ફરન્સ, મહારાજા હરિ સિંહ અને પંડિત નેહરુની તે વખતની સરકાર—આ ત્રણ પક્ષોએ ભેગા મળીને જે ખીચડી પકવીને ચૂંથી નાખ્યો તે જમ્મુ-કાશ્મીરના મસલાનું આખરી સ્વરૂપ છે ભારતીય સંવિધાનની 370મી કલમ જે આજે ગળામાં ઘંટીના પડની જેમ ભારતીય નાગરિકોના માથે મોટી જવાબદારી સમી બની ગઈ છે.

પંડિત નેહરુના દબાણ હેઠળ ભારતના બંધારણના ઘડવૈયાઓએ જમ્મુ-કાશ્મીર રાજ્યને પોતાનું અલગ બંધારણ (સંવિધાન, કૉન્સ્ટિટ્યુશન) ઘડવાની કલમ 370 હેઠળ આપી. આ સત્તા હેઠળ 1951માં કશ્મીરમાં બંધારણીય સભા (કૉન્સ્ટિટ્યૂન્ટ એસેમ્બલી) રચાઈ અને 1952માં એણે ડોગરાઓના વંશ પરંપરાગત શાસનનો અંત લાવતો ઠરાવ પસાર કર્યો. 1954માં રાજ્યની બંધારણીય સભાએ ડ્રાફટિંગ સમિતિ રચીને બંધારણનો પ્રાથમિક મુસદ્દો તૈયાર કર્યો. એમાં થયેલા સુધારાવધારા પછી રાજ્યની બંધારણીય સભાએ 17 નવેમ્બર 1956ના રોજ આ સંવિધાનનો સ્વીકાર કર્યો અને 26 જાન્યુઆરી, 1957ના દિવસથી, ભારતના સંવિધાનના અમલીકરણના બરાબર સાત વર્ષ બાદ, જમ્મુ-કશ્મીરના સ્વતંત્ર બંધારણના અમલીકરણનો આરંભ થયો. ભારતીય બંધારણમાં નેહરુની જીદથી ઘૂસી ગયેલી કલમ 370ના પાપને કારણે જમ્મુ અને કાશ્મીર રાજ્યના અનૌરસ બંધારણનો જન્મ થયો અને આ બાસ્ટર્ડ ચાઇલ્ડનું ન્યુસન્સ, દિવસે ન વધે એટલું રાત્રે અને રાત્રે ન વધે એટલું દિવસે વધતું ગયું. આજે એ અનૌરસ સંતાને 60 વર્ષની ઉંમર વટાવી ગયા પછી પણ રીટાયર્ડ લાઈફ જીવવાને બદલે ભારતની છાતી પર ચડીને ચીસાચીસ કરવાનું ચાલુ રાખ્યું છે.

આજનો વિચાર

મૂર્ખાઓને તમે અક્કલવાળી વાત કહેશો તો એ તમને મૂરખ કહેશે.

—આફ્રિકન કહેવત

* * *

કશ્મીર: કલ, આજ ઔર કલ : સૌરભ શાહ

(મુંબઈ સમાચાર, 26 જૂન 2018)

આપણા દેશના એક અવિભાજ્ય અંગ સમા જમ્મુ અને કશ્મીર રાજ્યને આપવામાં આવેલી વધુ પડતી સ્વાયત્તતાના પરિણામે ત્યાં આજે જે પરિસ્થિતિ સર્જાઈ છે તે આખા દેશને ચિંતા કરાવે છે. જે એન્ડ કે સ્ટેટની વર્તમાન પરિસ્થિતિ અને એના ભાવિની ઝાંખી કરતાં પહેલાં અતીતનાં થોડાં પાનાં ઉથલાવવાં જરૂરી છે.

ભાજપે મતદારોને વચન આપ્યું છે બંધારણની ૩૭૦મી કલમને રદ કરવાનું અથવા તો એની અસરોને ન્યુટ્રલાઈઝ કરવાનું. જમ્મુ-કશ્મીરમાં રાષ્ટ્રપતિશાસન અથવા તો ગવર્નરનું શાસન (અર્થાત્ આડકતરી રીતે કેન્દ્રનું શાસન) આવી જવાથી ભાજપ આ કલમ દૂર નહીં કરી શકે. કાલ ઊઠીને જમ્મુ-કશ્મીર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થાય અને ધારો કે ભાજપને સંપૂર્ણ બહુમતી મળે તોય તે આ કલમ રદ નહીં કરી શકે કારણ કે આ વિષય કેન્દ્રનો છે, રાજ્યનો નહીં. સંસદના બેઉ ગૃહમાં ભાજપને બે તૃતિયાંશ કે ઈવન ત્રણ ચતુર્થાંશ બહુમતી મળી ગયા પછી પણ ભાજપ રાતોરાત ૩૭૦મી કલમને રદ કે ન્યુટ્રલાઈઝ (બિનઅસરકારક) નહીં કરી શકે કારણ કે આ એક સેન્સિટિવ ઈશ્યુ છે અને કૉન્ગ્રેસ આ મુદ્દાને વળ ચડાવીને દેશમાં ગૃહયુદ્ધની, આંતરવિગ્રહની સિચ્યુએશન ઊભી કરી શકે એમ છે, કાશ્મીર આખેઆખું સળગાવી શકે એમ છે.

આવું ન થાય અને ૩૭૦મી કલમની માઠી અસરોથી જમ્મુ-કશ્મીરને તેમ જ સમગ્ર દેશને મુક્ત કરી શકાય તે માટે ભાજપે ત્રણ વરસ સુધી મુફ્તી મોહમ્મદ સૈયદ (અને એમના અવસાન પછી એમની બેટી મહેબૂબા) સાથે હાથ મિલાવીને મિયાં-મહાદેવનો મેળ પાડ્યો તે સારું જ થયું.

એક બાજુ ભાજપના કે હિન્દુત્વના કેટલાક સમર્થકો પોતાની નિરપેક્ષતા અને તટસ્થતા જતાવવા મહેબૂબા સાથે છેડો ફાડવા બદલ મોદીનું ગળું પકડે છે તો બીજી બાજુ સેક્યુલરિયા-માર્ક્સવાદી-સામ્યવાદીઓ સૈફુદ્દીન સોઝ જેવા કૉન્ગ્રેસીઓની મુલાકાત લઈને સોઝના અનાપશનાપ નિવેદનોને ચગાવે છે કે સરદાર પટેલ તો કાશ્મીર પાકિસ્તાનને સોંપી દેવા માગતા હતા પણ નહેરુએ સરદારના આ નિર્ણયનું અમલીકણ થવા દીધું નહીં.

સોઝનો ઈન્ટરવ્યૂ લેનારાઓને ખબર છે કે સોઝે બેવકૂફીથી કે બેદરકારીથી જુઠ્ઠાણું નથી ચલાવ્યું પણ બદમાશીથી, જાણી જોઈને આવું જુઠ્ઠાણું ફેલાવ્યું છે. આવા જુઠ્ઠાણાનો પ્રચાર કરનાર પેઈડ મીડિયા સોઝ અને કૉન્ગ્રેસના આ બદમાશી વલણને ઉત્તેજન આપીને બળતામાં પેટ્રોલ રેડીને પથ્થરબાજોને પ્રોત્સાહન આપી રહ્યા છે. પણ વર્તમાન પરિસ્થિતિ તથા ભવિષ્યમાં શું થશે/શું થવું જોઈએ એ વિશેની ચર્ચા કરતાં પહેલાં એક ડૂબકી ભૂતકાળમાં.

જમ્મુ અને કાશ્મીર રાજ્યના ત્રણ હિસ્સા છે: જમ્મુ, લદ્દાખ અને કાશ્મીર (વેલી, ખીણ). બ્રિટિશરોએ ભારત આવીને પંજાબ સર કર્યું તે પહેલાં આ ત્રણેય પ્રદેશો પંજાબના મહારાજા રણજિત સિંહના કબજામાં હતા. શીખોએ ૧૮૦૮માં જમ્મુ લીધું અને કાશ્મીરનું પ્રાચીન રાજ્ય ૧૮૧૯માં શીખોના હાથમાં આવ્યું. ૧૮૨૨માં રણજિત સિંહે જમ્મુનો પ્રદેશ જમ્મુના ડોગરા રાજપૂત સરદાર રાજા ગુલાબ સિંહને વજીફામાં આપી દીધો. રણજિત સિંહના લશ્કરે ૧૮૦૮માં જમ્મુ પર જીત મેળવી હતી ત્યારે ગુલાબ સિંહ પક્ષપલટો કરીને પંજાબી લશ્કરમાં ગુલાંટ મારી ગયા હતા અને પાછળથી રણજિત સિંહના દરબારમાં એમણે માનભર્યું સ્થાન પણ મેળવ્યું. ગુલાબ સિંહે ૧૮૩૭માં લદ્દાખને પણ પોતાના રાજ્યમાં ભેળવી દીધું.

રણજિત સિંહ ૧૮૩૯માં મૃત્યુ પામ્યા અને ત્યારબાદ શીખોના એ રાજ્ય પર હક્ક જમાવવા જે કાવાદાવા થયા એમાં આખુંય શાસન પડી ભાંગ્યું અને ડોગરાઓનું વર્ચસ્વ વધવા માંડ્યું. શીખોના રાજકારણમાં જમ્મુના ડોગરા રાજપૂતોની દખલગીરી વધી. રણજિત સિંહની હયાતિ દરમ્યાન અંગ્રેજો પંજાબથી દૂર રહ્યા પણ એમના મૃત્યુ બાદ પડેલી ફાટફૂટનો લાભ લઈને અંગ્રેજોએ પંજાબ તરફ બૂરી નજરથી દેખવાનું શરૂ કર્યું. બ્રિટિશ હેરાનગતિથી બચવા શીખ સરદારોએ ગુલાબ સિંહની મદદ માગી. ગુલાબ સિંહે આપી. શીખોને ખબર નહોતી કે ગુલાબ સિંહ અને બ્રિટિશ સરકાર ખાનગીમાં હાથ મેળવી ચૂક્યા છે. બ્રિટિશ હકુમતની વધતી જતી તાકાતથી ગુલાબ સિંહ વાકેફ હતા. પોતાના ભવિષ્યની સલામતી માટે દુશ્મનો સાથે હાથ મિલાવવામાં એમને વ્યવહારુપણું લાગતું હતું, કાયરતા નહોતી લાગતી.

૧૮૪૬ની ૨૦ ફેબ્રુઆરએ બ્રિટિશ લશ્કરે અખંડ પંજાબ પર કબજો મેળવી લીધો. લાહોર આ અખંડ પંજાબની રાજધાની. બ્રિટિશ તરફથી લાલસિંહને પંજાબના વડા પ્રધાન નિયુક્ત કરવામાં આવ્યા. લાલસિંહ જમ્મુના બ્રાહ્મણ હતા અને દગાફટકાની રાજનીતિથી વાકેફ હતા. ગુલાબ સિંહ અને બ્રિટિશ સરકારના માનીતા લાલસિંહે પંજાબના વડા પ્રધાન બનીને રાજનીતિની દૃષ્ટિએ બે માસ્ટર સ્ટ્રોક્સ માર્યા. પોતે જેના ખભા પર પગ મૂકીને આગળ વધ્યા હતા તે ગુલાબ સિંહ પર જાહેર આક્ષેપ કર્યો કે ગુલાબ સિંહે બ્રિટિશ સાથે મળીને શીખો સામે દગો કર્યો છે. બીજું, બ્રિટિશ-શીખ લડાઈમાં નુકસાનીપેટે બ્રિટિશોએ માગેલા દોઢ કરોડ રૂપિયા આપવાની લાલસિંહે ના પાડી દીધી.

લાલસિંહની આ ચાલબાજીથી માત થયા વિના ગુલાબ સિંહે બ્રિટિશને ૭૫ લાખ નાનકશાહી રૂપિયા આપીને જમ્મુ ઉપરાંતના ઘણા મોટા વિસ્તાર સુધી પોતાના રાજ્ય માટેના કાયમી હક્કો લઈ લીધા જેના સંરક્ષણની જવાબદારી બ્રિટિશની રહેતી હતી. અમૃતસર કરાર તરીકે જાણીતો થયેલો આ સોદો ભારતને આજે કેવી રીતે અને કઈ હદ સુધી મોંઘો પડી રહ્યો છે.

આજનો વિચાર

કામ તો સઘળા અહીં નીચે છે,

તો તું ત્યાં શું ઉપર કરે છે?

—કિરણસિંહ ચૌહાણ

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

12 COMMENTS

  1. આપનું અનેકવિધ તથ્યો માટેનું ચિંતન, મનન અને લેખન ખરેખર સહુ માટે અમૂલ્ય છે. હાર્દિક ધન્યવાદ ! 👏

  2. A very good morning and belated wishes for HOLI.please keep enlightening us more and more about our glorious,,beautiful and the heaven on the earth like Kashmir.I feel very much ashamed of not knowing the facts behind the malintentions of the past government of our country
    (CON……. GRESS).My earnest prayers to God Almighty for Modiji to live a lo….ng lilfe in which he can crate wonders by demolishing all the laws which can destroy our beautiful Bharat . Iwas working as al teacher in primary,govt aided school. I had taught my students about Jawaharlal Nehru that he was at the court of law ,when he got the news about the death of his beloved wife Kamalji. But yet,,he continued with the courtroom activities . I also felt proud about such a great leader we had in our country. But felt humiliated and ashamed for not knowing the fact,,that it was not Nehruji but Lal Bahadur Shastri((lI suppose I don’t recollect the name)if I m sering please correct me.pThis was in early eighties when we had this prescribed book of History.Now I am retired from my services Thank you once again for this particle on Kashmir.Now onwards atleast the teachers and students will be knowing the facts. I end up with my yesterday ‘s experience when lwas having tea@ a stall at lLshreenathdwara.One poor, beggar like boy came to me and asked for money I offered him to have tea and some food, He said no aunty,,lI want money not for food or tea,,but l strongly crave to see THE KASHMIR FILES.

  3. Good morning and a belated Holi wishes to you.Tank you so….Very much for enlightening us about the ins and outs of our glorious but unfortunte facts about *””KASHMIR**””one of the most beautiful state of our country..Do keep writing more and more and enlightening us .lThlank you so very much. Keep the spirit up

  4. ઇતિહાસ જણાવવા બદલ અભિનંદન આમજ લખતા રહેજો.

  5. Bapu, shun vaat karo chho. Janmojanam etli superb hati ke I became your fan. Frankly, ek vakhat puchhvu pan hatu tamne ke ae book kyan male. Pan trees varas pehlani novel nu naam yaad no aave, etle thyu ke tamen puchhi ne insult nathi karvu. Pan ene lidhe pehlivaar Kashmir vishe khabar padi. I am your big fan.

  6. કાશ્મીર ના આંટીઘૂંટી ભર્યા ઇતિહાસ થી અજાણ એવી આજની નવી અને જૂની પેઢીને (પણ)સરળ ભાષા માં સમજણ આપ જ આપી શકો. સૌરભ ભાઈ keep it up ફરીવાર નવી અને જૂની પેઢી તરફ થી ખુબ ખુબ આભાર

  7. આટલી સરળ ભાષામાં કાશ્મીરના આંટીઘુંટીભર્યા ઇતિહાસની છણાવટ કરવી તે ભાઇશ્રી સૌરભભાઇ સિવાય બીજા માટે બહુજ મુશ્કેલ છે.
    સૌરભભાઇ,
    આપના સંશોધન અને આપની કલમને ખુબ ખુબ આભાર સાથે ધન્યવાદ.

  8. એકજ મજબૂત પક્ષ ની રાષ્ટ્રવાદી સરકાર હોયતો શું કરી શકાય
    એ મોદી સરકાર દેખાડે છે.,
    એ ઉપકાર ગણી પ્રભુ નો હરખ હવે તું હિન્દુસ્તાન..
    નવી પેઢી ને વિકાસ માટે સમાન તક અને હકક મળે તે કરવા નું
    સપનું હજુ સાકાર કરવા નું છે..

  9. અદ્વિતીય સંકલન અને પરિસ્થિતિ મુજબ નિયમોના ઉલ્લંઘનના ઘટનાક્રમ વિષે ખૂબજ સરસ લેખ ;ક્યારે પૂરો થયો એની ખબર જ ના પડી .JKLF તથા શેખ અબ્દુલ્લાહ;મુફતી મોહમ્મદ નહેરુ ગાંધી ડાયનેસ્ટી વિષે વિસ્તારપૂર્વક વિગત આપશોજી. જય હિંદ 🕉🙏🕉🇮🇳

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here