એકલી મહત્વાકાંક્ષા નહીં ચાલે, કિલર ઈન્સ્ટિન્ક્‌ટ જોઈશે

લાઉડમાઉથ : સૌરભ શાહ

(‘સંદેશ’ , ’અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર,૧૧ માર્ચ ૨૦૨૦)

મહત્વાકાંક્ષા સૌ કોઈને હોય. કોઈને કોઈ વાતનાં સપનાં બધાંને હોવાનાં. ઍમ્બિશ્યસ બનવું જોઈએ એવું લોકો કહેતા હોય છે. ક્યારેક ઍમ્બિશ્યસ હોવું એ નેગૅટિવ રીતે પણ બોલાતું હોય છે. પણ અહીં જિંદગીનાં સપનાં પૂરાં કરવા માટે મહત્વાકાંક્ષી કે ઍમ્બિશ્યસ હોવાની વાત જ નથી કરવી.

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે તમને જગતમાં બેઉ એક્‌સ્ટ્રીમ્સના અભિપ્રાયો સાંભળવા મળશે. નેટફ્‌લિક્‌સ પર ટ્રમ્પ વિશે એક ડૉક્યુમેન્ટ્રી જોઈઃ ‘ટ્રમ્પઃ ઍન અમેરિકન ડ્રીમ.’ ટ્રમ્પના નેગૅટિવ શેડ્‌સને પ્રગટ કરવાના ઈરાદાથી બનાવવામાં આવી છે. ભલે. આપણે એમાંથી જે શીખવાનું છે તે શીખી લઈએ. ચાર હપ્તાની આ દસ્તાવેજી ફિલ્મમાં ડોનાલ્ડ ટ્રમ્પની યુવાનીના રિયલ ફૂટેજ ટીવી ઈન્ટરવ્યુ વગેરેમાંથી લીધેલા છે. ડોનાલ્ડ ટ્રમ્પના પિતા બિલ્ડર હતા, મકાનો બાંધતા. ડોનાલ્ડ ટ્રમ્પે યંગ એજમાં જ પિતાના વ્યવસાયને અપનાવી લીધો અને એનો અનેકગણો વિકાસ કર્યો. ન્યુયોર્કમાં મોટાં મોટાં ભવ્ય મકાનો બાંધ્યા, હોટેલો બાંધી, ઍટલાન્ટિક સિટીમાં કસિનો બાંધ્યા. ડૉક્યુમેન્ટ્રી ફિલ્મમાં ૨૯ વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પને એક ઈન્ટરવ્યુમાં એ મતલબનો પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે મહત્વાકાંક્ષી છો? ઍમ્બિશ્યસ છો? ટ્રમ્પને ઍમ્બિશ્યસ શબ્દ નથી ગમતો. એ કહે છે કે સફળ થવા માટે કોઈએ ઍમ્બિશ્યસ ન હોવું જોઈએ, એનામાં કિલર ઈન્સ્ટિન્ક્‌ટ હોવો જોઈએ. અને પછી ઉમેરે છેઃ કિલર ઈન્સ્ટિન્ક્‌ટનું એવું છે કે કાં તો એ તમારામાં હોય, કાં ન હોય.

૧૯૭૦નાં દાયકામાં ડોનાલ્ડ ટ્રમ્પે ૨૯ વર્ષની ઉંમરે આ વાત કહી. આપણે તો આજે સાંભળી. એમના પ્રેસિડેન્ટ બની ગયાની ટર્મ પૂરી થવા આવી ત્યારે. સફળતા પામવા વિશેના( અહીં ફરી એકવાર કહેવાનું કે સફળતા એટલે મેગા સફળતા) ખ્યાલોમાં કેટલાક પાયાના ફેરફારો કરવા પડે એવી આ વાત છે. કિલર ઈન્સ્ટિન્ક્‌ટ. આને ગુજરાતીમાં શું કહીશું? કોઈ પણ ભોગે સફળતા મેળવવી કે જીદ, મક્કમતા વગેરેમાં કિલર ઈન્સ્ટિન્ક્‌ટનો ૧૦૦% ભાવ નથી આવતો. કિલર ઈન્સ્ટિન્ક્‌ટ કંઈ એક માત્ર ઈન્ગ્રેડિયન્ટ નથી સફળતા મેળવવા માટે. એકલા કિલર ઈસ્ટિક્‌ટથી કંઈ તમે બહુ આગળ ન વધી શકો. ઘણા મિડિયોકર લોકોને તમે જુઓ છો – સાવ છીછરા અને એવરેજ ટેલેન્ટ હોય પણ કિલર ઈન્સ્ટિન્ક્‌ટ ‘ગલી બોય’ના રણવીર સિંહ જેવી હોય એટલે એ સડકછાપ લોકો ધક્કામુક્કી કરીને સફળ થઈ જાય. ઠીક છે. આપણે એવી સફળતાની વાત નથી કરતા, મેગા સફળતાની વાત કરીએ છીએ.

તમારી પાસે મેગા સફળતા પામવાના બધા જ ઈન્ગ્રેડિયન્ટ્‌સ હોય( મહેનત, ટેલન્ટ, સાતત્ય વગેરે) પણ જો કિલર ઈન્સ્ટિન્ક્‌ટ ન હોય તો, તો તમે એવરેજ સફળતા પામીને ત્યાંના ત્યાં જ અટકી જાઓ છો. આની સામે તમારી પાસે થોડીક બદમાશી, તદ્દન મામૂલી ટેલન્ટ હોય અને એમાં કિલર ઈન્સ્ટિન્ક્‌ટ ઉમેરાય તો પણ તમે એવરેજ સફળતા પામી જ શકો છો.

પણ જ્યારે મેગા સફળતા પામવાના તમામ સાત્વિક ગુણોમાં કિલર ઈન્સ્ટિન્ક્‌ટ નામનો વ્યવહારુ ગુણ ઉમેરાય છે ત્યારે તમે વિશ્વ પ્રસિદ્ધ બનો છો – ડોનાલ્ડ ટ્રમ્પની જેમ, સચિન તેન્ડુલકરની જેમ, અંબાણીની જેમ, માઈકલ જેક્‌સન અને લતા મંગેશકરની જેમ, અલ પચીનો અને અમિતાભ બચનની જેમ. મેગા સફળતા મેળવનારા આ સૌ કોઈનામાં કિલર ઈન્સ્ટિન્ક્‌ટનો ગુણ ઠાંસી ઠાંસીને ભરેલો દેખાશે.

આ કિલર ઈન્સ્ટિન્ક્‌ટ એટલે શું? મારે જે અચીવ કરવું છે તે હું કોઈ પણ ભોગે મેળવીને રહીશ એનો મતલબ શું થાય?

પહેલી વાત તો એ કે હું જે ભોગ લઈશ એમાં સૌથી પહેલો ભોગ મારો લેવાશે એની તૈયારી રાખવાની. મારે પંચેન્દ્રિયો પર કાબૂ મેળવવો પડશે. મારી ભૂખ-તરસ અને મારી ઐયાશીઓ પર કાબૂ રાખવો પડશે. અન્યથા હું સફળતાના કોઈક નાના શિખરે પહોંચીને ત્યાંથી સીધો ખીણમાં ધકેલાઈ જઈશ. અનુકૂળતા-સાધનસગવડો તથા ઈચ્છા-તાકાત બધું હોવા છતાં મારે મારી પાંચેય ઈન્દ્રિયો પર કાબૂ રાખીને જિતેન્દ્રીય બનવાનું છે.                                     

બીજો ભોગ લેવાશે મારા મનની શાંતિનો. આવી શાંતિ જોઈતી હોય તો હિમાલય ભેગા થઈ જવાનું. મન ચોવીસે કલાક હજારો બાબતોમાં અટવાયેલું હશે. દર કલાકે નવા નવા પ્રશ્નો આવશે જેના ઉકેલો લાવતાં જ રહેવાનું છે. પ્રશ્નો કે સમસ્યાઓ કે વિઘ્નો વિનાની જિંદગીથી દૂર જવાનું વિચારશો તો તમારામાં ક્યારેય કિલર ઈન્સ્ટિન્ક્‌ટ આવવાનો નથી. આ કામ ના કેમ થાય – એવા વિચારમાંથી કિલર ઈન્સ્ટિન્ક્‌ટ જન્મે છે.

ત્રીજો ભોગ લેવાવાનો છે તમારી પર્સનલ લાઈફનો જેમાં ફૅમિલી લાઈફ આવી ગઈ. જો તમે એકાંતપ્રેમી હો તો જંગલમાં પર્ણ કુટિર બાંધીને તમારા પોતાના મનોવિશ્વમાં રાચતા રહો. એવા લોકોની પણ જરૂર છે આ દુનિયાને. પણ કિલર ઈન્સ્ટિન્ક્‌ટ ધરાવતા લોકોએ પોતાની તાકાતમાં પોતાના વર્તુળમાં હોય એવા ડઝનબંધ લોકોની તાકાતને જોડવાની હોય છે અને આ ડઝનબંધ લોકો સાથે સંકળાયેલા બીજા સેંકડો-હજારો લોકોની તાકાતને ઈન્ડાયરેક્‌ટલી પોતાની તાકાત સાથે જોડવાની છે. એકલા હશો તો તમારી તલવારથી તમે કેટલું વિશ્વ જીતી શકવાના છો. હજારોના સૈન્યનું પીઠબળ હશે તો બીજા લાખો લોકો તમારી હા માં હા પુરાવતા થઈ જશે, જેમાં તમારા દુશ્મનો પણ હશે – એ લોકો પણ પોતાનાં હથિયાર હેઠાં મુકીને પોતાનો જીવ કે પછી પોતાનો વેસ્ટેડ ઈન્ટરેસ્ટ બચાવવા તમારા સમર્થક થઈ જશે.

કિલર ઈન્સ્ટિન્ક્‌ટમાં અર્જુનને દેખાતી માત્ર પંખીની આંખ સામેલ હોય છે. તમારા ધ્યેય સુધી પહોચતાં રસ્તામાં બીજી અનેક લાલચો આવશે જ્યાં ફંટાઈ જવાનું મન થવાનું છે. કિલર ઈન્સ્ટિન્ક્‌ટ ધરાવનારાઓને ખબર છે કે માર્ગમાં આવતા માઈલસ્ટોન્સ કંઈ અલ્ટીમેટ ગોલ નથી. ત્યાં બહુ બહુ તો થોડો વિસામો લેવાનો હોય, તંબુ તાણીને રહેવાનું શરૂ કરવાનું ન હોય.

કિલર ઈન્સ્ટિન્ક્‌ટ જેનામાં હોય છે એમની પાસે જીવનનાં નાનાં નાનાં લક્ષ્યો નથી હોતાં – એક વિશાળ લક્ષ્ય હોય છે. એ વિશાળ લક્ષ્ય સિદ્ધ કરીને હું ખુબ પૈસા કમાઈશ, સમૃદ્ધિમાં આળોટીશ અને એશોઆરામની જિંદગી જીવીશ એવાં સપનાં તેઓ નથી જોતા. એમને ખબર છે કે આ સમૃદ્ધિ-સગવડો વગેરે તો લક્ષ્યસિદ્ધિની આડપેદાશો હશે. આ બધી આડપેદાશો કદાચ ન પણ મળે અને જો મળી તો એમાં ડૂબીને પોતાનું કામ છોડી દેવાનું નથી, ઊલટાનું લક્ષ્યને વધુને વધુ ઊંચું લઈ જઈને બમણી મહેનત કરવાની છે.

કિલર ઈન્સ્ટિન્ક્‌ટ એ જ લોકોમાં હોઈ શકે જેઓ ભગવદ્‌ ગીતાના આ શ્લોકાર્ધને જીવનના અર્લી સ્ટેજમાં ઘોળીને પી ગયા હોય, જેમની રગેરગમાં મેગા સફળતા મળ્યા પછી પણ આ ભાવના દોડતી હોયઃ કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન.

ડોનાલ્ડ ટ્રમ્પને ૨૯ વર્ષની ઉંમરે તો શું અત્યારની ૭૩ વર્ષની વયે પણ ભગવદ્‌ ગીતા તો વાંચી જ નહીં હોય. પણ આ શ્લોકાર્ધનો ભાવ એમની રગેરગમાં દોડે છે. સચિન તેન્ડુલકર, બચ્ચનજી, લતાજી, અંબાણી બધાની રગેરગમાં દોડે છે. તમારી પણ રગેરગમાં દોડતો હશે તો આવો લેખ ફરી ક્યારેક લખાશે ત્યારે એમાં તમારું પણ નામ હશે.

સાયલન્સ પ્લીઝ!

બીજાઓની કલ્પના તમને કુંઠિત કરી ના નાખે એનું ધ્યાન રાખજો. તમારી કલ્પના બીજાઓને કુંઠિત કરી ના નાખે એનું ધ્યાન રાખજો.

—મે.સી.જેમિસન

(અમેરિકાની પ્રથમ બ્લૅક અવકાશયાત્રી. જન્મઃ ૧૯૫૬.)

3 COMMENTS

  1. 100 % મને ખુબજ પ્રેરણા મળી. મને લાગે છે મારા જીવનમાં ખૂટતી બાબત આપશ્રી એ પુરી પડી છે.
    ધન્યવાદ.

  2. Sacrifice and control … Well explained sir. I will go one step further, with even mediocre talent I have seen people being successful sheerly due to their killer instinct

  3. અપૂર્વ કરણ =પોતાની કમજોરી ઓળખી કાંઈ ક અનોખુ કરવું. સરસ બહુજ સરસ ? ? ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here